૩૫. અનેક સદગુરુઓના માર્ગદર્શક
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કહેતા કે, "કૃપાનંદ સ્વામી ગંગાજીના જળ જેવા હતા, જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જતો હોય તે કોઈનો હટાવ્યો પાછો હટે નહિ; તેમ તેમની વૃત્તિ કોઈની હટાવી ભગવાનમાંથી હટતી નહિ.... જ્યારે ગોપાળાનંદ તો, દરિયા જેવા, અનંત જીવોને સુખિયા કરી નાખે તેવા હતા.* ખરેખર! ગોપાળાનંદ સ્વામી કલ્યાણના મહાસાગરરૂપ હતા. એ દરિયામાં જેણે જેણે ડૂબકી મારી, જે એના જળ વડે નાહ્યા, અરે.... જેણે અંજલિભર આચમન પણ કર્યું એ સર્વે આત્યંતિક કલ્યાણના અધિકારી બની ગયા હતા.
શામળિયા ચૈતન્યાનંદ સ્વામી તો સત્સંગમાં મોટા સદગુરુ ગણાતા, એમને પોતાની જીવનસંધ્યા ટાણે સ્વામીશ્રીની યથાર્થ ઓળખાણ થઈ. સ્વામીશ્રી પાસેથી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાનું લક્ષ્યાર્થ જ્ઞાન જ્યારે મેળવ્યું ત્યારે તેમને 'અહો અહો' થઈ ગયું. તેમને લાગ્યું, મેં જો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ ન કર્યો હોત તો મારો આ જન્મ વૃથા જાત અને ઉપાસનાની સંદિગ્ધ સમજણ સાથે જ આ દેહ છૂટી જાત!
સર્વનિવાસાનંદ સ્વામીએ તો ગોપાળાનંદ સ્વામીને જ પોતાની જીવન નૈયાના નાખુદા માનેલા. તેથી સ્વામીશ્રીનો સમાગમ કરવા માટે જ્યારે તેઓ અમદાવાદથી વડતાલ જવા તૈયાર થયા ત્યારે અમદાવાદના આચાર્યશ્રીએ તે અમદાવાદ મંદિર છોડીને ન જાય તે માટે ઘણાં પ્રલોભન આપ્યાં, પરંતુ સર્વનિવાસાનંદને તો સ્વામીશ્રીનો સમાગમ કરી એમની અહૈતુકી કૃપા મેળવી બ્રહ્મસ્થિતિ સિદ્ધ કરવી હતી; એટલે બધાં જ પ્રલોભનો ફગાવીને તેઓ વડતાલ જઈને સ્વામીશ્રીની સેવામાં રહ્યા. કાળાન્તરે સ્વામીશ્રીની પરમ કૃપાનું ભાજન બનીને સર્વનિવાસાનંદજી મુક્ત સ્થિતિને પામ્યા હતા.
ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર મહામુનિ ગોપાળાનંદ સ્વામી પાસે બે સારા સાધુની માગણી કરી. સ્વામીશ્રીએ જ્યારે સર્વનિવાસાનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી ત્યારે તેઓ બાલમુકુંદાનંદ સ્વામી સાથે ખુશીથી જૂનાગઢ ગયા ને જીવનપર્યન્ત ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં રહ્યા. મોટા પુરુષના ગમતામાં રહેવું એ એમની પાસે રહેવા કરતાંય અધિક છે.
ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે: 'सद्रशं चेष्टते स्वस्था: प्रकुतेर्ज्ञानवानपि।'* અર્થાત્ જ્ઞાની પુરુષ પણ પોતાના સ્વભાવ અનુસાર જ વર્તે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહેતા કે, "જ્ઞાની હોય, વિચારવાન હોય, સમાધિનિષ્ઠ હોય તો પણ જ્યાં સુધી જીવમાંથી રાગ ટળતા નથી ત્યાં સુધી જન્મમરણ થયા કરે છે, અને પ્રતિલોમવૃત્તિએ ધ્યાન કર્યા વિના જીવ પર આવરણ કરી રહેલા રાગ ક્યારેય નિર્મૂળ થતા નથી." સ્વામીશ્રીએ અસંખ્ય જ્ઞાની ને સમાધિનિષ્ઠ મુક્તોને પ્રતિલોમ ધ્યાનની સમ્યક્ સમજણ આપી આત્યંતિક સ્થિતિની ઉપલબ્ધિ કરાવી હતી.
ભાદરાના રતના ભક્ત જ્ઞાની ને સમાધિનિષ્ઠ હતા, પરંતુ પૂર્વ સંસ્કારને કારણે એમના અંતરમાંથી કામ વિકાર ટળતો નહોતો. પરિણામે પહેલી પત્નીના મૃત્યુ બાદ રતના ભક્તે તરત જ બીજી વાર લગ્ન કર્યાં. દૈવયોગે બીજી પત્ની પણ સ્વધામ સિધાવી ત્યારે એમણે ત્રીજીવાર ઘર માંડ્યું. ભર્તૃહરિએ કહ્યું છે કે- 'कामा न भुक्ता वयमेव भुक्ता ।' કામ ભોગવાતો નથી, આપણે જ ભોગવાઈએ છીએ. રતના ભક્તની વાસના ક્ષીણ થવાને બદલે દિનપ્રતિદિન વધુ ને વધુ પ્રબળ બનતી ગઈ. ત્રીજી વાર ઘર ભાંગતાં જ્યારે તેમણે ચોથીવાર પુનર્લગ્ન કર્યાં ત્યારે કોઈકે ગોપાળાનંદ સ્વામીને કાને એમની વાત નાંખી. સ્વામીશ્રીએ રતના ભક્તને પોતાની પાસે બોલાવી પ્રતિલોમપણે ધ્યાન કરવાની લટક શીખવાડી. રતના ભક્તે એ પ્રમાણે પોતાના આત્માની અક્ષરબ્રહ્મ સાથે એકતા કરી એમાં વારંવાર લોમ-પ્રતિલોમ વૃત્તિએ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યું, પરિણામે એમના જીવ સાથે એકરસપણાને પામેલી કામવાસના બળીને ભસ્મસાત્ થઈ ગઈ. વાસના ટળતાં એમના અંતરમાં સંસાર પ્રતિ સહજ વૈરાગ્ય જાગૃત થયો અને વૈરાગ્ય આવે એટલે સંસારનો તત્કાળ ત્યાગ અનિવાર્ય બની જાય છે. ભક્તે સંસારનો ત્યાગ કરીને ભેખ લીધો અને એ સાધુ વિજ્ઞાનદાસજીના નામે વિખ્યાત થયા.