૨૭. ગરીબ સાધુ
સદગુરુ ગોપાળાનંદ સ્વામી અત્યંત નિસ્પૃહ ને નિરપેક્ષ સંત હતા. પોતે મહાસમર્થ ને સ્વતઃસિદ્ધ સ્વતંત્ર હોવા છતાં અત્યંત નિર્માનીપણું ને દાસાનુદાસ સેવાભક્તિ એ તેમની લાક્ષણિક્તા હતી. વચનામૃતમાં (ગ. મ. ૬૨) શ્રીજીમહારાજે એમની દાસ્યભક્તિને વખાણી છે.
સ્વામીશ્રી એક ગરીબ સંત હતા. "ગરીબ કોણ?" એવો પ્રશ્ન એકવાર એમણે જ સભામાં પૂછ્યો હતો. કોઈ યથાર્થ ઉત્તર ન આપી શક્યું ત્યારે પોતે જ એ શબ્દના લક્ષ્યાર્થને બતાવતા બોલેલા: "ગરીબ એ જે સમર્થ હોવા છતાં નાનામાં નાના જીવોની અજ્ઞાનવશ ધૃષ્ટતા સહન કરે, ઐશ્વર્યવાન હોવા છતાં જે અનિકેત રહે, શક્તિમાન હોવા છતાં જે પામર જીવો પ્રત્યે પણ નિર્માનીપણે વર્તે-- એ જ સાચો ગરીબ છે!" કેટલી ઉદાત્ત છે આ વ્યાખ્યા!!
સ્વામીશ્રી માનતા કે સંતોના વાણી અને વર્તનમાં હંમેશાં એકવાક્યતા-- એકરૂપતા હોવી જોઈએ. વિચાર અને આચાર વચ્ચેનું અંતર નહિવત્ હોવું જોઈએ. સ્વામી પોતે પણ બીજાના સમાસ અર્થે પંચવિષયનો અતિશય ત્યાગ રાખતા. ભોજનમાં એ દૂધ-ઘી ક્યારેય લેતા નહિ. રોટલી કે ભાખરી પણ ઘી ચોપડ્યા વિનાની લેતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ અત્યંત હેતપૂર્વક ઘી ચોપડેલી રોટલી એમના પાત્રમાં મૂકી. સ્વામીશ્રીએ ઘણી ના પાડી, છતાંય ગુણાતીતાનંદજીએ આગ્રહ કરીને એ જમાડી. પછી જ્યારે કથાવાર્તાનો સમય થયો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું: "આજે મારાથી ત્યાગ-વૈરાગ્યની વાતો નહિ થઈ શકે. ગુણાતીતાનંદ સ્વામીના પ્રેમને વશ થઈને પણ આજે મારાથી રસાસ્વાદ થયો છે." કેટલી જાગરુકતા! જો કે સંતોનાં આવાં ચરિત્રો અન્ય મુમુક્ષુઓની શિક્ષાને અર્થે જ હોય છે, જે મુક્ત છે (released souls) એમને શું આવરણ કરી શકે?
કપડાં પણ સ્વામીશ્રી સાદાં ને બરછટ પહેરતા. એકવાર એક ભક્તે સુતરાઉ ધોતિયું આપ્યું ને પ્રાર્થના કરી કે, "સ્વામી, આ ધોતિયું ફાટે ત્યાં લગી પહેરજો." સ્વામીશ્રીએ એ ધોતિયું પહેર્યું ત્યારે ખબર પડી કે એની કિનાર રેશમની છે. સ્વામીને એ ન રુચ્યું. ત્યાં તો યોગાનુયોગે બેસવા જતાં એ ફાટ્યું એટલે તરત જ સ્વામીશ્રીએ વસ્ત્ર બદલી નાખ્યું. આમ આવા પ્રસંગોમાં પણ સ્વામીશ્રી હરિભક્તનો પ્રેમભાવ અને પોતાનો ત્યાગ એ બન્નેને સાચવતા.