પરિશિષ્ટ-૩ : સ્વયંભૂ સંગીત

સર્વ પ્રકારની લલિત કળાઓ જેવી કે સંગીત, સાહિત્ય, નૃત્ય, શિલ્પસ્થાપત્ય ઇત્યાદિ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજીસમકાલીન નંદસંતોને સુસાધ્ય હતી, કારણ કે એ કલાઓનું ઉદગમ એમની પાસે હતું. એ ઉદગમ એટલે સ્વયમ્ ભગવાન શ્રી સ્વામિનારાયણ! જગતભરની સમસ્ત કલા શ્રીજીમહારાજને આશ્રયે રહેલી હતી. મહારાજ કોઈ પાસે સંગીતવિદ્યા શીખ્યા નહોતા, પરંતુ સંગીતનું એમને સ્વયંસ્ફૂરિત જ્ઞાન હતું.

એક વખત કારિયાણા ગામના પ્રેમી સત્સંગી ભક્ત કાળા મકવાણાનું વાંસળીવાદન સાંભળીને તેના ઉપર અતિ પ્રસન્ન થઈ મહારાજે કાળા મકવાણાને વરદાન માગવું કહ્યું ત્યારે એણે કહ્યુંઃ ''મહારાજ! મેં તો આ લોકનું સંગીત વાંસળી દ્વારા રજૂ કર્યું, પણ આપ જો વાંસળી વગાડો, તો દિવ્ય સંગીતના સૂર સાંભળવાનો અનેરો લાભ મળે.'' આ સાંભળીને શ્રી સહજાનંદ સ્વામી સહુને સાથે લઈ ત્યાંની કાળુભાર નદીને કિનારે ગયા અને કાળા મકવાણાની વાંસળી લઈ પોતે પગની આંટી ચડાવી વાંસળીમાંથી અદભુત સંગીત વહેવડાવ્યું. આ દિવ્ય સ્વરોથી જાણે કાળુભાર નદીનાં નીર થંભી ગયાં અને નદીનાં જળચરોને પણ સમાધિ લાગી ગઈ. સાથે આવેલા સર્વ સખાઓને પણ આ દિવ્ય સંગીતથી સમાધિ થઈ ગઈ અને એ સમાધિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં. આ પ્રસંગે સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીએ 'વાલે વજાડી છે વાંસળી રે, કાળંદ્રીને તીર' એ કીર્તનની રચના કરી.