૧. જય સદગુરુ સ્વામી.... સહજાનંદ દયાળુ
કાલવાણીમાં ખાખરાના વનમાં રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી મુક્તાનંદને જે મર્મની વાત સમજાવી તેનાથી મુક્તમુનિના દિલમાં દીવો થઈ ગયો અને જ્ઞાનના એ દીપ-રશ્મિમાં એમણે સહજાનંદ સ્વામીના પૂર્ણ પુરુષોત્તમ અવતારી સ્વરૂપને ઝળહળતું નિહાળ્યું ત્યારે એમનું અંતર આરતભરી વાણી સહજભાવે પોકારી ઊઠ્યું: 'જય સદગુરુ સ્વામી...'
"મુક્તાનંદ! અમે તો ભાવિ નટના આગમનની ડુગડુગી વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા તો હવે આવશે." સદગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદજીને સં. 1842ની વસંતપંચમીએ સૌરાષ્ટ્રના લોજ ગામે ભાગવતી દીક્ષા આપી ત્યારે મર્મમાં આ શબ્દો કહેલા, પણ મુક્તમુનિ ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા હતા; તેથી ગુરુની માર્મિક વાણીનું હાર્દ એ પૂરેપૂરું સમજી ન શક્યા! એને કારણે કેટલાક વિષાદમય વિસંવાદ સ્વામી મુક્તાનંદજીના સાધુ જીવનમાં આવ્યા, પણ કાળક્રમે મુક્તમુનિને પરમ સત્ય સમજાઈને જ રહ્યું!
ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની નરનાટ્યલીલાના દ્વિતીય સોપાનરૂપ*
*ભગવાન શ્રી સ્વામિનારાયણની નરનાટ્યલીલાનાં પાંચ સોપાન આ પ્રમાણે છે:
પ્રથમ સોપાન -- સં. 1837 ચૈત્ર સુદ 9 થી 1849 અષાઢ સુદ 10- ઘનશ્યામ નામે ધર્મભક્તિને ઘરે છપૈયા--અયોધ્યામાં રહ્યા.
દ્વિતીય સોપાન -- સં. 1849 અષાઢ સુદ 11 થી 1856 શ્રાવણ વદ 6- નીલકંઠ વર્ણી રૂપે તપશ્ચર્યા અને વનવિચરણ.
તૃતીય સોપાન -- સં. 1856 શ્રાવણ વદ 7 થી 1857 જેઠ વદ 12- સરજુદાસ નામે લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા.
ચતુર્થ સોપાન -- સં. 1857 જેઠ વદ 13 થી 1858 માગસર સુદ13- સહજાનંદ સ્વામી બની ગુરુ રામાનંદ સ્વામી પાસે રહ્યા.
પંચમ સોપાન -- સં. 1858 માગસર સુદ 14 થી 1886 જેઠ સુદ10- ભગવાન સ્વામિનારાયણરૂપે સત્સંગમાં વિચરી સંપ્રદાય સ્થાપી ધર્મપ્રવર્તન કર્યું.
વનવિચરણને અંતે સં. 1856ના અંત ભાગમાં જ્યારે નીલકંઠવર્ણીરૂપે સદગુરુ રામાનંદ સ્વામીને ગિરનાર પાસે આવેલા પીપલાણા ગામમાં મળ્યા ત્યારે પણ ઉપરોક્ત વચનોની ગુરુએ મુક્તાનંદ સ્વામીને ફરી યાદ કરાવી કહેલું કે "જેની હું વર્ષોથી રાહ જોતો હતો એ જ ખેલના ભજવનારા નટવર આ વર્ણીરૂપે આજે આપણે આંગણે પધાર્યા છે." ત્યારબાદ ચાતુર્માસ પૂરા કરી પીપલાણામાં સં. 1857ની પ્રબોધિની એકાદશીએ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને ભાગવતી દીક્ષા આપી સહજ આનંદના સંદેશક "સહજાનંદ" નામે નવાજ્યા. બરાબર એક વર્ષ પછી એ જ દિવસે એટલે કે સં. 1858ની પ્રબોધિનીએ જેતપુરમાં ગુરુએ શ્રી સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી ત્યારે ભરી સભામાં રામાનંદ સ્વામીએ ફરી ફરીને એ જ વાત યાદ કરાવીને કહ્યું: "હું તમને બધાને ઘણાં વર્ષોથી કહેતો આવ્યો છું કે હું તો માત્ર ડુગડુગી વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો પછી આવશે. મેં તો સાત માળના મકાનનું ચણતર કરવા ફક્ત બે જ ઈંટો મૂકી છે અને સારાય મકાનનો સાચો કારીગર તો હવે પ્રગટ થશે.... મેં ધર્મની ડુગડુગી વગાડી તમને બધાને એક જગ્યાએ ભેગા કરી દીધા અને ખેલ ભજવનાર નારાયણ પણ આવી પહોંચ્યા છે. માટે સર્વે એમની અનુજ્ઞામાં રહી એમને ભજશો તો તમારા લીધેલા ભેખ લેખે લાગશે ને અમારો દાખડો (પ્રયત્ન) સફળ થાશે." આ પછી એકાદ મહિનામાં જ સં. 1858ના માગસર સુદ તેરશે ફણેણી ગામે ગુરુવર્ય રામાનંદ સ્વામી વીસ વર્ષના જ્યોતિર્ધર શ્રી સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સોંપી સ્વધામ પધાર્યા. રામાનંદ સ્વામીની પાછળ શ્રી સહજાનંદ સ્વામીએ સર્વે સત્સંગી હરિભક્તોને તેડાવી એક વિદ્વાન બ્રાહ્મણ પાસે ભાગવતની પારાયણ કરાવી ને દ્વાદશા તથા શ્રાવણી શ્રાદ્ધ વિધિપૂર્વક કર્યાં, ચૌદમાને દિવસે ભદ્રા નદીના કાંઠે સભા કરીને સૌને પહેલી જ વાર 'સ્વામિનારાયણ' નામનો મહામંત્ર આપ્યો અને તેનો મહિમા કહ્યો. સદગુરુ રામાનંદ સ્વામી 'રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ...' એ ધૂન કરાવતા હતા એને બદલે શ્રી સહજાનંદ સ્વામીએ 'સ્વામિનારાયણ' મંત્રની ધૂન શરૂ કરાવી તથા એ જ મહામંત્રનો જાપ કરવાની આજ્ઞા આપી. (શ્રીહરિની અદભુત વાર્તાઓ. લે. : શ્રી અદભુતાનંદ સ્વામી, પૃ. ૩૬.) શ્રી સહજાનંદ સ્વામીના મધુર વચને ધર્મોપદેશ સાંભળી સર્વેના અંતરમાંથી શોક ટળી ગયો. એ દિવસથી જ સૌએ શ્રી સહજાનંદ સ્વામીને 'શ્રીજીમહારાજ' એવા હુલામણા નામથી સંબોધવાનું શરૂ કર્યું. ત્યાર પછી શ્રીજીમહારાજે સાધુઓનાં ત્રણ મંડળ બાંધ્યાં. તેમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીનું મંડળ બાંધીને તેને ભુજ મોકલ્યું. બીજું મંડળ રામદાસજીનું બાંધીને જેતલપુર મોકલ્યું અને ત્રીજું મંડળ રઘુનાથદાસજીનું બાંધી તેને અમદાવાદ પ્રતિ રવાના કર્યું.
મધ્યભારતના ઝરણાપરણા ગામના શીતળદાસ નામના એક મુમુક્ષુ સંન્યાસી ભગવાનની શોધમાં નીકળ્યા હતા. કોઈકે તેમને સૌરાષ્ટ્રમાં સદગુરુ રામાનંદ સ્વામી પાસે જવાની સલાહ આપી. તે ફરતા ફરતા ફણેણી આવ્યા. પણ રામાનંદ સ્વામી તો સ્વધામ પધારી ગયા હતા તેથી તે હતાશ થઈ ગયા. નિરાશ વદને તે પાછા ફરતા હતા ત્યારે મહારાજે તેને પાસે બોલાવી આશ્વાસન આપતાં કહ્યું: "રામાનંદ સ્વામી તમને દર્શન આપે તો તમે અહીં રહો ખરા?" શીતળદાસ તો આ સાંભળી દિગ્મૂઢ થઈ ગયા. ત્યાં તો મહારાજે તેમને હાથ પકડી પાસે બેસાડતા, કહ્યું: "આજનો દિ' અહીં રોકાઈ જાઓ ને 'સ્વામિનારાયણ' મંત્રનું રટણ કરો. સ્વામી તમને જરૂર દર્શન દેશે. કાલે બપોર પછી જવું હોય તો જજો." શીતળદાસ ત્યાં રોકાઈ ગયા. સિદ્ધાસને બેસી તેમણે તરત જ 'સ્વામિનારાયણ' મંત્રનો જાપ શરૂ કર્યો. થોડીવાર થતાં તો એ દેહભાન ગુમાવી પડી ગયા, આજુબાજુ બેઠેલાં બધાં ગભરાઈને પાસે દોડી આવ્યા. મહારાજે સૌને શાંત પાડતાં કહ્યું: "કોઈ ગભરાશો માં, એમને 'સમાધિ' થઈ છે." શીતળદાસે સમાધિમાં દિવ્ય સુખ માણ્યું, અક્ષરધામમાં શ્રીહરિનાં દિવ્ય દર્શન કર્યાં તથા રામાનંદ સ્વામીને ત્યાં શ્રીજીની સેવામાં જોયા. સમાધિ ઉતરતાં જ શીતળદાસ મહારાજનાં ચરણોમાં લોટી પડ્યા, શ્રીહરિમાં અનન્યનિષ્ઠા થતાં એ શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત બની ગયા. મહારાજે તેમને દીક્ષા આપી અને 'વ્યાપકાનંદ' એવું નામ આપ્યું (હરિલીલામૃત : કળશ : ૫. વિશ્રામ-૩.).
આ પ્રસંગથી મહારાજે સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો. પછી તો સમાધિની ઘટના શ્રીજીમહારાજના સાંનિધ્યનો એક ભાગ બની ગઈ. મહારાજના દર્શનથી, સ્પર્શથી, સંકલ્પથી, અરે.... એમની ચાખડીના 'ચટ...ચટ' અવાજથી પણ આબાલવૃદ્ધ સૌને સમાધિ થવા માંડી અને એ સમાધિ પણ કેવી? ન ભૂતો ન ભવિષ્યતિ! સમાધિમાં કોઈને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણનાં દર્શન થતાં; તો કોઈને ગોલોકમાં મુરલીમનોહર શ્રીકૃષ્ણની ઝાંખી થતી. મુસ્લિમ બિરાદરો સમાધિમાં એમના પયગંબરોના દીદાર કરતા, તો જૈનોને એમનાં તીર્થંકરોનાં દર્શન થતાં, એટલું જ નહિ પણ એ સૌને સમાધિમાં એમના ઇષ્ટ આરાધ્ય દેવો શ્રી સહજાનંદ સ્વામીની પૂજા-આરાધના કરતા દૃષ્ટિગોચર થતા. આ જોઈને નવા આદરવાળા તો સ્તબ્ધ થઈ જતા. કેટલાક અજ્ઞાનીજનો તો આમ લોકોને સમાધિ થતી જોઈને ગભરાઈ જતા ને ભગવાન સ્વામિનારાયણને 'જાદુગરા' કહીને એમનાથી દૂર ભાગતા. સત્સંગ બહાર તો ઠીક, ખુદ સત્સંગમાં પણ કેટલાકને મહારાજનું આ પ્રકરણ નહોતું સમજાતું. મહારાજ તો ફક્ત મનુષ્યોને જ નહિ, પશુ-પક્ષીઓને પણ સમાધિ કરાવતા હતા. એમને તો અનંત જીવોને સમાધિ દ્વારા પોતાના પૂર્ણ પુરુષોત્તમ અવતારી સ્વરૂપની દૃઢ પ્રતીતિ કરાવવી હતી!
ફણેણીથી ધોરાજી થઈ મહારાજ માંગરોળ આવ્યા, ત્યાં માણાવદરથી મયારામ ભટ્ટ મહારાજના દર્શને આવેલા. એમને પણ આ સમાધિ પ્રકરણ જોઈ સંકલ્પ થવા માંડ્યો કે 'મહારાજે આ નવી પ્રથા પાડી રામાનંદ સ્વામીના વખતની શુદ્ધ પ્રણાલિ બગાડી નાંખી.' મયારામ ભટ્ટે ત્યાંથી સીધા ભુજ જઈ મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી. મુક્તાનંદ સ્વામીને પણ સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહિ. એમને થયું, 'કળિયુગમાં કંઈ સમાધિ શક્ય છે? સમાધિના નામે પાખંડ ધર્મ પોષાય એ સત્સંગમાં ન શોભે.' મુક્તમુનિને સત્સંગ વિષે અતિશય મમત્વ હતું. તેથી સત્સંગ પ્રત્યેની આત્મબુદ્ધિથી પ્રેરાઈને તેઓ મહારાજને ઠપકો દેવાના ઉદ્દેશથી ભુજથી સહસા મેઘપુર આવ્યા. ત્યાં મહારાજને એકાંતમાં બોલાવીને એમણે કહ્યું: "મહારાજ! સત્સંગમાં આવા ફેલ ન ચાલે! સમાધિ તો યોગીઓનેય દુર્લભ છે; તે જેને તેને થાય એ વાત હું કેમ માનું?''*
* 'મહારાજ' દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી;
સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી,
તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય.'
ભક્તચિંતામણિ- પ્રકરણ ૪૯.
મહારાજ તો કરુણાના સાગર! નમ્રતાની મૂર્તિ! એમણે નમ્રતાથી કહ્યું: "સ્વામી! ભક્તો રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને તેમને સમાધિ થાય છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો આ સંતદાસજીને પૂછો." મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસજી ત્યાં જ બેઠા હતા, મહારાજે તેમના સામે દૃષ્ટિ કરી ત્યાં તો સંતદાસજી સમાધિમાં ઊંડા ઊતરી ગયા. મહારાજે મુક્તમુનિને કહ્યું: "સ્વામી! તમે તો નાડીપરીક્ષા જાણો છો. સંતદાસજીની નાડી જુઓ ને ઊઠી શકે તો ઉઠાડો." મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈ, ઘણા પ્રયત્ન કર્યા પણ સંતદાસજી તો મૃતપ્રાય થઈ ગયા હતા. મુક્તાનંદ સ્વામીએ પરવશપણે મહારાજ સામે જોયું. મહારાજે ચપટી વગાડી એટલામાં તો સંતદાસજી આંખો ચોળતા ઊભા થયા. સમાધિમાંથી ઊઠતાં જ એમણે મુક્તાનંદ સ્વામીને ચેતવ્યા: "સ્વામી! ભ્રમણામાં ન પડો, આ બેઠા એ મહારાજ પંડે જ ભગવાન છે-- પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને રામાનંદ સ્વામી તો એમના સેવક માત્ર જ છે. મેં આ સમાધિમાં નજરોનજર નિહાળ્યું છે એટલે કહું છું. રામાનંદ સ્વામીએ મને સમાધિમાં કહ્યું પણ ખરું કે 'મુક્તાનંદને કહેજો કે કેમ માનતા નથી? અમારા શબ્દો ભૂલી ગયા?' આ સાંભળી મુક્તાનંદ સ્વામીનો ઉદ્વેગ વધી ગયો. તેમના મનનું સમાધાન કોઈ રીતે થતું નહોતું. મહારાજ એમના મુખભાવ જોઈને પામી ગયા કે સંતને હજી શ્રદ્ધા બેઠી નથી.
મેઘપુરથી મહારાજ અને સંતો કાલવાણી ગયા. ત્યાં રાત્રે સભા કરીને મહારાજે ઘણી વાતો કરી. સવારે વહેલા ઊઠીને મહારાજ સંત હરિભક્તો સાથે નદીએ નાહવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈને સાથે લઈને નદી તરફ ગયા. નદીને આરે વસ્ત્ર બદલાવી પાણીની તુંબડી ભરીને મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં બહિર્ભૂમિ જવા ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં મુક્તમુનિ ગુરુ રામાનંદજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે 'હે રામાનંદ સ્વામી! તમે ભગવાન છો કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે તે સંશય કૃપા કરીને મટાડો.' (શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ- પૃ. ૨૦૯.(ભા-૧)) થોડેક દૂર ગયા હશે ત્યાં તો મુક્તમુનિએ રામાનંદ સ્વામીને સામેથી આવતા જોયા. મુક્તાનંદજીએ તુંબડું બાજુએ મૂકી રામાનંદ સ્વામીને દંડવત્ પ્રણામ કર્યા. રામાનંદ સ્વામીએ તેમને હાથ પકડીને ઊભા કરી કહ્યું: "મુક્તાનંદ! આટલા થોડા વખતમાં જ મારા શબ્દો ભુલાઈ ગયા? મેં નો'તું કહ્યું કે હું તો માત્ર ડુગડુગી વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો હજી હવે આવશે. એ ખેલ ભજવનારા આવી પૂગ્યા ને તમે ઓળખી પણ ન શક્યા? આ સહજાનંદ સ્વામી જ સાક્ષાત્ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે! સમાસ અર્થે એમણે મને ગુરુ બનાવ્યો હતો પણ હકીકતમાં તો હું એમનો એક સેવક માત્ર જ છું!" આટલું કહીને રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા. ગુરુનાં અમૃત સરખાં કલ્યાણકારક વચનો સાંભળી મુક્તમુનિનો સંશય ટળી ગયો. એમની ભ્રમણા ભાંગી ગઈ ને એમના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. શ્રી સહજાનંદ સ્વામીનો મહિમા સમજાતાં એમનું હૈયું સહજ આનંદના હિલોળે ચડ્યું. આનંદના ઉમળકામાં એમનું અંતર ગાવા લાગ્યું:
"ભ્રમણા ભાંગી રે હૈયાની, વાત કેને નથી રે કહ્યાની;
વીતી હોય તે રે જાણે, અણસમજ્યા મન ઈર્ષ્યા આણે."
સ્વામી બહિર્ભૂમિ જઈને પાછા વળ્યા ત્યારે એમના પ્રફુલ્લિત મુખભાવ જોઈને જ મુક્તરાજ પર્વતભાઈ પામી ગયા કે મુક્તમુનિને ખાખરાના વનમાં જરૂર કોઈ પરચો મળ્યો લાગે છે!
પછી તો નદીમાં સ્નાન કરી સ્વામીએ ખાખરાના વનમાંથી પુષ્પો ચૂંટ્યાં અને પોતાની મેળે એનો હાર ગૂંથ્યો. ઉતારે આવી એમણે પહેલાં રામાનંદ સ્વામીનો ગાદી-તકિયો ઉતરાવ્યો, પછી મહારાજ પાસે આવી એમને હાથ પકડીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા. મહારાજ ના ના પાડતા રહ્યા તો યે સ્વામીએ પરાણે મહારાજને રામાનંદ સ્વામીની પાદુકા પહેરાવી. આજે એમની ભ્રમણા ભાંગી ગઈ હતી, એમને પરમ સત્ય સમજાઈ ચૂક્યું હતું! પછી મુક્તમુનિ ગદગદભાવે મહારાજને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા કરતા બે હાથ જોડીને અશ્રુભરી આંખે પ્રાર્થના કરી કહેવા લાગ્યા: 'હે મહારાજ! મને જૂનાપણાના (Seniority) માનને કારણે તમારું વચન મનાયું નહિ,( શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ- વાત ૧૦૧. પૃ. ૨૧૧(ભા-૧)) વળી તમારા સમાધિ પ્રકરણમાં પણ આસ્થા ન આવી! રામાનંદ સ્વામીમાં ભગવાનપણાની નિષ્ઠા હોવાથી આપને હું ઓળખી ન શક્યો. પ્રભુ! મારો અપરાધ ક્ષમા કરી મારી સેવા અંગીકાર કરો." ત્યારે મહારાજ કહે: "તમે હવે સમજ્યા?" મુક્તમુનિ મહારાજનાં ચરણોમાં માથું મૂકી બોલ્યા: "હા મહારાજ! જેમ છે તેમ મને હવે સમજાયું છે!" મહારાજ કહે: "ત્યારે તો ઠીક!" પછી સ્વામીએ ચંદનનો કટોરો લઈને મહારાજને કપાળમાં ચંદન ચર્ચી, પૂજા કરી, પુષ્પનો હાર પહેરાવ્યો તથા પાઘમાં પુષ્પના તોરાં ધરાવ્યાં ને ધૂપ દીપ કરી આરતીની તૈયારી કરી. મુક્તમુનિ એક કુશળ નૃત્યકાર હતા, આજે એમની કલાને સાર્થક કરવાનો અવસર સાંપડતાં સ્વામીએ પગમાં નૂપુર બાંધી નૃત્ય કરતા કરતા શ્રીહરિની પ્રગલ્ભ સ્વરે આરતી ઉતારી. નગારાં અને ઝાલરના ઘોષ વચ્ચે પણ મુક્તાનંદ સ્વામીનો મૃદુ સ્વર આરતીના કાવ્ય દ્વારા શ્રી સહજાનંદ સ્વામીનો ગૌરવવંત મહિમા ગાઈ રહ્યો:
"જય સદગુરુ સ્વામી.... પ્રભુ જય સદગુરુ સ્વામી....
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી...."
આરતીના શબ્દે શબ્દે મુક્તમુનિના ભાવુક હૃદયની માહાત્મ્યજ્ઞાન-સહિત-ભક્તિ પ્રગટતી હતી. મહારાજે એમને પ્રગાઢ આલિંગન આપી અંતરના આશિષ આપ્યા (શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર -લે.: બ્ર. આત્માનંદ સ્વામી(વડતાલ) પૃ. ૩૭૭(વાત-૨૫૬)).
સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શીઘ્ર આરતીનું આ કાવ્ય રચીને સંપ્રદાયને એક અમર પ્રશસ્તિ કાવ્યનું પ્રદાન કર્યું છે, જે નિત્ય પ્રત્યેક સ્વામિનારાયણ મંદિરમાં ત્યારથી ગવાય છે અને સદાકાળ ગવાતું રહેશે.
કાવ્યકૃતિ :
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી....જય. ટેક
ચરણસરોજ તમારાં વંદુ કર જોડી;
ચરણે શિશ ધર્યાથી દુ:ખ નાખ્યાં તોડી.... જય. ૧
નારાયણ નરભ્રાતા દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી.... જય. ૨
નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી;
અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી.... જય. ૩
પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે;
કાળકર્મથી છૂટી કુટુંબ સહિત તરશે.... જય. ૪
આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.... જય. ૫
આસ્વાદ :
અશ્રદ્ધાને સ્થાને જે શ્રદ્ધા પ્રગટ કરે છે તેનાં મૂળ ખૂબ ઊંડા હોય છે. સંશયના સમાધાન પછીની શ્રદ્ધા જ શાશ્વતગામિની હોય છે. મનનો આ મૂળગત સ્વભાવ છે. મુક્તાનંદ સ્વામીના અંતરમાં સંશયનું સમાધાન થતાં શ્રદ્ધાએ જે રૂપ ધર્યું એ સત્સંગમાં ઉદાહરણરૂપ બની ગયું.
એકવાર શ્રીજીમહારાજે પોતાનો રૂમાલ બતાવીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: "સ્વામી! આ શું છે?" "મહારાજ! એ રૂમાલ છે." બે હાથ જોડીને મુક્તમુનિએ જવાબ આપ્યો. "સ્વામી! આ રૂમાલ ક્યાં છે? આ તો તલવાર છે." મહારાજે કહ્યું.
"હા પ્રભુ! એ તલવાર છે." મુક્તમુનિએ ફરી હાથ જોડીને શ્રીહરિની વાતને અનુમોદન આપતાં કહ્યું.
સભામાં પાછળ બેઠેલા સુરાખાચર ઇત્યાદિ હરિભક્તો આ સાંભળીને હસવા લાગ્યા. એટલે મહારાજ પણ મુખ આડો રૂમાલ દઈને હસતાં હસતાં કહે "સ્વામી! આ બધા તમારા ઉપર હસે છે. તમે રૂમાલને તલવાર કેમ કહો છો?" મુક્તાનંદ સ્વામી તો નિર્માનીપણાની મૂર્તિ હતા, એમણે નમ્રતાથી કહ્યું: "મહારાજ! સાધન ગમે તે હોય એની પાછળનું સંકલ્પબળ જ કામ કરે છે ને? આપ ઇચ્છો તો આપના રૂમાલના સપાટાથી પણ ભલભલાનાં મસ્તક પડી જાય. રૂમાલ તલવારનું કામ કરે તો એને તલવાર કહેવામાં શો વાંધો?"
મુક્તમુનિનો આ ઉત્તર સાંભળીને આખી સભા દંગ થઈ ગઈ ( શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ- વાત ૨૧૪). આવી દૃઢ શ્રદ્ધા સહજભાવે પ્રગટે ત્યારે જ મન પ્રભુની આરતી ગાવા તત્પર બને છે.
પ્રસ્તુત આરતીનું કાવ્ય એ મુક્તાનંદ સ્વામીના આરતભર્યા અંતરની મીઠી અભિવ્યક્તિ છે. એમાં શબ્દે શબ્દે કવિ પ્રગટ પરબ્રહ્મ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા મર્મભરી વાણીમાં ગાય છે. ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો જયજયકાર કરતાં કવિ કહે છે: "હે સદગુરુ સ્વામી! આપનો સદાય જય હો! આપ તો દયાના સાગર છો, બળવંત છો. આપની શક્તિ-આપનું ઐશ્વર્ય અમાપ છે, અસીમ છે. પ્રભુ! આપ બહુનામી છો. આપની જીવનલીલાના વિવિધ સોપાને આપે વિવિધ નામ ધારણ કર્યાં છે જેવાં કે, બાલ્યકાળમાં ઘનશ્યામ, હરિકૃષ્ણ, વનવિચરણ દરમિયાન નીલકંઠવર્ણી, ત્યાર બાદ સરજુદાસ; ગુરુ પાસે દીક્ષા લીધા બાદ સહજાનંદ અને નારાયણમુનિ ઇત્યાદિ નામો દ્વારા આપ યશસ્વી છો! તેથી આ વિશ્વ આપને દયાળુ તથા બહુનામી નામે આરાધે છે એ યથાર્થ જ છે. આપ આ પૃથ્વી પર પધાર્યા ત્યારથી આપે જે નિત્ય નવીન લીલા ચરિત્રો આચર્યાં તેના સ્તવન માત્રથી અગણિત જીવોનું વગર આયાસે આત્યંતિક કલ્યાણ થઈ ગયું, એવો આપનો અપરંપાર મહિમા સમજીને હું આપના ચરણારવિંદને બે હાથ જોડીને વારંવાર વંદન કરું છું. આપનાં ચરણોમાં- આપના સ્વરૂપમાં ચિત્તના આમૂલ આરોપણથી આધિ, વ્યાધિ ને ઉપાધિ ઇત્યાદિ સમગ્ર દુઃખમાત્રની નિવૃત્તિ થઈ જાય છે. આપનું શરણ સ્વીકારતાં જ જન્મમરણના બંધનરૂપ સઘળાં દુ:ખ ટળી જાય છે."
કવિ શ્રીજી માટે 'નારાયણ' અને 'નરભ્રાતા' એ બે નામ અહીં પ્રયોજે છે એ યથાર્થ જ છે! શ્રીજીમહારાજ સદાય સંતોના સમૂહમાં રહેતા. ભગવાનને સંતપુરુષો બહુ વહાલા છે. નાર એટલે સંતોનો સમૂહ, એની વચ્ચે રહેનારા એ નારાયણ! ભગવાન સદાય દુઃખમાં, ચિંતામાં, આરતમાં ભક્તની (નરની) પડખે રહે છે તેથી એમને કવિ 'નરભ્રાતા' કહે છે. મુક્તમુનિ પ્રભુની મહિમા પ્રશસ્તિ ગાતા કહે છે: "હે નારાયણ! આપે દ્વિજકુળમાં-ધર્મકુળમાં જન્મ ધરીને આ ધરાના અપરંપાર પામર પતિત જીવોનું કલ્યાણ કર્યું છે. હે અવિનાશી! આપની લીલા મને નિત્ય નવીન લાગે છે, એનું ચિંતવન કરતાં એમાંથી પ્રતિદિન-પ્રતિક્ષણ નવીન આનંદ નીપજે છે. સકલ તીર્થયાત્રાનું ફળ એકમાત્ર આપનાં ચરણોની સેવાથી જ ભક્તજનોને પ્રાપ્ત થઈ શકે છે. કરોડોવાર કાશી ગયાનું પુણ્યફળ આપનાં દર્શન માત્રથી જ મળી જાય છે, એવો અપરંપાર આપનો મહિમા છે! આપ પ્રગટ પુરુષોત્તમરૂપે પૂર્ણ કળાએ, શીતળ સુખના દયાવંત દાતારૂપે પ્રકાશ્યા છો તેથી આપના જે કોઈ જીવ દર્શન કરશે તે કાળ અને કર્મનાં બંધનોમાંથી મુક્ત થઈને પોતાના પરિવાર સહિત સંસાર સાગર તરી જશે."
સમગ્ર આરતીના હાર્દ રૂપ અંતિમ બે પંક્તિઓ કવિ મર્મસ્પર્શી વેધ કરતા ગાય છે:
'આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.'
"હે સદગુરુ સ્વામી સહજાનંદ! અદ્યાપિ આ પૃથ્વી ઉપર આપના સંકલ્પથી પ્રગટ થયેલા અનેક અવતારો આવ્યા, પણ એ સર્વે આત્યંતિક કલ્યાણ કરવાને અસમર્થ હોવાથી આ સમયે આપે કૃપા કરીને વ્યતિરેક સ્વરૂપે સ્વયં પધારીને અપાર કરુણા કરી છે. કારણ કે આપશ્રી વિના આપના અક્ષરાતીત સ્વરૂપનું સર્વોચ્ચ જ્ઞાન સમજાવવા કોઈ સમર્થ નથી (શ્રીજીમહારાજે 'વચનામૃત' માં પોતાના અક્ષરાતીત સ્વરૂપનું જ્ઞાન સમજાવ્યું છે.). આપે એ દુર્લભ જ્ઞાન સમાધિ દ્વારા ક્ષણમાત્રમાં અનુભૂત કરાવી અસંખ્ય જીવોને આપના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવી છે. પ્રભુ! આપે આ વેળાએ આવો કરુણાનો શીતળ સાગર રેલાવીને 'મુક્તિ' જે ખૂબ દુર્લભ હતી તેને સુગમ કરી દીધી છે." સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષરધામ સ્થિત ભગવાન શ્રી સ્વામિનારાયણના અલૌકિક સ્વરૂપમાં રસબસ રહીને દિવ્યાનંદમાં નિમગ્ન રહેવું એને 'મુક્તિ' માનવામાં આવી છે. આવી મુક્તિ જે ઋષિ-મુનિઓ તથા તપસ્વીઓને પણ અતિ દુષ્કર છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના અનન્ય આશ્રિત ભક્તજનોને માટે સરળ રીતે પ્રાપ્ય કરી છે! એટલે જ કવિ પંક્તિએ પંક્તિએ ભગવાન સ્વામિનારાયણનો અપાર મહિમા ગાઈને તેમનો જયજયકાર કરે છે.
આરતી એ સમૂહગીત હોવાથી એ કર્ણપ્રિય નીવડે એ દૃષ્ટિએ કવિએ એમાં પ્રાસ, રવમાધુર્ય અને ગેયતા પર વિશેષ લક્ષ્ય આપ્યું છે. સંપ્રદાયમાં આ આરતી નિત્ય મંદિરમાં ધામધૂમથી ગવાય છે. એ સમયે જામતા મંગલમય વાતાવરણના અવિસ્મરણીય દર્શનનો ઉલ્લેખ કરતાં મહાકવિ ન્હાનાલાલ લખે છે: ".....અને ત્રીજું અણલોપાતું દર્શન છે એ સંપ્રદાયની સાયં આરતીનું, વૃન્દપૂજાનું એવું કવિતાસોહામણું ભવ્ય દર્શન અન્યત્ર દીઠું નથી.'' (શિખાપત્રી સમશ્ર્લોકી પ્રસ્તાવના. પૃ. ૧૭-૧૮) મુક્તાનંદ સ્વામી રચિત આ આરતી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાશ્વત ગીત છે!