૮. પૃથ્વી પર શ્રીજીની પ્રકટ થવાની ઇચ્છા

(શ્રીહરિદિગ્વિજય ગ્રંથાનુસાર)

વૈરાજબ્રહ્માની અર્ધભાગની આયુષ્ય વ્યતીત થયા બાદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને, અક્ષરધામમાંથી પોતાના મુક્તોને સાથે લાવી, આ બ્રહ્માંડમાં છપૈયાપુરમાં ધર્મભક્તિને ઘેર દર્શન દીધાં અને નરનારાયણ દ્વારે તો દુર્વાસાના શાપનું નિમિત્ત કર્યું; પરંતુ શ્રીહરિ પોતે બદરિકાશ્રમવાસી ન હતા, તે વાત સાંપ્રદાયિક ગ્રંથોમાં ઘણા સ્થળે જણાવેલી છે. તે અનાદિમુક્ત સદ્. નિત્યાનંદ સ્વામી રચિત હરિદિગ્વિજય ગ્રંથના બીજા ઉલ્લાસમાં શ્લો. 31થી આરંભીને આ પ્રમાણે કહ્યું છે.:-

तावच्छ्रीवासुदेवः स्वाऽवतारं ब्रह्मधामपः३१ ।

नारायणदात् स्वेक्षामुभ्हविष्यन् भुवि प्रभुः ॥ 32 ॥

અક્ષરધામના અધિપતિ ને 'પ્રભુ' એટલે નરનારાયણાદિ અવતારના અવતારી, એવા અનાદિ વાસુદેવ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમણે જ્યારે મૃત્યુલોકમાં પ્રકટ થવાની ઇચ્છા કરી ત્યારે બદરિકાશ્રમમાં પોતાના અવતાર, નારાયણ ભગવાનને પોતાનાં દર્શન દીધાં 32.

ध्यानॆ स्वपूर्वरुपं संवीक्ष्य नारायण स तम्३२ ।

विवक्षन्तमिवालक्ष्या पृच्छद्यत्तद् विवक्षितम् ॥ 33 ॥

બદરિકાશ્રમના નિવાસી નારાયણ ભગવાન ધ્યાન કરતા હતા; તે ધ્યાનમાં ‘स्वपूर्वरुपं’ અર્થાત્ પોતાના કારણરૂપ જે અક્ષરધામના નિવાસી શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમનાં દર્શન કરીને વિચાર્યું કે, આ અક્ષરાધિપતિ ભગવાન મને કંઈક આદેશ આપવાની ઇચ્છા ધરાવે છે. તેથી શ્રીજીમહારાજને તેઓ પૂછતા હતા કે, હે સ્વામિન્! આપની ઇચ્છા મને જે કહેવાની હોય તે કહો 33.

ततः प्राह स तं देवदेवोऽतिभारपीडिता३३ ।

भूरस्ति साम्प्रतं जातोऽधर्मो वृद्धोऽस्ति तत्र च ॥ 34 ॥

ત્યારે તે અક્ષરધામના ધામી અને ‘देवदेवः’ એટલે 'દેવ' જે મુક્ત તેમના 'દેવ' કહેતાં ઇષ્ટદેવ, અથવા 'દેવ' જે નરનારાયણાદિ અવતાર તેમના દેવ અવતારી એવા શ્રીજીમહારાજ તે, નારાયણ ભગવાન પ્રત્યે બોલ્યા: આ સમયે પૃથ્વી અધર્મના ભારથી પીડા પામી રહી છે; કેમ કે પૃથ્વી ઉપર અધર્મ વૃદ્ધિ પામ્યો છે 34.

तदुच्छित्यै तथैकान्तधर्मसंस्थापनाय च३४ ।

अहं प्रादुर्भविष्यामि धर्माभ्हक्तावसौ प्रभुः ॥ 35 ॥

એ અધર્મનું ઉન્મૂલન કરવા તથા એકાંતિક ધર્મનું સ્થાપન કરવા ‘प्रभुः’ એટલે જીવોના આત્યંતિક મોક્ષ કરવા સમર્થ એવો હું સહજાનંદ સ્વામી, તે પોતે જ મારા અનાદિમુક્ત સ્વરૂપ એવા ધર્મ-ભક્તિ થકી પ્રગટ થઈશ 35.

શ્રીહરિ, હવે દુર્વાસાએ આપેલા શાપગ્રહણનો હેતુ દર્શાવે છે:-

भत्प्रादुर्भावहेतूनां संभवो नास्ति धाम्नि मे३५ ।

तमत्रातः समुभ्हव्य दुर्वासःशापछद्मना ॥ 36 ॥

कर्तास्मि वाञ्छितं यन्मे तत्त्वद् उद्देशतोऽचिरात्३६ ।

एषोऽर्थोऽतस्त्वया गोप्यो भूत्त्वा मुख्येन सर्वथा ॥ 37 ॥

શ્રીજીમહારાજ, નારાયણને કહે છે : મારા ધામમાંથી મારા 'પ્રાદુર્ભાવનો' એટલે કે, પ્રકટ થવાના હેતુનો સંભવ નથી; અર્થાત્ મને પ્રકટ થવાનું કોઈને જાણી શકાય તેમ નથી. અહીં આવો ભાવાર્થ છે : શ્રીજી કહે છે કે, મારા અક્ષરધામમાં મેં મારા મુક્તોને જણાવ્યું કે, જીવોના આત્યંતિક મોક્ષ કરવા, આપણે મૃત્યુલોકમાં મનુષ્યરૂપે પ્રકટ થઈએ. ત્યારે મુક્ત પણ તૈયાર થયા; પરંતુ અક્ષરધામમાં જે વાત થાય, તે ચાર ધામ તથા ચૌદ લોકમાં કોઈ જાણી શકતા નથી. એ હેતુથી આ બદરિકાશ્રમમાં દુર્વાસાઋષિના શાપનું નિમિત્ત કરી, મારે પ્રકટ થવાનો હેતુ ઉત્પન્ન કરીને તમારા ઉદ્દેશથી એટલે, નરનારાયણ પ્રકટ થશે એમ જણાવીને થોડા સમયમાં જ, જે મેં ઇચ્છા કરી છે તે પ્રમાણે જ હું કરીશ; એટલે મારા મુક્તોને સાથે લાવીને હું જ મારા ધામમાંથી પ્રકટ થઈશ અને મારું સર્વોપરી જ્ઞાન, મારા આશ્રિતોને સમજાવીને આત્યંતિક મોક્ષ કરીશ. એ હેતુ માટે હે નારાયણ! તમારે સર્વ પ્રકારે 'મુખ્ય થઈને' અર્થાત્ હું જ પ્રકટ થઈશ એમ કહીને ‘एषः अर्थः’ એટલે આ મારી વાત જે, હું અક્ષરધામમાંથી સ્વયં પ્રકટ થવાનો છું તે ગુપ્ત રાખવી; કેમ કે સર્વોપરીપણાનું મારું જ્ઞાન છે તે સમજવું દુષ્કર છે; તે તો મારા મુક્ત જેને સમજાવશે તે જ સમજી શકશે 36-37.

વળી શ્રીજીમહારાજ નારાયણને કહે છે:-

आयास्यन्ति मरीच्याद्या द्रष्टुं त्वा मुनयोऽत्र हि३७ ॥ 38 ॥

चिंता कार्या न वस्त्राता प्रादुर्भूय क्षितावहम४० ।

ईत्युक्त्वाऽन्तर्दधे यावत्स तं तत्राययुर्हि ते ॥ 39 ॥

મરીચિ આદિ ઋષિઓ તમારાં દર્શન કરવા આવશે, ને તમારા માતાપિતા જે ધર્મ તથા મૂર્તિદેવી તે પણ આવશે; તેમની સાથે તમે વાતો કરતા હશો, તે સમયે દુર્વાસાઋષિ અપમાનનું નિમિત્ત કરીને શાપ દેશે તેની તમારે ચિંતા કરવી નહિ; કેમ કે હું સ્વામિનારાયણ પોતે જ પ્રકટ થઈને, સર્વની શાપથકી રક્ષા કરીશ ને સર્વેને સુખી કરીશ, એમ કહીને શ્રીજીમહારાજ અંતર્ધાન થયા. પછી તે સર્વે ઋષિ આદિ આવ્યા ને દુર્વાસાએ આવીને શાપ દીધો; એમ કથા પ્રસંગ છે તો તે, તે થકી જાણી લેવો 38-39.