૧૬. ખુશાલ ભટ્ટ --વડોદરામાં

વડોદરામાં એ વખતે મહારાજા આનંદરાવ ગાયકવાડ રાજ કરતા હતા. એમનું સ્વાસ્થ્ય બરાબર રહેતું ન હોવાથી એમના વચેટભાઈ ફત્તેહસિંહરાવ (બીજા) એમના મુતાલિક તરીકે કારોબાર સંભાળતા હતા.*

વડોદરા એ કાળે 'ગુજરાતની કાશી' તરીકે પંકાયેલું હતું. અહીં સરકાર આશ્રયે ચાલતી અનેક પાઠશાળાઓમાં સાહિત્ય, પુરાણ, કાવ્ય, જ્યોતિષ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના વિષયો ભણાવાતા હતા. વિવિધ સંપ્રદાયોના અનેક વિદ્વાનો રાજ્યાશ્રય મેળવીને અહીં રહેતા હતા. અહીં વિદ્યા મોટેભાગે વિવાદાર્થે જ ભણાવાતી હતી.

રાજદરબારમાં શાક્તોની લાગવગ પ્રમાણમાં વધારે હતી, કારણ કે રાજ્યનો દીવાન બાબાજી ઉર્ફે બાબાસાહેબ ચુસ્ત શાક્તપંથી હતો. બાબાસાહેબ એક મહાન સેનાપતિ અને પ્રખર મુત્સદ્દી હતો. પરંતુ પોતાના શૌર્ય અને વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાનું તેને ઘણું ગુમાન હતું.

ગુજરાત અને કાઠિયાવાડનાં ઘણાં રજવાડાં વડોદરા રાજ્યના તાબામાં હતાં. એ રજવાડાંના દરબારો પાસેથી ખંડણીની વસૂલાત કરવામાં બાબાજી ખૂબ કડક હાથે કામ લેતો હતો. એકવાર કાઠિયાવાડના એક દરબારે તેને ટોણો મારતાં કહ્યું: "બાબાસાહેબ, અમારા જેવા નિર્બળ અને નાના દરબારોને દબડાવી લૂંટો છો એ કરતાં કાઠિયાવાડમાં જે સ્વામિનારાયણ સર્વત્ર ભગવાન તરીકે પૂજાય છે તેમને દબાવો તો તમને સત્તા, લક્ષ્મી ને પ્રસિદ્ધિ એ ત્રણેય મળશે." બાબાજીને દરબારનો આ ટોણો દિલમાં તીરની જેમ આરપાર અસર કરી ગયો. તેણે એ દિવસથી સ્વામિનારાયણને કેદ પકડવાના મનસૂબા ઘડવા માંડ્યા. પરંતુ ક્યારેય તેનો એ મનસૂબો પૂરો ન થયો. સ્વામિનારાયણને મહાત કરવામાં મળતી નિષ્ફળતાએ તેને સ્વામિનારાયણ સંપ્રદાય તથા તેના આશ્રિત સાધુ સત્સંગીઓનો પણ કટ્ટર વિરોધી અને દ્વેષી બનાવી દીધો. આવા વિકટ અને પ્રતિકૂળ સંજોગોમાં યોગેશ્વર ખુશાલ ભટ્ટે વડોદરામાં પ્રવેશ કર્યો.

ખુશાલ ભટ્ટ લહેરીપુરા દરવાજામાંથી શહેરમાં પ્રવેશી માંડવી પાસેથી જમણી બાજુ વળી ગેંડીગેટ તરફ આગળ વધ્યા. અંત:પ્રેરણાને આધારે આ અજાણ્યા શહેરમાં તેમનાં ચરણ અજ્ઞાતપણે પણ નિશ્ચિત દિશામાં જઈ રહ્યાં હતાં. માર્ગમાં શ્રી નાથ પટેલ નામના સદગૂહસ્થ ખુશાલ ભટ્ટને ભેટી ગયા. તેઓ ભટ્ટજીને એક પવિત્ર બ્રાહ્મણ સમજી પોતાને ઘેર તેડી ગયા.

શ્રી નાથ પટેલ વાડી વિસ્તારમાં ડભાસીના ફળિયામાં રહેતા હતા.* એમના ઘરની પાછળ વાડો મૂકીને એક નાનું શિવાલય હતું. પટેલ પરમ શિવભક્ત હતા. ખુશાલ ભટ્ટને એક ઓરડીમાં એમણે ઉતારો આપ્યો. નાથ પટેલના એક મિત્ર હતા-- સદાશિવ પાઠક, એ ગુજરાતી બ્રાહ્મણ હતા ને વાડી રંગમહોલમાં રામજીમંદિર પાસે રહેતા હતા. બન્ને મિત્રો ખુશાલ ભટ્ટના પરિચયથી અત્યંત પ્રસન્ન હતા. પહેલા દિવસે તો ખુશાલ ભટ્ટ નાથ પટેલને ત્યાં જાતે રસોઈ બનાવીને જમ્યા પણ બીજા દિવસથી સદાશિવ પાઠકના પ્રેમભર્યા આગ્રહને કારણે એમને ત્યાં જમવા જવા લાગ્યા.

ખુશાલ ભટ્ટ દિવસમાં એક જ વખત જમતા હતા. દરરોજ બપોરે બાર વાગે ખુશાલભાઈ સદાશિવ પાઠકને ત્યાં જમવા પધારતા. સાથે એમના પૂજાના લાલજીને લઈ જતા. સદાશિવનાં પત્ની થાળ પીરસે એટલે ખુશાલ ભટ્ટ પ્રથમ લાલજીને થાળ ધરાવતા. શ્રીજીમહારાજ એ સમયે દિવ્યરૂપે ત્યાં પધારી થાળ જમતા. સદાશિવભાઈ, તેમનાં પત્ની તથા એમની પુત્રી ઉમિયા મહારાજને જમતા પ્રત્યક્ષ નિહાળતા, બીજા કોઈને મહારાજનાં દર્શન થતાં નહિ; ફક્ત થાળમાંથી વાનગીઓ ઓછી થતી દેખાતી. જોતજોતામાં આ વાત આખા વડોદરામાં ફેલાઈ ગઈ. ખુશાલ ભટ્ટ એક મહિનો વડોદરા રહ્યા તે દરમ્યાન દરરોજ આ અપૂર્વ ઘટના બનતી અને એ નિહાળવા લોકોનાં ટોળેટોળાં પાઠકના ઘર પાસે ઊમટતાં. પછી તો ખુશાલ ભટ્ટ ઘરની પરસાળમાં બેસીને જ ઠાકોરજીને નૈવેદ્ય ધરાવતા જેથી જિજ્ઞાસુ મુમુક્ષુઓને એ વિરલ ઘટનાના સાક્ષી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થઈ શકે!

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ નોંધપાત્ર ઘટનાને 'ભક્ત ચિંતામણિ' ગ્રંથમાં સમ્યક્પણે નોંધી અંતે લખ્યું છે:

"જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ,

ત્યારે ત્યારે જમે સંગે લાલ.

જમે જન હાથે નાથ નિત્યે,

તે તો ખુશાલ ભક્તની પ્રીત્યે.''*

નિષ્કુળાનંદ સ્વામી આ અલૌકિક ઘટના માટે 'ખુશાલ ભક્તની પ્રીતિ'ને જ કારણભૂત ગણાવી એમની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિને બિરદાવે છે. ખુશાલ ભટ્ટ ભગવાન જમી લે પછી એ પ્રસાદીભૂત ભોજનમાંથી થોડું અન્ય ભક્તોને આપી પછી જ પોતે જમતા.

ખુશાલ ભટ્ટ એક મહિનો વડોદરા રહ્યા એ દરમ્યાન તેઓ સવારે બે કલાક અને સાંજે ત્રણ કલાક ક્યારેક નાથભક્તના ઘરની આગળના ચોકમાં તો ક્યારેક વાડામાં આવેલા પીપળા નીચે બેસીને જ્ઞાનવાર્તા કરતા. એક મહિના પછી ભટ્ટજી વડતાલ થઈને ગઢપુર પરત ગયા.

સં. ૧૮૫૯ થી સં. ૧૮૬૪ના સમય દરમ્યાન ખુશાલ ભટ્ટ બહુધા ગઢપુર ને વડોદરામાં રહેલા જણાય છે. તે સિવાય ક્યારેક શ્રીજીમહારાજ ગુજરાત કે કચ્છમાં વિચરણ કરવા નીકળતા ત્યારે તેમને પોતાની સાથે રાખતા. સદગુરુ આધારાનંદ સ્વામી 'શ્રીહરિ ચરિત્રામૃત સાગર' (ભાગ-૨, પૂર ૨૦, તરંગ ૩૨)'માં એમ નોંધે છે કે, 'આ સમય દરમ્યાન ખુશાલ ભટ્ટના પિતા મોતી ઠાકર દશ વખત આવીને તેમને ઘેર લઈ ગયા હતા.' આ દરમ્યાન સં. ૧૮૬૩માં ખુશાલ ભટ્ટને ત્યાં એક કન્યારત્નનો જન્મ થયો. એનું નામ 'અનુપ' પાડવામાં આવ્યું.