૩૧. 'એમના જેવા કોઈ નથી!'
આ. સં. ૧૮૭૭ના ફાગણ મહિનામાં શ્રીજીમહારાજ રાસોત્સવ ઉજવવા માટે સંત-હરિભક્તો સાથે પંચાળા પધાર્યા હતા.૨ એક દિવસ મહારાજે સભામાં સંતહરિભક્તોને તિલક ચાંલ્લો કરવાની આજ્ઞા કરી અને તે કેવી રીતે ને કેવા કરવા તે પણ શીખવ્યું. ત્યારથી સંપ્રદાયમાં તિલક ચાંલ્લો કરવાની પ્રણાલિનો પ્રારંભ થયો.
એ વખતે સંતો ભગવાં કપડાં તો પહેરતા, પણ માથે ભગવી પાઘ પોતપોતાના પૂર્વાશ્રમના સંસ્કાર પ્રમાણે બાંધતા. કાઠી સંતો કાઠિયાવાડી પાઘડી બાંધતા, તો વૈશ્ય સંતો એમની રીતે બાંધતા. પરિણામે પાઘ ઉપરથી દરેક સંતોની પૂર્વાશ્રમની જાતિ અને વર્ણાશ્રમ સ્પષ્ટપણે જણાઈ આવતા હતા. શ્રીજીમહારાજે આ અંગે અભિપ્રાય લેવા ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું: "સ્વામી, જાતિ અને વર્ણાશ્રમ તો સમાજ-વ્યવસ્થા માટે છે. સાધુ તો વર્ણાશ્રમથી પર છે. પરંતુ આપણા સંતોની અલગ અલગ પાઘ ઉપરથી એમના પૂર્વાશ્રમની જાતિ અને વર્ણ કળાઈ જાય છે, તો એનું કેમ કરીશું?" સ્વામીશ્રીએ સુંદર પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું: "મહારાજ, પાઘડીને બદલે દરેક સંત માથા ઉપર કાનટોપી પહેરી એની ઉપર ચોખંડો રૂમાલ વીંટી દે તો બધા જ સરખા દેખાય અને કોઈની જાતિ કળાય નહિ."
મહારાજે સ્વામીશ્રીનો પ્રસ્તાવ સહર્ષ વધાવી લીધો અને એ જ દિવસથી દરેક સંતને એ પ્રમાણે રૂમાલ વીંટવાની આજ્ઞા કરી. બીજા દિવસે સૌ સંતો એ પ્રમાણે માથે રૂમાલ બાંધીને આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ માથે રૂમાલ બાંધેલો પણ તેના બેય છેડા છૂટા રાખેલા, ખોસ્યા નહોતા. એ જોઈને શ્રીજીમહારાજે સંતોને કહ્યું: "સંતો, આ ગોપાળાનંદ સ્વામીએ રૂમાલના છેડા ખોસ્યા નથી તેથી કોઈ એમના માટે અવળો સંકલ્પ ના કરશો. એ તો જોગી છે ને એમના જેવા તો પાંચસો પરમહંસમાં કોઈ નથી. જેવો અમારો પ્રતાપ છે, તેવો જ એમનો છે!" મહારાજનાં આવાં વચન સાંભળી સૌ સંતો મહામુનિ ગોપાળાનંદ સ્વામીને મનોમન વંદી રહ્યા.