૭. મહાભારતમાં કહેલ અવતાર-અવતારી ભેદ

(નરનારાયણ તથા વાસુદેવનું પૃથક્‌પણું)

મહાભારતના શાંતિપર્વના મોક્ષધર્માનુશાસન પર્વ, અ. 334 માં, યુધિષ્ઠિર રાજા ભિષ્મપિતામહને પૂછે છે:-

देवतानां च को देवः पितृणां च पिता तथा४ ।

तस्मात् परतरं यच्च तन्मे ब्रूहि पितामह ॥ 19 ॥

દેવતાઓના પણ દેવતા અને પિતૃઓના પણ પિતા કોણ છે? અથવા તે થકી પણ શ્રેષ્ઠ તત્ત્વ શું છે? હે પિતામહ! આ સર્વે વાત મને સમજાવો 19.

હવે તે પછી શ્લો. 9 માં, ભિષ્મપિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે:-

कृते युगे महाराज ! पुरा स्वायम्मुवेऽन्तरे ।

नरो नारायणश्चैव हरि: कृष्ण: स्वयम्भूव: ॥ 20 ॥

હે મહારાજ! પૂર્વે સ્વાયંભુવ મન્વંતરના સતયુગમાં, એ સ્વયંભૂ ભગવાન 'વાસુદેવ' ના ચાર અવતાર થયા હતા. તેમનાં નામ :- નર, નારાયણ, હરિ અને કૃષ્ણ- એવાં રાખેલા હતાં 20. વળી શ્લો. 18 તથા 19 માં અનુક્રમે દ્વિતીય તથા પ્રથમ પાદમાં કહે છે:-

अथ कृष्णो हरिश्चैव कस्मिंश्चित् कारणान्तरे ॥ 21 ॥

स्थितौ धर्मोत्तरौ ह्येतौ तथा तपसि धिष्ठितौ ॥ 22 ॥

એ ચારમાં 'હરિ કહેતા પ્રધાનપુરુષ અને કૃષ્ણ તે કોઈ બીજા કાર્યમાં જોડાયા; પરંતુ નારાયણ અને નર એ બંને તો, ધર્મને પ્રધાન માની (બદરિકાશ્રમમાં જઈને) તપશ્ચર્યા કરવામાં તત્પર થયા 21-22.

વળી એ જ પર્વ ને એ જ અધ્યાય (334) માં કથાનો આવો પ્રસંગ છે: એક વખત નર તથા નારાયણ તે બંને, ભગવાનનું પૂજન કરતા હતા ને નારદજી બદરિકાશ્રમમાં ગયા. ત્યાં તે બંનેને પૂજા કરતા જોઈને નારદજીએ પૂછ્યું:-

वेदेषु सपुराणेषु साङ्गेपाङ्गेषु गीयसे२५ ।

त्व्मजः शाश्वतो धाता मातामृतमनुत्तमम् ॥ 23 ॥

कं त्वद्य यजसे देवं पितरं कं न विभहे२७ ॥ 24 ॥

હે ભગવન્! અંગ તથા ઉપાંગો સહિત, સંપૂર્ણ વેદોમાં તથા પુરાણોમાં, આપનો મહિમા વર્ણન કર્યો છે; આપ અજન્મા, સનાતન, બધાના માતાપિતા તથા સર્વોત્તમ અમૃતરૂપ છો. (વળી સર્વજનો આપનું પૂજન કરે છે.) તો પણ આજે, આપ ક્યા દેવતા તથા ક્યા પિતૃની પૂજા કરો છો, તે મારા સમજવામાં આવતું નથી તેથી હું જાણવા ઇચ્છું 23-24

આમ જ્યારે પૂછ્યું ત્યારે નારાયણ ભગવાન, નારદજીને કહેવા લાગ્યા:-

अवाच्यमेतद् वक्तव्यमात्मगुह्यं सनातनम्२८ ।

तव भक्तिमतो ब्रह्मन् ! वक्ष्यामि तु यथातथम् ॥ 25 ॥

(મહાભારત શા. મો. અ. 334)

હે બ્રહ્મન્! તમે જે બાબતનો પ્રશ્ન પૂછ્યો, તે, 'વાત' અર્થાત્, તે સનાતન રહસ્ય અમારે કોઈને કહેવા યોગ્ય નથી; ગુપ્ત રાખવા જેવું છે; તો પણ, તમારા જેવા ભક્તને તો તે વાત કહેવી જોઈએ; માટે હું તે રહસ્ય યથાર્થપણે તમોને કહું છું 25. ત્યારબાદ વાસુદેવ ભગવાનનું વર્ણન કરીને, નારાયણે એ જ અધ્યાયના શ્લો. 32માં નારદજીને આ પ્રમાણે કહ્યું:-

तां योनिमावयोर्विध्धि योऽसौ सदसदात्मकः ।

आवाभ्यां पूज्येतेऽसौ हि दैवे पित्र्ये च कल्प्यते ॥ 26 ॥

સત્-અસત્સ્વરૂપ તે પરમાત્મા શ્રી વાસુદેવ જ, નરનારાયણ એવા અમો બંનેની ઉત્પત્તિના કારણ છે, એમ તમે સમજો; અમે બંને તેમની પૂજા કરીએ છીએ. અને 'દેવ' એટલે ઇષ્ટદેવ તથા 'પિતૃ' કહેતાં સુખ, સાર્મથ્ય ને પ્રકાશના દાતા પણ તેમને જ માનીએ છીએ 26. અને જે જનો તેમનું પૂજન કરે છે તે તત્કાળ 'ઉત્તમ ગતિ' અર્થાત્ તેમના ધામને પામે છે-એમ કથા પ્રસંગથકી જાણવું.

હવે ભગવાનને વિષે જે અત્યંત સ્નેહવાળા ભક્તો છે તેમની ગતિ એ જ અધ્યાયના શ્લો. 44 માં નારાયણ આ પ્રમાણે કહે છે:-

ये तु तद्भाविता लोके ह्येकान्तित्वं समास्थिताः ।

एतदभ्यधिकं तेषां यत्ते तं प्रविशन्त्युत ॥ 27 ॥

જે મનુષ્યો તે વાસુદેવનારાયણનું સ્મરણ કરે છે તથા અનન્ય ભાવથી તેમનું શરણ સ્વીકારે છે તેમને સૌથી મોટો લાભ એ થાય છે કે, તે ભક્તો ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ કરે છે; અર્થાત્ ભગવાન કૃપા કરી તેમને પોતાની મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ આપે છે. 27

હવે નારાયણ ભગવાન, નારદજીને અધ્યાયની સમાપ્તિમાં કહે છે:-

इति गुह्यसमुद्दंशस्तव नारद ! कीर्तितः४५ ।

भक्त्या प्रेम्णा च विप्रर्षे ! अस्मभ्हक्त्या च ते श्रुतः ॥ 28 ॥

હે નારદ! હે વિપ્રર્ષે! તમારે ભગવાનને વિષે પ્રેમ તથા ભક્તિ છે, તેમ જ અમારે વિષે પણ ભક્તિભાવ થયો છે; તેથી જ અમે તમને આ ગુહ્ય વાર્તા કહી; અને તમને પણ સાંભળવાનો અવસર મળ્યો 28. આવી રીતે નરનારાયણ ભગવાને સ્વયં નારદજીને સ્વમુખે કહેલું છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે, જેને ભગવાન અને તેમના મુક્તમાં હેત હોય તેને જ અવતાર-અવતારીના ભેદની વાત સમજાય છે; પરંતુ કેવળ શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાતી નથી.

મહાભારતના શાંતિપર્વના મોક્ષધર્માનુશાસન પર્વ, અ. 343 માં પણ, નરનારાયણ ભગવાન નારદજીને પૂછે છે:-

अपीदानी स भगवान् परमात्मा सनातनमः४६ ॥ 29 ॥

श्वेतद्वीपे त्वया द्रष्टः आवयोः प्रकृतिः परा४६ ॥ 29 ॥

હે નારદ! આ સમયે તમે શ્વેતદ્વીપમાં જઈને, નર-નારાયણ એવા અમે બંનેના કારણરૂપ સનાતન પરમાત્મા તે વાસુદેવ ભગવાનનાં કેવાં દર્શન કર્યાં? 29-29 આ પ્રકારે પૂછવાથી નારદજી, નરનારાયણ ભગવાનને કહેવા લાગ્યા :-

दष्टो मे पुरुषः श्रीमान् विश्वरुपधरोऽव्ययः४७ ॥ 30 ॥

दष्टो युयां मया तत्र तस्य देवस्य पार्श्वतः४८ ॥ 31 ॥

(ગ્રંથ પર્વ અ. સદર)

હે ભગવન્! મેં વિશ્વરૂપધારી એવા કાંતિમાન પરમપુરુષ અર્થાત્ વાસુદેવ ભગવાનનાં, દર્શન કર્યાં એટલું જ નહિ; પરંતુ મેં તમો બંનેને તે સ્થળે તે ભગવાનની સમીપે બાજુમાં જોયા. 30-31