16
આપણા ઉપર પ્રસન્નતા અને કૃપાવર્ષા થઈ રહી છે. આવા ભાગ્ય ક્યાંથી મળે? એવી આ દિવ્ય સભા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા અનાદિમુક્તો દ્વારા અમે જે આશીર્વાદ વરસાવીએ છીએ તે આશીર્વાદ-વર્ષામાં એકવાર તો જરૂર બધાએ આવી જવું. ન આવ્યા હોય એને પણ એકવાર લઈ આવવા સમજાવીને. કારણ કે એ આશીર્વાદ એ સામાન્ય વડીલે આપેલા આશીર્વાદ નથી. એ તો ભગવાન સ્વામિનારાયણે એ અનાદિમુક્ત દ્વારા આપેલા અને મહારાજની મૂર્તિને પમાડે ત્યાં સુધી જંપે નહિ એવા એ આશીર્વાદ છે. એ આશીર્વાદ એ અજબ દિવ્ય શક્તિ છે. એ શ્રીજીમહારાજના આશીર્વાદરૂપ દિવ્ય શક્તિ જો એક જ વાર કોઈને સ્પર્શે એટલે કે એ કૃપાવર્ષામાં એક જ વાર જો કોઈ આવી જાય, તો એ આશીર્વાદ ધીમે ધીમે એના આખા જીવનનું પરિવર્તન લાવે છે. ભગવાનના સન્મુખ ઊભો રહે એવા સંજોગો ઊભા કરે છે, જરૂર પડે તો શારીરિક શિક્ષા પણ કરે અને જરૂરી પાત્રતા આવે તો એ શિક્ષા પાછી પણ ખેંચી લે છે. એટલે એ આશીર્વાદ આ બધું જ કામ કરે છે અને ઠેઠ મૂર્તિના સુખને પમાડી દે ત્યારે એનો વિરામ થાય. આ સત્ય હકીકત છે. નહિતર તો બધી વાતો કેટલી અઘરી! ભગવાનને પામવા એ કેટલું અઘરું છે એ વાતની યાદ આપું છું. રાફડા વળી જાય તો પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ત્યારે એકવાર કૃપાવર્ષામાં આવી જવામાં પૈસા આપવા પડે છે? શું જોર પડે છે? અરે! ઊલટું મળે છે. ગુમાવવાનું તો કાંઈ છે જ નહિ. તો જ્યાં ગુમાવવાનું જ નથી, જ્યાં અવિચળ પ્રાપ્તિ મળે છે, ત્યાં શા માટે ન જવું? ત્યારે એવી આ દિવ્ય સભામાં ભગવાન સ્વામિનારાયણ કૃપાવર્ષા કરતા હોય એમાં શા માટે ન આવી જવું? આ એક વાત.
મોરારજીભાઈ દેસાઈને કોઈએ પૂછયું કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ? તો એમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવવું જોઈએ. વાત તો બરોબર છે. પણ જેવો ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિનો અર્થ કર્યો છે એ સમજતા થોડો વધુ સમય લાગશે. ભારતીય સંસ્કૃતિ એટલે સામાન્ય રીતે એમ સમજવામાં આવે છે કે મહાભારત, રામાયણ, વેદ અને અવતારો તેમણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જીવવું. એ વાત બરાબર છે. પરંતુ તે પ્રમાણે જીવવા માટે ઘણા બધા સાધન કરવા પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિનો અર્થ એ કર્યો કે ભારતમાં પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી પરમાત્મા પ્રગટ થાય છે ત્યારથી ભારતીય સંસ્કૃતિ શરૂ થાય છે. એ ભારતીય સંસ્કૃતિ શું કે ભગવાનના સ્વરૂપમાં જોડાવારૂપ સેવા કરતા આવડે તે પરાકાષ્ઠારૂપ ભારતીય સંસ્કૃતિ. જેને આ સંસ્કૃતિ સમજાય તેને સાચું જીવન જીવતાં આવડ્યું કહેવાય. તો આખા વિશ્વના મનુષ્યોએ ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિની કરેલી આ વ્યાખ્યા પ્રમાણે જીવવું જોઈએ. મહારાજની ભારતીય સંસ્કૃતિ એમની શિક્ષાપત્રી અને વચનામૃત આ બેમાં સમાઈ જાય. આ બે સમજવા માટે મહાન તત્વચિંતક કૃષ્ણમૂર્તિના એક હજાર માથા ભેગા થાય તો ય સમજાય એવું નથી. એટલી બધી ગહન વાત એ બેમાં છે. સરળમાં સરળ અને કઠિનમાં કઠિન. ત્યારે આવું કઠિન આદર્શ તત્ત્વજ્ઞાન શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારા બહુ સરળ ભાષામાં સમજાવી દીધું. ગોપાળાનંદ સ્વામીએ પણ સમજાવ્યું છે.
બાળક જ્યાં સુધી એકડો બરાબર વ્યવસ્થિત રીતે લખતો ન થાય, ત્યાં સુધી એણે એકડો ઘૂંટવો જોઈએ. જો એ ન ઘૂંટે તો એકડો માલ વગરનો લાગે. માટે જ્યાં સુધી મહારાજની મૂર્તિના સુખે સુખિયા છતી દેહે ન થવાય, ત્યાં સુધી એકડો પાકો કરવો જોઈએ. એટલે કે એકડો અંત સુધી પાકો કરવો જોઈએ. અને અંતે એમાં કચાશ રહેશે તો કૃપાસાધ્ય ભગવાન પોતાના પ્રભાવથી પૂરું કરી દેશે. મહારાજ તો દૃષ્ટિમાત્રે આવરણ દૂર કરી અને ચૈતન્યને દિવ્ય સાકારસ્વરૂપ બનાવી પોતાની મૂર્તિમાં રસબસ કરી દે છે. આટલી બધી કૃપાસાધ્ય શક્તિ સર્વોપરી મહાપ્રભુમાં જ હોય. આવા પ્રભુ કૃપાસાધ્ય બની આ પૃથ્વી ઉપર પ્રગટ થયા.
મહારાજના સમયમાં મહારાજે દરેક સંતને એક નિયમ આપેલું કે પાંચ જણને વર્તમાન ધરાવવા. કદાચ પાંચ જણા વર્તમાન ધરાવવા તૈયાર થાય એવા ન મળે તો છેવટે વનસ્પતિને પણ વર્તમાન ધરાવવા કારણ કે જે ચૈતન્યો ભગવાનને બરાબર ભજી શક્યા નહિ તે ચૈતન્યોએ વનસ્પતિનો જન્મ લીધો. એટલે અમારા સંતોએ એમને પણ વર્તમાન ધરાવવા. જો પાંચ જણ ન મળે તો જ. એ શરત કરી. ત્યારે મહાપ્રભુએ સમજાવેલી આ ભારતીય સંસ્કૃતિ આપણે સૌને સમજાવવી. એ ખરો ધર્મ નહિ? ખરેખરી સેવા એ. એ સેવા કરીએ તો મહારાજ આપણને ઈનામ આપે. ઈનામ શું? પોતાની મૂર્તિનું સુખ. જે આ કામ કરે એના ઉપર મહારાજ બહુ રાજી થાય. મહારાજની મૂર્તિમાં રહેવાની વાત રસ પડે એવી રીતે કહેતા આપણે જો શીખી જઈએ તો મહારાજ બહુ રાજી થાય. એક જીવનો ઉદ્ધાર થાય તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે. તો વિચાર કરો કે જીવને ઉગારવા માટે જ ભગવાનનો દેહ હતો કે નહિ? ભગવાન પ્રગટ શા માટે થાય? પોતાના ભક્તો જે હતા એને લાડ લડાવવા. અને મૂર્તિના સુખમાં છે એને તો સદાય લાડ લડાવે જ છે. એમાં તો કોઈ સવાલ જ નથી. ત્યારે જીવનો ઉદ્ધાર કરવો એ મુખ્ય વસ્તુ છે. તો આપણો તો ઉદ્ધાર ભગવાને કરી દીધો. તો બીજાનો ઉદ્ધાર થાય એવો પરોપકાર કરવામાં કંઈ વાંધો ખરો? તો શા માટે ભૂલીએ? કદી પણ નહિ ભૂલવું જોઈએ.
પણ એટલી વાત કે આપણે મહારાજની વાત સમજાવતી વખતે પોતાપણું આવવા દેવું નહિ. હું વાત કરું છું એમ નહિ, પરંતુ એમ સમજવું કે મહારાજ મારામાં રહીને બધું યાદ કરાવીને બોલે છે અને પોતે આશીર્વાદ આપે છે. આપણને ઘણીવાર એમ થાય કે હું યાદ કરીને બોલું છું. ના, ના એવું નથી. આ દિવ્ય સભામાં તો યાદ કરીને બોલો તો ય એ યાદ કરાવનાર મહાપ્રભુ જ છે. એટલે એની વાણી જ આપણા દ્વારા નીકળે છે. માટે પોતાપણું લાવ્યા સિવાય મહારાજની વાતો કરવી એ પણ પાંચ જણને વર્તમાન ધરાવ્યા બરાબર છે. પણ પોતાપણું નહિ આવવા દેવું જોઈએ. હું કહું છું, મારામાં આટલી શક્તિ આવી છે એ વાત કદીયે સ્ફૂરવી જોઈએ નહિ. મહારાજ કહે છે કે જ્યારે પોતાપણું નિર્મૂળ થઈ જાય ત્યારે સાચું દાસત્ત્વ આવ્યું કહેવાય. તે દાસત્ત્વના મહારાજે વખાણ કર્યા છે.
સારાંશ
અનાદિમુક્ત દ્વારા ભગવાન આશીર્વાદ વરસાવતા હોવાથી તેઓની સભામાં દરેકે આવવું. એકવાર આશીર્વાદમાં આવ્યા પછી, જ્યાં સુધી જીવ પાત્ર ન થાય, ત્યાં સુધી અનાદિમુક્ત તેને છોડતા નથી. પોતાની કૃપાવર્ષા દ્વારા ભગવાનને પામવાનું તેઓ સહેલુંબનાવી દે છે.
પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થાય ત્યારથી સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ શરૂ થઈ કહેવાય. ભગવાનના સ્વરૂપમાં જોડાવારૂપ સેવા કરતાં આવડે એ પરાકાષ્ઠારૂપ ભારતીય સંસ્કૃતિ છે.
ભગવાનનું તત્ત્વજ્ઞાન સરળમાં સરળ, છતાં કઠિનમાં કઠિન છે. જે બાપાશ્રીએ સાવ સાદી ભાષામાં સમજાવ્યું.
જીવનના અંત સુધી પાત્રતા કેળવવાના પ્રયત્નો કર્યા કરવા અને બીજાને મહારાજનું સર્વોપરી તત્ત્વજ્ઞાન સમજાવવું, પણ પોતાપણું લાવ્યા વગર દાસભાવે. તો મહારાજ પોતાની મૂર્તિના સુખરૂપી ઈનામ આપે.