૧૪. સખી પંચાળા ગામના ચોકમાં રે....

0:000:00

"મહારાજ! કૃપાનાથ! એક અરજ કરવાની છે...." મહારાજના દર્શને ગઢડા આવેલા પંચાળાના ઠાકોર ઝીણાભાઈ બે હાથ જોડી પ્રભુને વિનવતાં બોલ્યા:

"બોલો દરબાર! નચિંત મને કહો... શી વાત છે?" અક્ષરઓરડીમાં ઢોલિયા પર બિરાજેલ શ્રીહરિએ મર્માળુ સ્મિત કરી પૂછ્યું.

"મહારાજ! સર્વે સંત હરિભક્તોને લઈ આપ પંચાળા પધારો ને ત્યાં ફૂલદોલોત્સવ ઉજવો એવી અભ્યર્થના છે, પ્રભુ!" ઝીણાભાઈએ દિલની વાત કહી.

"ઓહોહો.... આ તો બહુ આનંદની વાત થઈ." મહારાજ આ સાંભળી રાજી થઈ બોલી ઊઠ્યા: "ભલે ભલે ભક્તરાજ! અમે સઘળા સંતો તથા હરિભક્તોને તેડાવી જરૂર પંચાળા પધારી ફૂલદોલોત્સવ ઉજવશું."

દરબાર તો આ સાંભળી રાજીના રેડ થઈ ગયા.

મહારાજ તો વાયદા મુજબ સર્વે સંત હરિભક્તોને લઈ પંચાળે પધાર્યા. અહીં તો જેવા અતિથિ તેવા જ યજમાન હતા. સર્વે માટે ઝીણાભાઈએ એમનો દરબાર ખુલ્લો મૂક્યો હતો. મહેમાનગતિમાં કાંઈ મણાં નહોતી રાખી. એમનાં બહેન આદીબાને પણ મહારાજ પ્રત્યે અનન્ય પ્રેમભક્તિ હતી, તેથી સેવા-સરભરામાં કોઈ ખોટ ન આવવા દીધી.

મધ્યાહ્ન બાદ ઝીણાભાઈના દરબારમાં મહારાજ સભા ભરીને બિરાજમાન થયા હતા. સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તથા દેશદેશના હરિભક્તો બેઠા હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઊભા થઈ હાથ જોડી પ્રસ્તાવ મૂક્યો: "મહારાજ! શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોપિકાઓને શરદ પૂર્ણિમાની રાત્રે મહારાસ રમાડી પોતાના દિવ્ય સુખની અનુભૂતિ કરાવેલી એમ આજે આપ અમારી સાથે રાસ રમી આપના સર્વોપરી સુખની અનુભૂતિ કરાવો, એવો અમારો સંકલ્પ છે."

મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું: "તમારો મનોરથ જરૂર પૂરો કરશું; પણ એક શરત છે. તમારે તે જ સમયે નવીન કીર્તનો રચવાં. એક કીર્તન પૂરું થાય અને બીજું તૈયાર જ હોય તો જ મહારાસનો મહાઆનંદ માણી શકાય."

બ્રહ્માનંદ સ્વામીએ તરત જ હા કહી. એટલે મહારાજે કહ્યું: "તો પશ્ચિમ દિશામાં જે ટેકરો છે ત્યાં વિશાળ પટાંગણ છે, ત્યાં મહારાસ ગોઠવો. બાજુમાં સાબલી નદીનાં નીર વહે છે. પૂનમની રાત્રિ છે, ચંદ્ર પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે ને ઠંડી હવાનો આહ્લાદ છે. આમ પ્રકૃતિ સર્વ પ્રકારે અનુકૂળ છે."

"અને.... ભગવાન પણ સાનુકૂળ છે." બ્રહ્માનંદ સ્વામીએ ઉમેર્યું.

એટલે મહારાજ કહે: "ભગવાન સાનુકૂળ છે તેથી જ તો આ બધું અનુકૂળ થયું છે. નહિ તો દેશ કાળ કાંઈ ભગવાન ભજવા દે એવા નથી." સંતો શ્રીજીની વાણીનો મર્મ પામી ગયા.

સમી સંધ્યા ટાણે સંત હરિભક્તો તથા નગરજનો સૌ સાબલી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ પ્રયોજાયો હતો ત્યાં જવા લાગ્યા. લગભગ રાત્રિના નવ વાગ્યાનો સમય થયો હશે ત્યાં તો સમગ્ર પટાંગણમાં, નદીના બન્ને કિનારા તેમજ આજુબાજુ ઝાડ ઉપર હજારો મનુષ્યની ભીડ જામી ગઈ. ઝીણાભાઈએ ત્રંબાળું ઢોલ, શરણાઈ, ત્રાંસા જોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલાવી દીધા હતા. સૌ મહારાજના પધારવાની રાહ જોતા હતા, એટલામાં મહારાજ પધાર્યા અને 'સહજાનંદ સ્વામી મહારાજની જય'થી સમગ્ર વાતાવરણ ગાજી ઊઠ્યું.

મહારાજ ત્યાં તૈયાર કરેલા મંચ ઉપર બિરાજમાન થયા. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું: "મહારાજ! બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે અને આતુરતાપૂર્વક સર્વે રાસ રમણની રાહ જોઈ રહ્યા છે. આપ આજ્ઞા આપો એટલે આ દિવ્ય ભૂમિ પર મહારાસ શરૂ કરીએ."

મહારાજે કહ્યું: "ભલે! હવે મહારાસનો પ્રારંભ કરો."

સ. ગુ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી અને પગમાં નૂપુર બાંધ્યાં હતાં. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્કડ, સરોદ, ત્રાંસા, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, મૃદંગ, સારંગી, મંજિરા વગેરે અનેક પ્રકારનાં વાજિંત્રો લીધાં હતાં. એક સંતે ત્રંબાળુ ઢોલ કેડે બાંધી તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીએ એમના પહાડી સૂરમાં લલકાર્યું:

'સખી પંચાળા ગામના ચોકમાં રે,

ખાંતે માંડ્યો રસીલે ખેલ; રમે રાસ....'

સંતોના પગમાં પહેરેલા નૂપુરના ઝણકાર પગના ઠેકા સાથે આ સૂરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ રાસના સૂરો સાથે સારું એવું તાદાત્મ્ય જમાવ્યું. બ્રહ્માનંદની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા. સંતોનો આ દિવ્ય આનંદ મહારાજે જોયો, તેમની મસ્તી; તેમની તન્મયતા; તેમની ભક્તિ જોઈ મહારાજ એકદમ મંચ ઉપરથી ઊઠ્યા અને સાતે ય કુંડાળા વીંધી પહેલા કુંડાળામાં પહોંચી ગયા.

મહારાજને અંદર આવતા જોઈને સંતોના આનંદનો અવધિ ન રહ્યો. તે વખતે વેગથી રાસમંડળમાં ફરતા બ્રહ્મમુનિએ બીજી પંક્તિ ઉપાડી:

'ચહુ કોરે સખાની મંડળી રે,

ઊભા વચમાં છેલો અલબેલ. રમે રાસ...'

....અને મહારાજ તાનમાં આવી જઈ સંતો સાથે તાળી દઈને રાસમાં ફરવા લાગ્યા.

જાણે બ્રહ્માંડ ફરતું હોય, તારા નક્ષત્રો સહિત સમગ્ર સૂર્યમંડળ ફરતું હોય એવી ભવ્યતા વિરાટને આંગણે ખેલાતા એ રાસમાં ભાસતી હતી. બ્રહ્માનંદ કવિરાજના મુખમાંથી કાવ્યની પંક્તિઓ સર સર કરતી સર્યે જ રાખતી હતી.

'તાળી પાડે રૂપાળી તાનમાં રે,

મુખે ગાવે મનોહર ગીત. રમે રાસ....'

મહારાજ સંતો સાથે તાળીના તાલ દેતા નેત્ર કટાક્ષોથી તેમનાં હૈયાં વીંધતા, આજે જાણે સમગ્ર દિવ્યતાથી ભક્તોનાં હૈયા ભરી દેવાં હોય તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પંચાળાની ભૂમિ દિવ્યતમ તીર્થસ્વરૂપ શોભી રહી હતી. ઘણો સમય રાસની રમઝટ ચાલી. બ્રહ્મમુનિનાં કાવ્યોની કડીઓ ખૂટવા લાગી. એટલે મહારાજે રાસ રમતાં રમતાં જ કહ્યું: "હવે પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલે." સમય જતાં તેઓ પણ થાક્યા.

સંતો ગાતા ગાતા અને રાસ રમતા રમતા થાકી ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું કે, મહારાજ તો બંધ રખાવશે નહિ ને સંત સર્વે થાકી ગયા છે. આવતી કાલે ફૂલડોલનો ઉત્સવ છે તેથી ગાવું પડશે; માટે તમે ઉતારામાં જઈને "ચોર, ચોર" એમ બૂમો પાડો એટલે સર્વે વિખરાઈ જાય. પછી તે સંતે બૂમ પાડી. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી પણ બૂમ પાડવા લાગ્યા: "દોડો દોડો, ચોર આવ્યો હોય એમ લાગે છે." આ સાંભળી સંતો થંભ્યા અને રાસ વિખરાઈ ગયો. મહારાજ આ જોઈ રહ્યા. મહારાજ પછી બોલ્યા: "નક્કી આ યુક્તિ બ્રહ્માનંદ સ્વામીની જ લાગે છે."

બ્રહ્માનંદ સ્વામી કહે: "મહારાજ! આપની મરજી વિના તો તણખલું પણ ફરકતું નથી, તો પછી મારી યુક્તિથી આમ કેમ બને?" મહારાજ હસી પડ્યા.

મહારાસ પૂરો થયો ત્યારે રાત્રિ પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો મહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: "મહારાજ! આજે તો રાત્રિ છ મહિનાથી પણ વધુ લાંબી થઈ હોય એમ લાગે છે."

મહારાજે કહ્યું: "અક્ષરધામનો મહારાસ તો અવિરત ચાલ્યા જ કરે છે. કાળ અકળાયો હતો એટલે અવરભાવમાં રાસ અટક્યો; પણ એનો દિવ્ય આનંદ સૌના અંતરમાં શાશ્વત કાળ પર્યન્ત રહેશે."

આજે પણ આ દિવ્ય ભૂમિમાં જે કોઈ ભાવિક ભક્ત જાય છે તેને પૂનમની રાતે આ મહારાસની ઝાંખી થાય છે. કેટલાકને વાજિંત્રોના ઘોષ સંભળાય છે. તો ઘણાંને રાસમંડળમાં ઘૂમતા શ્રીજીનાં દિવ્ય દર્શન થાય છે. એટલે આજે પણ આ દિવ્ય મહારાસનું સ્વરૂપ અવિચ્છિન્ન રહ્યું છે.

કાવ્યકૃતિ :

સખી પંચાળા ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ;

રમે રાસ રંગીલો રંગમાં રે. ટેક.

ચહુ કોરે સખાની મંડળી રે, ઊભા વચમાં છેલો અલબેલ. રમે.

સખી ચાલોને જઈએ દેખવા રે,

વહાલે પહેર્યાં છે વસ્ત્ર શોભીત. રમે.

તાળી પાડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવે મનોહર ગીત. રમે.

શોભા બની સલૂણાં ઘનશ્યામની રે,

ઊભા નર ને નારી જોવા કાજ. રમે.

હસી હેરે છબીલો હેતમાં રે; બ્રહ્માનંદનો વહાલો મહારાજ. રમે.


આસ્વાદ :

સર્વાવતારી શ્રી સહજાનંદ સ્વામીની એમના સંત-શિષ્યો સાથેની રાસક્રીડા એ પ્રસ્તુત કૃતિનું ર્વણ્યવસ્તુ છે, એને કવિની નિરૂપણકળાએ ભાવાત્મક બનાવ્યું છે. મધ્યકાલીન કાવ્ય સાહિત્યની પરંપરામાં પર્યવસાન પામતું આ કાવ્ય કાંઈ નવીન નથી; પણ એની ભાવાત્મક રજૂઆતમાં કવિની નિરૂપણકળાની આગવી સૂઝ દેખાય છે.

રાસની બરોબર રમઝટ ચાલી રહી છે, એનું તાદૃશ વર્ણન કરતાં કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાય છે:

"સખી પંચાળા ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ;

રમે રાસ રંગીલો રંગમાં રે..."

શ્રીહરિએ સર્વે સંત હરિભક્તો સાથે રંગભર્યો રાસ માંડ્યો છે. ચારે બાજુ ફરીને સંતમંડળ રાસ રમે છે ને વચમાં અલબેલા છેલછબીલા શ્રીહરિ ઊભા છે. ભગવાન હંમેશા સંતોના મધ્યે જ વસે છે. શ્રીજી સુશોભિત વસ્ત્રાભૂષણમાં સજ્જ થઈને સંતોના વૃંદ વચ્ચે રાસ રમવા આવ્યા છે.

કવિ સર્વેને ઇજન આપતાં કહે છે: 'સખી ચાલોને જઈએ દેખવા રે...' પ્રભુની શોભા અપરંપાર છે. સંતો! ચાલોને આપણે આજે વ્હાલાની શોભા જોવા જઈએ! શ્રીજીની શોભા તો સંતો સદાકાળથી નીરખતા આવ્યા છે, છતાં એ શોભા એટલી રમણીય છે, એટલી મનભાવન છે કે બસ એને વારંવાર માણ્યા કરીએ તો પણ તૃપ્તિ થતી નથી ને નિત્ય નવીન લાગ્યા કરે છે.

સંતો રાસ લેતાં ગાય છે ત્યારે તેમની સાથે શ્રીજી પણ તાનમાં આવી જઈ તાળી પાડીને મનોહર ગીતો ગાય છે. સલૂણા ઘનશ્યામની આવી રમ્ય શોભા જોવા માટે પ્રેમી ભક્તજનો ઊભા છે, એ જોઈને શ્રીહરિ હેતમાં હસે છે. બ્રહ્મમુનિ પોતાના પ્રિયતમ પ્રભુની આ લીલા પ્રત્યક્ષ નીરખીને આનંદમગ્ન બની ગાય છે.

બ્રહ્મ અને પરબ્રહ્મનું સુભગ મિલન એ રાસનું આધ્યાત્મિક રહસ્ય છે. લોખંડ હંમેશાં લોહચુંબક પ્રત્યે જ ખેંચાય છે, એમ આત્મા પરમાત્મા પ્રતિ આકર્ષાય છે. આ આકર્ષણ જ આત્મસત્તારૂપ મુક્તાત્માઓને અખંડ અક્ષરાતીત પુરુષોત્તમનારાયણના દિવ્યરૂપમાં રસબસ રાખે છે અને એ જ રાસની પરાકાષ્ઠા છે!

'ખેલ', 'અલબેલ' 'શોભીત', 'ગીત', 'કાજ', 'મહારાજ' -- આ બધા શબ્દો પદમાં એવી રીતે પ્રયોજાયા છે કે એનાથી કવિતાનું લયમાધુર્ય અનેકગણું વધી જાય છે અને એ શબ્દોની તાલનૃત્યાનુસારી ગતિથી કવિતામાં ભાવવિકાસની સાથે નૃત્યગતિ પણ અનુભવાય છે. પદ સુગેય છે અને કાવ્યમાં બ્રહ્માનંદનું પ્રાસ મેળવવાનું કૌશલ તેમ જ લયપ્રભુત્વ સહેજે વરતાય છે.