21
'મોટા અનાદિમુક્તના આશીર્વાદ મળ્યા પછી તે અંદર જીરવતાં શીખવું તો સુખ આવે. એ દિવ્ય સ્થિતિ થાય ત્યારે એનામાં રહીને મહારાજ બોલે, એ વાત જુદી છે. એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી આપણે થોડું બોલવું. ઉન્મત થઈ જવું નહિ. ઉન્મતતા નહિ આવવી જોઈએ, નહિતર ઉન્મત થઈ જાય. કોઈકને- અરે જા-જા તારામાં શું માલ છે? હું તો અનાદિમુક્ત છું. એવું બધું નહિ બોલવાનું.
એમ કહેવું કે મહારાજના સુખમાં પહોંચેલા મહામુક્તોએ મને આશીર્વાદ આપી કહ્યું છે કે તને મહારાજની મૂર્તિમાં રાખ્યો છે. અનાદિમુક્ત છું એનું સતત મનન કરીને હું સુખિયો રહું છું એમ કહેવું, પણ જા-જા તું તો આવો છે તેવો છે એમ ન કહેવું. કારણ કે એને એવી ગતિ નથી. ખબર નથી. તે આપણને જોઈને કહી ન શકે કે મહારાજે આપણને આવી સ્થિતિમાં રાખ્યા છે.
લોકો પર્વતભાઈ જેવા મહા અનાદિમુક્તને પણ નહોતા ઓળખી શક્યા. એક વાર સચ્ચિદાનંદ સ્વામીએ પૂછયું કે પર્વતભાઈ ક્યાં છે તો ગામના માણસ કહે, "જો ઓલો લોટો લઈને જાય છે એ સ્વામિનારાયણનો પર્વતભાઈ છે." એવું બોલે. મુક્ત તો દાસાનુદાસ હોય. પર્વતભાઈને એવું કહે એટલે પર્વતભાઈ હસે. પર્વતભાઈ કહે કે, "એને ઓળખવાની ગતિ ન હોય એટલે શું કરે? એટલે એના અજ્ઞાન સામે મુક્ત હસે છે. માટે એવા અજ્ઞાનીનો તિરસ્કાર ન કરવો, રાજી થવું."
(એક હરિભક્ત કોઈક ભાઈને મામા પાસે લાવેલા તેમણે ખોટી યોગવિદ્યા અપનાવેલી અને મલિન તંત્રવિદ્યામાં પણ પડેલા. એને મામા સાચી સમજણ આપે છે. અને એક યોગીની વાત તેમને કહે છે.)
એમને મેં કહ્યું કે જો તમને યોગનો અભ્યાસ હોય તો હું તમને પૂછું એનો જવાબ આપો. ત્યારે તે યોગી કહે, "હું ઘણા વર્ષોથી યોગસાધના કરું છું, પણ મને અંતરમાં શાંતિ થતી નથી તો એનું શું કારણ હશે?" પછી મેં કહ્યું તમે જે યોગસાધના કરો છો એ યોગસાધના હું નથી કરતો. તો તે કહે, "તમે કઈ યોગસાધના કરો છો?" મેં કહ્યું હું તો સાવ સહેલી સાધના કરું છું. તો તે કહે, "શું છે તે સાધના?" મેં કહ્યું, હું એમ સમજું છું કે યોગ એટલે જોડાવું. ભગવાનના સ્વરૂપમાં જોડાવું. એ સંપૂર્ણપણે જોડાઈ શકાય ત્યારે યોગસાધના પૂરી થઈ કહેવાય. તમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા સમાધિ એમ આઠ અષ્ટાંગ યોગના સાધનો કરી અને આગળ વધવાનું કરો છો એમાં તમે કેવી રીતે ભગવાનમાં જોડાઈ શકો? યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરેનો સાચો અર્થ પણ તમને આવડતો નથી. એ સાધન શું કહેવાય, યમ શું કહેવાય, આસન શું કહેવાય, પ્રાણાયામ શું કહેવાય, ધ્યાન-ધારણા-સમાધિ શું કહેવાય? તમે તો જડતાપૂર્વક આ આઠેય વાતો કરો છો તો ભગવાનનું ધ્યાન ક્યાંથી થાય? મેં ભગવાનના કલ્યાણકારી ગુણો ગણાવ્યા એમાંથી કયો ગુણ વિશિષ્ટ રીતે તમારામાં કોઈ આવ્યો? તો કહે, "ના." ત્યારે મેં કહ્યું તમે યાંત્રિક રીતે યોગ સાધો છો. એ સાધનામાં ક્યાંથી મઝા આવે?
હું તો આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરું છું. એ મૂર્તિમાં જોડાવ છું, એ યોગ. એટલે આપોઆપ જ યોગ સધાય જાય બરોબર? પછી કહે, "એમ?" મેં કહ્યું, હા એમ. તમે ય જોડાવ જો તમને મારી વાત ગળે ઊતરે તો. હું તો આમ કરું છું. એ યોગે કરીને યમ, નિયમ, આસન વગેરે બધું ય આવી જાય. ખરો પ્રાણાયામ કોને કહેવાય એ તમને ક્યાં ખબર છે? તમે તો નાક ઊંચું કરો, નીચું કરો ને ઊભા રહો એ તો દેહબુદ્ધિનો પ્રાણાયામ થયો કહેવાય. એ પ્રાણાયામ નહિ, પણ પ્રાણ ખેંચાઈને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય એ પ્રાણાયામ છે. આ તમને ખરું કહું છું. તમે શેમાં જોડાશો એ તો કહો? તમારે જોડાવાની વસ્તુ ખરી? યોગ એટલે જોડાવું. જોડાઈ જવું પડે. તમે શેમાં જોડાશો? તમે શેમાંય જોડાતા નથી ને આખો દિવસ આ ધમાલ કરો છો. એમાં શાંતિ ક્યાંથી થાય? મારું કહેવું કરો તો શાંતિ થાય. તમને એ ગળે ઊતરે તો કરો ન ઊતરે તો ન કરો. એમ યોગસાધના આ છે. અને તમે કરો છો એ યોગસાધના સાવ ખોટી છે. એ પહેલા છોડી મુકવી બરોબર? તમે યોગસાધના કરો છો અને કહો છો કે આનું સોલ્યુશન આપો. તો ભગવાનની મૂર્તિમાં જોડાવાનું કરો બરોબર? આમ કરો તો મેલીવિદ્યા બધી વહી જાય. નહિતર કેવી રીતે જાય?
એક દૂબળો હોય અને એક જાડો હોય તો જાડો દૂબળાને પકડીને મારે તો છૂટી શકે એકદમ? બળ ન હોય તો શી રીતે છૂટે? એમ મેલીવિદ્યાવાળા તાંત્રિકો એ અસુરી તત્ત્વો છે. કારણ કે તંત્ર વિદ્યા બે કામ કરે છે. એક નાશક તરીકે વર્તે છે અને એક સર્જક તરીકે પણ વર્તે છે. ભગવાન સ્વામિનારાયણની તંત્રવિદ્યા સર્જન કરે છે. જ્યારે આ તંત્રવિદ્યા મલિન તંત્રવિદ્યા છે. એ નાશક તરીકે કામ કરે છે. બધાયને હેરાન કરે ને એનો ધંધો જ હેરાન કરવાનો. અને એને વળગી રહે તો એ એનું થોડું થોડું ભૌતિક કામ કરી આપે. એ કામ તો ક્ષણભંગુર છે. એ ક્યાં સુધી ટકવાનું? એનું આપણે શું કામ હોય? ખરો તાંત્રિક એ જ કે જે ભગવાનની તંત્રવિદ્યા શીખવે. અને એ તંત્રવિદ્યાથી સર્વ સુખ થાય.
પછી મેં એને સમજણ પાડી કે જો હું સમજાવું છું એ સાચી તંત્રવિદ્યા છે. આ બધી તંત્રવિદ્યા મલિન છે. જો એના સંસર્ગમાં આવે તો હેરાન થવાય. હવે શું થાય? ખાડો હોય તેમાં ભૂલથી પણ પગ પડી જાય તો મચકોડાઈ જાય તો આમ-આમ (લંગડા) ચાલવું પડે ને? જ્યાં સુધી એવું થાય, ત્યાં સુધી હેરાન થવું પડે. જો તમે મલિન તંત્રવિદ્યામાંથી છૂટો નહિ, ત્યાં સુધી શિક્ષા તો ભોગવવી પડે કે નહિ? આનંદથી ભોગવી લેવી, પણ બળ રાખવું કે આપણે એ વિદ્યા છોડી મૂકવી છે. આટલું સમજવું જોઈએ. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. અને ધ્યાન કરતાં હોય તો એ તંત્રવિદ્યા આડી આવે ને તો એને ઉડાડી મૂકવી જોઈએ. એટલે ધીમે- ધીમે એ વિદ્યા ફોક થઈ જાય. પછી પગે લાગીને ભાગી જશે તમને કે ભાઈ, હવે હું જાઉં છું. છોડ મને. પણ એ ઝટ જાય નહિ. એ તો બળે અને એને ભગવાનનો તાપ લાગે. જો ભગવાનનું બળ હોય તો ભાગી જ જાય ઊભી જ ન રહે. એમ તમે મહારાજનું બળ રાખશો? એમ જે રીતે યોગવિદ્યા શીખી હોય એ બધું ભૂલી જાવ. એ બધું જ ભૂલી જાવ. એક હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે, "મને સાક્ષાત્કાર કરાવો." તો કહે, "જેટલું ભણ્યો છે ને જેટલું જાણે છે, એ બધું પહેલા ભૂલી જા. પછી મારી પાસે આવજે. ત્યાર પછી ભગવાનનો સાક્ષાત્કાર કરાવીશ. તું જેટલું જાણે છે તે બધું ભૂલી જા. કારણ કે તું જેટલું જાણે છે એ બધું અજ્ઞાન છે." એ અજ્ઞાન સ્વામી પાસે શું કામનું?
એમ તમે જે યોગવિદ્યા જાણો છો એ પહેલા ભૂલી જાઓ. એ જાણે છે જ નહિ. અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરો. કરશોને? ચોક્કસ? તો મહારાજ બધું સારું કરશે. ભલે ત્યારે,
જય શ્રી સ્વામિનારાયણ....
સારાંશ
અનાદિમુક્તમાં રહી મહારાજ આશીર્વાદ આપે છે. મૂર્તિમાં રાખ્યાના તેમના આશીર્વાદ મળતા તે જીરવતાં શીખવું.
ભગવાનનું ધ્યાન કરવું એ ખરો યોગ છે. પ્રાણ ખેંચાઈને મૂર્તિમાં જોડાઈ જાય એ ખરો પ્રાણાયામ. ભગવાન સ્વામિનારાયણની તંત્રવિદ્યા સર્જન કરે છે. એક એમનામાં વિશ્વાસ રાખી ધ્યાન કરવાથી પછી કોઈ મલિન વિદ્યા હેરાન કરવા સમર્થ નથી રહેતી.
અજ્ઞાની પ્રત્યે તિરસ્કાર ન રાખવો.