૧૯. ભાગવતી દીક્ષા
સં. ૧૮૬૩ના વૈશાખ માસમાં યોગેશ્વર ખુશાલ ભટ્ટ પોતાના માતાપિતા, પત્ની તથા છ માસની બાળકી અનુપબાને મૂકીને સાધુ થવા માટે ટોરડાથી ગઢપુર જવા ચાલી નીકળ્યા. મોતી ઠાકરે પુત્રને પાછો તેડી લાવવા માટે પોતાના ભાઈ દત્તરામ અને પૂર્ણારામના પુત્રોને પાછળ દોડાવ્યા. પરંતુ ખુશાલભાઈએ તો ગઢપુર પહોંચતાં જ સાધુની તુંબડીનું પાણી પી લીધું. ભાઈઓએ જાણ્યું કે ખુશાલ હવે પાછો નહિ ફરે, તેથી તેઓ ખુશાલને ઘેર લઈ જવાનો દુરાગ્રહ છોડી દઈ પાછા ફરી ગયા.૧
ખુશાલ ભટ્ટને સત્સંગમાં આવ્યાને પાંચ વર્ષ વીતી ગયાં એટલે કોઈકે મહારાજને એકવાર પૂછ્યું: "મહારાજ, સત્સંગ શિરોમણિ પરમ ભગવત્પરાયણ ખુશાલ ભટ્ટને આપ પરમહંસની દીક્ષા ક્યારે આપશો?" ત્યારે શ્રીજીમહારાજે ખુલાસો કર્યો, "ખુશાલ ભટ્ટનું પરમહંસપણું તો સ્વયંસિદ્ધ છે. તેમને દીક્ષા દેવી એ તો એક અનુકરણમાત્ર છે. છતાંય લોકવ્યવહારે થોડા સમયમાં તેમને દીક્ષા આપીશું." ૧
અંતે એ ધન્ય પળનો ઉદય ગઢડાના પૂર્વાકાશમાં સં. ૧૮૬૪ના કાર્તિક વદી આઠમના દિવસે થયો. એ દિવસે પ્રાતઃકાળે શ્રીજીમહારાજે પોતાના પ્રિયતમાદપિ પ્રિયતર અનન્ય ભક્ત સ્વતઃસિદ્ધ ખુશાલ ભટ્ટને અક્ષર ઓરડીમાં ભાગવતી દીક્ષા આપી 'ગોપાળાનંદ સ્વામી' નામ ધારણ કરાવ્યું. મહારાજનો મહાપ્રસાદ લઈ શકાય એ હેતુથી ખુશાલ ભટ્ટે પોતે જન્મે બ્રાહ્મણ હોવા છતાં બ્રહ્મચારીની દીક્ષા ન લેતાં સાધુની દીક્ષા લીધી. દીક્ષા પછી શ્રીજીમહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મંડળ બાંધીને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે ફરી વડોદરા મોકલ્યા.