24

0:000:00

અનાદિમુક્ત આપણા ઉપર કૃપા વરસાવે છે. આપણે એ જોઈ શકીએ નહિ, પણ જો જોઈ શકીએ તો ખબર પડે કે એ સુખમાં રહ્યા થકા આપણા ઉપર કેવી પ્રસન્નતા વેરે છે. એ પ્રસન્નતા વેરે છે એ પણ શ્રીજીમહારાજની ઇચ્છા છે. શ્રીજીમહારાજની ઇચ્છાથી અનાદિમુક્તો પ્રસન્નતા વરસાવે છે. છેવટે સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ કર્તા રહે છે. પરંતુ એમની જે પ્રસન્નતા, એમની જે કૃપા તે એમના મહાઅનાદિમુક્તો દ્વારા જ હંમેશાં મળે છે. પ્રસન્નતા સીધી મળતી નથી. કૃપા સીધી મળતી નથી. અનાદિમુક્તનો કે એવા મોટા સત્પુરુષનો જોગ હંમેશાં કરતાં રહેવો જોઈએ. અને મહારાજ અને મુક્તો સદાય પ્રત્યક્ષ જ છે. જતા-આવતા નથી. પ્રત્યક્ષ હોય ત્યારે બોલે, જમે, સેવા અંગીકાર કરે અને સાથે સાથે વાતો કરી અને સુખ આપે એ પ્રત્યક્ષપણાનો વિશેષ છે. જ્યારે એ મુક્તો બિરાજતા હોય, ત્યારે આપણે અમુક સમય કાઢીને પણ એ જોગ કરવો જોઈએ. અને હું જોઈ શકું છું કે આ દિવ્ય સભામાં બેઠેલા મુક્તો એ લાભ કદીય ચૂક્યા નથી અને ચૂકતા નથી. એટલે આપણે બધા છતી દેહે જ એ સુખમાં છીએ છતાં પણ બાધિતાનુવૃત્તિને લીધે ભગવાન જણાવા દેતા નથી. અંત વખત સુધી આપણને એ પાત્ર કર્યા કરશે. જેટલા થઈ શકે એટલા પાત્ર કરશે અને અંત વખતે એ પૂરું કરી દેશે પોતાના દિવ્ય પ્રભાવથી. પોતાના દર્શનથી આપણો ચૈતન્ય એકદમ એમના જેટલો નિર્મળ બની જાય છે અને દિવ્ય સાકાર રૂપ ધારણ કરીને મૂર્તિમાં વિલીન થઈ જાય છે. આ કૃપા કેટલી બધી કહેવાય?

આ બાપાશ્રીની સાર્ધ-શતાબ્દીનું વર્ષ છે. આ વર્ષમાં બાપાશ્રી તેમજ શ્રીજીમહારાજની એટલી બધી અગાધ કૃપા હતી કે એનું વર્ણન થઈ શકે નહિ. એ પ્રસન્નતા જુદી જુદી રીતે દેખાય. એ પ્રસન્નતા આપણને સંકલ્પ પણ કરાવે અને સંકલ્પ રહિત પણ પાછા કરી દે. આખા વિશ્વમાં અત્યારે જે જે જીવોના દેહો પડશે તે બધાનું કલ્યાણ થવાનું નિશ્ચિત છે. આ વર્ષે એકેએક પળે શ્રીજીમહારાજ પોતાના મુક્ત એવા અબજીબાપાશ્રી ઉપરની પ્રસન્નતા બતાવવાને માટે ઝરમર ઝરમર કૃપાવર્ષા આખા વિશ્વ ઉપર કર્યા કરે છે. અને એની અસર બધા જીવોને છેવટની ઘડીએ જરૂર દેખાશે. કેટલાય પ્રશ્નો ઊભા થતા હોય તમને. મને તો એ બધા જ પ્રશ્નો solve થઈ ગયા છે. તમને સંકલ્પ થાય કે આમ કેમ થતું હશે એવું મને જરાય થતું નથી. કારણ કે હું જાણું છું કે પ્રશ્નનો જવાબ શું છે, મહારાજની કળા કેવી અકળિત છે, કઈ રીતે કામ કરે છે- મૂક સ્વરૂપે એ હું જાણું છું. તેની પરભાવની વાણી તો ત્યારે જ સંભળાય કે આપણે છતી દેહે પાત્ર થઈ જઈએ તો. પાત્ર થવા માટે બધાય સાધન સરળ રીતે બતાવ્યા છે.

બાપા એમ કહેતા કે ડુંગરો જો ઉથામવો હોય અને મોટો મહોત્સવ કરવાની તૈયારી કરવી હોય તો બધા ધડાધડ તૈયાર થઈ જાય એકદમ. ઉમંગ સહિત. મૂર્તિની સ્મૃતિ ભૂલી જાય. પણ જો હમણાં એમ કહીએ કે ભગવાનનું ધ્યાન તમારે કરવું, તો અટકી પડે છે. તેથી મહારાજે પહેલા જ વચનામૃતમાં કહ્યું કે અખંડ સ્મૃતિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી. પણ ભગવાનની કૃપાથી એ સહેલું પણ થઈ જાય. એક સમજણ એટલી જ કેળવવાની કે આપણી બધી ક્રિયા કરતાં કરતાં એટલું અનુસંધાન રાખવું કે આ મહારાજ કરે છે, જમે છે મહારાજ, ચાલે છે મહારાજ, નોકરી મહારાજ કરે છે, સેવા મહારાજ કરે છે. ભલે એ વખતે મૂર્તિ આપણને દેખાય કે ન દેખાય.

જે કાંઈ સુખ-દુઃખ, હાણ-વૃદ્ધિ કરે છે તે એ જ કરે છે. જો એ જ કરતા હોય, તો શોક કરવાનું કોઈ કારણ ખરું? આપણું પ્રારબ્ધ શ્રીજીમહારાજ. પ્રારબ્ધનો અર્થ એ કે એની ઇચ્છા પ્રમાણે જ થાય. જો આપણે એમને આપણું પ્રારબ્ધ ગણતા હોઈએ તો એની ઇચ્છા ખરી કે નહિ? તો પછી શોક શા માટે? છતાં ય થાય. અવરભાવની રીતે એવા મુક્તો અદૃશ્ય થઈ જાય તો દુઃખ તો થાયને? અવરભાવમાં હોય તો સુખ આપે, મહારાજની વાતો કરે, આપણી સાથે રહીને ભગવાન ભજે-ભજાવે. આ બધું થાય એ તો સ્વાભાવિક છે. એવી રીતે આઘાત તો લાગે. આ બધા મુક્તો ધામમાં ગયા ત્યારે મને એમનાથી જરાય ઓછો આઘાત નથી લાગ્યો- અવરભાવની દૃષ્ટિએ. અને પરભાવ સામે જોઈએ તો આનંદનો પાર નહિ. કારણ કે, તેઓ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરતા હોય. ત્યાં આ શોક ક્યાંથી રહે? જ્યારે અવરભાવ સામું દૃષ્ટિ કરીએ, ત્યારે આઘાત લાગે. પરભાવની દૃષ્ટિએ જોઈએ ત્યારે આઘાત જેવું કંઈ રહે નહિ, આનંદ જ રહે. બધા આનંદમાં કિલ્લોલ કરતા હોય તેમને ખબરે ય ન પડે કે મારો દેહ પડ્યો કે નહિ.

અહીં બેઠેલા બધા મુક્તોને જ્ઞાનની સમજણ તો બરાબર લક્ષ્યાર્થ દૃઢ થઈ ગઈને? એટલે એટલું તો રહે જ કે મહારાજ જ બધું કરે છે. હાણ-વૃદ્ધિ થાય તો યે મહારાજ કરે છે. તેની પાછળેય હેતુ હોય છે. કોઈ દિવસ એમ ન માનવું કે મારા કર્મોને લીધે આ હાણ થાય છે. આપણા ઉપર કાળ, કર્મ, માયાનો અધિકાર જ નથી. તો પછી એનાથી હાણ-વૃદ્ધિ થવાનો સવાલ ક્યાં રહે? આટલું સમજાય તો ખરો દિવ્ય ભાવ મહારાજના મુક્તને વિશે સમજાયો કહેવાય. અને મહારાજને પ્રારબ્ધ ત્યારે જ જાણ્યા કહેવાય. કંઈ સંકલ્પ થાય ને એ સંકલ્પ એ મનુષ્યભાવ. એ નુકસાન કરે. ત્યારે કોઈ દિવસ એમ ન કહેવું કે આવું કેમ થયું? કેમ થયું એમ કેમ બોલાય? શ્રીજીમહારાજ આપણા પ્રારબ્ધ થયા પછી બોલીએ તો ગુનેગાર નહિ? કદી ય ગુનેગાર ન થવું. હાણ-વૃદ્ધિ તો એની ઇચ્છાથી થાય છે. મહારાજની અકળિત કળાનો કોઈ પાર ન પામે. હાણ થઈ થઈને દેહ પડી જાય. બીજું શું પડી જવાનું હતું. આપણે ઘરડા થઈને હેરાન થઈને ધામમાં જઈએ એના કરતાં આ તો જલદી મહારાજ આપણને લઈને જતા રહે.

અને એક કહું. એક રહસ્ય. કે દિવ્ય સ્થિતિવાળા ભગવાનના મુક્તો હોય એને ખબર પડે છે મહારાજ શું કરે છે. મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે "મહારાજ! તમારો કોઈ મુક્ત પર્વત ઉપરથી પડે કે કોઈ સળગીને ધામમાં જાય, કોઈ કચડાઈને ધામમાં જાય એ બિચારાને કેટલું દુઃખ થતું હશે? મહારાજ! તમને દયા નથી આવતી? આવું કેમ કરો છો? તમે તો દયાળુ છો." પછી મહારાજ હસ્યા કે "તું મને કેવો સમજે છે?" તો કહે, "કરુણાસાગર." મહારાજ કહે, "તો પછી મને ખબર નહિ હોય?" "પણ મહારાજ તમે કંઈ કહો તો ખબર પડેને!" ત્યારે મહારાજ કહે, "જુઓ, એવી પરિસ્થિતિ સજાર્ય ત્યારે મારો આશ્રિત ખરેખર હોય, મારી પ્રસન્નતા મેળવી હોય, મારા મુક્તના રાજીપામાં આવી ગયા હોય તો એવા ભક્તને હું એવી રીતે સંભાળું છું કે એને દેહથી જુદા કરી દઉં છું. તરત જ. ઘા પડ્યા પહેલાં. એટલે જેમ શબ ઉપર ગમે તેટલા લાકડાં ખડકે તો દુઃખ ન થાય એમ એને દેહથી જુદા પડ્યા પછી દુઃખ રહ્યું ખરું? જરાય દુઃખ રહેતું નથી. તે ખૂબી છે." મહારાજ એને દેહમાંથી ખેંચી લે છે. પછી દેહ સાથે ધમાલ કરે તો શું વળે? જેમ પેલા સંતને વૈરાગીએ લાકડાથી માર્યા તો લાકડી તૂટી ગઈ તો સંતે લાકડીનો ખરખરો કર્યો કે ભાઈસાહેબ! માફ કરજો તમારી લાકડી તૂટી ગઈ. બોલો! પછી એ સંતને પૂછયું કે તમને વાગ્યું નહિ? ત્યારે કહે મને કંઈ વાગ્યું નથી, પણ મહારાજને સોળ ઉઠી ગયા. મહારાજે એ લાકડીના ઘા ઝીલી લીધા! પૂર્ણ પુરુષોત્તમને તો શું વાગવાનું હતું? પણ દેખાડ્યું કે અમારે અમારા મુક્ત સાથે આત્મબુદ્ધિ કેટલી છે.

ભગવાનના કોઈ પણ ભક્તનો અકસ્માતથી કે એવી રીતે દેહ પડે, આપણા કુટુંબમાં કે બીજાનો તો કોઈ દિવસ સંકલ્પ ન કરવો કે આમ કેમ થયું હશે. એવો સંકલ્પ થાય તો એ મનુષ્યભાવ કહેવાય. દિવ્યભાવમાં એટલી ખામી. એટલી આપણી સમજણ ખોટી. મહારાજને પ્રારબ્ધ જાણ્યા પછી કેમ એવો સંકલ્પ થાય? તો કેટલું સરસ ભવ્ય મૃત્યુ! કોઈ પણ જાતની ઈજા વગર પોતાની મૂર્તિના સુખમાં કિલ્લોલ કરાવી દે એ થોડી વાત? પણ જો આપણે વૃદ્ધ થઈને મરીએ તો આપણે હેરાન થઈ પડીએ. માંદા પડે, રોગની દવા કરે, આ કરે, હેરાન થાય. તો આ તો ભવ્ય મૃત્યુ કહેવાય. કંઈ ઈજાય ન થાય, વાગે નહિ, લાગે નહિ, કંઈ નહિ અને મહારાજ પોતાના સ્વરૂપમાં દિવ્ય સાકાર બનાવીને ખેંચી લે એ કંઈ થોડી વાત? એ તો મોટામાં મોટો રાજીપો. તેમાં જ બોલ્યા ને કે પર્વત ઉપરથી પડે, ગમે તેમ કરે, પણ મારા ભક્તનું અકલ્યાણ કદી થતું નથી. કલ્યાણ જ થાય છે. કલ્યાણ શું? તો પોતાના સ્વરૂપમાં રાખી દે એનું નામ કલ્યાણ.

આપણે દરેક ક્રિયા કરતાં કરતાં મહારાજ કરે છે એવો ભાવ જીવમાં બેસાડી દેવો. અને કોઈવાર આવા અકસ્માતના કે અકાળ મૃત્યુના પ્રસંગો બને તો સંકલ્પ પણ ન કરવો. જ્યારે અવરભાવની દૃષ્ટિએ જોઈએ તો આઘાતનો પાર નહિ એવું લાગે. કારણ કે આ લોકમાં તો ખોટ પડી જાયને? પણ એટલું હંમેશા સમજવું કે આ રીતે ખોટ પડી જાય તે ભગવાન ગમે તે રીતે, કોઈ ને કોઈ પ્રકારે એ ખોટ આપણને થોડા સમયમાં પૂરી કરી દે. આ જોજો. Mark કરજો. ધીમે ધીમે એવું ઊભું કરે કે બધું સરસ થવા માંડે. અને જે ખોટ હોય તેના લીધે જે થવાનું હોય તે સરસ રીતે થાય એવું સર્જન કરી મૂકે. આવી વિધિમાં થોડો સમય લાગે. ત્યાં સુધી આપણને ભજન કરાવે, પાછી વૃત્તિ કરાવે એવું બધું જ કરાવે. કરાવેને? એના દંડનો અર્થ જ એ છે કે કેમ પોતા તરફ ખેંચી રાખવો. એટલે થોડી તકલીફ આપે. આપણે એમને ભૂલી જઈએ કે તરત જ પાછા વાળવા માટે તકલીફ ઊભી કરે. પછી આપણે કહીએ કે હે મહારાજ! દયા કરો! એમ સંભારીએ ખરા. એમ મહારાજને ભૂલી જઈએ ત્યારે મહારાજ આપણને નાની તકલીફરૂપ પ્રસાદી આપે. એ તકલીફ પ્રસાદી કહેવાય. બીજા લોકના જીવો જેવી તકલીફ નહિ.


સારાંશ

મહારાજની પ્રસન્નતા-કૃપાવર્ષા હંમેશાં એમના અનાદિમુક્ત દ્વારા જ આપણને મળે છે. અનાદિમુક્ત બિરાજતા હોય ત્યારે સમય કાઢી અવશ્ય જોગ કરી લેવો. તેમના આશીર્વાદ ભલે અત્યારે ન જણાય અંતે જણાશે.

મોટા અનાદિમુક્તના દિનોની ઉજવણીમાં મહારાજ રાજી થઈ મૂર્તિના સુખના આશીર્વાદ વરસાવે છે.

મૂર્તિ દેખાય કે ન દેખાય દરેક ક્રિયા મહારાજ કરે છે એવું અનુસંધાન રાખવું. આપણું પ્રારબ્ધ એવા મહારાજને જાણ્યા પછી કોઈ વાતનો શોક ન કરવો.

મહારાજના ને મુક્તના રાજીપામાં આવેલાનું અકસ્માતે મૃત્યુ થાય, ત્યારે એને દુઃખ પડે એ પહેલાં જ મહારાજ એના ચૈતન્યને ખેંચી લે છે. માટે આમ કેમ દેહ પડ્યો એવા સંકલ્પ કરવા નહિ. સંકલ્પ થાય તો શ્રદ્ધામાં ખામી કહેવાય. આપણને જે કાંઈ તકલીફ આવે છે, તે આપણે મહારાજ તરફ થઈએ માટે તકલીફરૂપ પ્રસાદી આપે છે.