૨૦. છાંડી કે શ્રીહરિકૃષ્ણ દેવ....
બ્રહ્મચર્યની સહજ વૃત્તિ સાથે મુકુંદદાસ યોગ્ય ગુરુની શોધમાં બાબા દ્વારકાદાસથી માંડીને મહંત તુલસીદાસજી પર્યંત અનેક સંત મહાત્માઓને મળી ચૂક્યા હતા, પણ જ્યારે સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે જ એમના અંતરમાં શાંતિ થઈ અને મુકુંદદાસજી મુક્તાનંદ સ્વામી બન્યા. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા. ગુરુ પ્રત્યે એમને અપાર નિષ્ઠા હતી.
સં. 1856માં શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા ને સં. 1858માં સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને ધર્મધૂરા સોંપી દેહોત્સર્ગ કર્યો. મહારાજે જ્યારે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રગટ કર્યું ને સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે જ મુક્તાનંદ સ્વામી ખૂબ મુંઝાયા. પરંતુ કાલવાણીમાં રામાનંદ સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપી મુક્તાનંદ સ્વામીની ભ્રમણા ભાંગી એમને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો.
આ ઘટના પછી પણ મુક્તમુનિના અંતરમાં ગુરુ પ્રત્યે જે ભગવદ્ભાવ ને મહિમા દૃઢ થયેલો તે યથાવત્ રહેલો. ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે મુક્તમુનિ પોતાની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ ગુરુની પ્રસાદીરૂપે રાખતા અને દરરોજ પૂજા કરતી વખતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક એ આડબંધને આંખે અડાડતા.
એકવાર સદગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી સવારે પૂજા કરીને મુક્તાનંદ સ્વામીના આસને સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે મુક્તમુનિ પૂજા કરી રહ્યા હતા. પરમચૈતન્યાનંદ સ્વામીને જોઈને મુક્તાનંદ સ્વામીએ એમની પૂજામાંથી ગુરુની કોપીનનો આડબંધ લઈને તેમને બતાવતાં કહ્યું: "સ્વામી! આ રામાનંદ સ્વામીની પ્રસાદી છે, દર્શન કરો."
આ સાંભળી પ્રસાદીના દર્શન કરવાને બદલે પરમચૈતન્યાનંદ સ્વામી આંખો મીંચી આડું જોઈ ગયા.
મુક્તમુનિને આશ્ચર્ય થયું: "કેમ સ્વામી! શું થયું?"
પરમચૈતન્યાનંદ સ્વામી કહે: "હું પતિવ્રતા ભક્ત છું, મારી એકાંતિક ભક્તિ આરાધનામાં અન્યની ઉપાસનાને કોઈ સ્થાન નથી."
મુક્તમુનિ પરમચૈતન્યાનંદ સ્વામીનો ઉપાલંભ સમજી ગયા. એમને પોતાની ભૂલ તત્કાળ સમજાઈ ગઈ. તરત જ પોતાને તાપવા માટે પાસે મૂકેલી સગડીમાં મુક્તાનંદ સ્વામીએ તે પ્રસાદીરૂપ આડબંધનો ટુકડો મૂકી દીધો. સળગતા દેવતામાં ચર...ચર કરતો એ ટુકડો બળી ગયો, સાથે જ પશ્ચાત્તાપના અગ્નિમાં સ્વામીના અંતરના રહ્યા સહ્યા સર્વ સંકલ્પ બળીને ભસ્મસાત્ થઈ ગયા. સ્વામી તો કવિ હૃદય હતા, એમના અંતરના ભાવો એમ અવ્યક્ત થોડા બેસી રહે? તરત જ કાવ્યના શબ્દોમાં અંતરની આરત વાણી પ્રગટ થવા માંડી:
'છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ, ઔરકી જો કરું સેવ;
કાટી ડારો કર મેરો, તીખી તરવારસે.'
કાવ્યકૃતિ :
છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ, ઔરકી જો કરું સેવ;
કાટી ડારો કર મેરો, તીખી તરવાર સે. છાંડી કે ૧
ત્યાગી કે રસિક નાથ, ઔર કો જો ધરું ધ્યાન;
ચીર ડારો છાતી મેરી, કઠિન કુઠારસે. છાંડી કે ૨
હરિકૃષ્ણ બીન અન્ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી;
ફોર ડારો શિર મેરો, મુશળ પ્રહારસે. છાંડી કે ૩
મુક્તાનંદ કહે મોય, ઔર જો પ્રતીત હો;
જાનિયો અધિક નીચ, શ્વપચ લબારસે. છાંડી કે ૪
આસ્વાદ :
મુક્તાનંદ સ્વામી જ્ઞાનપ્રધાન કવિ છે. એમનાં કાવ્યોમાં સૂક્ષ્મ પૃથક્કરણ, શાંત તર્કસરણી, પશ્ચાત્તાપમાંથી નીતરતું નિશ્ચયાત્મક જ્ઞાન અને ઉચ્ચ વિચારોના મહામૂલા મૌતિકો ઠેર ઠેર દૃષ્ટિગોચર થાય છે.
વ્રજભાષામાં રચાયેલ પ્રસ્તુત પદ પ્રાસાદિકતા, શબ્દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમ જ પદલાલિત્યથી ભરપૂર છે. કાવ્યની પંક્તિએ પંક્તિએ અને શબ્દે શબ્દે કવિના વ્યથિત હૃદયનો પશ્ચાત્તાપ વ્યક્ત થયા વિના રહી શક્તો નથી. સ્વામીને ભાન થઈ ગયું છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામી શ્રી સહજાનંદ વિના અન્યમાં કિંચિત્ પણ નિષ્ઠા રાખી એ તો ભયંકર ભૂલ થઈ ગઈ, પણ હવે પછી આવું કદિ નહિ બને! અને જો ભૂલેચૂકે પણ એવું થઈ જાય તો સખતમાં સખત સજા ભોગવવા એ તૈયાર છે. અહીં કવિનો દૃઢ સંકલ્પ અને શ્રીજીમાં અનન્ય નિષ્ઠાની દૃઢતા પુરવાર થાય છે.
"છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ" એ પંક્તિના ઉપાડ સાથે પદનો પ્રારંભ કરતાં સ્વામી જાહેર કરે છે કે હવેથી પ્રગટ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સિવાય અન્ય કોઈ દેવ-દેવીની કે સંત ગુરુની જો હું સેવા કરું તો મારો હાથ તીક્ષ્ણ તલવારથી કાપી નાંખતા અચકાશો નહિ. અહીં 'શ્રીહરિકૃષ્ણદેવ' એ શબ્દ દ્વારા કવિને પોતાના ઇષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી જ અભિપ્રેત છે.
કૃષ્ણાવતાર પહેલાં પણ કૃષ્ણ નામ જાણીતું હતું, એટલું જ નહિ પણ કૃષ્ણ ઉપાસ્ય દેવ ગણાતા. કૃષ્ણ એટલે પોતાના તરફ આકર્ષે તે. અનાદિ પરમતત્ત્વ એ જ કૃષ્ણ યા ને પરમ આકર્ષણનું કારણ છે અને એટલે જ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજીમહારાજને સ્થાને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે.
કવિ આગળ કહે છે, એ પરમ રસિક સ્વરૂપ વિના જો અન્યનું ધ્યાન થઈ જાય તો હૃદયને સખત પ્રહારથી ચીરી નાખો અને એ પ્રભુ સિવાય અન્ય સ્વરૂપને જો મસ્તક ભૂલથી પણ નમી જાય તો મારા મસ્તકને ફોડી નાખો.
કેટલી બધી પ્રબળતા છે સંકલ્પની!
સ્વામી તો માને છે કે જો સહજાનંદ સ્વામી વિના અન્યમાં પ્રતીતિ થઈ જાય તો મારા જેવો કોઈ નીચ ને લબાડ નહિ હોય. સ્વામીએ પોતાના મિષે આપણને જ આ બધું સમજાવ્યું છે અને એ પણ કેટલી બધી સભાનતાથી (awareness), કેટલી બધી દૃઢતાથી! પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળ્યા પછી અન્યને આરાધવા, અન્યને નમવું, અન્યનું ધ્યાન કરવું કે અન્યમાં પ્રતીતિ કરવી, એ વ્યભિચારિણી ભક્તિ છે. એના જેવું નીચ કર્મ એકેય નથી. અને એના માટે સખતમાં સખત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ એવી 'સત્સંગની મા' ગણાતા મૃદુભાષી ઋજુ સ્વભાવના મુક્તાનંદ સ્વામીની દૃઢ માન્યતા છે, એવું પ્રસ્તુત પદના પઠનથી પ્રતીત થાય છે.
આ વ્રજભાષી પદમાં મુક્તમુનિએ સરળ ભાષામાં પણ સરસ રીતે, સચોટતાથી પતિવ્રતા ભક્તિની ટેક પોતાના દૃષ્ટાંતે સમજાવી છે. મુક્તાનંદનું આ એક પ્રેરણાદાયી બોધકાવ્ય છે.