૧૨. ગર્ભયોગી
ખુશાલ ભટ્ટ ગર્ભયોગી હતા. અષ્ટાંગ યોગની અપ્રાપ્ય સિદ્ધિઓ એમને જન્મથી જ હસ્તગત હતી. ટોરડાની પૂર્વ દિશામાં ચાર માઈલના અંતરે રામપુરી ગામ પાસેના ડુંગરમાં ધારેશ્વર મહાદેવનું મંદિર છે. ધારેશ્વરના ડુંગરોમાં ખુશાલ ભટ્ટ દિવસો સુધી અન્નજળ લીધા વિના વાઘ અને અજગર જેવાં વિકરાળ પ્રાણીઓના સાનિધ્યમાં ધ્યાનમગ્ન બનીને બેસી રહેતા. જો કે આ લીલા પણ તેઓ અન્ય મુમુક્ષુઓના સમાસ અર્થે જ કરતા હતા, તેમને પોતાને અર્થે તો કાંઈ જ સિદ્ધ કરવાનું બાકી નહોતું; કારણ કે તેઓશ્રી તો જન્મથી જ સ્વત: સિદ્ધ હતા.
ખુશાલ ભટ્ટ સર્વ વિદ્યાઓમાં પારંગત હતા. જ્યોતિષ અને આયુર્વેદમાં એમના જેવું અનુભવસિદ્ધ જ્ઞાન એ સૈકામાં ભાગ્યે જ કોઈને હશે. ગમે તેવા અસાધ્ય રાજયોગને તેઓ મટાડી આપતા. એક બ્રાહ્મણને રક્તપિત્તનો રોગ થયેલો તે ખુશાલ ભટ્ટે ત્રણ મહિનાનું વ્રત કરાવી મટાડી દીધેલો. ખુશાલ ભટ્ટની અજોડ સિદ્ધિ એ હતી કે તેઓ વગર અગ્નિએ કોઈપણ ધાતુની ભસ્મ ફક્ત જડીબુટ્ટીઓના રસ નીચોવીને બનાવી શકતા હતા. આ ભસ્મથી તેઓએ અનેક મહારોગીઓને સાજા નરવા કર્યા હતા.