૩૩. ભરી સભામાં શ્રીહરિજી તમે, થયા છો માડી મારી રે...

0:000:00

શ્રીજીમહારાજે ફક્ત બાર રૂપિયા આપીને બ્રહ્માનંદ સ્વામીને વડતાલમાં મંદિર કરવા માટે મોકલ્યા હતા. મહારાજે તો ત્યાં એક શિખરનું નાનું સરખું મંદિર બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ બ્રહ્મમુનિએ તો યેનકેન પ્રકારેણ મહારાજને રાજી કરી લઈને ભારે જહેમત લઈને ત્રણ શિખરનું કમળ આકારનું ભવ્ય મંદિર બંધાવ્યું.

આ મંદિરનું બાંધકામ ચાલતું હતું એ અરસામાં મારવાડ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડવાથી એ દેશના ઘણા લોકો ગુજરાત તરફ ગુજરાન માટે આવેલા. બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમની જન્મભૂમિ ખાણ અને એની આજુબાજુના પ્રદેશમાંથી પણ એમના જ્ઞાતિજનો અને સંબંધીઓ એ અરસામાં રોજી રોટીનું સાધન શોધતા વડતાલ આવી ચડેલા. તેમાંથી કેટલાક મંદિરના બાંધકામના કામમાં મજૂરી કરી પોતાનો નિભાવ કરતા હતા.

સાત આઠ મહિના મંદિરનું કામ ચાલ્યું ત્યાં તો ચોમાસું આવ્યું, એ ચોમાસે મારવાડમાં વરસાદ સારો થયો. એટલે એ મારવાડી સલાટ કારીગરો તથા મજૂરોએ પોતાના વતનમાં પાછા ફરવાનો વિચાર કર્યો. એમણે બ્રહ્માનંદ સ્વામી પાસે રજા માગી, પણ સ્વામીએ મંદિરમાં પ્રતિષ્ઠા ઉત્સવનાં દર્શન કર્યા પછી જવાનું કહ્યું. પરિણામે એ બધા મંદિરમાં ત્યાં સુધી રોકાયા.

સં. 1881ની પ્રબોધિનીએ વડતાલના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ.

આ પ્રસંગે કેટલાક વિઘ્નસંતોષીઓએ ઈર્ષ્યાના આવેશમાં મહારાજ પાસે જઈને ફરિયાદ કરી 'મહારાજ! બ્રહ્માનંદ સ્વામી તો આ દેશમાં ભગવાન થઈને પૂજાય છે. તેમના દેશના લોકોને તથા સગાંસંબંધીઓને તેડાવીને મંદિરમાં રાખે છે. અત્યારથી ચેતીશું નહિ તો તે સૌ મંદિરના ધણી થઈને બેસી જશે. માટે ધ્યાન રાખવા જેવું છે.'

મહારાજ તો અંતર્યામીપણે સઘળી હકીકત જાણતા હતા. પરંતુ બ્રહ્માનંદ સ્વામી માટે આ ખોટી ઉપાધિ ઊભી થઈ હતી તે એમને ટાળવી હતી.1 એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું: "સ્વામી! બહુ સારા મંદિર થયા. તમે તો તમારું તમામ કલા કૌશલ્ય આ મંદિર નિર્માણ કરવામાં વાપરી દીધું, બહુ જ ભક્તિભાવથી કાર્ય કર્યું, પરંતુ તમારા જેવા વિદ્વાન કવિરાજ આવા વ્યવહાર કાર્યમાં જ જો પ્રવૃત્ત બની રહે તો પછી સંપ્રદાયની પુષ્ટિ જે સત્સંગ સાહિત્યથી થવી જોઈએ એ અટકી જાય. અમારા સ્વરૂપના, મહિમાના, ભક્તિનાં જે પદ તમે રચતા હતા તે કામ કેટલાય વખતથી બંધ થઈ ગયું છે. મંદિરથી કીર્તન અધિક છે.2 ભગવાનની મૂર્તિની શોભા અને ચરિત્ર તમે કીર્તનમાં એવા ગાતા કે સાંભળનારના અંતરમાં મૂર્તિ ચોંટી જાય! માટે હવે તમે આ બધો કારભાર છોડી અમારી સાથે ગઢડા ચાલો ને સુખેથી ભગવાન ભજી અમારા ગુણાનુવાદ ગાઓ." આમ કહી મહારાજે વડતાલ મંદિરનો બધો કારભાર સ. ગુ. અક્ષરાનંદ સ્વામીને ત્યાંના મહંત નીમીને સોંપ્યો.3

૧. ભક્તચિંતામણિમાં સ. ગુ. નિષ્કુળાનણંદ સ્વામી આ પ્રસંગેનો ઉલ્લેખ કરતાં લખે છે;

"આવી'તી બ્રહ્માનંદને ભાગ્ય, તે ઉપાધિનો કરાવ્યો ત્યાગ;

એવે સમામાં વિઘ્ન ટાળી, નિજ સમીપની સેવા આપી."

૨. શ્રીહરિચરિત્રામૃતસાગર : (પૂર ૨૮: તરંગ, ૭૦)

૩. શ્રીહરિચરિત્રામૃત સાગરમાં એવો ઉલ્લેખ છે કે આ પ્રસંગે મહારાજે વડતાલ મંદિરના મહંત સ. ગુ. આનંદાનંદ સ્વામીને બનાવ્યા હતા. (પૂર ૨૮; તરંગ ૭૦)

બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હેતુ સમજી ગયા. એમને થયું, મહારાજ મારું કેટલું ધ્યાન રાખે છે! મા દીકરાની સંભાળ રાખે એમ મહારાજ મારા કલ્યાણની માવજત કરે છે.

આ પ્રસંગે સ્વામીને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી ગઈ. પોતે લાડુદાનમાંથી નવેસવા સાધુ બન્યા હતા. એ અરસામાં એમના પૂર્વાશ્રમના મા-બાપ એમને સમજાવી ઘેર લઈ જવા ગઢપુર આવ્યા હતા. ત્યારે પોતે તેમને ઘેર જવાની સ્પષ્ટ ના પાડતાં એમની માતા છાતીફાટ રડેલાં. મહારાજે એ પ્રસંગે સભામાં એમના માતુશ્રી લાલુબાને આશ્વાસન આપતાં કહેલું: "લાલુબા! અમે તમારા દીકરાની મા બની એમની સંભાળ લઈશું અને એમને કોઈ રીતે કષ્ટ પડવા નહિ દઈએ." આજે મહારાજ એમનું એ વચન સત્ય કરી રહ્યા હતા. બ્રહ્મમુનિની આંખોમાં મહારાજની આ કરુણાને કારણે આંસુ આવી ગયાં. એમનું અંતર પોકારી ઊઠ્યું: 'મહારાજ! માવડીની જેમ આપે મારી સંભાળ ન લીધી હોત તો આ વ્યવહારમાં હું ક્યાંયે ખોવાઈ જાત!'

મહારાજની પાસે ઊભા ઊભા બ્રહ્મમુનિ કરુણાકરની કરુણાનો તાગ કાઢવા મથતા હતા ત્યાં તો મહારાજનો મધુર સ્વર સંભળાતાં એ વિચાર તંદ્રમાંથી જાગી ગયા. આગળની વાતના અનુસંધાનમાં એમણે તરત મહારાજને કહ્યું: 'ભલે મહારાજ! મારે તો આપની આજ્ઞા એ જ જીવન છે. હું આપની મૂર્તિ સિવાય બીજે ક્યાંયે બંધાવા ઇચ્છતો નથી. મારી ઝોળી મેં તૈયાર જ રાખી છે.' મહારાજ તેમની સરળતાથી, આજ્ઞા પાળવાની તત્પરતાથી ખૂબ પ્રસન્ન થયા(શ્રી ભ્રહ્મસંહિતા- સં. રાજકવિ માવદાન.).

બીજે દિવસે વડતાલથી મહારાજ સાથે સંઘમાં બ્રહ્મમુનિ પણ ગઢડા જવા નીકળ્યા. રસ્તામાં સીંજીવાડે રાત રોકાયા. બીજે દિવસે પ્રાત:કાળે નિત્ય વિધિ પતાવી સ્વામી અંતરમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેઠા. પરંતુ અફસોસ! સંકલ્પમાત્રથી જે મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી તેની ઝાંખી પણ આજે આટલા પ્રયત્ને દુર્લભ થઈ. બ્રહ્મમુનિ મુંઝાયા. એમને થયું, મારી સાધુતામાં કંઈ ખામી આવી, મહારાજની કોઈ આજ્ઞા લોપાઈ કે થયું શું? વિચારને અંતે એમને સમજાયું કે અહંમમત્વથી કરેલું વ્યવહારનું પ્રત્યેક કાર્ય વિક્ષેપકારક છે, પછી ભલેને એ મંદિરનું જ કામ હોય! જે અંતરમાં મહારાજ રહેતા હોય એમાં પણ વ્યવહાર પ્રત્યેનું મમત્વ એક પ્રકારનો અંતરાય ઊભો કરે છે. સ્વામીનાં નેત્રો સજળ થયાં, હૃદય ભરાઈ આવ્યું. પશ્ચાત્તાપનાં આંસુએ અંતરની સિતારી ઝણઝણાવી મૂકી. એમના આર્તનાદને પ્રાતઃકાળને અનુરૂપ પ્રભાતી પદમાં એમણે મુખરિત કર્યો.

'અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરદની બલિહારી રે;

ગ્રહી બાંહ્ય છોડો નહિ હરિવર, અવિચળ ટેક તમારી રે.'

આંખમાંથી અશ્રુધારા અવિરતપણે વહે જતી હતી, પશ્ચાત્તાપના એ આંસુમાં અંતરનો વિક્ષેપ પણ વહી ગયો. ચિત્ત નિર્મળ થતાં ધીરે ધીરે એમાં પ્રકાશ ફેલાતો ગયો. સ્વામીનું કવિહૃદય દીનભાવે પ્રેમાસ્પદ પ્રભુને પ્રાર્થી રહ્યું. મહારાજને એમની અવિચળ ટેકની યાદ અપાવી, બ્રહ્માનંદ સ્વામી પ્રેમ પ્રસાદની યાચના કરતા આગળ ગાવા લાગ્યા:

'ભરી સભામાં શ્રીહરિજી તમે, થયા છો માડી મારી રે;

બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે.'

જેમ જેમ સ્વામી આ પદ ગાતા ગયા તેમ તેમ અંતરમાં આનંદ ને પ્રકાશ આવિષ્કાર પામતા ગયા ને અંતે--

'બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ સુખકારી રે,

પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે.'

આ છેલ્લા ચરણના આલાપ સાથે શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિનાં દર્શન અંત:કરણમાં થવા લાગ્યાં. સ્વામીના આનંદનો પાર ન રહ્યો. આંખો ખોલી તો એમનું કીર્તન સાંભળીને પ્રાતઃકાળે ઊઠીને મહારાજ એમની સામે આવીને બેઠા હતા. મહારાજને જોતાં જ સ્વામી ઊભા થઈ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. મહારાજે બહુ હેતપૂર્વક સ્વામીની આંખોનાં આંસુ લૂછ્યાં ને પછી પ્રગાઢ આલિંગન આપી અત્યંત પ્રસન્નતા બતાવી.

કાવ્યકૃતિ :

અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરદની બલિહારી રે;

ગ્રહી બાંહ્ય છોડો નહિ હરિવર, અવિચળ ટેક તમારી રે. ટેક

ભરી સભામાં શ્રીહરિજી તમે, થયા છો માડી મારી રે;

બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે. અ. ૧

જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;

પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુવોને વિચારી રે. અ. ૨

અનળ અહિ જો ગ્રહે અજાણે, તો છોડાવે રોવારી રે;

બાળકને જનુની સમ બીજું, નહિ જગમાં હિતકારી રે. અ. ૩

બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ સુખકારી રે;

પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે. અ. ૪


આસ્વાદ :

સંતકવિ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની કવિતામાં બ્રહ્મબોલના પડછંદા અને પ્રેમભક્તિની મધુરતા છે. એમનું કવન ઇયત્તા તથા ગુણવત્તા બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું છે.

અંતરમાં અખંડ જેના સ્વરૂપની ધારણા અનાયાસે થતી હોય એ સ્વરૂપની અચાનક ઝાંખી પણ દુર્લભ બને ત્યારે દર્શન પિપાસુ ભક્તની અંતર-વેદના રડી ઊઠે છે. એ રૂદનમાં વિનંતી છે, પ્રાર્થના છે, યાચના છે!

ભગવાન શ્રી સ્વામિનારાયણ અધમ ઉદ્ધારણ અવિનાશી અવતારી પુરુષ છે. જે કોઈ શરણે આવે તેના યોગક્ષેમનું એ વહન કરે છે. ભગવાન એકવાર જેનો હાથ પકડે છે તેને પછી ક્યારેય છોડતા નથી. કવિએ અહીં એક ઐતિહાસિક સંદર્ભ આપ્યો છે:

'ભરી સભામાં શ્રીહરિજી તમે, થયા છો માડી મારી રે;

બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે....'

જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઘરબાર, મા-બાપ, ભાઈ-બહેન વગેરેને છોડી ગઢડામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારેલું ત્યારે ભગવાનશ્રીએ પુત્રવિયોગે વ્યથિત બનેલ બ્રહ્માનંદજીની માતાને હૈયાધારણા આપેલી કે "લાલુબા! તમારા પુત્રની હું માતાની જેમ સંભાળ રાખીશ."

એ પ્રસંગની યાદ અપાવીને કવિ શ્રીહરિ પાસે માતાતુલ્ય વાત્સલ્યની અપેક્ષા કરે છે અને એ રીતે પોતાના અવગુણની ક્ષમા-યાચના પણ માગી લે છે.

મીરાંનું ભજન 'હરિ મેરે અવગુણ ચિત્ત ન ધરો' જેવો જ ભાવ અહીં કવિને અભિમત છે.

માતાને મન પોતાનું બાળક ગમે તેવું હોય તો પણ અત્યંત વહાલું હોય છે. બાળકના ગુણ-અવગુણ સામે મા ક્યારેય જોતી નથી. જો કે કવિ તો એથી ય આગળ વધીને એમ પણ કહે છે:

'પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુવોને વિચારી રે.'

પડ્યું પાનું નિભાવવાની હદ સુધી એ પ્રભુને યાચે છે.

ત્રીજા અંતરામાં કવિ બહુ સુંદર રૂપક રચે છે. માતા જેમ પોતાના બાળકને એ અજાણ્યે સાપ પકડે કે અગ્નિમાં હાથ નાખે ત્યારે રડાવીને પણ એનાથી બચાવે છે એમ ભગવાન પણ પોતાના આશ્રિતને આધિ, વ્યાધિ ને ઉપાધિના ત્રિવિધ તાપથી, અનિષ્ટથી કે પાપથી હંમેશાં ઉગારી લે છે. બાળક માટે માતા સમાન જગતમાં બીજું કોઈ હિતકારી નથી એમ ભક્ત માટે ભગવાન સિવાય જગમાં બીજું કોઈ હિતકારી નથી. કવિને આવા હિતકારી પ્રભુ ભેટી ગયા પછી બીજા કશાયની અપેક્ષા એ શા માટે રાખે? એમને તો શ્રીહરિનું શિરછત્ર જ પૂરતું છે. શ્રીજીમહારાજની રસિક મૂર્તિનું અહોનિશ દર્શન થયા કરે એ જ એમની અભ્યર્થના છે.

આ સુગેય પદની ભાષા સરળ છે, પણ ભાવાભિવ્યક્તિ અદભુત છે.