13
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદ્ગુરુવર્ય મોટા સ્વામી હરિજીવનદાસજી, અન્ય સંતમંડળ અને અત્રે ઉપસ્થિત સર્વે આદરણીય હરિભક્તોની આ દિવ્ય સભાને હૃદયપૂર્વક કોટાનકોટી દંડવત્ કરું છું.
આ દિવ્ય સભા એના નામ મુજબ દિવ્ય જ છે. દિવ્ય સભામાં તો સત્ય જ હોય ને? જે સભામાં સત્ય ઉચ્ચારવાની ના પાડવામાં આવે એ સભા દિવ્ય કેમ કહેવાય? દિવ્ય એટલે જ સંપૂર્ણ સત્ય. સત્ય એ દિવ્યતાનું અંગ છે. કોઈ એમ કહે, કે હું બાપાશ્રીના હેતવાળો નથી તો એનો અર્થ એ કે એ સ્વામિનારાયણ ભગવાનનો જ નથી. શા માટે? કારણ કે બાપાશ્રીનું વર્તન અણીશુદ્ધ વર્તન હતું. શ્રીજીમહારાજની આજ્ઞા મુજબનું. વળી વર્તનનો દોર કાયમ એક સરખો જ હતો. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી મૂર્તિની સારપ સિવાય ક્યાંય સારપ ન મનાય એનું નામ સર્વોપરી ઉપાસના. ત્યારે આજ્ઞા અને ઉપાસનાની તો બધી જ સભાઓમાં વાત થતી જ હોય છે, પણ શું આજ્ઞા અને શું ઉપાસના? એ સમજ્યા વગર આજ્ઞા અને ઉપાસનાની વાતો કરવી! એ શીખવું પડે. ત્યારે જો બાપાશ્રીના હેતવાળો નથી એમ કહે તો એનું અણીશુદ્ધ વર્તન નથી. બાપાશ્રીના હેતવાળો નથી એમ કહે તો એને ઉપાસનાનું ઠેકાણું નથી. તો પછી સ્વામિનારાયણનો આશ્રિત કેવી રીતે? તો દરેકે સાચા આજ્ઞા અને ઉપાસના પાલક થવું હશે તો બાપાશ્રીને જેમ છે એમ મહા અનાદિ મુક્તરાજ તરીકે ઓળખવા પડશે જે સત્ય બોલતા ગભરાય છે એ પણ સત્યનિષ્ઠાની ખામી છે. સત્યને બીવાની ક્યાં જરૂર છે?
ન્યાય કોર્ટમાં અસત્ય બોલે ત્યારે ગભરામણ થાય. તે વખતે સોગંધવિધિ લેવામાં આવે છે કે હું હંમેશાં સત્યનું પાલન કરીશ. કોઈએ એવી સોગંધ વિધિ નથી કરી કે હું અસત્યનું પાલન કરીશ. અરે ભાઈ, અસત્ય તો પશુજીવનમાં પણ જોવા મળતું નથી. એટલું એ બેડોળ અને પાપરૂપ છે. સત્યની વાત દબાવવાની જરૂર કયાં? સત્યની વાત દબાવે એ મૂર્ખ છે. ગમે તેવી સભા હોય, પણ આપણી વાત જો સત્ય હોય તો સત્ય કહેવી જોઈએ. શા માટે ગભરાવું? આપણને જવાબ આપતાં આવડવું જોઈએ. એવો જવાબ હોવો જોઈએ કે જેનો બીજો કોઈ ઉત્તર જ ન હોય.
અમેરિકામાં લૉસ ઍન્જલસમાં એક સભા થઈ હતી. અમે ત્રણ મુક્તો હતા. રામકૃષ્ણભાઈ. હીરાભાઈ અને હું. પછી વાત એમ હતી કે ત્યાં બધા પક્ષોની ભેળી સભા હતી. એ સભામાં રામકૃષ્ણભાઈએ વચનામૃતની ખૂબ સારી વાત કરી હતી. મેં તેમની ઓળખાણ આપી હતી. પછી એક સદ્ગૃહસ્થ ધનાઢ્ય વેપારી હતા. એમણે પૂછયું, કે આમની ઓળખ તો આપો. તો એમણે મારી ઓળખાણ આપી. ત્યારે કહે, અમારે એમની જરૂર છે. અમારે એમની વાત સાંભળવી છે. મેં કહ્યું કે ભાઈ, મારી વાત સાંભળવી હોય તો વાણી સ્વાતંત્ર્યની છૂટ છેને? જો આજ્ઞા હોય તો જ બોલું નહિ તો બોલવાની ક્યાં જરૂર છે? વાણી તો ઘીની માફક વાપરવી જોઈએ. એ કાંઈ જેમ-તેમ પાણીની જેમ ઊડાડી દેવાની નથી હોતી. પછી કહે, હા વાણી સ્વતંત્ર્ય છે. ખુશીથી વાત કરો. મેં કહ્યું જુઓ હું તો શ્રીજીમહારાજની મૂર્તિની વાતો કરવાનો છું અને કચ્છમાં અનાદિમહામુક્ત અબજીબાપાશ્રી પ્રગટ થયા એનું નામ તમને ખબર છે? તો કહે હા. બધા જાણીએ છીએ. મેં કહ્યું બહુ સરસ. એમણે કરેલી વાત આજે હું તમને કરવાનો છું અને તમે મને છૂટ આપી છે બોલો કરું? તો કહે, હા ખુશીથી કરો. મેં અર્ધો કલાક ઉપર મૂર્તિની, અનાદિમુક્તની સ્થિતિની વાત કરી. બાપાશ્રી કોણ હતા અને કેવા હતા એની પણ વાત કરી. અને બાપાશ્રીએ શ્રીજીમહારાજની સત્ય વાત, સત્ય રહસ્ય આપણે કેવી રીતે જાણતા નથી એ સમજાવ્યું. એ વાત કરી અને મેં એમને કહેલું કે તમારે વાણી સ્વાતંત્ર્યની છૂટ છે. જે તમે મને આપી છે. હું જે વાત કરું એમાં તમારે ગમે-તેટલા પ્રશ્નો પૂછવા હોય તો છૂટ છે. બધા ખુશ થઈ ગયા. અર્ધી કલાક વાત કર્યા પછી એમને એમ થયું કે આમને શું પૂછવું? કારણ કે વાત એવી હતી કે જેના બે ઉત્તર કરવા મુશ્કેલ પડે. ત્યારે એમણે કહ્યું કે આવી વાત પહેલીવાર સાંભળી. અમે ખૂબ ખુશ થયા અને શ્રીજીમહારાજની મૂર્તિનું જતન એમાં અષ્ટાંગ યોગ પણ આવી જાય. એ વાત અને અબજીબાપાશ્રીએ આવી ઉત્તમ વાતો કરી એનાથી અમે અજાણ રહ્યા એનો અમને અફસોસ છે. બોલો. જ્યારે સત્ય વસ્તુ સમજાય ત્યારે કોઈ મનાઈ કરતું નથી.
અહીંયા કૃષ્ણજીવનદાસજી સ્વામીએ બાપાશ્રીની રહસ્યની ખૂબ સરસ વાતો કરી. મારે એના ઉપર જો વાત કરવી હોય તો એક કલાક જોઈએ. કારણ કે એમાં એમણે ઘણી બધી વાતો સદ્ગુરુઓની સમાવી લીધી છે. ત્યારે એક વાત યાદ રાખીએ કે આપણે ગમે ત્યાં જઈએ આપણી વાત એવી રીતે રજૂ કરીએ કે એનો ઉત્તર જ ન આપી શકે. મને યાદ નથી કે કોઈ સભામાં મેં મહારાજની મૂર્તિની કે બાપાશ્રીએ સમજાવેલી વાત કરી ન હોય. મહારાજ પોતે કહે છે કે અમારા અનાદિમુક્ત બાપાશ્રી તમને મળ્યા તો એની વાતો કેમ કરતા નથી? જો એ વાત કરતા ગભરામણ થતી હોય તો એ નબળાઈ દૂર કરવી પડે કે નહિ? કરવી જોઈએને? ગભરાઈને નહિ. સત્ય બોલવામાં ક્યાં ગભરાવાનું? અસત્ય બોલવામાં ગભરાવાનું. સર્વોપરી ભગવાનનું સ્વરૂપ સમજાવવું એ તો ઉત્તમ બાબત છે. એક વસ્તુ કરતાં બીજી વસ્તુ શ્રેષ્ઠ હોય તો એ શ્રેષ્ઠ વસ્તુની સમજ નહિ આપવી જોઈએ? એ શ્રેષ્ઠ વસ્તુ ગ્રહણ નહિ કરવી જોઈએ? કરવી જ જોઈએ. "હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ." આ હરિનો મારગ તે હરિને સાચા સ્વરૂપમાં ઓળખી, અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનને સાચા સ્વરૂપમાં ઓળખાવ્યા એનું નામ હરિનો મારગ. "હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ." એ શૂરો. એ અબજીબાપાએ આપણને શૂરવીર ભક્ત બનાવી દીધા અને આપણે આ સત્સંગમાં રહીને બધાને આ વાતો કરવી છે. દૂર ભાગીને નથી કરવી. દૂર શા માટે ભાગીએ? આપણું ઘર છોડીને ભાગી જવા માટે કોઈને કહેવાનો અધિકાર છે કે કહે ઘર છોડીને જાઓ બોલો? આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘરમાંથી કોઈ એમ કહે કે ભાગી જાઓ? તો સત્સંગરૂપી બગીચો એ આપણું નિવાસસ્થાન- ઘર એને છોડી જવાનું કહેવાની કોઈની હિંમત છે? અને જો કહે તો એને કાયદા-કાનૂનની કે કોઈ જાતના જ્ઞાનની ખબર જ નથી. જો ભારતનું બંધારણ વાણી સ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્ય જો આપતું હોય અને આપણને વાણી સ્વાતંત્ર્ય જીરવવાની શક્તિ ન હોય તો ભારતની બહાર જતું રહેવું જોઈએ. કારણ કે ભારતનું બંધારણ એમ કહે છે કે વાણી સ્વાતંત્ર્યતા હોવી જોઈએ. ભાઈ તમે તમારી વાત કરો. સત્સંગ સભા અને ચર્ચા સભામાં ફેર હોય. અત્યારે સત્સંગ સભા થોડી ચર્ચા સભામાં ફેરવાઈ કારણ કે થોડા પ્રસંગો ઊભા થયા તેની નોંધ લેવી જરૂરી હતી.
હંમેશાં યાદ રાખીએ કે આપણે સમજાવવું પડશે. એ વાત પ્રસ્થાપિત કરવી પડશે. કરવી પડશે ને? એમાં જો એં... એં.... એં... એમ કરીશું તો નહિ ચાલે બાપાશ્રીના હેતવાળા સંતોને પ્રથમ સ્થાન મળવું જોઈએ. શા માટે નહિ? તમે એને બાપાશ્રીના હેતવાળા કહો છો તો આજ્ઞા ઉપાસનાથી બદ્ધ છે. વચનબદ્ધ છે. તે અબજીબાપાશ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્યસ્વરૂપ અનાદિ મહામુક્તરાજ હતા. એમાં કોઈને શંકા થઈ શકે એમ નથી. કોઈ કહી શકે એમ નથી. કોઈ જીવ પ્રાણી માત્ર કે બુદ્ધિ જન્ય માણસની તાકાત નથી કે એમ કહી શકે કે સત્ય સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ નહોતા. જો એમ કહેવાની હિંમત હોય તો મારી પાસે આવી શકે છે. કારણ કે હું અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનો શિષ્ય છું કે જેના થકી મને ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા. તો ભગવાન ઓળખાવે એ કોણ? તો એવા મહામુક્તરાજનું નામ લેતાં જો પેટમાં દુ:ખતું હોય તો દુ:ખવા દો. જેથી બગાડ નીકળી જાય. બગાડ તો કાઢવો જોઈએ ને? રેચ લઈને પણ કાઢવો પડે. નહિતર તો હેરાન કરી મૂકે જો મળ ન કાઢે તો. ત્યારે યાદ રાખીએ કે સત્ય વસ્તુમાં કોઈ દિવસ મૂંઝાઈએ નહિ. કદાચ સત્યનું કોઈ અપમાન કરે તો એ એનું અપમાન છે. સત્યનું અપમાન નહિ, પણ તમારું પોતાનું જ અપમાન છે. એમાં મારે શા માટે અફસોસ કરવો જોઈએ. કારણ કે તમારું જ અપમાન છે.
એ એક વાત પૂરી કરી. હવે આપણે સત્સંગમાં રહીને શ્રીજીમહારાજની મૂર્તિ મેળવવી. બાપાશ્રીએ શું આપ્યું? શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાના આશીર્વાદ આપ્યા. બાપાશ્રીએ મહારાજની મૂર્તિ બતાવી. આટલું કામ કર્યું. ત્યારે એમનું નામ બોલીને આપણને ગૌરવ થવું જોઈએ બરાબર? જરાય ગભરાવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે તો સત્યની સ્થાપના કરી છે. એની ક્યાં ફીકર છે. અસત્ય ચાલ્યું જશે, પણ એક વાત યાદ રાખવી કે આપણો દાસત્વભાવ અને વિનય જાળવીને સિદ્ધાંતની વાત મક્કમ રીતે કહેવી. એમાં દિવ્ય ખુમારી જોઈએ. એમાં અહ્મભાવ કે પોતાપણું જોઈએ નહિ, પણ મક્કમતા હોવી જોઈએ. સિદ્ધાંતની વાત કરતાં ડરીએ તો સહજાનંદી સિંહ કહેવાઈએ? કદી નહિ. ત્યારે સહજાનંદી સિંહ થવું હશે તો ભગવાન સ્વામિનારાયણ અને એમના અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી જેવા મહામુક્તોએ જે વાતો કરી હોય એ દરેકને કહીને એ સાધુરૂપ થઈ જાય એવું કરવું પડેને? ત્યારે સાધુ તો ત્યારે જ થવાય જ્યારે મહારાજની મૂર્તિ સ્થપાઈ જાય.
જીતુભાઈએ મૂર્તિની વાત કરીને કે એકડો-બગડો તો બ્રહ્મ થયે નહિ ચાલે. બ્રહ્મરૂપ તો થવું પડેને? એ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને ઓળખવા. એ વાત આજે થઈ. આજે તો ઘણી સારી વાતો થઈ. કોઈએ કહ્યું કે આજે તો કાળ-ઝાળ જેવી ગરમી છે ભાઈ! મેં કહ્યું, ભાઈ, ગરમી ભલે એવી હોય, શીતળ શાંત છે તેજની ઉપમા નવ દેવાય. શ્રીજીમહારાજની મૂર્તિની આ દિવ્ય સભા છે. ત્યાં તો શીતળતા જ હોય ને! ત્યાં વળી ગરમી કેવી? જુઓ ગરમી છે છતાં કોઈએ ગરમીને ગણી? આખી સભા અહીંયા શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ ભોગવે છે. આજે ઘણો સમય થયો થોડી સ્પષ્ટતા પણ થઈ.
જય સ્વામિનારાયણ
સારાંશ
આપણે સૌએ સાચા આજ્ઞા અને ઉપાસનાના પાલક થવું. એવું થવા અનાદિ મુક્તરાજ બાપાશ્રીને ઓળખવા પડે, જાણવા પડે.
દિવ્ય એટલે સંપૂર્ણ સત્ય. સત્ય કહેવામાં ગભરાવું નહિ પણ એને વ્યવસ્થિત રીતે સમજાવતાં આવડવું જોઈએ. બાપાશ્રીએ સમજાવેલ સંપૂર્ણ સત્યજ્ઞાન એવી રીતે સમજાવવું કે તેના બે ઉત્તર હોઈ શકે જ નહિ. સત્સંગમાં રહીને સત્ય વાત કહેવી, કે અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્ય સ્વરૂપ અનાદિમુક્ત હતા. સત્ય બોલવામાં દાસત્વભાવ અને વિનય ચાલ્યા જવા ન જોઈએ. દિવ્ય ખુમારી રાખવી. અહંકાર નહિ, પણ મક્કમતા રાખી વાત કહેવી.