અનોખું બિલ્વપત્ર (પ્રસ્તાવના)

સ્વામિનારાયણ સંપ્રદાયની સામાજિક, સાહિત્યિક અને આધ્યાત્મિક સેવા અદભુત અને પ્રભાવક છે. 19 વર્ષના યુવાન ઘનશ્યામ મોક્ષાર્થી બની પરિવ્રાજક તરીકે સમગ્ર દેશમાં ઘૂમે છે, ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય રામાનંદ સ્વામી પાસે ભાગવતી દીક્ષા લે છે, સદગુરુ રામાનંદ પણ અધિકારી શિષ્ય પ્રાપ્ત થતાં પ્રસન્ન ચિત્તે નાની વયના નીલકંઠવર્ણીને આચાર્ય તરીકે સ્થાપે છે. ઘનશ્યામમાંથી સહજાનંદ સ્વામી બનેલા આ વિરલ કોટિના અવતારી પુરુષ પછી તો શુદ્ધિકાર્યનો મહાયજ્ઞ આરંભે છે અને ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં સામાજિક વહેમો, અંધશ્રદ્ધા વગેરેમાં સબડતી અનેક કોમોને સદુપદેશ, સત્સંગ અને સદાચાર દ્વારા ઉગારે છે. શ્રી સહજાનંદ સ્વામીના લોહચુંબકીય પ્રભાવશાળી વ્યક્તિત્વથી આકર્ષાઈને અનેક મોક્ષાર્થીઓ સંસારત્યાગ કરી સત્સંગી બની, તેમનું ચિત્તશાંતિપ્રદાતા વત્સલ શરણું સ્વીકારે છે. તેમની આસપાસ પાર્ષદો અને સાધુઓનું મંડળ મધુકરની જેમ ગુંજતું થાય છે. સ્વામિનારાયણ તેમની દિવ્ય દૃષ્ટિથી તેજસ્વી વૃંદની સુષુપ્ત શક્તિને ઓળખે છે, પ્રેરક વચનો દ્વારા ઢંઢોળે છે અને પ્રેમપૂર્ણ આદેશ દ્વારા કવિતાના માધ્યમથી સંપ્રદાયસેવા કરવાનું સૂચવે છે. મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમસખી, નિષ્કુળાનંદ, દેવાનંદ, મંજુકેશાનંદ, ભૂમાનંદ વગેરે શ્રીજીના અંતેવાસી પ્રમુખ કવિઓ સ્વામિનારાયણને પ્રગટ પુરુષોત્તમ તરીકે જોતા અને અનુભવતા હોવાથી તેમના નયનાકર્ષક રૂપવૈભવનો, અંગેઅંગનાં સુરેખ ચિહ્નોનો, ધારણ કરેલા અલંકારોનો મહિમા અત્યંત સૂક્ષ્મતાથી અને વિગતે ગાય છે. તેમાં તેઓએ શ્રીજીની નિત્યક્રિયાઓને અને અદભુત લીલાપ્રસંગોને સાહજિકતાથી વણી લીધા છે, તેમનું અનાદિ શ્રીકૃષ્ણરૂપ સ્વીકારી શૃંગારભાવને રસિકતાથી પણ સંયત સ્વરૂપે ગાયો છે.

શ્રી સહજાનંદ સ્વામીનું જીવન તો અનેકવિધ વ્યતિકરોથી સમૃદ્ધ છે. તેમનો મહિમા અપરંપાર છે. તેમની વિવિધ લીલાઓને વર્ણવતા અને ગુણસંકીર્તન કરતા અનેક ચરિત્રગ્રંથો લખાયા છે; પણ શ્રીજીભગવાન જેટલો જ તેમના અંતેવાસી નિકટતમ સાધુ ભક્તોનો મહિમા છે. સહજાનંદ સ્વામી લોકકલ્યાણ અર્થે પરિભ્રમણ કરતાં કરતાં જે અધિકારી શિષ્યોના પરિચયમાં આવ્યા તેમને ખૂબ વત્સલતાથી અપનાવી લીધા છે અને સંપ્રદાયસેવાના મહાયજ્ઞમાં જોતરી દીધા છે.

મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતસ્વામીઓ એક સમયે સંસારી પરિવેશમાં ઉચ્ચ કક્ષાના આત્માઓ હતા. સહજાનંદ પારસમણિસ્પર્શે તેમનું સુવર્ણમાં નહિ, ખુદ પારસમણિમાં રૂપાંતર થાય છે. શ્રીજીપ્રબોધિત કડક આચારસંહિતા પ્રમાણે તેઓ અત્યંત સાદું અને સંયમિત જીવન જીવે છે અને શ્રીજીની દિવ્ય પ્રેરણાથી વિપુલ પ્રમાણમાં પદો રચે છે. સ્વામિનારાયણ કુશળ હીરાપારખુ હોવાથી આ પ્રમુખ સંતોમાં નૈસર્ગિક કવિપ્રતિભા નિહાળી તેઓને યોગ્ય પ્રોત્સાહન આપી કાવ્યરચના માટેનું સાનુકૂળ વાતાવરણ ર્સજી આપે છે. તેઓશ્રી પોતાનાથી ઉંમરમાં મોટી વયના એવા મુક્તાનંદ સ્વામીને વધુ શાસ્ત્રીય અભ્યાસ માટે સુવિધાઓ કરી આપે છે.

બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ચારણપુત્ર (લાડુ બારોટ) હોવાથી તથા ભુજની પાઠશાળામાં પિંગળ અને અલંકારશાસ્ત્રને આત્મસાત્ કર્યા હોવાથી તેમનું છંદો પરનું પ્રભુત્વ પ્રશસ્ય ગણાતું. આ શીઘ્રકવિ પ્રતિદિન અમુક સંખ્યામાં પદો રચાયાં પછી જ જમવું, તેવી પ્રતિજ્ઞા લે છે. સદગુરુ સહજાનંદ તેમની આ શક્તિને લોકકલ્યાણ અર્થે તેમ જ અભ્યુદય અને આત્મોન્નતિના માર્ગે વાળે છે અને તેમની પાસેથી ગુજરાતી સાહિત્યને કેટલીક ઉત્તમ કોટિની રચનાઓ પ્રાપ્ત થાય છે.

પ્રેમાનંદ સ્વામી બાલ્યવયમાં નિરાધાર અવસ્થામાં વૈરાગીઓની ટોળીમાં ભમતા અને કુદરતે બક્ષેલ સુંદર દેહાકૃતિ અને મધુર કંઠથી સૌને પ્રસન્ન કરતા. આ કિશોર સંજોગવશાત્ સહજાનંદ સ્વામીના સંપર્કમાં આવે છે. દૃષ્ટોદૃષ્ટ મળતાં આવરણભંગ થાય છે. ભવોભવની ઓળખ તાજી થાય છે. ભગવાન સહજાનંદને પરમકૃપાળુ પરમાત્માથી અભિન્ન રૂપે અનુભવતાં આ કિશોર સાષ્ટાંગ દંડવત્ કરે છે. શ્રીજી તેમની પ્રેમભક્તિને સહર્ષ સ્વીકારે છે. પ્રેમાનંદ સ્વામીમાં રહેલી કુદરતી સંગીતશક્તિને યોગ્ય માવજત દ્વારા સંપૂર્ણપણે ખીલવી શકાય તે માટે તેઓશ્રી તેમના માટે શાસ્ત્રીય સંગીત અને વિવિધ રાગરાગિણીઓ શીખવા માટેનો સુંદર પ્રબંધ કરી આપે છે.

સહજાનંદે કચ્છયાત્રા વખતે ભોમિયા તરીકે લાલજી સુતારને સાથે રાખેલા, પણ તેમની ઉત્તમ પ્રકારની દાસ્યભક્તિ અને વૈરાગ્યનો પાકો રંગ જોઈ શ્રીજી પોતે તેમના 'ભોમિયા' બની જાય છે અને લાલજીને નિષ્કુળાનંદ સ્વામીનું સાંકેતિક નામ આપે છે. સહજાનંદ સ્વામી પાસે આવા અનેક અધિકારી અને સર્જકપ્રતિભાવાળા એકાંતિક ભક્તિને વરેલા શિષ્યો હતા. સહજાનંદે તેમની સ્વભાવગત સર્જકચેતનાને પ્રાણવંતી બનાવવાનું મહત્ત્વનું કાર્ય બજાવ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ કવિઓનો મોટો વર્ગ સાધુ-બ્રહ્મચારીઓનો છે. તેઓએ તેમના જીવનમાં શ્રીજીના આદેશને તંતોતંત વણી લીધો છે. તેનો સીધો પડઘો તેમની કવિતામાં પડ્યો છે. સહજાનંદ સ્વામીનાં ગુણસંકીર્તનો હોય કે જ્ઞાનવૈરાગ્યનાં પદો, આરતી હોય કે થાળ, વિવિધ ઉત્સવોનાં રસમય વર્ણનો હોય કે પ્રિયતમાભાવે કરેલું પ્રભુભજન, ગઝલ હોય કે ઊર્મિગીત.... આ સર્વમાં વ્યર્થ વાણીવિલાસ વર્તતો નથી, અનુભૂતિની સચ્ચાઈની પ્રતીતિ થાય છે. આ પ્રભુમસ્ત ભક્તોએ કાવ્યસર્જનને એક સાધન તરીકે સ્વીકાર્યું છે, સાધ્ય તો તેમના આરાધ્ય પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણની પ્રીતિ છે. આ બધી રચનાઓ શ્રીજીની પ્રસન્નતાર્થે, નિજાનંદે કે લોકહિતાર્થે થયેલી છે. વળી તેમાંના મોટા ભાગના કવિઓ સંગીતજ્ઞ હોવાથી તેમની કવિતાને લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનો સારો લાભ મળ્યો છે. વિષયની દૃષ્ટિએ તેમાં પુનરાવર્તન થતું હોવા છતાં ઊર્મિસંવેદનને અભિવ્યક્ત કરવાની વિવિધ છટાઓને લીધે આ રચનાઓ ધ્યાનાર્હ બની છે, પણ કમનસીબે ગુજરાતી સાહિત્યમાં આ વિપુલ સામગ્રીની યથાયોગ્ય નોંધ લેવાઈ નથી કે તેના પર વિસ્તૃત વિવેચન થયું નથી.

એવે તબક્કે શ્રી રમેશ સોનીનું આ પુસ્તક 'કીર્તનમાધુરી' અનેક રીતે આવકાર્ય બને છે. તેઓએ સંપ્રદાયનાં કીર્તનોને વિશિષ્ટ પદ્ધતિથી રજૂ કરી નવો ચીલો પાડ્યો છે.

આપણે ત્યાં સંતમહાત્માના જીવનમાં બની ગયેલા અનેક લાક્ષણિક અને ચમત્કારિક પ્રસંગો પુસ્તક આકારે પ્રગટ થયેલા છે. સંતકવિઓની રચનાને આર્ષવાણી તરીકે સ્વીકારી તેનાં વિવિધ સંપાદનો પણ થયેલાં છે. ગમતી કાવ્યરચનાઓને કેન્દ્રમાં રાખી તેના આસ્વાદમૂલક ગ્રંથો પણ લખાયા છે, પણ શ્રી રમેશ સોનીના પ્રસ્તુત પુસ્તકનો ઉપક્રમ સૌ કરતાં નોખો અને વિશિષ્ટ પ્રકારનો છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં અને 19મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય કવિઓની કૃતિઓ તો અહીં સંગ્રહસ્થ થઈ છે, પણ તેની પૂર્વે, કાવ્યરચના ઉદભવી તેની પાછળ જે પ્રેરક પ્રસંગ કારણભૂત હતો તેનું રસમય આલેખન થયું છે અને અંતમાં કાવ્યકૃતિનો પ્રાસાદિક શૈલીમાં આસ્વાદ કરાવવામાં આવ્યો છે. આમ પ્રસંગ, કાવ્યકૃતિ અને આસ્વાદ -એમ બિલ્વપત્રની જેમ અનેક સ્થળે એક તંતુ બની શોભાયમાન બન્યાં હોય તેવો અનોખી દૃષ્ટિથી સજાર્યેલો ઉપક્રમ એ રમેશભાઈની સમજભરી સૂઝનો ચમત્કાર છે. મારા જાણવા મુજબ ગુજરાતી સાહિત્યમાં આવા ત્રિવિધ ઉપક્રમથી રચાયેલું આ સૌ પ્રથમ પુસ્તક છે.

દરેક ધર્મ કે સંપ્રદાયમાં તેમનું આગવું કીર્તનસાહિત્ય હોય છે. ભક્તો તેને કંઠસ્થ કરી વિવિધ પ્રસંગોએ મધુર કંઠથી ગાતા હોય છે અને ભાવવિભોર બનતા હોય છે, પણ બહુધા આ પ્રક્રિયામાં શુકપાઠ થતો હોય તેવું વિશેષ સંભવતું હોય છે; પણ શબ્દરચના પાછળ રહેલા અર્થગર્ભને સમજવાનો, પામવાનો અને તેમાં અવગાહન કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે તેમ લયમાધુર્યની સાથે કાવ્યતત્ત્વનો સાક્ષાત્કાર થઈ શકે. શ્રી રમેશ સોનીએ તો દરેક કાવ્યની પૂર્વે જે તે પ્રસંગનું ઉમળકાથી અને વિસ્તારથી શબ્દચિત્ર દોર્યું હોવાને કારણે કાવ્યકૃતિ સુધી પહોંચતાં પહોંચતાં એક દિવ્ય વાતાવરણ ખડું થઈ જાય છે. પછી ભાવકનો કાવ્યરચનામાં પ્રવેશ થાય છે. કાવ્યરચના બાદ રમેશભાઈએ તેનો રસમય બાનીમાં આસ્વાદ કરાવ્યો છે. આથી સંપ્રદાયનો કોઈ પણ ભક્ત કે સામાન્ય ભાવક તેના હાર્દને સરળતાથી પામી શકે છે. દા.ત. એકત્રીસમા ક્રમમાં આવતું પદ 'ક્યારે હવે દેખું હરિ હસતા' પર આસ્વાદમૂલક ભાષ્ય રચતાં શ્રી સોની લખે છે: 'પ્રેમસખી પ્રેમાનંદ સંગીતના મરમી હતા, સાથે સાથે એમની પાસે પ્રેમીનું હૈયું પણ હતું. એ હૈયામાં પ્રભુ માટે પારાવાર પ્રેમની લહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાની વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે.' (પૃ. 246) લેખક-સંપાદકે પ્રત્યેક પદની કાવ્યતત્ત્વ-કલાતત્ત્વની ખૂબીઓ દર્શાવી તેમાં શબ્દમાધુર્ય અને નાદવૈભવની સદૃષ્ટાંત વાત કરી છે અને કાવ્યના મુખ્યભાવને કેવી રીતે ઉપકારક બને છે તે સમજાવ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની સંખ્યા નોંધપાત્ર છે અને તેની પદરચનાઓ અગણિત છે, પણ લેખકે ઔચિત્યવિવેક વાપરી અગ્રગણ્ય કવિઓની અતિ પ્રચલિત કાવ્યગુણસભર રચનાઓને સ્થાન આપ્યું છે. સ્વામી અવિનાશાનંદે પુરોગામી કવિઓનું મૂલ્યાંકન કરતાં એક સ્થળે ગાયું છે:

'બ્રહ્મમુનિ કવિ ભાનુસમ, પ્રેમ મુક્ત દોઉં ચંદ;

ઔર કવિ ઉડુગણસમ, કહે કવિ અવિનાશાનંદ.'

લેખકે અહીં બ્રહ્માનંદ સ્વામીની 8, પ્રેમાનંદ સ્વામીની 14, મુક્તાનંદ સ્વામીની 6, ભૂમાનંદ સ્વામીની 2, નિષ્કુળાનંદ સ્વામીની 1, કૃષ્ણાનંદ સ્વામીની 1, દયાનંદ સ્વામીની 1, દેવાનંદ સ્વામીની 1, સુખાનંદ સ્વામીની 1, પૂર્ણાનંદ સ્વામીની 1, અને મંજુકેશાનંદ સ્વામીની 1 એમ કુલ 37 રચનાઓ પસંદ કરી છે. કદાચ ગ્રંથમેદ વધી ના જાય તે માટે પણ સંપાદકને આવું વ્યવહારુ પગલું ભરવું પડ્યું હશે. શ્રી સોનીએ ગુજરાતી તેમ જ વ્રજ, રાજસ્થાની, હિન્દી ભાષામાં રચાયેલી આ કૃતિઓને પ્રસંગ સંદર્ભે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી ઉત્તમ પ્રસાદીનો રસાસ્વાદ કરાવ્યો છે.

આ પ્રકારનું લાક્ષણિક ચયન આપી શ્રી રમેશ સોનીએ માત્ર સ્વામિનારાણ સંપ્રદાયની જ નહિ, પણ ગુજરાતી સાહિત્યની અનુકરણીય સેવા કરી છે. લેખક શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી શિષ્ય હોવાથી તેમ જ સંપ્રદાય સાહિત્યનું વિશાળ વાચન ધરાવતા હોવાથી તેમના ચિત્તમાં બીજાં અનેક પ્રસંગો અને તતવિષયક પદો રમી રહ્યાં છે. મને ખાતરી છે કે આ પુસ્તકને સાનુકૂળ પ્રતિભાવ સાંપડશે અને શ્રી રમેશ સોની અન્ય બિલ્વપત્રની લાક્ષણિક ભેટ આપશે.


15 જુલાઈ, 1988


ડૉ. લવકુમાર મ. દેસાઈ

(એમ.એ., પીએચ.ડી.)

રીડર, ગુજરાતી વિભાગ,

મ. સ. યુનિવર્સિટી, વડોદરા