૧૮. વ્હાલા રમઝમ કરતા રાજ મારે ઘેર આવો ને...
વડોદરા નગરી પરાપૂર્વથી 'ગુજરાતની કાશી' તરીકે પંકાયેલી છે. એ સંસ્કારી નગરીમાં સાહિત્ય, સંગીત ને કલાના આરાધકો સૈકાઓથી વસતા આવ્યા છે. સં. 1880ના આસપાસના અરસામાં વડોદરામાં સરકાર સયાજીરાવ ગાયકવાડ (બીજા)નું રાજ હતું. તે વખતે વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝાઝો પ્રચાર કે પ્રસાર નહોતો થયેલો, તેથી મહારાજના આદેશથી સ. ગુ. ગોપાળાનંદ સ્વામી વડોદરા આવીને રહેતા; એમના પ્રૌઢ પ્રતાપે વડોદરામાં સદાશિવભાઈ, નાથભક્ત, ભાઉ પુરાણિક, નારૂપંત નાના, બાપુ સાહેબ વગેરે મહાનુભાવો સત્સંગી થયા અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વડોદરામાં પ્રતિદિન ચડતો રંગ જોઈને અન્ય ધર્મી વિઘ્નસંતોષી પંડિતો અને વિતંડાવાદીઓને ખૂબ ઈર્ષ્યા થતી. વડોદરા રાજ્યનો દિવાન વિઠ્ઠલરાવ સત્સંગનો કટ્ટર દ્વેષી હતો.
વેદાંતાચાર્ય નામના એક રામાનુજ સંપ્રદાયના આચાર્યને શ્રીજીમહારાજે વડતાલમાં શાસ્ત્રાર્થ કરી હરાવેલો, તે પણ ત્યાંથી વડોદરા આવી દિવાન સાથે ભળી સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ કાવતરાં રચવા લાગ્યો, દિવાન અને વેદાંતાચાર્યે મળીને શ્રીમંત સરકારને અરજ કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વિદ્વાન પ્રતિનિધિ અમારી સાથે શાસ્ત્રાર્થ કરે અને તેમાં એ જીતે તો અમે સ્વામિનારાયણ સંપ્રદાયને માન્ય રાખીએ અને હારે તો એ સંપ્રદાયનો કોઈ પણ સાધુ કે અનુયાયી વડોદરા રાજ્યમાં ન રહેવો જોઈએ. સયાજીરાવ એ વખતે યુવાન હતા. એમને યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામીનો જોગ થયેલો એટલે સત્સંગ પ્રત્યે ગુણબુદ્ધિ તો થયેલી; પણ દિવાન અને વેદાંતાચાર્યના સમાધાન ખાતર એમણે આ વિનંતી સ્વીકારી, શ્રીજીમહારાજને ગઢડા નાથભક્ત દ્વારા સંદેશો મોકલી કોઈ વિદ્વાન સંતને શાસ્ત્રાર્થ માટે મોકલવાની પ્રાર્થના કરી. શ્રીહરિએ વેદાંતાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા સ. ગુ. મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા. વડોદરા આવી મુક્તમુનિએ (સં. 1881ના ચાતુર્માસમાં) વેદાંતાચાર્યને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા તથા અનેક મતપંથના આચાર્યો અને પંડિતોના પ્રશ્નોનું યથાર્થ સમાધાન કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું(વડોદરાનું સત્સંગ દર્શન. લે. શ્રી રમેશ પંડ્યા, પૃ. ૯૧ થી ૯૩).
સ. ગુ. મુક્તાનંદ સ્વામીની વાત કરવાની શૈલી બહુ જ રોચક અને અસરકારક હતી. શ્રીમંત સરકાર સયાજીરાવ તો સ્વામીની જ્ઞાન-ગરિમા ને વાર્તાલાપ શૈલીથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે સ્વામી ત્રણ મહિના વડોદરા રોકાયા તે દરમ્યાન દરરોજ સ્વામીનો સમાગમ કરવા વાડીમાં નાથ ભક્તના વાડામાં જે નાનકડું હરિમંદિર હતું ત્યાં આવતા. મુક્તાનંદજી પાસેથી શ્રી સહજાનંદ સ્વામીનો મહિમા તથા એમનાં ચરિત્ર સાંભળીને શ્રી સયાજીરાવના અંતરમાં શ્રી સહજાનંદજી મહારાજના દર્શન માટે તીવ્ર ઉત્કંઠા જાગી. શ્રીમંત સરકારે મહારાજને વડોદરા પધારવા માટે આગ્રહભર્યું આમંત્રણ પાઠવ્યું. ગાયકવાડનો પ્રેમ જોઈને ભક્ત વત્સલ શ્રીજીએ નિમંત્રણ સ્વીકારી ગઢડાથી વડતાલ પ્રત્યે પ્રયાણ આદર્યું. વડતાલથી સંત-હરિભક્તોના વિશાળ કાફલા સાથે મહારાજની ભવ્ય સવારી વડોદરાના પાદરે આવેલા છાણી ગામ પાસે આવી પહોંચી. (સં. 1882ના કાર્તિક વદ ત્રીજ) શ્રીજીમહારાજના આગમનના સમાચાર સાંભળતાં જ મુક્તાનંદના અંતરમાં આનંદનો ઉલ્લાસ પ્રગટ્યો. ત્રણ ત્રણ મહિનાના વિરહ પછી આજે પ્રાણપ્યારા પ્રીતમને સત્કારવાનો જે મંગલ પ્રસંગ ઘરઆંગણે આવ્યો હતો, એ મોકાને મુક્તાનંદનું કવિ હૃદય કેમ કરીને ચૂકે? શ્રીમંત સરકાર તથા એમના રાજવી ઘરાણાનાં કુટુંબીજનો શ્રીહરિનું ભવ્ય સામૈયું કરવા માટે જતા હતા. મુક્તાનંદ સ્વામી પણ એમના સંતમંડળ સાથે નૃત્ય કરતા કરતા શ્રીજીને સત્કારવા હરખભેર ગયા. સ્વામીએ એ વખતે સમુલ્લાસભર્યા હૃદયની ભાવોર્મિઓને કાવ્ય દ્વારા કથિત કરતાં નૃત્ય સાથે પ્રગલ્ભ સ્વરે ગાવા માંડ્યું:
"વ્હાલા રમઝમ કરતા રાજ, મારે ઘેર આવો રે;
મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે."
વડોદરાના તંબોળી હરિભક્તો સ્વામી સાથે કીર્તનની એક એક કડી ઝીલતા અને એમ સમૂહમાં સૌ કીર્તન આરાધના કરતા શ્રીજીને સત્કારવા છાણી પહોંચ્યા. ત્યાં પણ શ્રીહરિ સન્મુખ મુક્તમુનિએ આ કીર્તન ગાયું. એ સાંભળીને મહારાજ અતિ પ્રસન્ન થયા.
કાવ્યકૃતિ :
વ્હાલા રમઝમ કરતા રાજ, મારે ઘેર આવો રે;
મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે. ૧
મારે તમ સંગ લાગી પ્રીત, નાથ સોહાગી રે;
મેં તો તમ સંગ રમવા કાજ, લજ્જા ત્યાગી રે. ૨
વા'લા અબળા ઉપર મહેર, કરજો સુખકારી રે;
હું તો જનમોજનમની નાથ, દાસી તમારી રે. ૩
મારા પ્રાણ તણા આધાર, પ્રીતમ પ્યારા રે;
પળ રહોમાં નૌતમ નાવ, મુજથી ન્યારા રે. ૪
આવો છોગાં મેલીને ઘનશ્યામ, ધડક મ ધારો રે;
મેં તો ફૂલડે સમારી સેજ, નાથ સુધારો રે. ૫
વ્હાલા નેણાં તણું ફળ નાથ, મુજને આપો રે;
મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે. ૬
આસ્વાદ :
સંત કવિ મુક્તાનંદે વ્હાલા પિયુ સહજાનંદને સત્કારવા નૃત્ય સાથે ગાયેલા ઉપરોક્ત પદમાં કવિનો પ્રેમીભક્તભાવે આવિષ્કાર પામતો પ્રેમ ને પ્રભુ મિલનની ઉત્કટ પ્યાસ બહુ જ સમ્યક્ભાવે અભિવ્યક્ત થાય છે. આ પ્રેમીભક્તભાવ એ સ્વામિનારાયણીય સંતકવિઓનો પ્રિયંકર આત્મભાવ છે. પ્રત્યેક સંતકવિએ પોતાની આધ્યાત્મિક ઝંખના પોતાનાં કાવ્યોમાં પોતાની આગવી રીતે અભિવ્યક્ત કરી જ છે!
લાંબા વિરહ બાદ જ્યારે ભક્તને સમાચાર સાંપડે છે કે પરદેશથી શ્રીહરિજી પધારી રહ્યા છે ત્યારે એનું હૈયું હાથમાં નથી રહેતું, એનું દિલ આનંદના આવેગમાં નાચી ઊઠે છે અને અભિસારિકા બનીને એ શ્રીજીને સત્કારવા સામી દોડી જાય છે. એનો પ્રિયતમ પણ અતિ ઉલ્લાસમાં જ હશે એવી એની ધારણા છે એટલે જ એ પિયુને પ્રેમભર્યું નિમંત્રણ પાઠવતાં ગાય છે:
"વ્હાલા રમઝમ કરતા રાજ, મારે ઘેર આવો રે.'
ભક્તના હૃદયની આરજૂ બસ એટલી જ છે કે મારો વ્હાલીડો મને હસીને બોલાવે.
ભક્ત પ્રેમનો એકરાર બહુ જલદી કરી લે છે, કારણ કે એને ઉતાવળ છે, પ્રિયતમ પ્રભુ સાથે રમવાની! એને વ્હાલા સાથે રાસલીલાની રસલ્હાણ લૂંટવી છે.
એટલે જ એ લજ્જા ત્યાગીને તમામ લૌકિક સંબંધો ત્યજી દઈને પ્રભુના પ્રેમમાં મસ્ત બને છે. પણ આ ત્યાગમાં વૈરાગ્યની ઉદાસીનતા નથી, મિલનનો ઉત્સાહ છે. માંગેલું મળવાનું છે જ એની ખાતરીનો આનંદ છે.
ભક્તના કથનમાં ક્યાંક આજીજી તો ક્યાંક અનન્ય શરણાગતિ દૃષ્ટિગોચર થાય છે.
'હું તો જનમોજનમની નાથ, દાસી તમારી રે.'
મુક્તાનંદ શ્રી સહજાનંદમાં મધુર અનુરાગ અનુભવે છે. વળી એ પૂર્વાનુરાગ, મધુર આકર્ષણ, સ્નેહાસક્તિ દૃઢતા અને અપૂર્વ શ્રદ્ધા સ્વાર્પણના ભાવોએ યુક્ત છે. એમના હૃદયમંદિરમાં શ્રી સહજાનંદ મહાપ્રભુ માટે જે મધુર સ્નેહ છે, એ અહીં વ્યક્ત થયા વિના રહેતો નથી.
'મારા પ્રાણ તણા આધાર, પ્રીતમ પ્યારા રે;
પળ રહોમાં નૌતમ નાવ, મુજથી ન્યારા રે.'
પ્રભુથી એક પળ માટે પણ દૂર રહેવા એ તૈયાર નથી. વળી નિ:સંકોચ રીતે કવિ કહે છે:
'આવો છોગાં મેલીને ઘનશ્યામ, ધડક મ ધારો રે.
મેં તો ફૂલડે સમારી સેજ, નાથ સુધારો રે.'
પ્રેમીભક્તની પ્રેમ-મસ્તીનું એક રસિક નિમંત્રણ કવિએ બહુ જ સલુકાઈથી સહેજ પણ મર્યાદાભંગ કર્યા વિના કાવ્યમાં ગ્રંથિત કર્યું છે.
અંતિમ બે પંક્તિઓમાં કવિ પ્રભુને પ્રાર્થતા કહે છે કે, મહારાજ! આ નેણાંનું-- આ દૃષ્ટિનું પરમ ફળ ફક્ત પ્રભુ દર્શન જ છે. માટે પ્રભુ! કૃપા કરીને હવે દર્શનના દાન દઈને કૃતાર્થ કરો અને આપના વિયોગે દિલે જે વેદના વેઠી છે તે કાપી અંતરને દિવ્યાનંદ ને શાંતિથી ભરી દો એ જ અભ્યર્થના છે.
પરમાત્માના દર્શનની અભિપ્સા એ જ કાવ્યનો મૂળ વિષય છે. કાવ્ય સરળ, સુગેય, ભાવમધુર છે અને પદ ભાવદૃષ્ટિએ આસ્વાદ્ય છે.