6
પરમકૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદગુરુશ્રીઓ તથા શ્રીહરિના પરમ લાડીલા પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામીશ્રી હરિજીવનદાસજી સ્વામી તથા શ્રીહરિને ધરી રહેલા મૂર્તિ સ્વરૂપ સંતો, પાર્ષદો તથા પ્રાત:સ્મરણીય આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરી આનંદ અનુભવું છું. જીતુભાઈએ એમ કહ્યું, સદા સ્મરણીય નારાયણભાઈ. સદા સ્મરણીય તો એક શ્રીજીમહારાજ જ છે. એના મુક્ત એની અંદર રસબસ છે. એ તો દેખાતા જ નથી. તો સદા સ્મરણ કરવા જેવું એક જ સ્વરૂપ એ સર્વોપરી શ્રીજીમહારાજ અને આ દિવ્ય સભા છે.
એક ભક્તે મહારાજને પૂછયું હતું કે, મહારાજ, મને આટલું બધું દુ:ખ કેમ આપો છો? તો મહારાજ કહે, તમને ખૂબ સુખ આપવા માટે. મારા સુખમાં તમે રહી શકો, મારું સુખ જીરવી શકો તેવા પાત્ર કરવા માટે તમને દુ:ખ આપું છું. તો દુ:ખનું કારણ આ સુખ છે. મહારાજ કહે છે કે, થોડો વખત બૂમો પાડશે બીજું શું કરવાના છે? ભલે પાડે, પણ એ બૂમોને અંતે તો અલૌકિક સુખમાં રહેવાશેને? શા માટે દુ:ખથી ડરી જવું? ભલે દુ:ખ થાય. દુ:ખ એ દુ:ખ નથી. દુ:ખ સુખ માટે છે. શ્રીજીમહારાજ દુ:ખ આપે છે એ સુખ માટે જ આપે છે. તેથી એમ નહિ માનવાનું કે એવું તો મેં શું પાપ કર્યું છે કે મહારાજ મને આટલું બધું દુ:ખ આપે છે? એટલે મહારાજ એમ કહે છે કે જ્યારથી તમે મારા સાચા આશ્રિત થયા, ત્યારથી હું તમારો પ્રારબ્ધ બન્યો. દુ:ખ છે એ આપનાર કોણ? કાળ-કર્મ-માયા? અરે ના... ના, હું પોતે છું. એ દુ:ખ નથી આપતો એ તો એ દિવ્ય સુખમાં લઈ જવા માટેનો સેવક મોકલ્યો છે. તો એ સુખમાં લઈ જવા માટે સેવક મોકલ્યો એ ધન્યભાગ્ય કે શું બીજું? વિચાર કરો! કદીયે મંદવાડથી ડરીએ નહિ, મંદવાડથી મૂંઝાઈએ નહિ, મંદવાડને તો વધાવી લેવાનો. મંદવાડ તો સુખને માટે શ્રીજીમહારાજે મોકલ્યો છે. આ વાત બરાબર સમજવાની છે. શ્રીજીમહારાજે કહેલી. આ એક વાત મંદવાડની થઈ. એવી તો મોટા મુક્તોના મંદવાડની ઘણી વાતો છે.
બીજું હમણાં એક વાત લાભુભાઈએ કરી કે જીવ કૂતરા જેવો છે. કૂતરું શું કરે? તો ભસ-ભસ કરે એ ન ગમે. ભસેને એ કોઈને ન ગમે. એ ભસવું એટલે શું એ ખબર છે? મહારાજ કહે છે, ભસવું એટલે નિંદા-કુથલી કરવી. સાચું હોય એને ખોટું કહેવું. સાચું હોય ને ખોટું ક્યારે કહે ખબર છે? ઈર્ષા થાય ત્યારે. ઈર્ષા એ એક સ્વભાવને કારણે છે. એ સ્વભાવ શ્રીજીમહારાજ સામું જોઈએ તો તરત જતો રહે. તો ભસવાનું બંધ થઈ જાય. ભસવાનું બંધ થઈ જાય અને જીવ શિવ થઈ જાય. શિવ એટલે મુક્ત થઈ જાય. એટલે મહારાજ કહે છે કે મારી મૂર્તિ સિવાય મારા મૂર્તિના સંબંધ સિવાયની જે વાતો છે ને એ ભસવા જેવી છે. એટલે મૂર્તિ સિવાયની વાતો કરીએ તો ભસ્યા કહેવાઈએ. ત્યાં સુધી જીવની કક્ષા કહેવાય અને જેવું એ બધું બંધ થઈ જાય ત્યારે જીવમાંથી મુક્ત થઈ જવાય. જીવ મટી જાય પછી શું રહ્યું? ત્યારે કૂતરા જેવો સ્વભાવ મહારાજે આ સભામાંથી તો ઉડાડી જ દીધો છે. છેદ જ ઉડાડી દીધો છે. રહેવા જ નથી દીધો. એટલે આ શ્રીજીમહારાજ અને બાપા ન્યાલકરણ મળ્યા એમ માનવાનું એમાં ભસવાનો સવાલ જ રહેવા દીધો નથી.
બીજી એક વાત એમ કરી કે ભગવાનના સુખ આગળ આ લોકના બધા સુખ નર્ક તુલ્ય છે. નર્ક શબ્દથી બધા ભડકી જાય છે. શ્રીજીમહારાજને પૂછયું કે મહારાજ, નર્ક તુલ્ય શબ્દ વપરાય? ત્યારે મહારાજ કહે, નર્ક શું કહેવાય એ તમને ખબર છે! તો કહે, મહારાજ નર્ક તો ગંદા આ જે મળ છેને એ મળ-પેશાબ એવી જે અશુદ્ધિઓરૂપી ગંદવાડને નર્ક કહેવાય. મહારાજ કહે ના... ના એ નર્ક તો ઠીક મારા ભઈ. પણ નર્ક કોને કહેવાય એ તમને ખબર છે? તો મહારાજ કહે, મેં જે નર્ક કહ્યું છે એ એમ છે કે, સર્વોપરી ભગવાનને ઓળખવામાં જે કચાશ છે એ નર્ક છે. આ બધા દેવો છે એ દેવ કક્ષાએ પહોંચ્યા છે. ત્યાં સર્વોપરી પરમ તત્ત્વ ઓળખવાનું બાકી છે. એ જે કચાશ છે એ નર્ક છે. એકલા મળ-મૂત્ર નર્ક નથી. આ વ્યાખ્યા સમજ્યા? તો કહે હા મહારાજ. હવે ખબર પડી કે નર્ક શું છે. તો નર્કનો અર્થ "અતિ ગૌણ" એમ છે. એક શ્રીજીમહારાજના સુખ આગળ શ્રીજીમહારાજની મૂર્તિથી જુદી જુદી જે ભૂમિકાઓ છે એ બધાના સુખ અતિ ગૌણ છે એમ કહેવાનો અર્થ છે. એમ કદીયે ન સમજીએ કે ભગવાનની કલ્પનામાં આ નર્ક છે. (મળ-મૂત્ર આદિ મલિન તત્ત્વ નર્ક નથી.)
બીજી વાત એક જણે એમ પૂછયું કે, ભગવાને કહ્યું કે, આ બધા દેવોના સુખ શાહુકાર પાસે સડતાલાના રાંકા જેવા છે તો મહારાજે કેમ આવા શબ્દો વાપર્યા? મહારાજે કહ્યું કે જો એ શબ્દ પ્રચલિત છે. શાહુકાર હોય કે રાંક હોય એ બેમાં શું ફરક છે? અવરભાવની દૃષ્ટિએ ઘણો બધો ફરક છે. એટલે ભગવાનના સુખ આગળ અતિ ગૌણ છે. એમ એ સડતાલાના રાંકા શબ્દનો અર્થ છે. રાંકા કોને કહેવાય? જે ભગવાનના પરમ સુખથી વંચિત હોય તે બધાને રાંકા કહેવાય. તો રાંક તો મટવું જ જોઈએને. કોઈને સદાય રાંક થઈને રહેવું ગમે ખરું? રાંકમાંથી શાહુકાર બનવું ગમે. શાહુકાર બનવું એટલે મુક્ત બનવું. મહારાજના મુક્ત બને એ શાહુકાર. ત્યારે રાંક મટીને શાહુકાર બની જવા માટે મહારાજે આપણને આશીર્વાદ આપીને કૃપા કરી કે આજથી અમે તમને સૌને મુક્ત બનાવી દીધા. કેટલી બધી કૃપા! ભગવાનને પરમ કૃપાળુ, કૃપાસાધ્ય તેમાં કહીએ છીએ કે તેઓ જાત-કુજાત, પાત્ર-કુપાત્ર કાંઈ જોતા નથી. એમને તો દિવ્ય પ્રેમ, ખરેખરો પ્રેમ જોઈએ છે. ભાવ જોઈએ છે. એ ભાવ કેવો? શંકા રહિત કે જેમાં કદીયે અવિશ્વાસ કે અશ્રદ્ધા ન આવે એનું નામ વિશ્વાસ. વિશ્વાસીને શીશ. એનો અર્થ એ છે કે જેમને વિશ્વાસમાં કદી પણ ચલિત થવાતું નથી તે પરમપદને ઓળખે છે એમ કહેવાય. ત્યાં સુધી વિશ્વાસ પૂરો નથી એ એની નિશાની. એ આપણે આપણી રીતે આંકી શકીશું. ત્યારે આ સડતાલાના રાંકા અને નર્કની સરસ વ્યાખ્યા શ્રીજીમહારાજે કરેલી એ આપણે સમજ્યા. બીજા લોકો જુદું સમજે છે કે આવું તો કોઈ દિવસ બોલાતું હશે? અરે! એમ જ બોલાય. સર્વોપરી ભગવાન તો એમ જ કહેને? બીજું શું કહે? પેલું નર્ક તો ઠીક છે હવે. સાફ-સૂફ કરો એટલે જતું રહે, પરંતુ આ કચાશ કાઢવી એ તો જન્માંતર સુધી ચાલે, દખલ કર્યા કરે. હેરાન કરે. એક જન્મ ધરો એટલે કેટલી ઉપાધી? એટલી ઉપાધી કંઈક ને કંઈક દુ:ખ ચાલ્યા જ કરે. આ આવે ને તે આવે. પછી મહારાજને પ્રાર્થના કરીને કહે, મહારાજ દયા કરીને હવે ટાળો આ બધું. એમ કહેવાનું મન થઈ જાય. એમ કહે ત્યારે એ ભગવાન તરફ જવાય.
એક ભક્ત હતા. (કંટાળ્યા તો નથી ને?) મહારાજના એક ભક્ત ખૂબ સુખી હતા. કોઈ જાતની કચાશ નહિ. શરીરે એકદમ સુખી, તો મહારાજની પધરામણી કરી. મહારાજ કહે ભક્ત કેમ છો? આનંદમાં છો ને? ભક્ત કહે ઓ...હો....હો... મહારાજ તમારી કૃપાનો પાર નથી. ત્યારે કહે શું? અરે, કે જુઓ તો ખરા! આ બધું જુઓ કોઈ જાતની કચાશ નથી. હીંડોળા-ખાટ, ખાવું-પીવું, છોકરા-છૈયા બધા ય ભગવદી. મહારાજ આટલી તમારી કૃપા! ત્યારે મહારાજ કહે બોલશો નહિ. એ મારી કૃપા ન કહેવાય. ભક્ત કહે કેમ મહારાજ? તો કહે આમાં તો આસક્તિ રહી જાય. મહારાજની મૂર્તિમાં ન અવાય. હું બધું લઈ લઉં ત્યારે આસક્તિ જાય. એ મારી કૃપા છે. ઓ હો મહારાજ તો તો કેમ રહેવાય? અરે રહેવાય. મહારાજ કહે આ ગુણાતીતાનંદ સ્વામી છાશ અને રોટલો જમે છે. બાપાશ્રી કહેતા, અમે તો રાતડિયાનું શાક અને આ મઠની ખીચડી સિવાય કદી કોઈ દિવસ કાંઈ જમ્યા જ નથી અને જમતા નથી. તે એ કેમ જીવે છે? તો કહે મહારાજ, એ તો તમારા મુક્ત હતા. ત્યારે તમે નથી? મહારાજ, હું એટલો કાચો. છતાં તમે એમ કેમ કહો છો કે તમારી કૃપા બહુ છે? એટલે હસવા મંડ્યા. તો કહે મહારાજ, એમના જેવા કરજો. તો કહે સારું મહારાજ કહે સારું કરશું. તો પછી એ ભક્તની બંને આંખે કુદરતી શું થયું કે બંને આંખ ચાલી ગઈ. અંધ થઈ ગયા. પછી રોવા મંડ્યા. હવે દર્શન કેમ થાશે મહારાજની મૂર્તિના? તો કોઈએ મહારાજને કહ્યું કે ભક્તની આંખો જતી રહી. તમને દયા કરી દર્શન દેવા બોલાવે છે. મહારાજ કહે હું આવીને શું કરું? મારા દર્શન તો એને થવાના નથી. તો કહે ના... ના મહારાજ, તમે આવો. મહારાજ કહે સારું. પછી મહારાજ પધાર્યા અને કહે ભક્તરાજ, કેમ છો? અરે મહારાજ, છે તો બધું ય પણ કામનું કાંઈ નહિ. તો કહે વાત તો બરોબર છે કામનું કાંઈ નથી. એક હું જ કામનો છું. તો કહે પણ મહારાજ, તમારા દર્શન તો થતા નથી. મહારાજ કહે તમને કેટલા વર્ષ થયા? સાઈઠ વર્ષ થયા. મહારાજ કહે સાઈઠ વર્ષ સુધી અમારી મૂર્તિ ચૈતન્યમાં કેમ ન પધરાવી? તો કહે મહારાજ ખબર નહિ. મહારાજ કહે આંખોનું શું કામ છે? મહારાજ કહે મને આ આંખે જોયા કર્યા અને અંદર મૂર્તિ તો ઊતારી નહિ. પછી રોવા મંડ્યા કહે મહારાજ હવે શું કરવું? મહારાજ કહે હવે કાંઈ નહિ તમે ભજન-સ્મરણ કર્યા કરો. હું ન દેખાઉં તો કાંઈ નહિ... હું તો તમને દેખું છું ને? આ દેહ પડી જશે ત્યારે અંતકાળે હવે તમે દેખશો. આ વખતે હવે નહિ દેખો. માટે ચિંતા ન કરશો અને મારું ભજન કર્યા કરો.
પછી એને ભાન થયું કે જેને હું કૃપા માનતો હતો એ ખરી કૃપા નથી. હવે જ ખરી કૃપા થઈ. હે ભગવાન તમે આ આંખો ન લઈ લીધી હોત તો મેં તમને ખરેખર જેવા છે એવા ન ઓળખ્યા હોત. તમારી ખરી કૃપા શું છે એ મને ખબર જ ન પડત. એમ કરી એ સ્મરણ કરતા રહ્યા. મહારાજ તેડવા આવ્યા ત્યારે દર્શન દઈને સુખમાં મૂકી દીધા. જુઓ ભગવાનની કૃપા! ત્યારે આમાંથી એક વાત સમજીએ કે ભલે આપણને સુખમાં રાખ્યા, પણ એ બધું આપણું નહિ માનવાનું. આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ અવરભાવની દૃષ્ટિએ, પરંતુ હવે ભાડાનું ઘર તો ખાલી કરવું જ પડે ને? એના માલિક મહારાજને બનાવવા. એટલે મહારાજ કહે છે, મારા સુખમાં મારી મૂર્તિરૂપી નિવાસમાં આવો ત્યારે તમે ભાડૂત મટી ગયા. તો મહારાજે આપણને ભાડૂત મટાડી દીધા અને બાપા કહે છે અમે તમને મૂર્તિના સુખમાં રાખી દીધા છે.
કોઈકે બાપાને એમ પૂછયું કે બાપા, તમે એમ કેમ બોલ્યા કે અમે સુખમાં રાખી દીધા? મહારાજે સુખમાં રાખી દીધા કે તમે રાખી દીધા? એ સ્થિતિએ ન પહોંચ્યા હોય ત્યારે કોઈકને સંકલ્પ થાયને? ત્યારે કહે, તમને સુખમાં મૂકી દીધા એમ કોણ બોલ્યું એ તમને ખબર છે? અમારામાં રહીને મહારાજ બોલ્યા. આ...હા...હા... બાપા હવે બરોબર. બાપા કહે, સારું થયું તેં પૂછયું નહિતર એ સંકલ્પ જીવને હેરાન કરી નાખે. કોઈ પણ સંકલ્પ કે કોઈ પણ શંકા રહે એ અંદર સંઘરી ન રાખવી. પૂછી લેવાનું. પૂછીએ તો શંકા દૂર થઈ જાય કે નહિ? જો અંદર ને અંદર રહે તો એમાંથી અશ્રદ્ધા થઈ ને અંતે ભગવાનને પણ ભૂલી જાય. એવું થાયને? મુક્ત વિશે અપરાધ થઈ જાય. મુક્તમાં રહીને મહારાજ તો એમ બોલી શકેને કે અમે મૂર્તિમાં મૂકી દીધા. એમને તો અધિકાર ખરોને? મુક્ત તો માધ્યમ છે. સર્વોપરી માધ્યમ છે. એ માધ્યમ વગર તેઓ કામ ન કરે એવી એમની રીતિ છે. મહારાજ કહે, અક્ષરધામમાં બેઠા-બેઠા અમે ન કરી શકીએ? કરી શકીએ. પરંતુ અમારી અનાદિની રીત નથી. અમે અમારા અનાદિમુક્તોને માધ્યમ બનાવીને જીવોને અમારા સુખમાં લઈ જઈએ છીએ એ અમારી અનાદિની રીત છે. મહારાજ કહે છે, એનો અર્થ એ નથી કે અમારા કરતાં મુક્તને વિશે અધિક હેત કરવું. મુક્તને વિશે હેત કરવું, પરંતુ એ બીજા નંબરે છે. અમારે વિશે આસક્તિ રાખવી. અમારા મુક્તને વિશે હેત રાખવું. જો હેત ન રાખો તો એ માધ્યમ એમના સુખમાં પહોંચાડવા માટે કામ કેવી રીતે કરે? તો સુખમાં પહોંચાડવા માટે, આપણને એ સુખમાં લઈ જવા માટે, એ કામ પૂર્ણ કરવા માટે એ માધ્યમનો મહિમા અને હેત રાખવાં જરૂરી છે. એ અનાદિમુક્તનું કાર્ય કયાં સુધી? મૂર્તિના સુખમાં પહોંચાડવા સુધી. મૂર્તિના સુખમાં પહોંચે એટલે પતી ગયું. એમનું કાર્ય પૂરું થઈ ગયું. આ રીતે કેટલીકવાર મહારાજના મુક્ત બોલે એ સમજવું એ ઘાંટી છે. જ્યારે ન સમજાય ત્યારે એમને જ પૂછવું બીજાને પૂછવાથી ન સમજાય. બીજા તો કાંઈનું કાંઈ કહે. એને તો બુદ્ધિથી જવાબ આપવાનો હોય અને અનાદિમુક્તને અનુભવથી કહેવાનું હોય.
આ મેં બધું નજરે જોયું હોય તો હું કહી શકું ને કે આ ગુણાતીતાનંદ સ્વામી છે, આ મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આ શતાનંદ સ્વામી છે. આ ઈશ્વરચરણદાસજી સ્વામી છે. એમ અનુભવથી વાત કરવી એ અનાદિમુક્ત કરે છે અને બીજા ભગવદી ઉચ્ચ સાધનદશાવાળા મુક્તો બુદ્ધિથી, જ્ઞાનથી, વિચાર કરીને જવાબ આપે. એમાં કોઈકવાર ભૂલ પણ હોય. અનુભવીના શબ્દોમાં ભૂલ થવાનો કોઈ સંભવ નથી. કારણ કે પરમ કૃપાળુ સર્વોપરી ભગવાનની ઇચ્છા મુજબ જ એ બોલે છે. એમાં કેમ ભૂલ હોઈ શકે? તો બાપાશ્રીએ રહસ્યાર્થ કર્યું તો એમના જેવું કર્યું. એ તો ઉત્તમ જ હોયને. સર્વોપરી વાત સમજવી કાંઈ સહેલી છે? ભગવાનને ઓળખવા એ પીએચ.ડી. થવા જેવું છે, તો પીએચ.ડી. થવાને માટે, ભગવાનને ઓળખવા, માટે ઝીણી બુદ્ધિ જોઈએ. તો એ ઝીણી બુદ્ધિ અનાદિમુક્ત થકી મળે.
આ લોકમાં વૈજ્ઞાનિકની ઝીણી બુદ્ધિ કહેવાય. ભગવાનના શબ્દોમાં એ ઝીણી બુદ્ધિ ન કહેવાય. કારણ કે એ ભગવાનને ઓળખી શક્યા નહિ. કૃષ્ણમૂર્તિ કેવા હતા, ખૂબ બુદ્ધિશાળી હતા. એને ઈન્ટેલિજન્ટ જાયન્ટ કહેતા. તો પણ જ્યાં સુધી પ્રભુ ખરેખર નહિ ઓળખાય, ત્યાં સુધી એ ઝીણી બુદ્ધિ કહેવાય નહિ. એ જાડી બુદ્ધિ કહેવાય. જે બુદ્ધિ પ્રભુ ઓળખાવે એ બુદ્ધિને હું ઝીણી બુદ્ધિ કહું છું. કારણ, જેણે ભગવાન ઓળખ્યા એની ઝીણી બુદ્ધિ જેણે ભગવાન ન ઓળખ્યા એની જાડી બુદ્ધિ. આ સાદામાં સાદી વાત, તો મહારાજની વાતો તો મહારાજના અનાદિમુક્ત થકી જ સમજાય. નહિ તો ગડમથલ ચાલ્યા જ કરે અને દુ:ખ મટે નહિ. માટે જ્યારે કોઈ શંકા હોય તો શંકા અંદર સંઘરવી નહિ હો! એ બધું નર્ક તુલ્ય છે. આ શંકા, અવિશ્વાસ, ભસવું એ બધું નર્ક તુલ્ય છે. એ અંદરનો ગંદવાડ ન રાખવો, કાઢવો બહાર. અને એ કાઢવામાં જો મુશ્કેલી પડે તો મહારાજ અને મુક્ત તો બેઠા જ છે. ને ક્યાં જતા રહ્યા છે? જેને એ કાઢવું છે એને જરૂર ભગવાન મળે છે. મહારાજ જરૂર મદદ કરે છે. જે સર્વવ્યાપક છે એ આપણી સાથે છે. એને પામવાની આપણી ઇચ્છા જોઈએ. તો તરત કામ આવે. ત્યારે મહારાજની વાતો ખૂટે એવી નથી.
આપ સૌ દયા કરી ખૂબ રાજી રહેજો. આ દીનદાસ સેવક ઉપર તમે બધાએ દયા કરી અને આ દેહને રાખ્યો તો તમારા બધાયની પ્રસન્નતા મળે એ માટેનો જ આ દેહનો ખપ છે. આ દિવ્ય સભાનો રાજીપો અને પ્રસન્નતા એ જ આ દેહ રાખવાનું કારણ હોય તો કામનો. મહારાજ અને મુક્તનો રાજીપો જો દિવ્ય સભામાં ન મળે તો આ દેહ ધર્યાનું પ્રયોજન ખરું? ત્યારે આ દિવ્ય સભાની પ્રસન્નતા અને રાજીપો માગું છું. આપના સૌના રાજીપાની અપેક્ષા રાખી વીરમું છું.
સારાંશ
મહારાજ સુખ દેવા અને જીવને પાત્ર કરવા દુ:ખ પ્રેરે છે. આ લોકની સુખસાહ્યબીમાં મહારાજની કૃપા ન સમજવી. દીધેલું બધું મહારાજનું છે તેમ માનવું, નહિ તો છકી જવાય. આ દેહ દ્વારા મુક્ત અને મહારાજનો રાજીપો મેળવી લેવો એ જ આ દેહનું પ્રયોજન છે.
કોઈની નિંદા-કુથલી કરવી નહિ. ભગવાનના સંબંધ સિવાયની વાતો જ્યાં સુધી ગમે ત્યાં સુધી જીવની કક્ષા કહેવાય.
મુક્તમાં રહી મહારાજ બોલે છે. આશીર્વાદ આપે છે. અનાદિમુક્ત મહારાજનું સર્વોપરી માધ્યમ છે. એ માધ્યમ દ્વારા મહારાજ જીવોને અક્ષરધામમાં લઈ જાય છે. એ એમની અનાદિની રીત છે. કોઈ વાતમાં શંકા જાય તો અનાદિમુક્તને પૂછવું અને શંકારહિત થઈ જવું. નહિ તો જીવનું બગડી જાય. જેઓ વિશ્વાસમાંથી કદી ચલિત થતા નથી એ પરમપદને ઓળખે છે. જે બુદ્ધિથી ભગવાન ઓળખાય એ ઝીણી બુદ્ધિ કહેવાય.
શ્રીજીમહારાજની મૂર્તિથી જુદી જુદી જે ભૂમિકાઓ છે એ મહારાજના સુખ આગળ નર્ક તુલ્ય એટલે અતિ ગૌણ છે.