૧૩. અવતારીપણું - હરિકૃષ્ણલીલામૃતાનુસાર
શ્રીજી સમકાલીન સદ્. મહાનુભાવાનંદ સ્વામીએ, 'હરિકૃષ્ણલીલામૃત' નામક ગ્રંથ રચ્યો છે; તેમાં અ. 22માં, ઈશ્વરો શ્રીહરિની સ્તુતિ કરે છે:-
पृथ्व्यां दक्षनरोऽपि भूकणतरांस्तारागणानंबरे४१
मेघांभः कणिका यदा च गणयेत्ते वै गुणान् भूरिशः ।
एश्वर्याणि हरेऽवतारनिचयान् कापि क्षमो नो भवेत् ।
संख्याकर्तु मनंतदिव्यचरितस्याऽऽत्मीकल्पद्रुमः ॥ 114 ॥
હે હરે! ગણિતશાસ્ત્રને જાણનાર ચતુર એવો કોઈ વિદ્વાન, પૃથ્વીના રજઃકણોને, આકાશના તારાગણોને તથા મેઘના જળબિંદુઓને કદાચ ગણી શકે; પરંતુ ભક્તના મનોરથોને પૂર્ણ કરવામાં કલ્પતરુ સમાન હે નારાયણ! તમારા અગણિત કલ્યાણકારી ગુણોની, તમારાં ઐશ્વર્યોની તથા તમારા 'અવતારો'ની સંખ્યા નક્કી કરવા માટે કોઈ પણ શક્તિમાન નથી 114.
હવે ગોલોક તથા અક્ષરધામનું પૃથક્પણું છે એમ એ જ ગ્રંથના ત્રીસમા અધ્યાયમાં કહ્યું છે. અહીં વાતનો આવો પ્રસંગ છે: એક વખત શ્રીજીમહારાજે ભક્તિમાતાને પોતાના મુખમાં અનંત બ્રહ્માંડ દેખાડ્યાં. તેમ જ શ્વેતદ્વીપ, વૈકુંઠ, બદરિકાશ્રમ અને અવ્યાકૃત આદિ જુદાં જુદાં ધામ પણ, સભાએ સહિત દેખાડ્યાં. પછી વળી આ પ્રમાણે દર્શન થયાં:-
अपश्यत्तत्र वा माता गोलोकं परमव्ययम्७ ।
तत्र तेजोधनं देशं मध्यवर्तिनमुत्तमम् ॥ 115 ॥
सिंहासने तत्र हरिं समास्थितं राधारमासेवितपादपंकजम्८ ॥ 116 ॥
ભક્તિમાતા પોતાના પુત્રરૂપ શ્રીહરિના મુખને વિષે 'परम' કહેતાં, રમાવૈકુંઠ ને મહાવૈકુંઠથકી પર ને અવ્યય એવું ગોલોકધામ દેખતાં હતાં. અને તે ગોલોકના મધ્યે દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન, રાધિકા તથા લક્ષ્મીજીએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં ને તેજોમય એવા શ્રીકૃષ્ણને દેખતાં હતાં 115-116. વળી એ જ અધ્યાયમાં કહ્યું છે જે :-
द्दष्ट्वैवमक्षरपदं स्वसुतस्य तस्मात्तभ्हक्तिरर्कविधुकोटिसमानमासम्१५ ।
सर्वोत्तमं परतरातिसुखं च सत्यं तत्राप्यचष्ट तनयं पुरुषोत्तमं स्वमू ॥ 117 ॥श्
ત્યાર પછી ભક્તિમાતા ગોલોકથી પર, અનંતકોટી સૂર્ય અને ચંદ્રની કાંતિ સમાન તેજસ્વી ને સર્વોપરી એવું પોતાનાં પુત્રનું દિવ્ય અક્ષરધામ તેને પણ દેખતાં હતાં. અને તે ધામને વિષે સર્વ કારના કારણ, સર્વોપરી ને પુત્રરૂપે પ્રકટ થયેલા એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ ભગવાનનાં દર્શન કરતાં હતાં. 117.
વળી અવતાર-અવતારીનું પૃથક્પણું છે. તે હરિકૃષ્ણ-લીલામૃતના 60 માં અધ્યાયમાં કહ્યું છે:-
तदा तस्या मनस्येव संकल्पश्चाऽभवन्नृप३७ ।
हरेः पूर्वेऽवताराश्चासन्यथाऽयमपीश्वरः ।
तथा किं न भवेद्वा किं रामकृष्णादयस्त्विति ॥ 118 ॥
ભુજના લીલાધર વિપ્રની માતાને, શ્રીજીની પૂજા કરતાં એવો સંકલ્પ થયો કે, ભગવાન પુરુષોત્તમ નારાયણના, પૂર્વે રામ-કૃષ્ણાદિક અવતારો થયા, તે જેવા આ ધર્મદેવના પુત્ર હશે કે તેમના કારણ સર્વોપરી હશે? 118. આવો સંકલ્પ થવાથી શ્રીજીએ પોતાની મૂર્તિમાંથી તેજ દેખાડ્યું. તે તેજમાં તે સ્ત્રીને શ્રીહરિનાં કૃષ્ણ તથા રામરૂપે દર્શન થયાં, તેમજ વામનાદિ અવતારોરૂપે પણ દર્શન થયાં તેથી આશ્ચર્ય પામેલાં તે બાઈ પ્રત્યે શ્રી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા :-
सर्वेषामवताराणामहं हेतुरहं परः४३ ।
मम नेत्रकटाक्षेणाऽभवन्ब्रह्मांडराशयः ॥ 119 ॥
(હરિકૃષ્ણલીલામૃત અ. 60)
સર્વ અવતારોનો કારણ અને સર્વથી પર એવો હું ભગવાન છું; મારા નેત્રકટાક્ષ વડે અનંતકોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. 119.
એક વખત શ્રીજીમહારાજે સ્વરૂપાનંદ સ્વામીને સમાધિ કરાવી ને તે સમાધિમાં પોતાના દિવ્યમુક્તોએ સહિત પોતાનાં દર્શન દીધાં. પછી શ્રીજીમહારાજે તેમને કહ્યું :-
युगपत्त्वमसंख्यानां मुक्तानां पूजनं कुरु६७ ॥
विधाय बहुरुपाणि सर्वावतारनामत: । 120 ॥
गृहीतान्यपि नामानि न भूतो बहुरूपकः६८
सहजानंदनाम्ना यत्सोऽभवद्भूरिरुपवान् ॥ 121 ॥
(હરિકૃષ્ણલીલામૃત અ. 73)
હે મુને! તમે સર્વ અવતારોનાં નામોચ્ચારણ કરીને તેમના પ્રભાવથી અનંત સ્વરૂપો ધારણ કરી, આ ધામમાં રહેલા અનંત મુક્તોની એકસાથે પૂજા કરો. એ પ્રમાણે દરેક અવતારોનાં નામો લેવા છતાં પણ અનેકરૂપે સ્વરૂપાનંદ સ્વામી થઈ શક્યા નહિ; છેવટે સર્વોપરી સર્વકારણના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નામોચ્ચારણ કરવાથી તત્કાળ અનંતરૂપે થયા ને શ્રીહરિ તથા અનંતમુક્તોની એકસાથે પૂજા કરી - એમ ઉત્તરશ્લોક સાથે સંબંધ છે 120-121.
વળી એક વખત અમદાવાદના નથ્થુભટ્ટને, શ્રીજીમહારાજે ધ્યાનમાં અલૌકિકરૂપે દર્શન આપ્યા, પછી વળી આ પ્રમાણે દર્શન થયાં:-
रामानंदादिमुक्तैश्चानेकैरूपासितं प्रभुम्४८ ।
असंरूयानवतारांश्च हरिमूर्तावचष्ट सः ॥ 122 ॥
(હરિકૃષ્ણલીલામૃત અ. 80)
રામાનંદ સ્વામી આદિ અનંત મુક્તોએ ઉપાસના કરાયેલા, એવા શ્રીહરિની મૂર્તિને વિષે અસંખ્ય અવતારોને, તે નથ્થુ ભક્તે જોયા 122. પછી રામાનંદ સ્વામીએ નથ્થુ ભટ્ટને આ પ્રમાણે કહ્યું:-
अयं सर्वावताराणां निदानं सर्वधामपः45 ॥ 123 ॥
આ શ્રી સહજાનંદ સ્વામી છે, તે રામ-કૃષ્ણાદિક સર્વ અવતારોના કારણ છે, તથા સર્વ ધામોના અધિપતિ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે 123.
વળી હરિકૃષ્ણલીલામૃત અ. 92માં, શ્રીહરિ પોતે જ પોતાનું પુરુષોત્તમપણું સમજાવે છે:-
अहं सर्वावताराणां कारणं परमव्ययम्२८ ।
कोट्यर्केन्दुशुचित्विड्भेऽक्षरधाम्नि सदा स्थितः ॥ 124 ॥
સર્વ અવતારોનો ‘कारण’ એટલે અવતારમાં અન્વયરૂપે પ્રવેશ કરીને તેમનો પ્રકાશક અને 'परं' કહેતાં વ્યતિરેકરૂપે અવતાર થકી પૃથક્ ને સદા એકસ્વરૂપ એવો હું સ્વામિનારાયણ છું; તે કોટી સૂર્ય, ચંદ્ર, અગ્નિ સરખું તેજોમય એવું મારું અક્ષરધામ તેમાં સદા વિરાજમાન છું 124. વળી શ્રીહરિ બદરિકાશ્રમવાસી નથી, એમ એ જ અધ્યાયમાં શ્રીજી સ્વયં કહે છે:-
अहं त्वक्षरमध्यस्थोऽनंतमुक्तैर्वृत: सदा२० ।
संकल्पमित्यहं चक्रे ह्यरोऽस्तु मे भुवि ॥ 124 ॥
અનંતકોટી મુક્તે સહિત હું અક્ષરધામને મધ્યે સદા વિરાજમાન છું; તે મેં જ આ પ્રકારે સંકલ્પ કર્યો કે પૃથ્વીને વિષે હું જ પ્રગટ થઈને સર્વને દર્શન આપું 125.
વળી સદ્. ભૂમાનંદ સ્વામી શ્રીહરિની સ્તુતિ કરે છે :-
सर्वगं परमहंसकुलार्च्यमक्षरात्परमनंतगुणेशम्१४ ।
सर्वकारणमनेकचरित्रं धर्मसूनुहमात्मनि वंदे ॥ 126 ॥
(હરિકૃષ્ણલીલામૃત અ. 93)
હે શ્રીહરે! સર્વત્ર વ્યાપક તથા પોતાના પરમહંસ મુક્તોએ પૂજેલા, અક્ષરથકી પર, અનંત કલ્યાણકારી ગુણોના પતિ, સર્વના કારણ તથા અનંત લીલાચરિત્રોને વિસ્તારનારા, ધર્મદેવના પુત્ર એવા તમને હું વંદન કરું છું 126.
હવે સદ્. મહાનુભાવાનંદ સ્વામી શ્રીહરિની સ્તુતિ કરે છે:-
श्री स्वामिनारायण! वासुदेव! सर्वेश्वरानंत सुखप्रदाता१ ।
मानुष्यसौख्यात्सुरसिद्धशर्माधिकं ततश्चेंद्रसुख परात्मन् ॥ 127 ॥
ततोऽधिकं ब्रह्मसुखं बिराजो हिरण्यगर्भस्य विशेषमाहुः२ ।
प्रधानपुंसोस्तत ईश्वरेशाधिकं महापुरुषसौख्यमासीत् ॥ 128 ॥
तदक्षरं कोटिगुणं सुखं स्यात्ततोऽपि ते मूर्तिसुखं विशेषम्३ ।
ज्ञात्वैवमात्मन्यखिलाधिपं त्वामनंतदिव्योरु सुखं भजेऽहम् ॥ 129 ॥
(હરિકૃષ્ણલીલામૃત અ. 111)
હે સ્વામિનારાયણ! વાસુદેવ ! હે સર્વેશ્વર! અનંત સુખોને આપનારા હે ભગવન્! મનુષ્યના સુખથી દેવોનાં તથા સિદ્ધોનાં સુખ અધિક છે; તે કરતાં ઇંદ્રનું સુખ અધિક છે; તે કરતાં બ્રહ્માનું સુખ અધિક છે; તેથી વૈરાટનારાયણનું સુખ અધિક છે; તેથી અધિક હિરણ્યગર્ભનું સુખ છે; તેથી અધિક પ્રધાનપુરુષનું (રામચંદ્રજીનું) સુખ છે; તેથી અધિક 'મહાપુરુષનું' કહેતાં કૃષ્ણનું સુખ છે; તે કરતાં કોટી ગણું અક્ષરનું સુખ છે, અને તેથી પણ અધિક હે ભગવન્! તમારી મૂર્તિનું સુખ સર્વોત્તમ છે. એમ જાણીને હું તમારું અખંડ ભજન કરું છું 127-129.