22
શ્રીજીમહારાજે મૂર્તિમાં રસબસ જોડી દે તેવો બ્રહ્મયજ્ઞ આપણી પાસે કરાવ્યો. એ બતાવે છે કે પોતે સારીયે અનાદિમુક્તની સભા કરી પ્રત્યક્ષ બિરાજે છે, નહિતર આવો દિવ્યાનંદ ક્યાંથી હોય? મહારાજે કૃપા કરીને એવા આશીર્વાદ આપણા ઉપર વરસાવ્યા છે. પરમ દયાળુ મહા અનાદિમુક્ત બાપાશ્રીએ આપણને શ્રીહરિની દિવ્ય મૂર્તિમાં વગર સાધને જોડી દીધા છે. ભગવાનના સંકલ્પથી પોતે કૃપાસાધ્ય બન્યા. પોતે શ્રીજીમહારાજના સંકલ્પથી પધારેલા અનાદિ મહામુક્તરાજ હતા એટલે તેઓ શ્રીહરિના સંકલ્પ અવતાર કહેવાયા. મહારાજના સંકલ્પ અવતાર શું ન કરી શકે? જીવ ઉપર દૃષ્ટિ કરે એ ભેગા આવરણો ભેદાઈ જાય. અને મહારાજની મૂર્તિનું સુખ આવવા માંડે. એવી કૃપા આપણા ઉપર વરસાવી ભગવાને મોટી દયા કરી કે આપણા સૌ માટે, આપણા સત્સંગ માટે પરમકૃપાળુ બાપાશ્રીને મોકલ્યા એ કાંઈ થોડી વાત નથી.
અહીંયા એક વાત સ્પષ્ટ કરું. છત્રીએ કરી હતી. અહીંયા ફરી કરું છું. બધાની સમજણ માટે એ ખૂબ જરૂરી છે. સત્સંગમાં એક અણસમજણ પ્રવર્તે છે. છત્રી બાપાશ્રીની દિવ્ય તપોભૂમિ છે. એ ભૂમિ ઉપર શ્રીજીમહારાજ આઠ વખત પધારેલા. અને ત્યાં કૃષ્ણ સરોવર કરીને તલાવડી છે. શ્રીજીમહારાજે એ સ્થાને સંતોએ સહિત એ તલાવડીમાં સ્નાન કરીને, એ સ્થાને બિરાજીને મૂર્તિ સંબંધી વાતો કરી હતી. એ પ્રસાદીના સ્થાનમાં બાપાશ્રીની સ્મૃતિરૂપ એક મોટું સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બંધાયું છે. એ સ્મૃતિ સ્થાન છે. ચિત્તને આકર્ષી લે તેવી સ્વામિનારાયણ ભગવાનની સરસ મનોહર મૂર્તિઓ ત્યાં પધરાવેલી છે. એ મૂર્તિના દર્શન કરતાં હર કોઈ ભક્તજનને એ મૂર્તિમાં ખેંચાણ થાય છે. બાપાશ્રીના દિવ્ય સ્મૃતિરૂપ એ સ્થાનમાં અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીની પ્રતિમા પણ પધરાવી છે. સત્સંગમાં જૂની ગ્રંથિને લઈને, જૂની પ્રણાલિકાની બહુ સમજ નહિ હોવાથી ગરબડ પેદા થઈ છે. મન એ એવું ખરાબ છે કે એકવાર એમાં એક વસ્તુ ઘૂસી જાય તો એને બહાર કાઢવી બહુ કઠણ પડે છે. ઘણીવાર તો વર્ષો જતા રહે. કોઈને એમ સંકલ્પ થાય કે શ્રીજીમહારાજના પડખે અનાદિ મુક્તરાજની મૂર્તિનું સ્થાપન કે પધરાવવી શા માટે જોઈએ? હું એમ કહું છું કે એ ખાસ જરૂરી છે. જો ભગવાનના સંકલ્પથી કોઈ મુક્ત પૃથ્વી ઉપર પધારે અને એમના સમાગમમાં આવ્યા હોય તેઓ શ્રીજીમહારાજની પડખે અનાદિમુક્તની મૂર્તિ પધરાવે એમાં હું કોઈ જાતનું ખોટું નથી જોતો. ભારતની સંસ્કૃતિ પ્રમાણે સીતા-રામ, રામ-લક્ષ્મણ-સીતા. લક્ષ્મણજી અને સીતાજી એ ભગવાન નથી એ સેવક છે. એ બંને માટે આપણે એમ કહી દઈએ કે આખા ભારતમાં સીતાજી અને લક્ષ્મણજીને સેવક તરીકે રામચંદ્રજી પાસે નહિ પધરાવો. તો ચાલશે ખરું? નહિ ચાલે. મહારાજ અને તેમના અનાદિમુક્ત હંમેશાં સાથે હોય છે. અનાદિમુક્ત પાસેથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સુધી લઈ જઈ અને જોડી દે છે તેવી પ્રેરણા મળે છે તો શા માટે નહિ લેવી? સીતાજી પાસે શું મળે છે? દિવ્ય પ્રેરણા મળે છે. રાધાજી અને લક્ષ્મીજી પાસેથી પણ દિવ્ય પ્રેરણા મળે છે. એ કંઈ થોડા ભગવાન છે?
કૃષ્ણ અવતાર એ સૌથી મોટો અવતાર છે, પણ સાથે રાધાજી ન હોય તો ખોટ લાગે છે, ખામી લાગે છે. અત્યારે બધી જગ્યાએ જુઓ રાધા અને કૃષ્ણ. રાધાજી તો ઊભા જ હોય. કોઈ એવી ભૂલ નથી કાઢતું કે રાધાજીને ન પધરાવાય.
મહારાજના અનાદિમુક્ત જેને મૂર્તિમાંથી ભગવાને પ્રગટ કર્યા. પોતાની દિવ્ય સ્વરૂપવાળી મૂર્તિના સ્વરૂપને સમજાવાને માટે. તેઓ એક મૂર્તિ પાસે ખાલી ઊભા રહે તો મગજમાં ગરબડ થાય. અને એમ થાય કે ઉપાસના ભંગ થયો. આ કંઈ બુદ્ધિ છે? ભણેલા-ગણેલાઓ, પીએચ.ડી. થયેલાઓ પણ આ ગ્રંથિથી પીડાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આવા દિવ્ય મુક્તો પધરાવી શકાય. પાછા એની દલીલ શું કરે છે એ ખબર છે? એમના સેવકની મૂર્તિ પધરાવેને તો ઉપાસના ભંગ થઈ જાય. અનાદિમુક્ત સેવક કહેવાય અને મહારાજ સ્વામી કહેવાય. તો રામચંદ્રજી સાથે સીતાજીને રાખ્યા તો તુલસીદાસજીની ઉપાસના ક્યાં રહી? તો પેલાને કહોને? આ વૈજ્ઞાનિક સાદું-સીધું સત્ય સમજ્યા વગર સત્સંગમાં ગરબડ ઊભી કરે. અને એ ભગવાનની મૂર્તિનું સુખ ન આવવા દે. મને ખબર નથી પડતી કે આ વૈજ્ઞાનિક યુગમાં આવી ગેરસમજ કેમ ચાલે છે? શું મગજ જડ થઈ ગયા છે? બોલો? વાત ખોટી હોય તો જવાબ આપો.
એક જણે મને એમ કહ્યું કે બધાય પોતાના ગુરુને ભગવાન સાથે મૂકી દે. ત્યારે હજારો વર્ષ થઈ ગયા છતાં રાધાજી અને લક્ષ્મીજીની જગ્યાએ બીજા કોઈ ગુરુને પધરાવ્યા? અરે એવા મામૂલી ગુરુને કોઈ પધરાવતું હશે? જરાક તો વૈજ્ઞાનિક રીતે સમજીએ. અરે એક જરા અભણ હોય એ પણ ન પધરાવે. જેનામાં માલ ન હોય એવા ગુરુને બેસાડી દે કોઈ? એ તો જે ભગવાનના સંકલ્પથી પધાર્યા હોય એ મહારાજ પાસે ઊભા રહે. અને દિવ્ય પ્રેરણા આપે એ શા માટે ન લેવી? આ તો ભારતની સંસ્કૃતિ છે એમાં ઉપાસના ક્યાં જતી રહી? ઉપાસનાનો અર્થ પણ ખબર ન હોય એવા ગતાગમ વગરના હોય છે. ઉપાસના કોને કહેવાય? નિશાન ચૂકવું નહિ અને મુકામ મુકવો નહિ. નિશાન એટલે આજ્ઞાઓ ચૂકવી નહિ અને મુકામ કહેતા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ. એ મુકામ એક જ રહે. પછી કોઈ આજ્ઞા કે ઉપાસનાનો ભંગ થયો કહેવાય?
એમ અનાદિમુક્ત તો મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિમાં લીન થઈ જાય છે. પછી ઉપાસ્ય મૂર્તિ તો એક શ્રીહરિ જ રહે છે. ક્યાં ઉપાસના ભંગ થઈ? શું ઉપાસના? અરે ધ્યાનમાં પૂરી મૂર્તિ ન દેખતા હોય અને ઉપાસના-ઉપાસનાની ખોટી માથાકૂટ કરતા હોય. એક પાંચ મિનિટ જો મૂર્તિ નખ-શીખા જોવી હોય તો પણ શક્ય બનતું નથી. અને સમજ્યા વગરની ઉપાસનાના મોટા થોથાની વાતો કરે. એક ને એક બે જેવી વાત હોય તેમાં આમ ચાળા કરે, આમ ચૂંથણા કરે તેમાં કશું જ ઠેકાણું હોય નહિ. મને નવાઈ લાગે છે કે મેં જ્યારે આવી વાત કરી ત્યારે એક લાખ માણસની મેદનીમાંથી એક પણ જણે વિરોધ ન કર્યો. એનો અર્થ તો એ થયો કે એ પાછળથી ગરબડ કરે છે. કારણ કે, એકવાર મગજમાં ગ્રંથિ પડી ગઈ હોય ને એ કાઢે તો નાના દેખાય. કે ભાઈ હવે કાઢીશ તો એમાં પ્રતિષ્ઠા નહિ રહે. એટલે પકડ્યું ઠૂંઠું મૂકે જ નહિ.
હવે એક વાત કરું. આ દિવ્ય સભા છે. એમાં આખા ભારતમાંથી કોઈ પણને પ્રશ્ન પૂછવો હોય તો પૂછે કે આમાં કોઈ ઉપાસના ભંગ છે? ચાલો, આપણા શાસ્ત્રોમાં પણ છે. વૈજ્ઞાનિક રીતે એક વત્તા એક બરાબર બે, નહિ કે ચાર. એવી જ વાત કરવી. એવી જ ન કરીએ? તો પછી શાસ્ત્રોના ચૂંથણા કરવા જ ન પડે. એવા ભગવાનના અનાદિમુક્ત આ પૃથ્વી ઉપર કોઈ યુગમાં એકાદવાર જ આવે. બાપાશ્રી શું કહેતા કે મહારાજ અમને જે બ્રહ્માંડમાં મોકલે ત્યાં જઈને અમે મહારાજની સર્વોપરીતાનો ડંકો વગાડીએ છીએ. સર્વોપરીનો ડંકો વગાડવો સહેલો છે? ત્યારે એ કામ પોતે કર્યું. ભગવાનની જેમ આપણા ઉપર કૃપા વરસાવી. ભગવાને જે કાર્ય એમણે સોપ્યું તે એમણે પાર ઊતાર્યું. તો એ અનાદિમુક્તનું સ્વરૂપ સાથે રહે. જેમ રામ-લક્ષ્મણ અને સીતાજી શોભે છે. અવરભાવની દૃષ્ટિએ કહીએ તો એ બે ન હોય તો ખોટ જણાય છે અને પરભાવની દૃષ્ટિએ સર્વ સેવકો ભગવાનને લઈને શોભે છે.
ભગવાન એમ કહે છે કે મારા મુકતો એ મારો શણગાર છે, આભૂષણ છે. એમના લીધે તો હું શોભું છું. આવી પ્રેમ વર્ષા કરે છે. પોતાના મુક્ત કેટલા વહાલા છે વિચાર કરીએ. અને એમ કહ્યું, 'સંત તે સ્વયં હરિ'. એ સંત તો સેવક છે. એમ કેવું સરસ વહાલ બતાવ્યું. સંત તે હું ને હું તે સંત. આવું ભગવાન બોલે છે. ભગવાન સાથે રસબસ થઈ જવાય ત્યારે ભગવાનની વાણી સમજાય. તો બાપાશ્રીની મૂર્તિ ત્યાં પધરાવી છે એ મારી દૃષ્ટિએ અને ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ બિલકુલ ઉચિત છે. એનો શું વાંધો છે? જ્યારે ત્યારે આ જડતા કાઢવી પડશે. મૂર્તિ મુખ્ય આવવી જોઈએ. પછી ક્યાં રહ્યું? જો ચૈતન્યમાં શ્રીજીમહારાજ સિવાય બીજું કાંઈ ન હોય તો ઉપાસના ભંગ કહેવાય ખરો? બોલો? ના. નથી. ચૈતન્યમાં એક શ્રીહરિની મૂર્તિ ધર્મ-ભક્તિના પુત્રની જ રહેવી જોઈએ.
મહારાજ તો એમ કહેતા હતા કે અમે તો કોઈના પુત્ર નથી. અમે કોઈના બાપ નથી. છતાં અવરભાવની દૃષ્ટિએ એમ કહેવાય કે ધર્મ - ભક્તિ સૂત શ્રીહરિ. એ મૂર્તિ જ ચૈતન્યમાં પધરાવવી. બાપાએ કહ્યું છે, શ્રીહરિની મૂર્તિ એ આપણો મુકામ છે. અક્ષર કોટી સુધી કોઈ મુકામ નથી. એમાં રહેતા જ નથી. એવા આશીર્વાદ આપી દીધા. હવે એ દિવ્ય સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ મહારાજ સાથે રાધાજી-કૃષ્ણની જેમ માને તો કેટલું સારું! તો આ ખોટી સમજણ સારા ય સત્સંગમાંથી કાઢવાની જરૂર છે. અને એવી માથાકૂટ કરે છે કે આ ગ્રંથ આમ છે તેમ છે. વચનામૃતનું નાંકુ સમજતાં ન આવડતું હોય. એક વચનામૃત વાંચીને પૂછીએ તમે કાંઈ સમજ્યા? તો એવી વાત કરે કે... હમણાં એક વાત ન કરી એક સાધુ આવ્યા હતા. આવી વાતો કરે. એટલે ભગવાન અને ભગવાનના અનાદિમુક્તનો વિરોધ કરતા પહેલાં સો ગરણે પાણી ગાળવું જોઈએ. નહિતર ક્યાંથી થાય? આવડા મોટા મુક્તનો સહેજ પણ અપરાધ થઈ જાય તો મોક્ષનું દ્વાર બંધ થઈ જાય. મૂર્તિ દેખાય જ નહિ.
ગોપાળાનંદ સ્વામીના મોટામાં મોટા એક શિષ્યએ મહાનુભાવાનંદ સ્વામી વિશે સંકલ્પ કર્યો, સ્વામીને વિશે આમ છે, તેમ છે એવું બોલ્યા હતા, તો મૂર્તિ જતી રહી. અંધકાર છવાયો. એ તો જ્યારે એણે મહાનુભાવાનંદ સ્વામી પાસે જઈ ક્ષમા માંગી ત્યારે પાર આવ્યો અને અંતરમાં મહારાજ દેખાયા. કેટલાક પંડિતો એવા હોય કે પોતાના વર્તમાનમાંય ઠેકાણાં ન હોય. આજ્ઞા એક પણ સરખી પાળતા ન હોય. અંતર્વૃત્તિનું તો ઠેકાણું ન હોય. શાસ્ત્રો ભેગા કરીને વાંચે અને બેઠા-બેઠા ગોખેલી વાતો કરે. એવી ગોખેલી હોય કે માથું જ ભમાવી મૂકે. મૂર્તિ તો ક્યાંય રહી જાય. કોઈ દિવસ પંડિતોની વાતો ન સાંભળવી હોં! કારણ કે નવરા બેઠા આ જ ધંધો કરે. એમાંથી થોડું લે ને આમાંથી લે ને પછી ભેગું કરે. આમ જોડે ને આમ જોડે ને એવું માથું ફેરવે કે વાત મૂકી દો. માટે ભગવાને કહ્યું કે હું પંડિતોથી પચાસગાઉ દૂર છું અને વિશ્વાસીને શીશ છું. એટલે વિશ્વાસીને ભગવાન અને ભગવાનના સ્વરૂપને વિશે સંકલ્પ થતો નથી. તો વિશ્વાસીને ભગવાન અને ભગવાનના અનાદિમુક્તને વિશે કોઈ જ સંકલ્પ થતો નથી એ વિશ્વાસી કહેવાય. સંશય રહિત. ગરબડમાં સુખ આવે? કેવી રીતે આવે કહો? ગરબડ ચાલતી હોય તો સુખ આવે? મનની સ્થિરતા થાય નહિ. આખો દિવસ આ જ વિચાર કરે કે કેમ ખંડન કરવું, કેમ આમ કરવું ને કેમ તેમ કરવું. એવું શોધી કાઢે કે વાત મૂકી દો.
એક જણ ભગવત્સ્વરૂપદાસજી સ્વામી પાસે આવ્યો. તેણે આવડું મોટું લીસ્ટ ધર્યું કે આટલા વાંધા છે. સ્વામીએ મને કહ્યું કે હું ધ્યાન કરું છું ને તમે એને જવાબ આપો. મહારાજ તમારી સાથે છે. એને ઓરડામાં બેસાડ્યા. પછી મેં એમને કહ્યું કે હું જવાબ આપું એની સામે તમે ઉત્તર ન કરી શકો તો મારી વાત માન્ય રાખવી બરાબર છે? તો કહે, હા બરાબર છે, એનો જવાબ ટૂંકામાં ટૂંકો આપું પછી એ મૌન સેવે. જ્યારે એને કેટલું ય કહેવું હતું. પછી કહે હા મહારાજ. એમ ઓગણીસ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં જ આપ્યા.
એક વત્તા એક બરાબર બે જેવી વસ્તુ છે. બોલો. અત્યારે હાળું આવું બધું ચાલે છે. પ્રશ્નો ખુશીથી પૂછવા. છૂટ છે, પણ ગ્રંથિ કાઢવા માટે. મારો સમય કાંઈ બગાડવા માટે નથી. અહીં કંઈ કોઈ ગામ ગપાટા કે ખોટી ચર્ચા કરી અને સમય બગાડવા માટે થોડા છીએ? જો જવાબ બરાબર લાગે અને એને આચરણમાં મૂકવો હોય તો શ્રીજીમહારાજની સાક્ષીએ પ્રશ્ન પૂછવા આવવું. નહિતર ન આવવું. ભગવાન અને ભગવાનના મુક્તોને એવો સમય નથી કે જે તમારા માટે ફાળવ્યા જ કરે. તમારી શું પડી છે? તમારે એમની પડી છે. એક વાત સ્પષ્ટ કર્યા પછી તમે જ્યાં જાવ ત્યાં જો ગેરસમજ ચાલતી હોય તો એ વાત સ્પષ્ટ કરો.
ગયા વખતે કહેલું કે પ્રશ્નો હોય તો કહેજો તો આ ત્રણ-ચાર પ્રશ્નો આવ્યા છે. એ પ્રશ્નો મૂર્તિ સંબંધી છે. સારા પ્રશ્નો છે. મારો કંઠ હવે બરાબર ચાલતો નથી. છતાં કોઈ કામ માટે ભગવાન થોડીવાર ચલાવે છે. પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો કર્યો છે કે પહેલેથી તમારા સ્વાનુભવો કહો તો સૌને લાભ થાય. એ તો શુભ છે, પરંતુ મારે પણ ધર્મસંકટ હોય ને? શું ધર્મસંકટ? મારું મર્યાદિત અંગ છે. જો સ્વાનુભવો કહું તો મર્યાદાના અંગનો લોપ થાય. એ સ્વાનુભવમાં કોઈવાર આત્મપ્રશંસા જેવું બીજાને લાગે તો શિક્ષાપત્રીનું વચન લોપાય. સ્વાનુભવો પૂછવા એ સારી વાત છે, પણ મારા માટે ધર્મસંકટ. એટલે પ્રશ્ન કરનાર એવો આગ્રહ ન રાખે એમ હું ઇચ્છું છું. ટૂંકમાં આપણા સૌનો સ્વાનુભવ શું છે? મહારાજની મૂર્તિ. એમ મારો પણ અનુભવ મહારાજની મૂર્તિ. જેમ તમારો એવો મારો. તો સ્વાનુભવ થઈ ગયો ને? તો આપણા સૌનો એક જ સ્વાનુભવ પરમ કૃપાળુ શ્રીહરિના દિવ્ય સ્વરૂપની મૂર્તિ.
બીજા એક પ્રશ્નમાં પ્રશ્નકર્તા એમ કહેવા માંગે છે કે વાહનમાં બ્રેક મારે ત્યારે આપોઆપ પગ પડી જાય છે. તો મૂર્તિમાં આપોઆપ કેમ એવું નથી થઈ જતું? વાહન હંકારે એને ચલાવવામાં બરાબર પ્રભુત્વ આવી ગયું હોય. આંખો મીંચીને પકડે તો પણ ગાડી સરસ ચલાવે. એણે એટલો બધો મહાવરો કર્યો હોય કે કુદરતી રીતે જ કોઈ આડું આવે તો બ્રેક પડી જાય. એમ મહારાજની મૂર્તિનો એવો અભ્યાસ નિરંતર થયા કરે, ચાલુ રાખે તો સહજ થઈ જાય. જેમ બ્રેક ઉપર પગ પડી જાય, તેમ સહજ જ મૂર્તિ ન ભૂલાય. અરે ભૂલે તો પણ ન ભૂલાય. એવું થઈ જાય. એ નિરંતર અભ્યાસ 18 વર્ષ સુધી કરો જોઈએ ચાલો. થયા વગર રહે ખરો? થાય જ. તો આ પ્રશ્નકારને મૂર્તિ દેખાય છે, એનો અર્થ એ કે એણે મૂર્તિ દૃઢ કરી છે ખરી. ખરેખર જો એમ હોય તો હવે એ દૃઢ કરતાં વાર નહિ લાગે. હવે નિરંતર અભ્યાસથી કીર્તનગાન ચાલુ રાખે અને ગોપીની જેમ, ગોપી કોણ? નંદ સંતો. એની જેમ ભગવાનની મૂર્તિમાં પ્રેમમગ્ન થઈ જાય તો મૂર્તિ ન ભૂલાય. પછી તો આપોઆપ જેમ બ્રેક ઉપર કન્ટ્રોલ હોય એમ આપોઆપ દેખાયા જ કરે. ગમે તેવું કામનું ભારણ હોય તો તેને તે ન લાગે.
હવે એવું લાગવા માટે એ ભાઈને બે મૂંઝવણ છે. ઊભી - બેઠી ગમે તે એક મૂર્તિને સન્મુખ જુએ છે. ઊભી એટલે ઊભી જ મૂર્તિ દેખાય. એક વૃત્તિ કામમાં રાખે છે અને બીજી વૃત્તિ મહારાજની સામે રાખે છે. હવે બે વૃત્તિએ કામ કરે એ ગાડું કેટલું આગળ ચાલે? ભૂલી જ જાયને? એક વૃત્તિ જ્યારે કામના ભારણમાં બરાબર પરોવાય, એટલે મૂર્તિ સામેની વૃત્તિ બંધ થઈ જાય. એ કુદરતી છે. એ બંધ ન થાય એટલા માટે બાપાશ્રીએ પ્રતિલોમ ધ્યાનની લટક શીખવી. શું શીખવ્યું? મહારાજે જે શીખવ્યું એ બાપાશ્રી સ્પષ્ટ કરે છે. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આકારે રહિત વર્તો. ત્યારે બધા સંતોને એમ થઈ ગયું કે, આ મહારાજે નિરાકારની વાત કરી નાંખી! અરે ભાઈ, નિરાકારની વાત નથી કરી. સ્વામીને જ્યારે પ્રશ્ન પૂછ્યો. ત્યારે સ્વામીએ એમ કહ્યું કે આકાર રહિત વર્તો. એનો અર્થ એ છે કે આ તમારા દેહનો આકાર ભૂલી જાઓ અને એક મારો જ આકાર યાદ રાખો. તો આ દેહ છે એ ભૂલી જઈએ અને મહારાજ બિરાજે છે. મૂર્તિ અહીં ન દેખાય? એમ દેહમાં રહીને ચૈતન્ય કામ કરે છે કે સામે ઊભા રહીને કામ કરે છે કહો? દેહમાં રહીને કામ કરે છે. એમ મહારાજની મૂર્તિમાં ચૈતન્ય જ્યારે ભાગવતીતનુ, ભગવાનના આકારે આકાર. વચનામૃતમાં લખે છે ને પોતાનો આકાર આપી દે છે. ભગવાનના આકારે થાય, એ દિવ્ય સ્વરૂપમાં આપણે રહી જવું. અંદર રહીને મહારાજને બધી જ ક્રિયા કરતા જુઓ તો પછી આમ (સન્મુખ) જોવાનું ન રહે. પછી આમ જ કાર્ય (પ્રતિલોમપણે) બરાબર થાય કે નહિ કહો? થાય જ. અરે! મહારાજ કરે છે. હાથ એનો, મસ્તક એનું, આંખ બધું જ એનું થઈ ગયું. અંદર રહીને જોવાનું. પછી ક્યાં કામનું ભારણ એને રોકી શકે? એનો નિરંતર અભ્યાસ કરો. જેમ આમ બેઠી મૂર્તિ બેઠી રહે છે એવું છે? એ તો દિવ્ય કર્તા થઈ બધું જ કરે છે. આપણી જે જે ક્રિયા હોય એ બધી કરે છે. જણ - જણ પ્રત્યે ક્રિયા કરે છે એ બધી એની છે. બોલવું - ચાલવું કરે તો ય એ, બીજી બાજુ હાથ નમે તો એ. અરે એ તો બધું જ કરે, પણ દિવ્યભાવમાં એનો આનંદ ઔર હોય છે. પરંતુ એ જ આનંદને પામવાને માટે આ પ્રતિલોમ ધ્યાનની રીત, એ જો કરીએ આ (દેહનો) આકાર ભૂલી જઈ આ (દેહના) આકારની જગ્યાએ મહારાજનો આકાર ખડો કરી દઈએ અને મૂર્તિ સાથે જોડાઈ જઈએ તો બ્રેક ને બ્રેક એવું બધું કાંઈ ન થાય. એ તો આપોઆપ બધું થાય.
સારાંશ
ભગવાને આપણા સૌ પર દયા કરી, આપણા સૌના આવરણો હટાવવાને માટે તેમના સંકલ્પસ્વરૂપ બાપાશ્રીને આપણી વચમાં મોકલ્યા. ભગવાનના અનાદિમુક્ત પાસેથી આપણને મૂર્તિ સુધી પહોંચવાની પ્રેરણા મળે છે, આશીર્વાદ મળે છે. માટે જ તેઓ ભગવાનની બાજુમાં ઊભા છે. તેમાં કાંઈ ખોટું નથી. અનાદિમુક્તને વિશે સહેજ પણ સંકલ્પ થઈ જાય તો અપરાધ થઈ જાય. મોક્ષના દ્વાર બંધ થઈ જાય. મૂર્તિ ન દેખાય. ભગવાન અને ભગવાનના અનાદિમુક્તમાં વિશ્વાસ રાખવો. તો કામ થઈ જાય. પોતાની અણસમજ દૂર કરવા અનાદિમુક્તને ચોક્કસ પ્રશ્ન પૂછાય, પણ અમસ્તા જ પ્રશ્નો પૂછી તેમનો અને પોતાનો સમય બગાડવો નહિ.
ઉપાસના એટલે આજ્ઞાઓ એક પણ ચૂકવી નહિ અને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ રહે નહિ એ ઉપાસના. ભગવાન સાથે રસબસ થઈ જવાય ત્યારે જ ભગવાનની વાણી સમજાય. ભગવાનની મૂર્તિ ધારવાનો નિરંતર અભ્યાસ કરે તો મૂર્તિ દેખાવી સહજ બની જાય. દરેક કાર્યમાં તે દેખાય એવી દૃઢ થઈ જાય. ત્યાર પછી કામનું ભારણ ન લાગે. વૃત્તિ સદાય મૂર્તિમાં રહે તે માટે પ્રતિલોમ ધ્યાન કરવું. અને એમ થતાં આપણામાં રહી બધી ક્રિયા મહારાજ કરે છે, એવું અનુભવાય.