અ. મુ. સ. ગુ. મુનિસ્વામીશ્રીનો ટુંક પરિચય
ગુરુપરંપરા :
આ ‘અવતાર-અવતારી ભેદનિરૂપણ’ નામક પુસ્તિકાના લેખક સ. ગુ. પુરાણી મુનિસ્વામી કેશવપ્રિયદાસજીની ગુરુપરંપરાનો ઈતિહાસ આ પ્રમાણે છે :
કટોસણ તાલુકામાં, કટોસણ પાસે ‘રાંતોજ’ નામક ગામ છે. ત્યાં ડુંગરજી તથા કસિયાજી નામે બે સહોદર-સગા ભાઈ જોધપુરિયા રાઠોડ-ગરાસિયા રહેતા હતા. તેમાં ડુંગરજી તો ઘરનો ત્યાગ કરી સાંખ્યયોગ ગ્રહણ કરી ગઢપુર જઈને શ્રીજીમહારાજની સેવામાં પાર્ષદ થઈને, કાયમ રહેતા હતા. અને કસિયાજી ગૃહસ્થાશ્રમી રહ્યા હતા, છતાં પણ, પ્રસંગે-પ્રસંગે બેચર ચાવડા, જેમ શ્રીજીમહારાજની સેવામાં જોડાતા, તેમ તેઓ પણ સમય ઉપર શ્રીજીમહારાજની સેવામાં હાજર થઈ જતા. પછી જ્યારે તેઓ વિધુર થયા ત્યારે તેમણે વિચાર કર્યો કે, આપણને આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને તેમના સંત પણ મળ્યા, માટે મારી શેષ આયુષ્ય તેમની સેવા અર્થે વ્યતીત થાય તો સારું. એમ વિચાર કરી, પોતાને બે પુત્રો હતા તેમને સાથે લઈ પોતે અમદાવાદ આવ્યા. તે વખતે અનાદિમુક્ત સદ્. મહાનુભાવાનંદ સ્વામી અમદાવાદ મંદિરના આદ્ય મહંત હતા. તેમને પોતાના બંને પુત્રોને સોંપ્યા ને કહ્યું કે, સ્વામી! આ બંને છોકરાઓને સાધુ કરી આપની સેવામાં રાખો ને હું પણ આપની સેવામાં રહીશ. વળી હું ઘેરથી ૫૦૦ પાંચસો રૂપિયા લાવ્યો છું તેની જેમ આપને ઠીક લાગે તેમ વ્યવસ્થા કરો.
પછી સદ્. મહાનુભાવાનંદ સ્વામીએ તેમને કહ્યું કે, શ્રીજીમહારાજ હાલ જેતલપુરમાં વિરાજે છે, તો તમે તેમનાં દર્શન કરી આવો ને જે રૂપિયા લાવ્યા છો તે શ્રીજીમહારાજને ભેટ કરજો. પછી કસિયાજી જેતલપુર ગયા ને ત્યાં શ્રીજીમહારાજના દર્શન કરીને તે રૂપિયા ભેટ મૂક્યા. વળી પોતાના બે દીકરાઓને સાધુ કરવા માટે સદ્. મહાનુભાવાનંદ સ્વામીને સોંપ્યા છે તે વાત પણ કરી. આ વાત સાંભળીને શ્રીજીમહારાજ, કસિયાજી ઉપર બહુ રાજી થયા. તે સમયે જેતલપુરમાં શ્રીજીમહારાજ ભેળા સંતો ઘણા હતા તેથી તે રૂપિયાની જેતલપુરમાં, શ્રીજીમહારાજે સંતને બિરંજ-પૂરીની રસોઈ કરાવી ને પોતે પંક્તિમાં પાંચ વાર ફરીને સંતોને ખૂબ બિરંજ પીરસ્યો ને પીરસતાં-પીરસતાં બિરંજના બે પડિયા પોતે ભરીને, કસિયાજી જ્યાં જમવા બેઠા હતા તેમની પાસે મૂક્યાં ને કહ્યું કે, આ પ્રસાદી તમારા બેય દીકરાઓને જમાડજો એમ ભલામણ કરી. પછી કસિયાજી ત્યાંથી અમદાવાદ આવ્યા ને શ્રીજીની પ્રસાદી પોતાના બેય દીકરાઓને જમાડી. પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ તે બંને છોકરાઓને, ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે વાસુદેવી મહાદીક્ષા અપાવીને સાધુ કર્યા. તેમાં એકનું નામ ‘જીષ્ણુદાસજી’ ને બીજાનું નામ ‘નંદકિશોરદાસજી’ પાડ્યું હતું.
એક વખત વડતાલમાં અનાદિમુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામી માંદા હતા તેથી અનાદિમુક્ત સદ્. મહાનુભાવાનંદ સ્વામી, તે સ્વામીશ્રીનાં દર્શનની ઇચ્છાથી તથા પોતાના શિષ્ય જીષ્ણુદાસજી તેમ જ નંદકિશોરદાસજીને સ્વામીશ્રીનાં દર્શન કરાવવાના આશયથી, તેમને સાથે લઈને પોતે વડતાલ પધાર્યા. ત્યાં દેવનાં દર્શન કરી સ્વામીશ્રીના આસને ગયા. તે વખતે સદ્. ગોપાળાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામીને પૂછ્યું - આ બંને નાના સંતને શ્રીજીમહારાજની વિરહલીલાનાં પદ આવડે છે? ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું કે, હા. પછી તે બંને સંત શ્રીજીના વિરહનાં કીર્તનો બોલ્યા; તેથી સ્વામીશ્રી તેમના ઉપર અત્યંત રાજી થયા ને તે બંને સંતને બાથમાં ચાંપીને મળ્યા ને મસ્તકે હાથ મૂક્યા. વળી મહાનુભાવાનંદ સ્વામીને ભલામણ કરી કે, આ બંને સંતને ગઢપુર અનાદિમુક્ત સદ્. પ્રેમાનંદ સ્વામી પાસે સંગીત શીખવા માટે મોકલી આપજો. જે ઉપરથી મહાનુભાવાનંદ સ્વામીએ તે બંને પોતાના સંતોને પ્રેમાનંદ સ્વામી પાસે ગઢપુર મોકલી આપ્યા. ત્યાં બંને સંતોએ ૧૨ વર્ષ સુધી સ્વામીશ્રી ભેળા રહી સંગીતનો વિદ્યાભ્યાસ કર્યો ને સાથે સાથે સ્વામીશ્રીના સેવા-સમાગમ પણ કર્યા. વળી શ્રીજીમહારાજની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામી માટે શ્રી ગોપીનાથજીના થાળની પ્રસાદી જે કાયમ આવતી, તે પ્રસાદીનો લાભ પણ તે બંને સંતને પ્રેમાનંદ સ્વામીના અનુગ્રહથી હંમેશા મળતો. પછી જ્યારે પ્રેમાનંદ સ્વામી આ લોકમાંથી અંતર્ધાન થયા ત્યારે ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે, સદ્. મહાનુભાવાનંદ સ્વામીને કહ્યુંઃ ‘બડા પ્રેમાનંદ તો જીવત્પર્યંત ગઢપુરમાં રહ્યા, પરંતુ છોટા પ્રેમાનંદને તો હવે અહીં બોલાવી લો.’ પછી તે બંને સંતને અમદાવાદ બોલાવ્યા. તે બંને સંતમાંથી સ્વામી જીષ્ણુદાસજી તો સંગીત વિદ્યામાં નિપુણ થયા, પરંતુ સ્વામી નંદકિશોરદાસજી સંગીતકળામાં સંપૂર્ણ પારંગત થયા ન હતા.
પરિચય :
સદ્. નંદકિશોરદાસજી સ્વામીના શિષ્ય સદ્. સ્વામી મોરલીમનોહરદાસજી હતા અને તેમના બે શિષ્ય, સ્વામી કેશવપ્રિયદાસજી તથા શ્રીરંગદાસજી હતા; તેમાંથી સ્વામીશ્રી કેશવપ્રિયદાસજી તે લઘુ પુસ્તિકાના લેખક. તેઓ શ્રીહરિની મૂર્તિનું અખંડ મનન કરતા તેથી તેઓ ‘મુનિસ્વામી’ એ નામથી પ્રખ્યાત થયા. તેમના પૂર્વાશ્રમની હકીકત તેમના થકી ઉપલબ્ધ થઈ શકી નથી, પરંતુ જે કાંઈ અલ્પ માહિતી અમને પ્રાપ્ત થઈ છે તેનો સંક્ષેપમાં ઉલ્લેખ આ સ્થળે કરવામાં આવ્યો છે. તેઓશ્રીનું પૂર્વાશ્રમનું નામ હીરાભાઈ હતું. વૈશ્ય કણબી જ્ઞાતિમાં તેઓ જન્મ પામ્યા હતા. તેમના પિતાશ્રીનું નામ માંડણભાઈ અને માતુશ્રીનું નામ હરિબા હતું. તેઓ ચાર ભાઈ હતા-પીતાંબરભાઈ, જેઠાભાઈ, હીરાભાઈ ને સૌથી નાના પ્રાગભાઈ. તેમાં આ મુક્તરાજ શ્રી હીરાભાઈનો જન્મ સં. ૧૯૩૬માં મૂળી પાસે ‘ચાણપર’ ગામમાં થયો હતો; તેઓ વઢવાણ પાસે ‘રતનપુર’ ગામમાં પણ રહેતા હતા. તેઓ અત્યંત વૈરાગ્યવાન હોવાથી ગૃહસ્થાશ્રમ પસંદ નહિ કરતાં, ૧૪ વર્ષની ઉંમરે મંદિરમાં આવી પોતાના ગુરુ પાસે એકાદ વર્ષ પાર્ષદાવસ્થામાં રહ્યા ને સં. ૧૯૫૧ ચૈ. સુ. ૯ના રોજ વાસુદેવી પરમહંસની મહાદીક્ષા ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પાસે ગ્રહણ કરી સાધુ થયા. આ દરમિયાન મોટા મોટા સંતોના દર્શન-સમાગમનો તેમને અપૂર્વ લાભ મળ્યો હતો. ઉપરાંત ઉનાવાના છલાભાઈ જે શ્રીજીમહારાજને મળેલા હતા તેમનાં દર્શન-સમાગમ પણ ઘણી વાર થયેલ. વળી ટૂંક સમયમાં જ તેમણે સંસ્કૃત વિદ્યાભ્યાસ કરી, પોતાના ગુરુને પણ વિદ્યાએ તથા સેવાએ કરીને રાજી કર્યા. ત્યારબાદ સમય જતાં પોતાના ગુરુ, સ્વામી શ્રી મોરલીમનોહરદાસજી જ્યારે ભૌતિક દેહ ત્યાગ કરી મૂર્તિના સુખે સુખિયા થયા ત્યારે તેઓ સં. ૧૯૭૩ના ચૈત્ર માસમાં ભુજમંદિરમાં જઈને રહ્યા. ત્યાં ભુજમાં તથા આજુબાજુના ગામડાઓમાં કેટલાક સંસ્કૃત ગ્રંથોના પારાયણો વાંચ્યાં ને કેટલાક સંતોને સંસ્કૃત ગ્રંથો પણ શીખવ્યા. વળી ભુજમંદિરમાં શ્રીઠાકોરજીની સેવા પણ બાર મહિના સુધી કરી. આ મુનિસ્વામી, કચ્છના સમાધિવાળા અનાદિ મહામુક્તરાજ ‘અબજીબાપાશ્રી’ પોતાના જ્ઞાનગુરુ હોવાથી અવારનવાર વૃષપુર (બળદિયા) તેમનાં દર્શન-સેવા-સમાગમ કરવા પણ જતા. પછી જ્યારે બાપાશ્રી આ લોકમાંથી અંતર્ધાન થયા ત્યારે આ મુનિસ્વામી થોડો સમય ભુજમાં રહી પાછા ગુજરાતમાં આવ્યા. તેઓશ્રીએ વિરમગામ પાસે ‘પાટડી’ ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બહુધા ઘણાં વર્ષો રહી કારણ સત્સંગના ઉદ્યાનને સારી રીતે ખિલવ્યો અને સર્વોપયોગી ઉત્તમ સાહિત્ય પ્રગટ કરી સત્સંગ સેવામાં મૂક્યું તેમાં પણ શિક્ષાપત્રી-રહસ્યાર્થ નામક આશરે એક હજાર પૃષ્ઠનો દળદાર ગ્રંથ સ્વયં રચી, તે ગ્રંથ ધ.ધુ. આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદથી સં. ૨૦૨૨ની શરદપૂર્ણિમાના મંગળ દિવસે પ્રસિદ્ધ કરાવેલ છે.
સ્થળ સંકોચને લીધે આ સમર્થ સદગુરુશ્રીના જીવન કવન વિશે સવિસ્તર માહિતી અત્રે આપવી શક્ય નહિ હોવાથી એ અંગેનું એક અલગ લઘુ પુસ્તક તૈયાર થઈ રહ્યું છે, જે તૈયાર થયેથી સત્સંગ પ્રસન્નતાર્થે પ્રસિદ્ધ કરવામાં આવશે.