9

0:000:00

શ્રીજીમહારાજે આ ભારત ભૂમિ ઉપર દર્શન આપીને સારાય વિશ્વને ન્યાલ કરી દીધું. પ્રભુએ અનેક લીલા કરી અદ્‌ભુત વન વિચરણ કર્યું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ ચારે દિશામાં પદયાત્રા કરીને વિચરણ કર્યું. એ વિચરણ અદ્‌ભુત અને અદ્વિતીય છે. સારાય ભારતમાં કેમ વિચરણ કર્યું? એટલા માટે કે ભૂમિને મહાપ્રસાદીની કરીને એ ભૂમિ દ્વારા પોતાના દિવ્ય સંકલ્પ ચારે દિશામાં પ્રસરાવ્યા. ભારત ભૂમિના ચારે ખૂણા ઉપર અવકાશમાં ઊંચે જઈને જો કોઈ દૃષ્ટિ કરે તો સા....રા ય વિશ્વના જે દેશો છે તે એકી સાથે જોઈ શકે. ભગવાને એવી દૃષ્ટિ કરી કે સા...રી ભૂમિને પ્રસાદીની બનાવી દીધી. એ પ્રસાદીની ભૂમિમાં કોઈ જીવને બાકી રાખ્યો નથી. બધામાં એ દૃષ્ટિ પડતાં બીજબળ તો વવાઈ ગયું, પણ જેવી ભૂમિ ફળદ્રુપ હોય તેવી રીતે એ બીજબળ ઊગે. બહુ સારી ફળદ્રુપ ભૂમિ હોય તો જલદી બીજબળ ઊગે અને જો ફળદ્રુપ વધારે ન હોય તો એ બીજબળ અંદર પડ્યું રહે. વખત આવ્યે સંતપુરુષો દ્વારા જ્યારે ભગવાન એ બીજબળને વધારે બળવત્તર બનાવે અને પોતાની દિવ્ય વાણી કે પોતાની કૃપા વરસાવે એ રૂપી જે દિવ્ય ખાતર એ ચૈતન્યમાં પડે ત્યારે પાછું એ બીજબળ વધવા માંડે.

ઉત્ક્રાંતિની ક્રિયા કરવા માટે શ્રીજીમહારાજે ત્રણ પ્રક્રિયાઓ ઊભી કરી દીધીઃ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. આ ત્રણ સ્થિતિ દ્વારા ઉત્ક્રાંતિ કરતાં કરતાં જીવને છેક પ્રભુના સુખમાં પહોંચાડી દે છે. મૂર્તિમાં પહોંચી ગયા એટલે આત્યંતિક પ્રલય થઈ ચૂક્યો આ વાણી -આત્યંતિક કલ્યાણની વાણી અત્યાર સુધી કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં લખી છે?

પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે પોતાનું સર્વ ઐશ્વર્ય-સામર્થ્ય સાથે જ હોય, એના મુકતો પણ સાથે હોય, પરંતુ ભગવાન એ બધું ઢાંકી રાખે છે. એટલે આપણને એ જે મનુષ્ય સ્વરૂપ છે એ સીમિત લાગે છે; પણ હકીકતમાં સીમિત નથી, જેવું છે એવું જ છે. આપણી દૃષ્ટિ દિવ્ય થતાંની સાથે જ ખબર પડે છે કે ખરેખર એ અપાર, અનંત એવું એ દિવ્ય સ્વરૂપ છે.

શ્રીજીમહારાજે આપણને બાપાશ્રી દ્વારા કેવા આશીર્વાદ આપી દીધા! એ કયા આશીર્વાદ? કૃપાના આશીર્વાદ. કૃપા તુલ્ય કોઈ જ વસ્તુ નથી. કૃપા એટલે કૃપા. ભગવાનના સ્વરૂપમાં પહોંચવા માટે આ કૃપાવર્ષા વગર કોઈ શક્યતા નથી. બધા જ સાધનોનો અંત ત્યારે જ આવે છે કે જ્યારે એ કૃપા મળે. જો એ કૃપા મળે તો એ સાધન પરિપૂર્ણ થયા કહેવાય. એ કૃપામાં આપણે સર્વ બેઠા છીએ.

એકવાર એકલા પ્રેમાનંદ સ્વામી જ બેઠા હતા. બીજું કોઈ નહિ. સામે મહારાજની મૂર્તિ હતી. સ્વામી ઘણો વખત સુધી એ મૂર્તિ સમક્ષ કીર્તન ગાતા હતા. કીર્તન કરતાં કરતાં નૃત્ય કરતા હતા. Divine play! એક જણ બારીમાંથી જોતા હતા કે પ્રેમાનંદ સ્વામી શું કરે છે? આવું એકાદ કલાક સુધી જોયું. અને સ્વામીને પૂછયું કે સ્વામી! એકલા એકલા તમે શું કરો છો? તમને શું મઝા આવે છે? સ્વામી કહે કે હું ક્યાં એકલો છું? તમે એકલા છો. શ્રીજીમહારાજ ભેગા અનંત દિવ્ય મુકતો છે. જેને પ્રભુનો આ જાતનો મહિમા હોય, આટલી સમજણ હોય, તો એને કદીએ એકલાપણું લાગતું નથી. આપણે પણ કદીએ એકલવાયું ન લાગે એવી સ્થિતિ કરવી જોઈએ.

સ્વામિનારાયણ ભગવાન પરાત્પર પુરુષોત્તમ-નારાયણ એ બધામાં રહીને બોલે છે, ચાલે છે, કામ કરાવે છે; બધું જ એ કરે છે. એક જણે કહ્યું કે એ બધું જ જો ભગવાનની ઇચ્છાથી થતું હોય, તો આ પાપીઓ પાપકર્મ કરે છે એ પણ ભગવાનની ઇચ્છાથી થાય છે? આ પાપકર્મ કરે છે એ પણ મહારાજ! તમારી ઇચ્છા છે? તો મહારાજ કહે હા, મારી ઇચ્છા છે! હવે? આ કઈ જાતનું? એનો અર્થ એ બરાબર છે. કેમ બરાબર છે એ આપણે જાણીએ. કે જીવો કામકામથી શીખે, અનુભવથી શીખે એમ પાપકર્મો કરતાં કરતાં એ જીવોને પશ્ચાત્તાપ થાય છે. મહારાજ અન્વય સ્વરૂપે બધે જ વ્યાપક છે. કોઈ જીવ ઉપર એને અનાદર નથી. સરખી જ કૃપા વરસાવે છે, કૃપા ઝીલવાની ગતિ ઓછી-વત્તી હોય છે.

આ પાપકર્મો કરનારનો દાખલો આપું. જોબન પગી ચીભડાની જેમ માણસોને કાપી નાખતો હતો. ગામડાંઓમાં ખબર પડે કે જોબન આવ્યો તો ગાત્રો ઢીલાં થઈ જાય, કેટલાક તો મરી પણ જતા. એ જોબન પગી પાપનો પર્વત નહિ? તો પાપકર્મો કરનાર ઉપર મહારાજે કૃપા કરીને? પાપકર્મો કરનાર ઉપર પણ એટલી જ કૃપા કરે છે. તેમને પશ્ચાત્તાપ પોતે કરાવે છે. એની ઇચ્છાથી બધું જ થાય છે. પાપકર્મ કરવું એ સારું નથી. ભગવાનના ભક્તો પાપકર્મ નથી કરતા એટલા માટે જ એમણે પ્રભુને ઓળખ્યા. અને જે પાપકર્મ કરે છે એણે પ્રભુને નથી ઓળખ્યા. તો તેનો શું વાંક? ભગવાન! તમારો વાંક? ના. જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ-પરબ્રહ્મ અનાદિથી ચાલે છે. એ શું છે કે કેમ ચાલે છે કે ક્યાંથી જીવો આવ્યા, કેટલા પહોંચ્યા, કેટલા રહ્યા એ પ્રશ્ન જ નથી રહેતો. એનું નામ જ નેતિ નેતિ. આનું નામ જ અકળિત. પ્રભુને આપણે સાથે રાખી એના મુકતો પાસેથી સમજીએ કે સર્વ કંઈ છે એ ભગવાનની ઇચ્છાનુસાર થાય છે. ભગવાન એવું કરે છે કે પાપકર્મ કરતાં કરતાં એને એવો વિચાર આવી જાય છે કે આ હું શું કરું છું? એવું સમજે એ ભેગું જ એને જ્ઞાન થાય છે. એના પાપકર્મ ચાલ્યા જાય છે. જતાં કેટલી વાર? જોબન પગી કેટલી ઘડીમાં, કેટલી ક્ષણમાં મુકતદશાને પામ્યો? બધું જ હેઠું મૂકી દીધુંને? આ કંઈ થોડી વાત? ત્યારે, ચિંતા નહિ કરવાની. અત્યારે કળિયુગ ચાલે છે. પાપકર્મોને પોષણ નહિ કરવાનું. પાપકર્મો પ્રત્યે તિરસ્કાર કરવાનો; પણ પાપી પ્રત્યે તિરસ્કાર કરવાની મહારાજ ના પાડે છે. જો પાપી પ્રત્યે તિરસ્કાર મહારાજે કર્યો હોત, તો આ જોબન પગીનો કદીએ ઉદ્ધાર થયો ન હોત.

જો સારા ય સત્સંગ વિશે અથવા ક્યાંય પણ જો કોઈ ચૈતન્યને વિશે મનુષ્યભાવ ન આવે તો એ જીતી ગયો. માટે મહારાજે કહ્યું કે દિવ્યભાવમાં વર્તવું. દિવ્યભાવમાં વર્તવું એટલે? કોઈના પ્રત્યે તિરસ્કાર ન થાય, વેરબુદ્ધિ ન થાય, ઈર્ષ્યા ન થાય, દ્વેષ ન થાય અને એકસરખો પ્રેમ રહે એનું નામ દિવ્યભાવ. અત્યારે જગતમાં એવું કહેવાય છે કે International understanding એટલે આંતરરાષ્ટ્રિય સમજણ એટલે કે વિશ્વબંધુત્વની ભાવના કેળવવી. એ બરાબર છે. અરે! એ વિશ્વબંધુત્વની ભાવના ઘરમાં-કુટુંબમાં છે ખરી? ભાઈઓ-ભાઈઓ વચ્ચે બને નહિ, સાસુ-વહુને બને નહિ. તો આ કંઈ વિશ્વબંધુત્વની ભાવના કહેવાય? પણ જો દિવ્યભાવ કેળવીએ તો વિશ્વબંધુત્વની ભાવના આપોઆપ કેળવાઈ જાય. પેલા પરભાવમાં કેટલી એકતા છે! ત્યાં કોઈપણ જાતનો ભેદભાવ, કોઈ પણ જાતની આવી અશુદ્ધિનું અસ્તિત્વ છે?


સારાંશ

મહારાજે પગપાળા ચાલી સમગ્ર ભૂમિને પવિત્ર કરી. જેથી જીવો પાત્ર થાય. મહારાજ મનુષ્યરૂપે પ્રગટ થયા ત્યારે સામર્થ્ય તો હતું જ પણ ઢાંકીને વર્ત્યા. મહારાજ અને અનાદિમુક્તની કૃપા મળે ત્યારે બધા સાધનોનો અંત આવે. મહારાજ અને તેમના અનંત મુક્તો સદાય આપણી સાથે જ છે તેવો ભાવ કાયમ રાખવાથી એકલાપણું લાગતું નથી.

પાપીઓને જ્યારે પાપ કરતા પશ્ચાત્તાપ થાય ત્યારે તેઓ પણ મહારાજ સન્મુખ થાય છે. પશ્ચાત્તાપ પણ મહારાજ કરાવે છે. સર્વ કાંઈ ભગવાનની ઇચ્છાથી જ થાય છે. પાપ પ્રત્યે તિરસ્કાર કરવો. પાપી પ્રત્યે નહિ. વિશ્વના કોઈ પણ ચૈતન્યને વિશે મનુષ્યભાવ લાવવો નહિ.