૧૦. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ....

0:000:00

'નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ' એ એકાંતિક ભક્તના અંતરની અહોનિશ યાચના છે. ભક્ત-હૃદયની જે પ્રામાણિક માગણી હોય છે તેની સામે પ્રભુ સદાય વરદ્ હસ્તે અભય વરદાન જ બક્ષતા હોય છે!




સં. 1881ના (સને 1825) કાર્તિક વદ સાતમને શનિવારે શ્રીજીમહારાજ સુરતના હરિભક્તો તથા ખાસ કરીને તો પારસી ભાવુક ભક્ત અરદેશર કોટવાળના ભાવભર્યા નિમંત્રણથી સુરત પધાર્યા હતા. ત્યારે અરદેશર કોટવાળ, તેમના ભાઈ પીરોજશાહ, બેહરેમંદખાન, સુરતના નવાબ અફઝુલુદ્દીન ઉપરાંત અંગ્રેજ ન્યાયાધીશ એન્ડરસન તેમ જ બે અંગ્રેજ અમલદાર મિ. હેરન તથા મિ. રોમરે શ્રીજીમહારાજને પોતાને આંગણે તેડીને સારો સત્કાર કર્યો હતો. સુરતમાં શ્રી સહજાનંદ સ્વામી નવ દિવસ રહ્યા હતા(સુરત સોનાની મૂરત. લે. ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ, પૃ. ૧૩૫). એ વખતે સુરતમાં લાલકૃષ્ણની વાડીમાં શ્રીજીમહારાજનો મુકામ હતો.

એક દિવસની વાત છે. અરદેશર કોટવાળના બંગલે પધરામણી કર્યા બાદ સાંજે શ્રીજીમહારાજની સવારી પાછી ઉતારે પધારતી હતી. અસ્તાચળે ડૂબતા સૂરજની લાલિમાથી આખુંય આકાશ જાણે ભગવી કંથાધારી ધ્યાનમસ્ત બનેલા કોઈ અલમસ્ત જોગીની જેમ મસ્ત ગુલાબી ઝાંયમાં ઝબોળાઈ ગયું હતું! પોતાના માળામાં પાછા ફરેલાં પંખીઓના મીઠા કલરવ અને મંદિરોમાં થતા આરતીના ઘંટારવ સંધ્યાકાળના પ્રાકૃતિક સૌંદર્યને અનોખો ઓપ આપતા હતા. અરદેશર કોટવાળને ત્યાંથી પાછા ફરતા સાધુઓ સંગે શ્રીહરિ મીરઝાના ચકલામાંથી પસાર થતા હતા. તે સમયે મીરઝાના ચકલામાં ગાનકળામાં કુશળ અનેક તવાયફો રહેતી હતી. સમીસંધ્યાટાણે જ્યારે સાધુના મંડળ સાથે શ્રીજીની સવારી ત્યાંથી ચાલી જતી હતી ત્યારે આ તવાયફોનો ધીરો પણ માદક સૂર વાતાવરણમાં પ્રસરી રહ્યો હતો. આ સ્વર કર્ણપ્રદેશમાં પ્રવેશતાં ગાનના અભ્યાસી શ્રવણ કરનારને સ્તંભાવવાને પૂરતા હતા. આ સવારીમાં પ્રેમાનંદ સ્વામી પણ સાથે હતા. સાધુઓ તો નતમસ્તકે ચાલ્યા જતા હતા, પરંતુ એ સંગીતનું માધુર્ય કલાપ્રેમી 'પ્રેમસખી'ને અત્યંત સ્પર્શી ગયું. એ મધુરા ગાનનો આલાપ એમના મનમાં ઘુંટાવા લાગ્યો. એ સુંદર સ્વરરચના એમના કાનમાં શાશ્વતસૂરના પ્રાણ પૂરી ગઈ! અને ચાલતા ચાલતા જ તેઓ સાંભળવામાં એટલા તલ્લીન થતા ગયા કે સ્વાભાવિકપણે તેમનાં પગલાં ધીમાં પડવા લાગ્યાં અને સર્વ સાધુઓના મોખરે ચાલનાર પ્રેમસખી ધીરે ધીરે છેક પાછલી હરોળમાં આવી ગયા, તેની પણ તેમને સ્મૃતિ રહી નહિ. પરંતુ શ્રીજીમહારાજની ચકોર નજર શાની ચૂકે? એમણે તરત ઘોડી પાછી વાળી, ગાયિકાના ગાયનમાં મશગૂલ બનેલા એ સંત પાસે જઈ તેમને ઢંઢોળ્યા અને હળવા શબ્દોમાં મીઠો ઠપકો આપતાં કહ્યું: "સ્વામી! આ શું? આજે તમે કેમ પાછળ રહી ગયા?"

મહારાજની માર્મિક વાણીમાં જે ટકોર હતી તે પ્રેમસખી પામી ગયા. શરમાઈને નીચી નજરે એમણે શ્રીહરિની માફી માગી. મહારાજે માણકીની લગામ ખેંચતાં કહ્યું: "સંગીતને તમારે વશ કરવાનું હોય, સ્વામી! સંગીત ઉપર તમારો કાબૂ હોવો જોઈએ, નહિ કે સંગીતનો તમારા ઉપર!" મહારાજે પછી પ્રેમસખીને સવારીમાં સંતોની વચ્ચે રાખ્યા અને એમ કરતાં સવારી ઉતારે પહોંચી.

રાત્રે સૂતા પહેલાં શ્રીજીમહારાજે પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા ને પછી શાંતિથી પોતાની પાસે બેસાડીને કહ્યું: "સ્વામી! તમે જોયું? મનુષ્યની પ્રકૃતિ એને ક્યાંની ક્યાં ખેંચી જાય છે! સંગીત કલા બેશક ઉત્તમ છે, પણ એ કલા જો પ્રભુ પ્રીત્યર્થે સાધવામાં આવે તો જ સાર્થક થાય; નહિ તો લોકરંજન માટે તો ઘણાં સાધે છે, એનું મૂલ્ય નહિવત્ છે. એવા સંગીતનું ક્ષણિક આકર્ષણ પણ સંતને ભક્તિમાં વિઘ્નરૂપ છે. તમને આવા લોકરંજન અર્થે ગવાતા ગીતમાં પળમાત્ર માટે પણ જે આકર્ષણ થયું એના પ્રાયશ્ચિત્તરૂપે તમારે ચાંદ્રાયણ કરવું''('પ્રેમાનંદ સ્વામીના જીવનની ઝાંખી- શ્રી ઈશ્વરલાલ ઈચ્છારામ મશરૂવાલા(પ્રસ્તાવના: શ્રી પ્રેમાનંદ કાવ્ય- ભાગ ૧-૨.)) શ્રીજીના ચરણમાં મસ્તક મૂકી પ્રેમસખી બોલ્યા: "ભલે મહારાજ!"

બીજે દિવસે પ્રાત:કાળે નિત્ય વિધિ પતાવી પ્રેમાનંદ સ્વામીએ શ્રીજીમહારાજે આપેલું વ્રત શરૂ કર્યું. પૂજાપાઠ કર્યા બાદ સ્વામી મુક્તમુનિના દર્શને ગયા. ત્યાં મુક્તમુનિનાં ચરણોમાં બેસી એમણે ગદગદ કંઠે યાચના કરતા કહ્યું: "સ્વામી! આપ તો સત્સંગની મા છો, માટે કૃપા કરીને મને સત્સંગના બધા નીતિ નિયમો તથા એકાંતિક ધર્મ અંગેની બધી જ મુખ્ય વાતોનું સ્મરણ કરાવો. જેથી ફરી ક્યારેય મહારાજની કોઈ આજ્ઞા સ્વપ્નમાં પણ લોપાય નહિ!" સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તો પોતાની જ્ઞાન સરવાણી વહેતી મૂકી. પ્રેમસખીએ એમાંથી આચમને આચમને પાન કરવા માંડ્યું. એમ બે દિવસ બેઠા ને ત્રીજે દિવસે શ્રીજીમહારાજની પ્રેરણાથી એ સર્વે વાતોને પ્રેમાનંદ સ્વામીએ એક જ પદમાં પ્રયોજી સુંદર દોહાબંધવાળા પદની રચના કરી. રચના એવી મનોહર થઈ કે પ્રથમ પોતે જ એ કંઠસ્થ કરી લીધી. ચોથે દિવસે શ્રીહરિ પાસે આવીને સ્વામી નતમસ્તકે બે હાથ જોડી ઊભા અને પોતાની નવીન કંઠસ્થ રચના બોલવા લાગ્યા:

"નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ,

મહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ."

એમ બોલતા ગયા ને દરેક કડીએ મહારાજને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા ગયા. એમાં રાગ, આલાપ કે વાદ્યનો ખપ રાખ્યો નહોતો. પરંતુ સમગ્ર સંપ્રદાયની સર્વગ્રાહી સમજણનો નિચોડ નીતરતો હતો. મહારાજ એકચિત્તે સાંભળતા હતા.

'નિંદત નહિ કોઈ દેવકું, બિન ખપતો નહિ ખાત,

વિમુખ જીવકે વદનસે, કથા સૂની નહિ જાત.'

કડીએ કડીએ મહારાજ ડોકું હલાવી સંમતિ આપતા રહ્યા. અને પદ પૂરું થતાં 'પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત' એમ કહી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પૂરા કર્યા.

એ જ દિવસે સંધ્યા આરતી પછી ધૂન વગેરે થઈ ગયાં એટલે મહારાજે 'નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય' શરૂ કરાવ્યું. પછી કહ્યું: "આ પદ નિત્યપાઠમાં આજથી રાખીએ છીએ, તે સંધ્યા આરતી પછી સૌ બોલજો. જે આ પદ બોલે તેણે લઘુ શિક્ષાપત્રીનો પાઠ કર્યો એમ સમજવું." આજે પણ સંપ્રદાયનાં મંદિરોમાં આરતી ને ધૂન પછી આ પદ સાષ્ટાંગ દંડવત્ સાથે બોલવાની પ્રથા યથાવત્ ચાલી રહી છે.

કાવ્યકૃતિ : (પ્રાર્થના-દોહા)

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ;

મહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. ૧

મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;

દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર. ૨

તુમારો તવ હરિભક્ત કો, દ્રોહ કબુ નહિ હોય;

એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય. ૩

નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;

એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. ૪

હે કૃપાલો! હે ભક્તપતે! ભક્તવત્સલ! સુનો બાત;

દયાસિંધો! સ્તવન કરી, માગું વસ્તુ સાત. ૫

સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ;

તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. ૬

સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;

તાકી વિક્તિ કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય. ૭

હિંસા ન કરની જંતુકી, પરત્રિયા સંગકો ત્યાગ;

માંસ ન ખાવત મદ્યકું, પીવત નહિ બડભાગ. ૮

વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત,

ચોરી ન કરની કાહુકી, કલંક ન કોઈકું લગાત. ૯

નિંદત નહિ કોઈ દેવકું, બિન ખપતો નહિ ખાત;

વિમુખ જીવકે વદનસે, કથા સૂની નહિ જાત. ૧૦

એહિ ધર્મ કે નિયમમેં, વરતો સબ હરિદાસ,

ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઔર સબ આશ. ૧૧

રહી એકાદશ નિયમમેં, કરો શ્રીહરિપદ પ્રીત;

પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત. ૧૨


આસ્વાદ :

કવિ કલાપીએ ગાયું છે:

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે;

પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

પાપનું નિવારણ સાચા હૃદયના પશ્ચાત્તાપ સિવાય ક્યારેય થતું નથી. અંતઃકરણપૂર્વકના પશ્ચાત્તાપ બાદ પ્રેમસખીના નિર્દોષ અને નિષ્પાપ અંતરમાં જે સ્વયંભૂ પ્રાર્થના પ્રગટી એ 'નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ' દોહાબંધની રચનાવાળી પ્રાર્થના સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન પ્રાર્થના બની ગઈ, એટલું જ નહિ પણ હરકોઈ મોક્ષાર્થી સત્સંગીની શ્રીહરિ પ્રત્યેની એ હાર્દિક યાચના બની ગઈ! પ્રેમાનંદ સ્વામીની સંતકવિ પ્રતિભાનો ઉત્તમ ઉન્મેષ અહીં પ્રગટ થયેલો છે.

કવિ આ પ્રાર્થનામાં પહેલાં શ્રીજીમહારાજ પાસે સાત 'વર' માગે છે.

"દયાસિંધો સ્તવન કરી, માગું વસ્તુ સાત."

એ સાત વસ્તુમાં સૌ પ્રથમ કવિ શ્રીહરિ પાસે મોક્ષાર્થી માટે સૌથી વધુ મહત્ત્વ ધરાવતી બહુ વિરલ વસ્તુ માગે છે. મોક્ષાર્થીના આધ્યાત્મિક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી આ વિરલ વસ્તુ છે: 'શ્રીહરિ પ્રત્યેનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય.' શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક સત્સંગી માટે સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય તો તે છે 'ઉપાસના'. પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણમાં જ અનન્ય નિષ્ઠા રાખવી એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં 'ઉપાસના' કહે છે. અન્ય સંપ્રદાયોમાં 'ઉપાસના' શબ્દને ધ્યાન અને ભક્તિના અર્થમાં વાપર્યો છે. જ્યારે શ્રીજીમહારાજે તો 'ઉપાસના' એટલે 'બ્રહ્મ અને પરબ્રહ્મના સદાસાકાર સ્વરૂપને યથાર્થપણે જાણીને દૃઢ અવિચળ નિશ્ચયપૂર્વક કરવામાં આવતી સેવા-ભક્તિ' એવો અર્થ કર્યો છે. આ ઉપાસનાની દૃઢતા અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયથી જ થવી જોઈએ એવો કવિનો આગ્રહ છે. ભગવાનમાં ભક્તને નિશ્ચય થાય છે, એ નિશ્ચય બે પ્રકારના હોય છે.

(1) સવિકલ્પ નિશ્ચય (2) નિર્વિકલ્પ નિશ્ચય અને આ બંને પ્રકારના નિશ્ચયમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ ભેદ છે. પણ આ સર્વમાં 'અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય' જ કવિને માન્ય છે, કારણ કે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયા સિવાય મુક્ત શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિમાં રસબસ થઈને સળંગ મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિનાં રોમેરોમનાં નવીન નવીન સુખ ક્યારેય ભોગવી નથી શકતા. અનાદિમુક્તની આ સ્થિતિ અને ચરમસીમાના એ સુખની અનુભૂતિ માટે શ્રીહરિમાં અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોવો અતિ આવશ્યક છે.

આ પ્રકારના નિશ્ચયની વાત કરતા લોયા ગામમાં શ્રીજીમહારાજે સંતોને સમજાવતાં કહ્યું હતું કે: "અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર તેને વિષે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ."( વચનામૃત- લોયા-૧૨.) આમ શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ જે અક્ષરધામ તેની સાથે પોતાના આત્માની એકતા કરી જે શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરે તે પરમ એકાંતિક મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા કહેવાય. જ્યારે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા અનાદિમુક્ત પોતાના આત્માને શ્રીજીમહારાજની મૂર્તિરૂપ માની સેવકભાવે શ્રીહરિની મૂર્તિમાં રસબસ થઈને સળંગ મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિના રોમરોમનાં નવીનતમ સુખ માણે છે. આ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તેથી જ કવિ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાંછના કરે છે. આવો નિશ્ચય એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. જ્ઞાનથી પ્રભુના સ્વરૂપનો નિશ્ચય દૃઢ થતો જાય છે અને એમનો અપાર મહિમા સમજાતો જાય છે. પણ એકલું જ્ઞાન શુષ્ક છે. તેથી કવિ પ્રભુ પાસે પ્રાર્થે છે:

"માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ"

ભગવાન પ્રત્યેના માહાત્મ્યજ્ઞાને સહિતના સ્નેહને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિ ગણવામાં આવી છે.(શિક્ષાપત્રી- શ્ર્લોક-૧૦૩.)

માહાત્મ્યજ્ઞાન ઉપરાંત, સંપ્રદાયને અભિમત 'એકાંતિક' શબ્દ કવિએ ભક્તિના વિશેષણ તરીકે પ્રયોજ્યો છે. પ્રગટ પરમાત્મામાં જ આસક્તિ અને અન્ય પદાર્થમાત્રમાં વિરક્તિ એ સાચા સ્નેહનું લક્ષણ છે. ભગવાનમાં જ અનન્યભાવથી પ્રેમાનુબંધ બાંધવો તેને એકાંતિક સ્નેહ યાને પતિવ્રતાનો સ્નેહ કહેવામાં આવે છે અને એવા સ્નેહેયુક્ત ભક્તિ એ એકાંતિક ભક્તિ છે!(એકાંતિક ભક્તિની વિસ્તૃત ચર્ચા સત્સંગિજીવન ભાગ-૧, પૃ. ૪૩૪ થી ૪૩૭ માં કરવામાં આવી છે.) એવી ભક્તિ જેનામાં હોય એ એકાંતિક ભક્ત છે. એવા ભક્તમાં ભગવાનનું માહાત્મ્યજ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ આ ચારે ય સાધનો હોય છે.(વચનામૃત- વડતાલ-૩.)

આગળ કવિ પ્રભુને પ્રાર્થે છે કે હે મહારાજ! આપના ભક્તોમાં કોઈ જાતનો દોષ ન રહે એ માટે એવા ગુરુ, એવા શુભ દેશ-કાળ ને સંગ અમને આપજો જેથી અમારા નિશ્ચયમાં, અમારી સમજણમાં, અમારા ધર્મમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં કોઈ જાતનો દોષ કે ત્રૂટિ રહી ન જાય! આપના સર્વ ભક્તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિએ યુક્ત સર્વોપરી ઉપાસનામાં પ્રવર્તે એવી મારી પ્રાર્થના છે.' પછી કવિ માગે છે: 'તુમારો તવ હરિભક્તકો દ્રોહ કબુ નહિ હોય.' 'હે મહારાજ! આપનો તથા આપના હરિભક્તનો ક્યારેય દ્રોહ ન થાય એવી અમારી રક્ષા કરજો.'

ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. આ અંગે શ્રીજીમહારાજે વચનામૃત ગ. છે. પ્ર. 12માં કહ્યું છે કે "જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ.... અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું, ને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય, ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો,... જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, અને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય ને અનંત ગૌહત્યા કરી હોય ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય, ને શાસ્ત્રમાં તે પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી, અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે, અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થાતો નથી અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે.... ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય, જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો, એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ."

ભગવાનના એકાંતિક ભક્તનો મહિમા અનેરો છે. પ્રેમાનંદ સ્વામી પણ મહારાજ પાસે માગી લે છે કે 'હે મહારાજ! આપના એકાંતિક ભક્તનો મને સદાય સમાગમ આપજો.' ગઢડા મધ્ય પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજીમહારાજે એકાંતિક ભક્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે: "એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને, સ્વધર્માદિક અંગે યુક્ત જે ભક્તિ તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે શ્રી પુરુષોત્તમ તેમનું ધ્યાન, સ્મરણ ને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને જેટલાં ઈશ્વરે વર્તમાન કહ્યાં હોય તેમાં ફેર પડવા દે નહિ, એવો હોય તે એકાંતિક ભક્ત જાણવો." વળી આના અનુસંધાનમાં શ્રીજીમહારાજ વડતાલના 16મા વચનામૃતમાં સમજાવે છે કે ભગવાનના ભક્તે આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો જ રાખવો. આથી જ સંતકવિ બ્રહ્માનંદ સ્વામી એમની બ્રહ્મવાણીમાં ગાય છે કે:

'સંત સમાગમ કીજે, હો નિશદિન.... સંત સમાગમ કીજે.'

સંત સમાગમથી શું થાય છે? એનું ફળ શું છે? એના જવાબમાં બ્રહ્મમુનિ કહે છે:

'ભવદુ:ખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે હો...

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફળ કરી લીજે હો....

આમ સંતની સોબત આ જન્મને સફળ કરી નાખે એવી છે. તેથી જ પ્રેમાનંદ સ્વામી શ્રીહરિને વંદના કરીને આજીજીપૂર્વક યાચના કરે છે:

'એકાંતિક તવ દાસકો દીજે સમાગમ મોય.'

હવે કવિ છઠ્ઠો વર માગતાં શ્રીજીને પ્રાર્થે છે: 'હે મહારાજ! આપના તથા આપના દાસાનુદાસ ભક્તના મને નિરંતર દર્શન થાય એવી મારી ઝંખના છે.' ભગવાનના દર્શન પરમ કલ્યાણકારી છે એમ તો પ્રેમસખી સમજે જ છે, પણ સાથે સાથે ભગવાનના દાસાનુદાસ ભક્તનો મહિમા પણ એ ઓછો નથી આંકતા!*

*'દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર... એ વર માગું છું.'

-સ. ગુ. પ્રેમાનંદ સ્વામી.

કવિ નમ્ર બની પ્રભુના દાસના પદની યાચના ઉપરાંત એથી યે નિમ્નસ્તર દાસાનુદાસની પદપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરે છે. એમાં કવિની મહાત્મયેયુક્ત નમ્રતા જ દેખાય છે.

અંતમાં સાતમો વર વિનયપૂર્વક માગતાં ફરી કહે છે:

'એહિ માગું કરી વિનય હરિ સદા રાખિયો પાસ.'

'હે મહારાજ! અખંડ આપની મૂર્તિમાં મને ભેળો રાખજો એ જ મારી અંતિમ યાચના છે.' આ પ્રમાણે શ્રીહરિનું વિધિપૂર્વક સ્તવન કરીને કવિ ઉપરોક્ત સાત 'વર' સર્વ સત્સંગી માત્ર માટે માગ્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે આશ્રિત સત્સંગીને ઉદ્દેશીને કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી છે તેમાં જે અગિયાર નિયમો શ્રીહરિએ સર્વ સત્સંગી હરિભક્તોને દૃઢ પાળવાની આજ્ઞા કરી છે એ નિયમો:

(1) જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, (2) પરસ્ત્રી સંગનો ત્યાગ કરવો, (3) માંસ ન ખાવું, (4) મદ્ય ન પીવું, (5) વિધવાનો સ્પર્શ ન કરવો, (6) આત્મઘાત ન કરવો, (7) ચોરી ન કરવી, (8) કોઈ ઉપર મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, (9) કોઈ દેવની નિંદા ન કરવી, (10) જેના પાત્રનું અન્ન ન ખપતું હોય તે ન ખાવું અને (11) વિમુખના મુખેથી કથા ન સાંભળવી. આ નિયમો ત્યાગી-ગૃહી સર્વે સત્સંગી માત્રએ દૃઢપણે પાળવા.

શ્રીહરિના ભક્તો પ્રેમાનંદ સ્વામીને અતિ પ્યારા છે. એથી જ આત્મીયજનની જેમ પ્રેમસખી સર્વે સત્સંગીજનોને ઉપરોક્ત અગિયાર નિયમો એમના કલ્યાણ માટે દૃઢતાથી પાળવાની ભલામણ કરી અંતે કહે છે:

'ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઔર સબ આશ.'

'પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત.'

પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય મોક્ષદાતા અન્ય કોઈ નથી એવો અચળ વિશ્વાસ મનમાં દૃઢ કરી, શ્રીહરિને જ સર્વ કર્તાહર્તા જાણી તમે શ્રીજીમહારાજને અનન્ય ભક્તિભાવપૂર્વક ભજશો તો અવશ્ય અક્ષરધામને પામશો, એમાં જરાય શંકાને સ્થાન નથી એમ પ્રેમાનંદ સ્વામી નિ:શંક ખાત્રીપૂર્વક કહે છે.

આ જ વાતનું સમર્થન કરતાં શ્રીજીમહારાજે પણ વચનામૃત ગ. મ. પ્ર. 21માં કહ્યું છે કે "વર્ણાશ્રમના ધર્મવતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે અને કલ્યાણને અર્થે તો ભગવાનને કર્તાહર્તા જાણવા એ જ છે."

દોહાબંધવાળું પ્રસ્તુત પદ પ્રેમાનંદ સ્વામીની સંપ્રદાયને એક અણમોલ ભેટ છે, જેના પઠન-મનનથી મુમુક્ષુ સત્સંગીઓને મોક્ષ પ્રાપ્તિનો મિતભાષી સૂત્રાત્મક બોધ બહુ જ સુગમતાથી મળી રહે છે.