૪૩. મહા પ્રયાણ
સં. ૧૯૦૮માં સ્વામીશ્રી ઉમરેઠ હતા ત્યારે ધ્યાનમાં મહારાજનો મહા સંદેશ મળ્યો કે, "આત્મકલ્યાણ તો અમારા દિવ્ય સાકાર સ્વરૂપને યથાર્થ ઓળખવાથી જ થાય છે. માટે ભલે ગમે તેટલાં વિઘ્ન આવે, અમારા સર્વોપરી સ્વરૂપની ઉપાસના પ્રગલ્ભપણે સર્વત્ર પ્રવર્તાવો. આજે એમ નહિ કરો તો બીજાં હજાર વર્ષ સુધી તમારે જ તે કરવાનું રહેશે." સ્વામીશ્રીએ મહારાજનો એ મહા સંદેશ અંતરમાં ઝીલી લીધો અને સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનની જેહાદ જગાવી. સ્વામીશ્રીએ આચાર્યો અને હરિભક્તોને બેધડક કહેવા માંડ્યું: "સચરાચર વિશ્વમાં એક માત્ર પરબ્રહ્મ પુરુષોત્તમની શક્તિ જ તારતમ્યતા પ્રમાણે સર્વમાં પ્રકાશે છે. સર્વે અવતારો પણ એ એક માત્ર સ્વરૂપમાંથી જ પ્રગટે છે, અને અંતે એમાં જ લીન થાય છે. એ પરબ્રહ્મ પુરુષોત્તમ આ યુગમાં મનુષ્ય સ્વરૂપે શ્રી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા અને એ જ આપણા ઇષ્ટદેવ છે."
સ્વામીશ્રી ઉમરેઠ ઘણું રહેતા હતા. મંદિરના દરવાજા પાસે ડાબા હાથે એમની ઓરડી હતી. ત્યાં રહીને સ્વામીશ્રી સમસ્ત સત્સંગને દોરવણી આપતા તથા સાહિત્ય સર્જન કરતા. ચૈત્રની ગરમીના દિવસો હતા. સ્વામીને કાન પાછળ રતવાની ફોડલી નીકળી. સ્વામીશ્રી સમજી ગયા કે હવે મહારાજનું તેડું આવી ગયું છે. તત્કાળ અન્નનો ત્યાગ કરી સ્વામીશ્રીએ અનશન વ્રત લઈ લીધું અને પછી પોતે વડતાલ પધાર્યા. સં. ૧૯૦૮ના વૈશાખ સુદ પાંચમના દિવસે વડતાલમાં સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો. એ વખતે દિવ્ય દ્રષ્ટિવાળા અનેક સંત મુક્તોએ જોયું કે ચારે બાજુ દિવ્ય તેજના અંબાર ઊભરાતા હતા, એમાં શ્રીજીમહારાજ અસંખ્ય મુક્તો સાથે દિવ્ય વિમાનમાં બેસી સ્વામીશ્રીને ધામમાં તેડી જવા સારુ પધાર્યા અને મહા ઐશ્વર્ય જણાવી સ્વામીશ્રી શ્રીહરિના દિવ્ય સાકાર સ્વરૂપમાં રસલીન થઈ ગયા. સ્વામીશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જ્ઞાનબાગમાં કરવામાં આવેલો. એ સ્થળે તેમના સ્મરણાર્થે ઓટો કરી છત્રી બનાવેલી છે.
સ્વામીશ્રી સત્સંગમાં ૪૪ વર્ષ રહ્યા. ૨૨ વર્ષ એમણે શ્રીજીમહારાજના સાનિધ્યમાં ગાળ્યા અને ૨૨ વર્ષ મહારાજના અંતર્ધાન થયા પછી સત્સંગના ઉત્કર્ષ અને સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનમાં ગાળ્યા. સ્વામીશ્રીનો સમાગમ કરીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, વિજ્ઞાનદાસજી તથા સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી આત્યંતિક મુક્ત સ્થિતિને પામ્યા હતા. એ સિવાય અન્ય અનેક સંત હરિભક્તો સ્વામીશ્રીની કૃપાદ્રષ્ટિથી આત્યંતિક કલ્યાણના અધિકારી બન્યા હતા.
સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ એમની વાતોના પુસ્તકમાં નોંધ્યું છે કે, 'ગોપાળાનંદ સ્વામી અષ્ટ આવરણથી પર અક્ષરધામમાં શ્રીજીમહારાજને, અનેક કોટિ અક્ષરમુક્તને ઐશ્વર્ય સહિત સર્વે ક્રિયાને વિષે સદા દેખતા હતા.' સ્વામીશ્રી જન્મથી જ આવી સહજ સ્થિતિ અનુભવતા હતા. પૂર્ણ મુક્ત આત્માને જે આનંદની અનુભૂતિ પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિમાં થાય છે તે સ્વામીશ્રીનો અહર્નિશનો અનુભવ હતો. સ્વામિનારાયણીય નંદ સંતોમાં ગોપાળાનંદ સ્વામીની દાસત્વ ભક્તિ સ્વેષ્ટ સ્વામીશ્રી સહજાનંદજીએ સ્વયં વખાણી છે. મહારાજે તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સર્વથી પર જે દિવ્ય ધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે થકી પણ અધિક માન્યા હતા. શ્રીજીમહારાજે જ 'ભક્તચિંતામણિ' ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી પાસે ગોપાળાનંદ સ્વામી વિષે એક સ્વતંત્ર પ્રકરણ (પ્ર. ૧૪૨) આગ્રહપૂર્વક ઉમેરાવ્યું હતું.
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના સમગ્ર જીવનના પ્રત્યેક પ્રસંગનું વિશદ્ વિશ્લેષણ કરીને એમની વૈયક્તિક પ્રતિભાનું સમ્યક્ મૂલ્યાંકન કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ તરી આવે છે કે સ્વામીશ્રીની સમગ્ર ચેતના ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય ચેતના સાથે સતત ને સળંગ, પરમ સાધર્મ્યભાવે, અખંડ એકત્વ અનુભવતી હતી! સ્વામીશ્રીની વિરાટ પ્રતિભાને કવિશ્વર દલપતરામના શબ્દો દ્વારા વંદના કરી એ મહત્ પુરુષનું હૃદયની ઉચ્ચતમ ઊર્મિઓ દ્વારા અભિવાદન કરી આવો આપણે જીવનને સાર્થક કરીએ!
"સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને,
શોધી વેદાંત તત્ત્વો સકળ ગ્રહિ લિધાં જેમ સિંધૂથી રત્ને.
આધિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનતણી ટાળી કીધી સમાધિ,
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધિ વંદુ માયા અબાધી."