19
આજે આ ગુરુપૂર્ણિમાના દિવસનો બ્રહ્મયજ્ઞ સૌથી મોટો ગણાય. કારણ કે પૂર્ણિમાને દિવસે ચંદ્રમા સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકાશે છે. સુખદાતા ગુરુ અને સુખભોક્તા ગુરુ. સુખદાતા ગુરુ ભગવાન સ્વામિનારાયણ, સુખભોક્તા ગુરુ એમની મૂર્તિમાં રહેલા મહા અનાદિમુક્તો. ગુરુપૂર્ણિમાને દિવસે મહારાજની મૂર્તિના સુખભોક્તા એવા આપણા સમર્થ સદ્ગુરુ મોટા સ્વામીશ્રીએ આપણને પરમ કૃપાળુ બાપાશ્રીએ મૂર્તિમાં રાખ્યાના જે આશીર્વાદ આપ્યા તેની દિવ્ય સ્મૃતિ કરાવી દીધી. અને એમણે કહી દીધું કે આ આશીર્વાદ અફર છે. એ આશીર્વાદમાં ફેર પડે એવું નથી. બીજી વાત એમણે એમ કહી કે આપણા કરતાં બધા મોટા. આપણે સૌથી નાના. એવો ભાવ એટલા માટે કહ્યો કે દાસપણું રહે.
એક સંત હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે આવેલા. એ કહે કે શ્રીજીમહારાજના તેજ સાથે જો આપણા ચૈતન્ય-આત્માને લીન કરીએ અને ધ્યાન કરીએ તો તો ભગવાન થઈ ગયા કહેવાઈએ! આ જ્ઞાન મને ગળે નથી ઊતરતું કે તેજ સાથે ચૈતન્યની એકતા કરીએ તો તો ભગવાનના સ્વરૂપની અંદર ભરાઈ ગયા ને પોતે જ ભગવાન થઈ ગયા ને ઉપાસનાનું ખંડન થઈ ગયું. તો આ જ્ઞાન મને સમજાવો. તમે બરાબર સમજ્યા છો? જો સમજ્યા હો તો મને સમજાવી શકશો? મેં કહ્યું હા હું સમજ્યો છું. તે કહે કોઈના કહેવાથી સમજ્યા છો? ખાતરી કરી છે બરાબર? મેં કહ્યું ખાતરી કરી છે મેં. અંધશ્રદ્ધાથી નથી કર્યું.
મેં એમને પ્રશ્ન પૂછયો કે ચૈતન્ય નિરાકાર કે સાકાર? તો કહે ચૈતન્ય નિરાકાર. બરોબર. તો ચૈતન્ય ઉપરથી બધાં આવરણો જો હટી જાય, તો એ ચૈતન્ય બરાબર પ્રકાશે. ત્યારે એ ચૈતન્ય તેજરૂપ છે કે કેવો છે એ મને કહેશો? કહે એ આત્મા તો પ્રકાશરૂપ છે. અને નિરાકાર. બરાબર. હવે કહો કે શ્રીજીમહારાજ તેજોમય છે કે તેજ વગરના છે? તો કહે મહારાજ તો તેજોમય જ હોયને. તો બરાબર. ત્યારે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળે એ કેવું હોય છે? તો કહે એ તો બરાબર ખબર નથી. મેં કહ્યું, "શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય." તો એવું શીતળ શાંત તેજ કે જેની ઉપમા ન દેવાય. એ તેજ સાકાર કે નિરાકાર? તો કહે નિરાકાર. બરાબર. તે તેજ ને આ ટ્યુબલાઈટના તેજ વચ્ચે ફરક ખરો? તો કહે એ બરાબર ખ્યાલ આવતો નથી. સારું. કેમ ખ્યાલ નથી આવતો? ચોખ્ખું કહ્યું ને મહારાજે, "શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય." એવું ઉપમા ન દેવાય એવું શીતળ શાંત તેજ છે. તો આનાથી ન્યારું થયું કે નહિ? તો એ તેજ આનાથી ન્યારું છે. એના જેવું નથી. આ તેજ ભૌતિક છે, તે તેજ દિવ્ય છે.
મહારાજે કહ્યું છે કે ચૈતન્યપ્રકૃતિનો દેહ બંધાય છે. જ્યારે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય, ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર બને છે. નિરાકાર ચૈતન્ય શ્રીજીમહારાજનાં તેજરૂપ પ્રકાશ સાથે ચૈતન્યની એકતા થતા નિરાકાર ચૈતન્ય સાકાર રૂપ ધારણ કરે છે. એ સાકાર રૂપ ધારણ કરે ત્યારે એ ચૈતન્યની પાત્રતા પ્રમાણે કાં તો રાધિકાજીની જેમ સન્મુખ મહારાજની સેવામાં રહી જાય. અને જો લક્ષ્મીજીની જેમ અતિ સ્નેહ ઉત્પન્ન થાય, તો એ અંગને વિશે લીન થઈ જાય. નહિતર શ્રીજીમહારાજ સાથે તાદાત્મ્યતા કેવી રીતે કરે? ત્યારે જુઓ બાપાશ્રીએ કહ્યું કે મહારાજના તેજની સાથે ચૈતન્યની એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. એટલે એ ચૈતન્ય સાકાર બની જાય. માટે તેજરૂપ થઈ અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. મેં કહ્યું કે તમે શ્રીજીમહારાજની મૂર્તિ આંખો બંધ કરીને જ્યારે જુઓ છો ત્યારે કઈ આંખે જુઓ છો? ચૈતન્યની આંખે. ચૈતન્ય તો નિરાકાર છે, એને આંખ ક્યાં હોય? એમ ચૈતન્યમાં સાંભળવાનું, જોવાનું બધા જ ગુણો છે. એ ચૈતન્ય શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરે ત્યારે એને મહારાજની મૂર્તિમાંથી જે તેજની ધારાઓ નીકળે છે તે તેજની ધારાઓનો અવનવો અનુભવ થાય છે.
તેજ સાથે એકતા કરે ત્યારે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય. હવે એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાયો એના રૂપ, ગુણ, સામર્થ્ય બધું જ ભગવાન સ્વામિનારાયણ જેવું. તો એ સંત કહે કે જો એવું જ હોય તો એ ભગવાન ન થયા? મેં કહ્યું, ના. કેમ? કે આ ટ્યુબલાઈટ છે. તે ટ્યુબલાઈટ પાસે એક નાનો સરખો દીવડો મૂકો તો દીવડાનો પ્રકાશ એ ટ્યુબલાઈટના પ્રકાશની અંદર વિલીન થઈ જાય. ત્યારે એ દીવડાને કદીયે એમ થાય કે હું ટ્યુબલાઈટ છું? ચૈતન્ય ભગવાનરૂપ થઈ ગયો. તાદાત્મ્યને પામી ગયો. ભગવાન જેવી સામર્થી-ઐશ્વર્યને પામ્યો, પણ ભગવાન જેટલી સામર્થી નહિ. ભગવાન સુખદાતા છે અને ચૈતન્યને એ ખબર પડે છે કે હું ભગવાનનું આપેલું અપાર સુખ ભોગવું છું. તો એને કોઈ દિવસ ભગવાન થાય એવો વિચાર આવે ખરો? એક પ્રાથમિક શાળાનો નાનો બાળક હોય અને એની સામે Ph.D. ભણેલ મહાન વિદ્વાન શિક્ષક હોય તો એ બાળકને એમ થાય કે હું Ph.D. છું? એવો વિચાર આવે? એમ જે ચૈતન્ય છે એ સુખભોક્તા છે અને મહારાજ છે એ સુખદાતા છે. એને ખબર પડે છે કે મહારાજની મૂર્તિમાંથી સુખ નીકળે છે એ હું અનુભવું છું. જો એ અનુભવતા હોય તો એને એમ તો થાયને કે હું દાસ છું? અને જો ભગવાન થઈ જવાતું હોય, તો એકતા કરવાની ક્યાં જરૂર રહી? અને જો આમ થાય તો ઘણા બધા ભગવાનો ઊભા થઈ જાય.
અને જે ભગવાન નથી અને ભગવાન બને છે તે તો અજ્ઞાની છે. એને ગતિ પણ નથી. ભક્તિ કરતાં કરતાં થોડું સામર્થ્ય-ઐશ્વર્ય આવેને? તે કુદરતી છે કે આપણે ભગવાનના મંત્રનો જપ ખૂબ કરીએ તો આપણામાં પણ શક્તિ આવે. આવા ભગવાનો શું કરે છે? ભગવાનનો જપ કર્યા કરે. ખૂબ અને જપથી શક્તિ થોડીક મળે પછી એ શક્તિ કામ કરે. અને પછી આપણે વેપારી બની જઈએ! ભગવાનના સુખ તરફ આગળ વધવાને બદલે એનો વેપાર ચાલે! એટલે આગળ વધવાની વાત ન રહી. મહારાજના સુખને પામવાની વાત જ ક્યાં રહી? નકરો વેપાર જ ચાલે. એને એમ થાય કે આમાં બધું છે. પછી એ જ્યારે ભગવાનનું અનુકરણ કરે, ત્યારે મહારાજનો કુરાજીપો થાય કે તું ભગવાન નથી, દંભી થઈ ગયો. તો ભગવાન ઐશ્વર્ય-સામર્થી ખેંચી લેને? મહારાજ જો પોતે મૂકેલી શક્તિ ખેંચી લે તો કામ જ ન થાય. ત્યારે એ તંત્રવિદ્યા તરફ વળે છે. જુદા જુદા નામથી થયેલા આજના બધા જ ભગવાનો અંદર તાંત્રિક જપ કરતા હોય છે અને ચાંદલો મહારાજનો કરે! કંઠી મહારાજની પહેરે! જ્ઞાન મહારાજનું કહે! કારણ કે ઘણા ભક્તો મળી રહેને? નહિતર કોણ ભાવ પૂછે એનો? અંદર જપ જુદા ચાલતા હોય. અને એક વાત યાદ રાખીએ કે નજીકના દેવો હોય તે ઝટ પ્રાપ્ત થઈ જાય. કાળી ચૌદશને દિવસે ચોવીસ કલાક મલિન દેવના મંત્ર જપે એટલે એનામાં જાતજાતની શક્તિ આવે. કારણ કે પેલો દેવ છેને? મહારાજે દરેકને શક્તિ આપી છે. તે શક્તિના રૂપાંતર થાય છે. આ ઝીણી બાબત છે. બરાબર?
માથું ફરી જાય એવા પ્રશ્નો મને પૂછો તમે. નહિતર તમે સમજ્યા વગર જશો મારી પાસેથી. પ્રશ્નો તો પૂછવા પડે ને? ત્યારે તે સંત કહે તમે આ બધું કોની પાસેથી સમજ્યા? તો મેં કહ્યું કે મહારાજના અનાદિમુક્તો દ્વારા સમજ્યો. એવા અનાદિસંત-મુક્ત મને મળ્યા કે જેણે મને આ સમજાવી દીધું. અને વૈજ્ઞાનિક રીતે સમજ્યો, સાવધાનપૂર્વક સમજ્યો, સમજપૂર્વક સમજ્યો. મેં કહ્યું કે હું એટલો બધો આમાં સ્પષ્ટ છું - એ અનાદિમુક્તોએ મને આ વાત એટલી બધી સ્પષ્ટ કરી છે- કે તમે ગમે તેટલા પ્રશ્નો પૂછશો તો હું જવાબ આપી શકીશ. કારણ કે એમણે મને સ્પષ્ટ કહ્યું છે ને મેં બરાબર સ્પષ્ટતા મેળવી લીધી છે. આ હૉલ છે તેમાં બધી વસ્તુ છે, ફોટા છે મહારાજના અને મુક્તોના. અને એ વસ્તુઓ મેં જોઈ છે અને હું બીજાને વર્ણન કરું કે જો આટલા મહારાજના ફોટા છે, ઘનશ્યામ મહારાજના છે, એવી બીજી મૂર્તિઓ છે એવું બધું કહું. પરંતુ જેણે આ હૉલ જોયો નથી તે એવું વર્ણન કરી શકે? ન કરી શકે. ત્યારે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું સુખ જેણે જોયું છે તે જ આ વાત સમજાવી શકે. બીજા નહિ સમજાવી શકે. આપણે પણ આ વાત એટલી બધી સ્પષ્ટ રીતે સમજવી પડશે. શા માટે? કે આ જ્ઞાન એટલું બધું ઝીણું છે કે ઘણી બધી વિશાળ બુદ્ધિ હોય તો પણ વિચારમાં મૂકી દે. હજી તો ઘણા બધા પ્રશ્નો છે આમાં. એ પ્રશ્નો પૂછવા જોઈએ. તમે ઉપદેશ કરવા જાઓ ત્યાં સત્સંગી હોય, ભગવાનના જેટલા ભક્ત હોય તેની પાસે આ ચાલે. પણ મતવાદી, મોટા મોટા રજનીશજી જેવા ભગવાનો, કૃષ્ણમૂર્તિ જેવા Intelligent Giants પાસે જો આ જ્ઞાન મૂકો ત્યારે તેઓ જે પ્રશ્ન પૂછે એના જવાબ ત્યારે જ આવડે કે જ્યારે મહારાજના સુખમાં ગતિ થાય. તો જ સમજાવી શકાય. નહિતર એવા પ્રશ્ન પૂછે કે તમે ઊભા થઈ રહો. મૂંઝવી દે એવા પ્રશ્નો મને પણ ખબર છે.
આ સર્વોપરી જ્ઞાન આગળ નથી પહોંચતું એનું કારણ એ છે કે એ સમજવાની આપણને ગતિ નથી. તે સમજાવનાર અનાદિમુક્તો મહારાજની ઇચ્છાથી પ્રકાશતા નથી. એ મુક્તોને મહારાજે બાધિત રાખ્યા છે. બાધિતાનુવૃત્તિમાં શું થાય? આપણને બધાયને મહારાજે મુકત કરીને મૂર્તિમાં રાખ્યા છે તે સત્ય હકીકત છે, પણ પાત્રતા ન હોવાને લીધે એ વસ્તુ જીરવી શકાય એવી નથી. એટલે એ ઢાંકી રાખી છે. આપણા સુખને માટે. એ કેવળ કૃપાથી થયું છે. આપણે પાત્ર છીએ એવું નથી. બાપાએ-અનાદિમુક્તોએ- એમના દ્વારા શ્રીજીમહારાજે આપણને અનાદિમુક્તની પંકિતમાં બેસાડી દીધા. એવા અનાદિમુક્તો કે જે મૂર્તિનાં સુખ લે છે તેની પંકિતમાં આપણને બેસાડ્યા. એટલે હવે એમાં રાખીને આપણને પાત્ર કરે છે. એ પાત્ર જ્યારે થઈ જઈશું ત્યારે એ સુખનો અનુભવ આપોઆપ થવા લાગશે.
મહારાજ કહે લાખો ગાઉથી તેડવા આવું છું. લાખો ગાઉ દૂર છે ને આવે છે એવું છે કે નહિ? જો લાખો ગાઉ દૂરથી આવતા હોય તો તો એક સ્થાન નક્કી થઈ ગયું. તો અપાર ક્યાં રહ્યા? એ તો મર્યાદા થઈ ગઈ. ત્યારે લાખો ગાઉથી અમે આવીએ છીએ એમ એટલા માટે કહે છે કે ભાઈ! તમારા ચૈતન્ય જે બદ્ધ છે તેની ને મારી વચ્ચે લાખો ગાઉનું અંતર હોય એટલું છેટું છે. છતાંય હું તમારી નજીક આવ્યો છું તો મને સમજો તમે બરાબર. હું તમારા ઉપર કૃપા વરસાવવા આવ્યો છું. એમ પ્રભુ લાખો ગાઉ દૂર નથી. મહારાજ તો અન્વયરૂપે સત્સંગમાં છે જ. અને તે દ્વારા બધે છે જ, અને વ્યતિરેકરૂપે પણ જ્યાં પ્રગટ થવું હોય ત્યાં થાય. વ્યતિરેકરૂપે પણ છે અને અન્વય સ્વરૂપે પણ બધે ય છે. પણ જેને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય છે એને એ વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્ સંબંધ થાય છે. જેને ભગવાનનો સંબંધ નથી હોતો એને તો પાસે હોય તો પણ સ્પર્શ થતો નથી. કેવી રીતે થાય? પ્રભુનો સ્પર્શ ત્યારે જ થાય કે જ્યારે પ્રભુ જેટલા નિર્મળ બનાય. ત્યારે કેટલી કૃપા કહેવાય કે આપણને મૂર્તિના સુખમાં બેસાડ્યા! બેસાડ્યાને? અને દયા કેટલી પાછી? પાત્ર ય એ કરે. બાપાએ કહ્યું કે, મહેનત કરીને દાખડો કરીને કરીએ તો વધુ સુખ આવે. એ ટકે. મહારાજ પાત્ર કરે છે, પણ આપણે ય જાતે દાખડો કરવો પડે. મહેનત કર્યા વગરનું ખાય તો શું કહેવાય? હરામનું ખાય છે એમ કહેવાય કે નહિ? એવું ભગવાન પાસે માગવું એ શરમ ના આવે? શરમ આવે. એવું નહિ કરવાનું. મહારાજ! જરૂર દાખડો કરીશું, પણ દાખડા ભેળા તમે ભળજો!
સારાંશ
મહારાજના તેજની સાથે ચૈતન્યની એકતા કરી મહારાજનું ધ્યાન કરવું. અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત થયા પછી મુક્ત મહારાજ જાણે એટલું જાણવા છતાં પોતે સેવક અને મહારાજ સ્વામી છે, સુખદાતા છે એવો ભાવ ક્યારેય મટતો નથી.
મહારાજનું ભજન કરવાથી થોડી શક્તિ આવે તેનો વેપાર કરવા માંડે તો ભગવાન શક્તિ પાછી ખેંચી લે છે. પછી સમાજમાં પોતાનું પ્રભુત્વ કાયમ રાખવા તે મલિન શક્તિઓ તરફ આકર્ષાય છે.
અનુભવી અનાદિમુક્ત જ આધ્યાત્મિક ગમે-તેવા પ્રશ્નોના સચોટ જવાબ આપી શકે છે. બધું જ્ઞાન તેઓને હસ્તામળ હોય છે. બીજાથી એ શક્ય નથી.
મહારાજે અને મુક્તોએ મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપ્યા તે સત્ય હકીકત છે. આપણી પાત્રતા ન હોવાથી આપણને જણાતું નથી. પાત્રતા આવે ત્યારે વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સંબંધ થાય છે. પાત્રતા મેળવવા માટે દાખડો તો આપણે જ કરવો પડે. તેમાં મહારાજને ભેળા ભળવા પ્રાર્થના કરવી.