નિવેદન

'વચનામૃતમ્' - સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની પરાવાણી અને એ પરાવાણીનું સંકલનકર્તા હતા પાંચ મહાસમર્થ સદગુરુઓ - અ. મુ. સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી, અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, અ. મુ. સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી, અ. મુ. સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી, અ. મુ. સ. ગુ. શ્રી શુકાનંદ મુનિ. આ પાંચેય સદગુરુઓએ વચનામૃતનું સંકલન તો કર્યું પણ વચનામૃતની સાદી સરળ ભાષામાં ગર્ભિત રહેલો શ્રીજીમહારાજનો હૃદગત અભિપ્રાય તો કેવળ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી જ જાણતા હતા. અન્ય સદગુરુઓ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી જ વચનામૃત યથાર્થપણે સમજ્યા હતા. આ એક જ બાબત સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીનો મહિમા, પ્રતાપ સમજવા માટે પૂરતી છે.

આવા મહાન સંતપુરુષનું જીવન-કવન જેવો પ્રેરણા-સ્ત્રોત બીજો કયો હોય! તેમનાં ચરિત્રાલેખનનું વાંચન-મનન વાચકને આધ્યાત્મિકતાના માર્ગે ઉર્ધ્વગતિ કરાવે છે. સુવર્ણસમ આ સાહિત્યમાં રસપ્રદ લેખનશૈલીની સુગંધ ભળે પછી શું બાકી રહે!

અંતમાં આ પુસ્તકને પ્રકાશિત કરવામાં તન-મન-ધનથી સહભાગી થનાર હર કોઈ પર ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમકૃપાળુ બાપાશ્રી, સદગુરુઓ તથા સમર્થ ગુરુવર્ય અ. મુ. શ્રી નારાયણભાઈની અનહદ કૃપાવર્ષા થાય એ જ અભ્યર્થના!

સં. ૨૦૫૬, મહા સુદ એકાદશી

ઈ.સ. ૨૦૦૦, ૧૬ ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન