૨. શ્રીહરિનો સામાન્ય સિદ્ધાંત

શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે રામકૃષ્ણાદિ સર્વ અવતારોના કારણ અવતારી છે; તેમ છતાં શાસ્ત્રમાં સામાન્ય સિદ્ધાંતનાં વચનોનો પણ ઉલ્લેખ જોવામાં આવે છે. જેમ કે, 'નરનારાયણ ઋષિ દુર્વાસાના શાપથી શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રકટ થયા છે.' તથા :-

'જે ગોકુળચંદ નંદલાડીલો રે લોલ;

તે જ ભક્તિધર્મ સુત શ્યામ.'

આવાં પણ વચન જોવામાં આવે, તે પણ શાસ્ત્રમાં અવતાર-અવતારીનું અભેદપણે વર્ણન કરવાની રીતિ છે, તેથી કહ્યાં છે. જેમ ગઢડા મધ્ય પ્ર. વચનામૃત 31માં કહ્યું છે: 'શાસ્ત્રમાં બહુધા પુરુષરૂપે કરીને જ પુરુષોત્તમને કહ્યા છે, તે કેમ સમજવું?' એવો શુકમુનિનો પ્રશ્ન છે. અને વળી અવતારમાં અવતારીનો આવિર્ભાવ થાય છે, તેથી અવતારે કરેલાં ચરિત્ર તે અવતારીનાં જ છે, એમ વિચારીને અભેદપણે વર્ણન કરેલું છે; પણ, આ સામાન્ય સિદ્ધાંત છે.