24

0:000:00

એવું કહેવાય છે કે મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય દેહનો હેતુ ત્યારે જ સર્યો કહેવાય કે જ્યારે એ દુર્લભકામ સાધ્ય બને. તે દુર્લભ કામ શું, તો પ્રભુના સાધર્મ્યપણાને પમાય. એ દુર્લભ કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાનને પામેલા મુક્ત-સંતનો સમાગમ અનિવાર્ય છે. એવા સંતના સમાગમ વગર સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ શક્ય નથી. આ દુર્લભ મનુષ્ય દેહ દ્વારા એ જ કાર્ય સિદ્ધ કરવાનું છે.

ભગવાનનું સ્વરૂપ જો દૃઢ થાય તો ઉપાસના પરિપક્વ થવા માટે વાર ન લાગે. પણ ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે સતત અભ્યાસ કરવો પડે. તે સંતના સમાગમમાં રહીને કરે ત્યારે આજ્ઞાનું સ્વરૂપ આત્મસાત્ થાય. ભગવાનનું વચન પાળવું તદ્દન સહેલું પણ છે અને અઘરું પણ છે. જો શ્રદ્ધાપૂર્વક આજ્ઞા પળાય તો સહેલી બની જાય. ભગવાનની આજ્ઞા એવી સરળ છે. તે સરળ છતાં પૂર્ણ છે. ભગવાન સ્વામિનારાયણે બતાવેલો માર્ગ સર્વ સમન્વયકારી, સરળ અને પૂર્ણ છે.

એ પૂર્ણતાને પામવા માટે એમણે ખૂબ કૃપા વરસાવી. પોતે કૃપાસાધ્ય બન્યા. બાપાશ્રીની વાતમાં એમ બતાવ્યું છે કે અમારા અનાદિમુક્ત દ્વારા જ્ઞાનવાણી કેવી રીતે ઉચ્ચારીએ છીએ અને કૃપાવાણી કેવી રીતે ઉચ્ચારીએ છીએ. જ્ઞાનવાણી દ્વારા પોતાના તથા પોતાના અનાદિમુક્તને ઓળખાવે છે અને કૃપાવાણી દ્વારા દોષો રહિત કરી નિર્મળ બનાવે છે. એવી વાણી ઉચ્ચારી એમ કહ્યું કે અમારામાં વિશ્વાસ આવે, વાણીમાં શ્રદ્ધા આવે તો ભગવાન પળવારમાં મળે છે. અડગ શ્રદ્ધા થવી જોઈએ. એક સ્વરૂપ દૃઢ થાય અને તેમાં અડગ શ્રદ્ધા થાય તો એ જ ક્ષણે મૂર્તિમાં જોડાઈ જવાય. ભગવાનના સ્વરૂપમાં જોડાવાને માટે મહારાજે કાયમ સંતનો સમાગમ રાખવા કહ્યું. સંત સમાગમ સિવાય ઉદ્ધાર નથી. મુક્ત સિવાય ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખવું શક્ય નથી બનતું. ઘણા સાધન કરે છે. છતાં એ સાધન જ છે. મહારાજ કહે છે કે સાધનનો ભાર રાખ્યા સિવાય અમને મુખ્ય રાખો. સાધન કરતાં કરતાં ઘણી વખત અહમરૂપી કાંટો આવી જાય છે. ભગવાનની કેવળ પ્રસન્નતાના સાધનરૂપી, સમજણરૂપી કાંટાથી અહમરૂપી કાંટો કાઢી એ બંને કાંટાનો ત્યાગ કરી દઈએ ત્યારે પાત્રતા થાય. મહારાજને જેવા જાણીએ એવા પાત્ર થવાય. પછી ભગવાનના રોમેરોમનું દિવ્ય સુખ અનુભવાય. એટલે એ સાધનો આપણને પાત્ર બનાવવામાં મદદ કરે છે. તેમજ અંતરશત્રુઓ અને માયા પણ આપણને ભગવાન તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. તેની સામે ભગવાનને સાથે રાખી સમજણપૂર્વક લડાઈ કરવી પડે છે.

ભગવાનને સાથે રાખી તે અંતરશત્રુઓ સાથે લડાઈ કરીએ ત્યારે ભગવાનરૂપ થઈ જવાય છે. તેની સાથે લડાઈ કરતાં તે હારી જાય છે પછી તે આપણને છોડી જાય છે. તે મહારાજે મોકલેલા સેવકો છે. તે આપણને ભગવાન તરફ લઈ જાય છે. માયા અંધકારરૂપ છે, તો ભગવાનની શક્તિ અંધકારરૂપ કેવી રીતે હોઈ શકે? માયા પહેલાં તકલીફ આપે, પણ પછી સહાય કરે છે. મહારાજે માયા તકલીફ આપવા નથી મોકલી સહાય માટે મોકલી છે. માયાને છોડે પછી ભક્ત થઈ જાય અને અંતરશત્રુઓ છોડીને જતા રહે છે. અંતઃકરણ શુદ્ધ થાય એટલે અંતઃકરણરૂપ માયા ભક્તને સહાયરૂપ બને છે. આ બધું ક્યારે બને? તો ભગવાનને મળેલા સંત મળે ત્યારે. કેટલાય જન્મની કસર મુક્ત મળે તો ટળી જાય છે. ચોવીસ અવતારો પર્વતભાઈના દર્શને આવતા.

સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી કહેતા કે મહારાજના અનાદિમુક્તના દર્શન તો અવતારોને પણ દુર્લભ છે. તેઓ પણ અનાદિમુક્તના દર્શન ઝંખે છે. એટલે અવતારો કરતાં પણ મહારાજના અનાદિમુક્તો મોટા છે. તેનાથી મોટી કોઈ ભૂમિકા નથી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અમારી ભૂમિકા છેલ્લી છે.

એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે અમને પણ ગોપાળાનંદ સ્વામીએ અમારી વાણી સમજાવી ત્યારે સમજ્યા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે વચનામૃતરૂપ અમારી વાણી તમે કેવી રીતે સમજો છો તે કહો. પછી ગોપાળાનંદ સ્વામી જેમ સમજતા હતા તેમ કહ્યું. ત્યારે મહારાજે એવી પ્રસન્નતા જણાવી કે સ્વામી, અમારી વાણી આટલી ગહન હશે તે તમે સમજાવી ત્યારે સમજાઈ! વિચાર કરો કે સ્વામીએ કેવી સરસ રીતે સમજાવ્યું હશે. સ્વામીશ્રીએ એ વખતે આપેલી સમજૂતી લખાઈ ન હતી એટલે મળતી નથી. મહારાજે પોતાના સંકલ્પ સ્વરૂપ અબજીબાપાશ્રી દ્વારા રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરાવી તેમાં ગોપાળાનંદ સ્વામીએ આપેલી સમજૂતી આવી જાય છે. મેં ખૂબ વિચાર કર્યો ત્યારે મને એમ લાગ્યું કે સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે.

અત્યારે મને એટલો બધો વિશ્વાસ છે કે જો કોઈ મને પ્રશ્ન પૂછે તો વૈજ્ઞાનિક રીતે, એ સત્સંગી ન હોય તો પણ આ સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી તત્ત્વજ્ઞાન હું સમજાવી શકું છું. જો કોઈ વાદ કરે તો હું વાત કરું કે તેમાં કહેલું છે તે ખોટું છે તે મને ગળે ઉતારી દો તો હું તમારો શિષ્ય બની જાઉં.

એક વાર ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ જાય પછી એમ કહે 'હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું અંતર્યામી.' અવલબાઈને આવું થયું એટલે બધા વિચાર કરે કે આ તો ભગવાન થઈ ગયા. ભગવાનમાં જોડાઈ જાય પછી ભગવાન પોતે એ દેહનો ઉપયોગ કરે છે. અવલબાઈમાં રહીને ભગવાન બોલ્યા. જ્યારે એ ઉપશમમાંથી બહાર આવ્યા ત્યારે બધાએ કહ્યું કે એવું બોલ્યા હતા? તો કહે ના, એ તો મહારાજ બોલ્યા હતા. એટલે એવું ન માની લેવું કે એવી સ્થિતિવાળા ભગવાન થઈ ગયા. અનાદિમુક્ત દ્વારા મહારાજ કોઈ વાર એવું બોલે તેમાં એમ નહિ માનવાનું કે તે ભગવાન થઈ ગયા. ધણીનો કોઈ ધણી નથી.

બુદ્ધિજીવીઓને હું એવા પ્રશ્નો પૂછું કે જો ભગવાનને પામ્યા હોય તો જ જવાબ આપી શકે, નહિ તો ઊભા થઈ રહે. મહારાજે આપણને એવા મુક્તો ઓળખાવ્યા છે. મહારાજ સિવાય બીજે ક્યાંય આસક્તિ રહે તો જન્મ ધરવો પડે. મહારાજ કહે છે કે જે કરવું હોય તે મારા સંબંધી જ કરો. ખુશામત કરવી હોય તો તે મારી કરો. કેમ? તો તમે મારી જેટલી પ્રશંસા કરશો તેટલી ઓછી છે. મુક્તો પ્રશંસા કરતાં પાર નથી પામતા. મારા સિવાય બીજે ક્યાંય આસક્તિ ન કરો. પ્રશંસા, આસક્તિ બધું મારું કરો. હું તો અવર્ણનીય છું. મારા ગુણ અને મહિમાનો પાર કોઈ પામી શકતું નથી. એમ મહારાજ કહે છે.


સારાંશ

મનુષ્ય દેહ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવી એ જ એક એ દેહનો ધ્યેય છે અને એ અનાદિમુક્ત દ્વારા શક્ય બને છે. ભગવાનનો સાક્ષાત્કાર કરવા સ્વરૂપ દૃઢ કરવું પડે. ભગવાનનો માર્ગ સર્વ સમન્વયકારી, સરળ અને પૂર્ણ છે. અનાદિમુક્ત દ્વારા ભગવાન જ્ઞાનવાણી અને કૃપાવાણી ઉચ્ચારે છે.

ભગવાનના સ્વરૂપમાં જોડાવાને માટે ભગવાને સંત સમાગમ કરવાનું કહ્યું છે. એ સિવાય ઉદ્ધાર નથી. ભગવાનની કેવળ પ્રસન્નતાના સાધનરૂપી કાંટાથી અહંકારરૂપી કાંટો કાઢી પછી બંને કાંટાનો ત્યાગ કરીએ ત્યારે પાત્રતા થાય. મહારાજને જેવા જાણીએ તેવા પાત્ર થવાય.

અંતઃશત્રુઓ સાથે લડાઈ કરીએ ત્યારે તેઓ હારી જાય છે અને જીવ ભગવાનરૂપ થઈ જાય છે. અવતારો કરતાં મહારાજના અનાદિમુક્ત મોટા છે. વચનામૃતની વાણી અનાદિમુક્ત થકી જ સમજી શકાય છે. વચનામૃતનું જ્ઞાન સર્વોપરી છે. જીવ ભગવાનમાં જોડાઈ જાય પછી એ દેહ દ્વારા ભગવાન કાર્ય કરે છે માટે એમ ન સમજવું કે તેઓ ભગવાન થઈ ગયા. આસક્તિ એક મહારાજ પ્રત્યે જ કરવી.