૧. લોયા વચનામૃત ચૌદનું રહસ્ય

આ વચનામૃતમાં શ્રીહરિજીએ કહ્યું છે : 'ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે. (એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે, તે અમારા છે.) તોપણ, તે અવતારમાં ઋષભદેવજી અમને બહુ ગમે; તથા તેથી ઊતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બેય અમને સરખા જણાય છે; અને એ ત્રણે અવતાર કરતાં કોટીગણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે.' એટલે એ ત્રણે અવતાર કરતાં શ્રીકૃષ્ણ કોટીગણા અધિક મોટા છે.

ભાવાર્થ : - આ વચનામૃતમાં શ્રીજીમહારાજ જણાવે છે કે: અવતારોમાં અંશ, કળા, પૂર્ણ, પરિપૂર્ણ એવો ભેદ છે; મચ્છ-કચ્છાદિ અવતારો છે; પરંતુ, તેમાં અમારી રૂચિ નથી. કપિલદેવ તથા દત્તાત્રેય અમને સરખા જણાય છે અને એ બે અવતારો કરતાં ઋષભદેવજી અમને બહુ ગમે છે. અને એ ત્રણે અવતારો કરતાં અમને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે કોટીગણું હેત છે. આમાં શ્રીજીમહારાજને કહેવાનો એ અભિપ્રાય છે કે, જેમ શ્રીકૃષ્ણ અન્ય અવતારોના કારણ અવતારી છે; તેમ અમે શ્રીકૃષ્ણાદિ સર્વે અવતારોના કારણ અવતારી છીએ.