23

0:000:00

સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય સભાને કોટાન કોટી દંડવત્ પ્રણામ સહ વંદન કરું છું. આજનો આ પ્રસંગ છે તેને સૌથી મહાન સમજું છું. તે એટલા માટે સમજું છું કે જ્યારે ભગવાન પ્રગટ થાય છે, ત્યારે જેને પ્રભુ મેળવવાની ઇચ્છા હોય તેને પ્રભુ પોતે જ શોધી કાઢે છે. તેમ અનાદિ મુક્તરાજ સોમચંદબાપાએ બાપાશ્રીના વચન અનુસાર ઘરો-ઘર જઈને એવા મુમુક્ષુઓ કે જે મહારાજને ઓળખી શકે એવાને શોધી કાઢ્યા અને તેમના ચૈતન્યમાં મહારાજની મૂર્તિ પધરાવી દીધી. તેને ખબર ન પડે એવી રીતે પધરાવી દીધી. તેમણે ઘેર-ઘેર જઈને શ્રમ, દુઃખ સહન કરીને એ એક જ કાર્ય કર્યું. અને એવું બળ મૂક્યું કે ભગવાન સ્વામિનારાયણ સિવાય અન્ય શાસ્ત્રોની વાતો કરતા નહિ. અન્ય શાસ્ત્રો કણને ઠેકાણે છે અને ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો ભોજનને ઠેકાણે છે. જેમાં સર્વસ્વ આવી જાય છે. ભક્ત ભગવાનરૂપ થઈ જાય એવી એમની દિવ્યવાણી હતી.

રાત્રે પણ બાર-બે વાગ્યા સુધી વાતો કરતા. ત્યારે ઘરમાં કોઈ પણ હોય, બાળક હોય તે પણ એકચિત્તે તેમની વાતો સાંભળતા. સામાન્ય રીતે રોજ કોઈ ઉઠાડે તો શરીરમાં આળસ દેખાય અને એમ થાય કે થોડીવાર વધારે સૂઈ રહીએ, પણ સોમચંદબાપા આવે ત્યારે બધા ટપોટપ વહેલા ઊઠી તૈયાર થઈ જાય. પછી દરરોજ બાપા મોડી રાત સુધી વાતો કરે અને ઉજાગરા થાય. એટલે પછી બાપા સમજે કે જો હવે એક દિવસ વધુ રહીશ તો બધાના શરીર બગડશે. એટલે પછી બીજે જાય, એમ ઘેર-ઘેર ફરી સત્સંગ કરાવે.

સવારમાં ઊઠી પોતાના હાથે ખીચડી મૂકે તેમાંથી બીજાને પ્રસાદી પણ આપે. ખીચડી મૂકીને વાતો કરે. જમતાં-જમતાં પણ મહારાજની વાતો કરે, સમજાવતા જાય. એમ ઘરોઘર જઈને સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવ્યા. એ કેવડી મોટી વાત કહેવાય?

હું આ જન્મજયંતી અને અંતર્ધાન તિથિમાં કોઈ ફરક સમજતો નથી. જન્મ જયંતી અને અંતર્ધાન તિથિ વખતે જન્મથી માંડીને દર્શન બંધ કર્યા ત્યાં સુધી જે જે કાર્યો કર્યાં તે થોડું થોડું યાદ કરવું જોઈએ. અનાદિમુક્તને યાદ કરવાનું ખરું કારણ એ છે કે મહારાજ જુએ છે કે મુક્ત દ્વારા મેં કરેલા કાર્યો કોઈ ભૂલી જાય છે ખરા? એવા મુક્તની સ્મૃતિ કર્યા પછી મહારાજની મૂર્તિમાં જોડાય તો જલદી જોડાવાય છે. આવરણ ટળે એટલે મૂર્તિ મળે. મુક્ત મૂર્તિમાં અદૃશ્ય થઈ જાય, પણ સદાય સાથે જ છે. જે મુક્ત આપણને પ્રગટ મળ્યા હોય તેમની સ્મૃતિ પહેલી કરવી.

બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મહામુક્તોને સંભારીને પ્રાર્થના કરવી, વિનંતી કરવી, સ્મૃતિ કરવી. પછી પરભાવમાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવું કંઈ રહેતું નથી. કોઈ પણ એક મુક્તને સંભારીએ તો એમાં બધા આવી જાય છે. 'એક મુનિમાં અનેક મુનિના વૃંદ' એમ કહ્યું છે. મહારાજને પામવાનો આ એક જ રસ્તો છે. મહારાજના અનાદિમુક્ત ઓળખાયા એટલે મહારાજનો મહિમા સમજાઈ જાય છે. એકવાર ઇચ્છા થાય પછી ભગવાનના મુક્ત કૃપાદૃષ્ટિ કરે ત્યારે ભગવાનનો મહિમા સમજવાની ઇચ્છા થાય અને પછી મહારાજને દેખવાની ત્વરા થાય. મહારાજનો મહિમા પણ મુક્ત થકી જ સમજાય છે, એ ઘાંટી જબરી છે. ભગવાન પોતે મુક્તમાં રહીને સમજાવે છે. સેવવા જેવા મુક્ત હોય તેમની ઓળખાણ પણ ભગવાન પોતે જ કરાવે છે.

આજનો દિવસ હું એટલે મહત્વનો કહું છું કારણ કે ભગવાનની જયંતી તો બધા ઉજવે, પણ મહારાજ કહે છે કે અમારા મુક્તની જયંતી ઉજવે તેના ઉપર હું વિશેષ રાજી થાઉં છું. મહારાજ કહે છે કે મારી સેવા કરતાં મારા મુક્તની સેવા કરે તેના ઉપર હું વધારે રાજી થઉં છું. મુક્તની સેવામાં પોતાના દેહને સુખડની જેમ ઘસી નાંખવો. મહારાજ પોતાના મુક્ત પર કેટલા બધા રાજી છે! કહે છે કે મારા મુક્ત મૂર્તિ ઓળખાવીને મૂર્તિમાં લીન થઈ જાય છે. તેઓ મૂર્તિ ઓળખાવે નહિ ત્યાં સુધી જંપતા નથી. જ્યારે જીવોને મૂર્તિ ઓળખાવે ત્યારે તેમનું કાર્ય પૂરું થાય. મહારાજનું કાર્ય કરવા માટે મુક્ત સર્વોપરી માધ્યમ છે. મુક્ત મૂર્તિથી કદી યે જુદા નથી. મહારાજની મૂર્તિમાં મુક્ત સળંગ રસબસભાવે સુખ ભોગવે છે તે સુખનો કોઈ પાર નથી. એ સુખથી પર બીજું કાંઈ નથી.

મુક્ત મનુષ્યચરિત્રો કરે છે. એ એટલા માટે કરે છે કે આપણને તે અનુકૂળ પડે છે માટે કરે છે. આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખાવવા માટે પોતે બધું જ કરતા હોય છે. જે મુક્તો સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી પ્રગટ થાય એ શ્રીજીમહારાજના સંકલ્પ સ્વરૂપ કહેવાય. એ ન સમજાય ત્યારે ભ્રાંતિ જેવું થઈ જાય, પણ આમાં ભ્રાંતિ થાય એવું છે જ ક્યાં? મુક્ત તો આસુરી જીવ કે દૈવી જીવ એવું કાંઈ જોતા જ નથી. એ તો કૃપાનો વરસાદ બધા ઉપર સરખો જ વરસાવે છે. પણ આસુરી જીવ હોય તે તેને ઝીલી શકે નહિ. પરંતુ મુક્તની કૃપામાં આવ્યા પછી આસુરી જીવ વહેલામાં વહેલી તકે આસુરીભાવ છોડી દૈવી થઈ ભગવાનને ઓળખશે. તેથી મુક્તો બધા ઉપર સરખી કરુણા વરસાવે છે. મહારાજ ધીમે-ધીમે બધાને પોતાના સુખમાં લઈ જશે.

શ્રીજીમહારાજ તો જીવના થઈને જ રહ્યા છે, પણ જીવો ભગવાનના થતા નથી. અનાદિમુક્તો મહારાજની મૂર્તિમાં જ લીન હોય છે એટલે મૂર્તિના અતિ પ્રકાશને લીધે મુક્તો દેખાતા નથી. ધ્યાન કરવાના અભ્યાસથી મૂર્તિ સરસ દેખાય. દરેક કાર્યમાં એમની સ્મૃતિ રાખવી. બાપા જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં એ સુગંધ સહુના જીવનમાં દેખાયા વગર રહેતી નથી.

આજે સમય ઘણો થયો. મુક્તની સ્મૃતિ સહિત તેમને કોટી કોટી વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પીએ. શ્રીજી આપણા ઉપર ખૂબ કૃપા વરસાવે. આ પ્રસંગમાં આવ્યા ન આવ્યા અને કદાચ જો કોઈને ભૂલી ગયા પછીથી યાદ આવે તો પણ તેમના ઉપર શ્રીજીની કૃપા અવશ્ય થવાની. અનાદિમુક્તો મનુષ્યરૂપે ન વિચરતા હોય ત્યારે તેમણે કહેલી વાણી સાંભળવી એ પણ એમનો સાક્ષાત્ સમાગમ છે. આપણને એ પોતે બધી જ વાત સમજાવી દે છે એ પણ એક ખૂબી છે. મહારાજ અને મુક્ત જતા રહેતા નથી, એવા ને એવા જ છે, ને એવા ને એવા જ સુખ આપે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ સભામાં કેવી દિવ્ય વાણી બોલાય છે. જે બોલાય તે મહારાજ બોલે છે એટલે સરસ જ હોયને?

અનાદિ મુક્તરાજ સોમચંદબાપા, મહારાજ અને બાપાશ્રી સાથે જ છે. આ સભામાં જે મહામુક્તો પધાર્યા તે બધાય મુક્તોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી એ મુક્તોનું અખંડ અનુસંધાન રહે એવી પ્રાર્થના કરી વિરમું છું.

(અહીં દિવ્યરૂપે સભામાં પધારેલા મુક્તોની વાત કરે છે.)


સારાંશ

પ્રભુને મેળવવાની ઇચ્છા હોય તેવા મુમુક્ષુઓને પ્રભુ અને તેમના અનાદિમુક્ત પોતે શોધી ચૈતન્યમાં મહારાજની મૂર્તિ પધરાવી દે છે. જીવને ભલે ખબર ન પડે. અને એવું બળ મૂકે કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો ધ્યેય ન રહે. અનાદિમુક્તની વાણી આકર્ષક હોય છે. જન્મ જયંતી અને અંતર્ધાન તિથિ બંને સરખા છે એ દિવસોએ આપણે અનાદિમુક્તને યાદ કરીએ છીએ. ભગવાન જુએ છે કે અનાદિમુક્ત દ્વારા મેં કરેલા કાર્યો લોકો ભૂલી તો નથી જતાને? આપણને મળેલા મુક્તની સ્મૃતિ પહેલી કરવી. એક સંતમાં બધા સંતની ઉજવણી આવી જાય છે. અનાદિમુક્ત ઓળખાય એટલે મહારાજનો મહિમા સમજાય છે. પછી તેમને પામવાની ઇચ્છા થાય. મહારાજ પોતાનો મહિમા તેમના અનાદિમુક્ત દ્વારા પોતે જ સમજાવે છે. મહારાજ કહે છે મારી સેવા કરતા મારા મુક્તની સેવાથી હું વધુ પ્રસન્ન થાઉં છું. મહારાજના સંકલ્પથી જે પ્રગટ થાય તેમને મહારાજના સંકલ્પ સ્વરૂપ કહેવાય.

અનાદિમુક્ત આસુરી જીવ તેમજ દૈવી જીવ બધા પર સરખી જ કૃપા વરસાવે છે, પણ આસુરી જીવ કૃપા ઝીલી શકતા નથી, પરંતુ તેઓ વહેલામાં વહેલી તકે દૈવી થઈ જાય છે. શ્રીજીમહારાજ તો જીવના થઈને રહ્યા છે, જીવો ભગવાનના થતા નથી.

મૂર્તિના અતિશય પ્રકાશને લીધે મૂર્તિમાં લીન રહેલા મુક્ત દેખાતા નથી. મહારાજ અને મુક્ત ક્યારેય જતા રહેતા નથી એ એક ખૂબી છે.