પૂર્વ કથન (લેખકનું નિવેદન)
સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક અસ્મિતા અનેરી છે, કારણ કે એકાંતિક કલ્યાણની ઉત્કૃષ્ટ અવસ્થામાં મુક્ત પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય તેજામેય મૂર્તિનું સાધર્મ્ય પ્રાપ્ત કરી એ મૂર્તિ સાથે સંલગ્ન થઈ રસબસ ભાવ લીન રહે છે. આ સ્થિતિએ પહોંચેલા મુક્તને અનાદિમુક્ત એવું વરવું બિરુદ આપવામાં આવ્યું છે. અનાદિમુક્ત એ મુક્ત સ્થિતિની ચરમ અવસ્થા છે. તેથી જ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આવી સ્થિતિને વરેલા સંતનો મહિમા ગાતા લખે છે :
"જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ!" આવા સંત પુરુષોત્તમરૂપ હોવાથી એમનો મહિમા શ્રીહરિ કરતાં જરા પણ ઓછો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં આવા જ એક સર્વોપરી સંત થઈ ગયા..... સંત શિરોમણી યોગેશ્વર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી!
શ્રીજીમહારાજે સ્વધામ પધારતી વખતે પોતાના હૃદયસમા આ સંતરત્નને બન્ને દેશના મધ્યસ્થી નીમી સમગ્ર સંપ્રદાયનું સુકાન સોંપ્યું હતું. શ્રીહરિ ધામમાં પધાર્યાં પછીના દશકામાં સંપ્રદાયનો ફેલાવો તો બહોળો થયો, પરંતુ સત્સંગમાં હજી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના તથા પ્રગટ ભાવની યથાર્થ સમજણ નહિવત્ હતી. મોટા મોટા નંદ સંતો પણ શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ ભગવાનનો અવતાર સમજતા હતા. આવા આધ્યાત્મિક કટોકટીના (Period of Sprirtual Crisis) વિકટ સમયમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સત્સંગમાં શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના તથા યથાર્થ પ્રગટપણાની સમજણને સુદઢ કરી સંપ્રદાયના કલેવરને પુનર્જીવિત કર્યું હતું.
જેમના મહાન વ્યક્તિત્વ સામે આસમાનની અમાપ ઊંચાઈ અને સાગરની અગાધ ગહરાઈ પણ વામણી લાગે એવી આ વિરલ વિભૂતિનું જીવન-કથન આલેખવું એ તો સૂરજ સામે દિવો ધરવા બરાબર છે. આ તો એમના પ્રત્યેના અંતરના અહોભાવને અભિવ્યક્ત કરવાનો યત્કિચિંત્ પ્રયાસ છે. જો કે આ ગ્રંથના લેખન પાછળ એક ઇતિહાસ છે. જેનો અછડતો ઉલ્લેખ અત્રે અસ્થાને નહિ ગણાય.
ઈ.સ. ૧૯૭૭ની સાલનો આ પ્રસંગ છે. એ વખતે મારો એક મિત્ર સાબરકાંઠાના એક નાનકડા ગામ વાંકાનેરમાં ત્યાંના હેલ્થ સેન્ટરમાં રેસીડેન્ટ ડોક્ટર હતો. ઘણીવાર એ મને પત્ર લખી ત્યાં આવવા આમંત્રણ આપતો પણ હું જવાનું ટાળતો. એકવાર તેણે લખ્યું કે તું આવે તો આપણે સાથે ટોરડા જઈએ. 'ટોરડા' શબ્દ વાંચતા જ મને રોમાંચ થયો. છેક બાલ્યકાળથી જ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થાન ટોરડા જવાની ઇચ્છા અંતરમાં ઘર કરી ગઈ હતી. આજે વર્ષો બાદ મોકો મળતાં મેં એ તક ઝડપી લીધી. અમદાવાદથી બસમાં હું વાંકાનેર પહોંચ્યો. ત્યાંથી બીજે દિવસે સવારે હું તથા મારો મિત્ર બસમાં ટોરડા જવા ઉપડ્યા. રસ્તામાં ટાંકાટૂકાં ગામ પાસે બસના ટાયરમાં પંક્ચર પડતાં ટાંકાટૂકાંથી ટોરડાનો બે માઈલનો પ્રવાસ અમારે પગપાળા કરવાનો થયો. રસ્તો નિર્જન જંગલમાંથી પસાર થતો હતો અને ટોરડાના માર્ગે અમારી સાથે બીજું કોઈ નહોતું. અમે જેવું ચાલવાનું શરૂ કર્યુ ત્યાં તો પવનની લહેરખી સાથે મનને આલ્હાદથી ભરી દેતી દિવ્ય સુગંધ આવી. મેં મારા મિત્રને પૂછ્યું કે તને કોઈ વિશિષ્ટ સુગંધ આવે છે? તેણે હા પાડી. કેશર, કસ્તુરી, અંબર, બરાસ, ચંદન ઇત્યાદિ સુગંધિત દ્રવ્યોના સંમિશ્રણમાંથી આવે તેવી એ મનોરમ્ય ખૂશબુ હતી. અમે ચાલતા રહ્યા તેમ એ સુવાસ પણ અમારી સાથે ને સાથે મંદ મંથર સમીર સાથે આવતી રહી. વચ્ચે રસ્તામાં બૂઢેલી નદી આવી એ પાર કરી અમે ટોરડાની સીમમાં પ્રવેશ્યા ત્યાં સુધી એ અલૌકિક સૌરભે અમને દિલકશ સાથ આપ્યો. ગામમાં જઈ અમે સૌ પ્રથમ અમારા એ અનુભવ અંગે તપાસ કરી, પરંતુ ગામના લોકો તથા મંદિરના સંતો પણ આવા વિલક્ષણ અનુભવ અંગે કાંઈ ખુલાસો આપી ન શક્યા.
ટોરડાથી અમદાવાદ પાછો આવી હું સીધો નારણપુરા પ. પૂ. ગુરુવર્ય અ. મુ. શ્રી નારાયણમામા પાસે ગયો. પૂજ્યશ્રીને ચરણે બેસી મેં એમને દિવ્ય સુગંધનું રહસ્ય પૂછ્યું. થોડીવારમાં ઊંડા ધ્યાનમાંથી બહાર આવી તેમણે કહ્યું : 'દિવ્ય મુક્તો પોતાની ઉપસ્થિતિ તેમ જ સાંનિધ્યની અનુભૂતિ આ રીતે અનેક પ્રકારે કરાવતા હોય છે. એ દિવ્ય ખુશ્બો દ્વારા તમે જેમનો સથવારો મેળવ્યો, નિર્જન જંગલના રસ્તે જેમનું સતત સાંનિધ્ય માણ્યું એ જ તો હતા યોગેશ્વર જેમના જન્મસ્થાન પ્રતિ તમે આટલી શ્રદ્ધા અને પ્રેમથી પ્રયાણ કરી રહ્યા હતાં!' આ સાંભળી હૈયું હર્ષઘેલું થયું, નયન સજળ થયાં અને અંતર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રત્યેના અહોભાવથી છલોછલ થયું. આ પ્રસંગે પૂજ્ય ગુરુવર્યે મને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જીવન-કથન ઉપર તલસ્પર્શી સંશોધન કરી કંઈક નવીન સર્જન કરવાની પ્રેરણા આપી.
આજે 'પરમ સાધર્મ્યે'ની કૃતાર્થતા એ કારણે જ છે કે તેના લેખન અને સર્જન પાછળ શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિમાં રસબસ રહીને અખંડ એ રસરૂપ મૂર્તિનું સુખ ઝીલતાં અનાદિ કારણભૂત છે. ઋણ સ્વીકારની આ રમ્ય પળે પૂજ્યપાદ ગુરુવર્યના પુનિત ચરણોમાં કોટાનુકોટી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સહ આ પુણ્યકાર્યનો અર્ધ્ય અર્પતા હું ધન્યતા અનુભવું છું.
સમયના સાપેક્ષમાં મનુષ્ય જીવન અતિ અલ્પ છે. પરંતુ અજર, અમર એવા અનાદિ મુક્તાત્માઓની દિવ્ય પ્રભા મનુષ્યરૂપે આ લોકમાં અવતરીને પાર્થિવ શરીરના અંત પછી પણ સદાય પ્રગટ જ રહે છે! એ દ્રષ્ટિએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું જીવન અનંત છે. એ અનંત જીવનના વિરાટ મહાસાગરમાંથી માત્ર બે બુંદ ઝીલીને મેં 'પરમ સાધર્મ્યે' રૂપે સમસ્ત સત્સંગ સમાજ સમક્ષ મૂક્યા છે. આ બે બુંદ પણ જો એ વિરાટ મહાસાગરનો પ્રામાણિક પરિચય આપવામાં પર્યાપ્ત નીવડશે તો મારો આ પ્રયત્ન સાર્થક નીવડશે.
- રમેશ બી. સોની
૧૨/એ, સુદામાપુરી સોસાયટી,
માંજલપુર, વડોદરા-૩૮૦૦૧૧
સં. ૨૦૫૬, મહા સુદ એકાદશી
ઈ. સ. ૨૦૦૦, ૧૬ ફેબ્રુઆરી