1
શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા અનાદિમુક્તોની આ દિવ્યસભાને કોટાનકોટી વંદન કરું છું.
આ સભામાં પ્રસન્નતાનું કારણ એ છે કે આપણા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ દિવ્યસ્વરૂપે બિરાજે છે. અક્ષરધામની સભા આ સભાની સાથે જ છે. આ દિવ્યસભાનો મહિમા અપાર છે. એનો મહિમા કહી શકાય એવો નથી.
બ્રહ્માનંદ સ્વામી એકવાર સભામાં શ્રીજીમહારાજની મૂર્તિનું વર્ણન કરતું એક કીર્તન બોલ્યા. એ કીર્તન સાંભળીને ભગવાનના એક ભોળા ભક્ત સભા પૂરી થયા પછી સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા અને મહારાજને કહ્યું, હે મહારાજ! બ્રહ્માનંદ સ્વામી આપની મૂર્તિનું વર્ણન કરતું જે કીર્તન બોલ્યા એ પ્રમાણે હું તમારી મૂર્તિને નિરખતો હતો, પણ એ કીર્તનમાં આપની મૂર્તિનું વર્ણન કર્યું એટલા સુંદર અને રમણીય તો આપ દેખાતા નથી. તેનું શું કારણ? બ્રહ્માનંદ સ્વામીએ આપના નેણનું વર્ણન કર્યું એવા નેણ તો આપના દેખાતા નથી. તો બ્રહ્માનંદ સ્વામીએ હેતને લીધે આવું વર્ણન કર્યું કે શું? એ આપ દયા કરીને મને કહો. તો મહારાજ કહે કે ભાઈ, બ્રહ્માનંદ સ્વામીની વાણી તો મને ય સમજાય એવી નથી. બ્રહ્માનંદ સ્વામી તો બહુ મોટા સદ્ગુરુ છે. તો તમે એમને જઈને પૂછો અને પછી એ જે કહે તે તમે મને કહેજો. પછી એ કહે, મહારાજ! એમની પાસે ક્યારે જાઉં? તો કહે, સાંજના ચાર વાગે જજો. તેઓ ધ્યાનમાંથી ઉઠે માનસીપૂજા કરીને, ત્યારે તમે આ પ્રશ્ન પૂછજો. કહે, ભલે મહારાજ!
ભક્તરાજ બરાબર ચાર વાગે બ્રહ્માનંદ સ્વામીને આસને પહોંચી ગયા. બ્રહ્માનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા. થોડીવારમાં બ્રહ્માનંદ સ્વામી ધ્યાનમાંથી જાગૃત થયા. સ્વામીએ ઊંચી નજર કરીને ભક્તરાજ સામું જોયું. કહે, ઓહો! આવો આવો, તમે કેમ આવ્યા? પછી ભક્તરાજ કહે, મહારાજે મને તમારી પાસે મોકલ્યો છે. હા, ભલે બહુ સારું, શેના માટે મોકલ્યા છે? મહારાજનું કીર્તન આપ બોલ્યા ત્યારે મહારાજના નેણ અને મહારાજની મૂર્તિનું વર્ણન જે તમે કર્યું એવા સુંદર તો મહારાજ નથી દેખાતા! ત્યારે બ્રહ્માનંદ સ્વામી, તમે શી રીતે એવું વર્ણન કર્યું? બ્રહ્માનંદ સ્વામી હસ્યા. પછી કહ્યું કે તમે મહારાજને આ પ્રશ્ન પૂછ્યો હતો? તો કહે, મહારાજે એમ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામીની વાણી તો અમને ય સમજાય એવી નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ભક્તરાજ! મહારાજની મૂર્તિનું વર્ણન કરવા માટે તો કોઈ શબ્દો જડતા નથી. ભગવાન મનુષ્યરૂપમાં જે તમને દેખાય છે તેથી કોટીગણું સૌંદર્ય તો દિવ્યસ્વરૂપમાં છે. એ દિવ્યસ્વરૂપનું દર્શન કરવા માટે તમારી પાત્રતા હજી થઈ નથી. હું એ મહાપ્રભુના સ્વરૂપમાં રહું છું અને એ સ્વરૂપનું દર્શન કરું છું. મને શબ્દો બધા પાંગળા લાગે છે. એટલે જેટલા જડ્યા, જેટલા કામમાં આવ્યા એનો ઉપયોગ માત્ર કર્યો છે. ભગવાન સર્વાંગે સુંદર છે.
ભગવાનનું દિવ્યસ્વરૂપ તો પાત્રતા થાય, ભગવાનની કૃપા થાય ત્યારે જ એ ભગવાનના દિવ્યસ્વરૂપનું દર્શન જીરવાય છે. એ ભગવાનના નેણ જેવા સુંદર નેણ તો અનંત બ્રહ્માંડમાં કોઈ અવતારના કે કોઈ દેવોના નેણ એવા સુંદર નથી. ભગવાનનું એકેએક અંગ સુંદર છે. એ સુંદરતાનું વર્ણન કરતા તો કલમો ઘસાઈ જાય, તો પણ એ દિવ્યમૂર્તિનું વર્ણન કરી શકાય એવું નથી. એ દિવ્યસ્વરૂપ એટલું બધું આકર્ષણ કરે છે કે અનંત બ્રહ્માંડોને એ ખેંચે છે. ભગવાનના દિવ્યસ્વરૂપમાંથી પોતાની જે દિવ્યશક્તિ નીકળે છે તે વિસ્તૃત થાય છે તે દિવ્યશક્તિને આધારે અનંત બ્રહ્માંડોનું પોષણ થાય છે. અનંત બ્રહ્માંડો એ સામર્થ્ય મેળવે છે. આ મૂર્તિનું દર્શન કરવા માટે આ દિવ્ય સત્સંગ છે.
મહારાજનું આવું સ્વરૂપ પામવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડે, કેટલો બધો પુરુષાર્થ કરવો પડે, પણ ભગવાને આ પ્રાપ્તિ આપણા માટે સુલભ કરી દીધી છે. તેઓ કૃપાસાધ્ય થઈને આવ્યા, નહિતર આ ભગવાનની પ્રાપ્તિ હજારો જન્મ, કરોડો જન્મ થાય છતાં પણ આ પ્રાપ્તિ થઈ શકે એમ નથી. સાધનથી કોઈ પાર આવે એમ નથી. કેવળ ભગવાનની કૃપાથી ભગવાનના મુક્તના સમાગમથી જ આ પ્રાપ્તિ થાય છે. ભગવાનનો આવો સર્વોપરી મહિમા છે. ભગવાનનો સર્વોપરી મહિમા જો બરોબર હોય તો આપણને ભગવાન સિવાય કોઈની ગણત્રી નહિ રહે.
એક વાત બરોબર ધ્યાનમાં રાખવાની કે મહારાજ અહીં (પૃથ્વી પર) પધાર્યા એ પહેલા શાસ્ત્રો રચ્યા ન હતા. એ પહેલા અવતારો દ્વારા, ભગવાન વ્યાસજી જેવા ઋષિમુનિઓ હતા એમના દ્વારા વેદ રચ્યા, ભાગવત પુરાણ વગેરે શાસ્ત્રો રચ્યાં. આ બધા શાસ્ત્રો જેમ જેમ અવતારો પ્રગટ થતા ગયા તેમ તેમ એમનું વર્ણન કરતા ગયા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા, ત્યારે એમણે જુદા જુદા અવતારો, જુદા જુદા ધર્મના પયગંબરો, જુદા જુદા ધર્મના prophets જેને આચાર્યો કહીએ એ બધાના દર્શન એમના ભક્તોને કરાવ્યા. પોતાની મૂર્તિમાં એ બધાના દર્શન કરાવ્યા. એ બધા જ અવતારોને પોતાની મૂર્તિમાં લીન કર્યા. જેમ સૂર્ય તારાઓને પોતાના પ્રકાશમાં લીન કરી નાંખે છે, તેમ અવતારી પરમાત્મા એ તમામને પોતાના સ્વરૂપમાં લીન કરી નાંખે છે. અવતારોનું અવતરણ પણ એ અવતારી પ્રભુના સંકલ્પથી જ આ પૃથ્વી ઉપર થયું છે. જીવોને પાત્ર કરવાને માટે, જીવોનું કલ્યાણ કરવાને માટે ભગવાને અવતારોનું પ્રગટપણું દેખાડ્યું. ત્યાર પછી પોતે પ્રગટ થયા ત્યારે વ્યાપકાનંદ સ્વામી જેવા સંતને ૨૪ અવતારોના દર્શન કરાવીને પોતાનામાં લીન કરેલા બતાવ્યા. મુસલમાનોને પણ તેમના પયગંબરોને પોતાનામાં લીન કરીને બતાવ્યા. તેમના ખુદા એમને પણ પોતાનામાં લીન કરીને બતાવ્યા. ઈસુ ખ્રિસ્તના દર્શન ક્રિશ્ચિયન્સને આપ્યા અને એમને પોતાનો નિશ્ચય કરાવ્યો. જૈનમુનિઓને ભગવાને તીર્થંકરોના દર્શન કરાવ્યા અને એ તીર્થંકરોને પોતાનામાં લીન કરી નાંખ્યા. જેમ સૂર્ય છે તે તારાઓને પોતાના પ્રકાશમાં લીન કરી નાંખે છે, તેમ લીન કરી નાંખ્યા.
એવી રીતે અવતારી પ્રભુ જ્યારે પ્રગટ થયા, ત્યારે શરૂઆતમાં તેમના શાસ્ત્રો રચાયા ન હતા. ત્યારે રામાયણ અને ભાગવતની કથાઓ થતી હતી. ત્યાર પછી ધીમે ધીમે ભગવાને પોતે બધાને એમ કહ્યું કે બધા જ અવતારો મેં મારામાં લીન કર્યા છે. બધા જ અવતારો મારામાંથી પ્રગટ થયા છે. જો એ બધા જ અવતારો મારામાં હોય તો તમે બધા અવતારોના નામો મારા નામની અંદર લીન કરી નાંખો અને એક જ નામનું ભજન કરો અને એમણે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવો મહામંત્ર આપ્યો. પછી બધા ભગવાન સ્વામિનારાયણના મહામંત્રનું ભજન કરવા લાગ્યા. અને ભગવાને એમ કહ્યું કે હવે આ મહામંત્રનો જ જપ કરો. મારા દિવ્યસ્વરૂપનું જ ધ્યાન કરો. મારા જ નામની માળા ફેરવો. મારું જ ભજન-કીર્તન કરો. મારી જ ઉપાસના કરો. અને હું તમને સર્વે દોષો થકી રહિત કરીને મારા સ્વરૂપના, મારા દિવ્યસુખને પમાડીશ. આવો ભગવાને વર આપ્યો. આ વર (આશીર્વાદ) છે એ હજી સુધી ચાલ્યો આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણને શરણે ગયેલા તેમના ભક્તો તથા જે કોઈ જીવો તેમના શરણે જાય છે તેમને અંતકાળે તેડવા આવે છે અને ભગવાન તેડવા આવે એ વખતે તેઓ (તેમના ભક્તો) કહે છે કે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો દિવ્યસ્વરૂપે મને તેડવા આવ્યા છે. આવું (બીજી) કોઈ જગ્યાએ જોયું છે ખરું? ત્યારે એક વિચાર કરો કે અવતારી પ્રભુ જ આ કાર્ય કરી શકે. આ હકીકત છે.
ભગવાને કહ્યું છે કે ભૂત-પ્રેતનો ઉપદ્રવ હોય ત્યારે હનુમાનજીના મંત્રનો અને નારાયણ કવચનો પાઠ - જાપ કરવો. હનુમાનજી તો ભગવાનના ભક્ત હતા. પ્રાચીનકાળથી હનુમાનજીનો મહિમા વિશેષ છે, પણ હનુમાનજી કરતાં તો રામચંદ્રજીનો મહિમા વધારે હોયને? હનુમાનજીમાં સામર્થ્ય અને ઐશ્વર્ય કોનામાંથી આવ્યું? ભગવાન રામચંદ્રજીએ આપેલું ઐશ્વર્ય હતું, પણ હનુમાનજીનું ઐશ્વર્ય કંઈ રામચંદ્રજી ભગવાન કરતાં વધારે ન હતું, છતાં પણ સર્વાવતારી પ્રભુ ભગવાન સ્વામિનારાયણે હનુમાનજીના મંત્રનો જપ કરવાનું એટલા જ માટે કહ્યું કે ઘણા કાળથી બધાને હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા આવી ગઈ છે. માટે શ્રદ્ધા હોય તો જેમ તાર હોય તેમાં વિદ્યુતનો પ્રવાહ વહે, પણ જો તાર તૂટી જાય તો બધા દીવાઓ (બત્તી) બંધ થઈ જાય. એમ તારની જગાએ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ મંત્ર કામ કરે. હનુમાનજીમાં શ્રદ્ધા છે તો કામ કરે છે. રામચંદ્રજીનો મંત્ર કોઈ જપતું નથી અને હનુમાનજીનો મંત્ર જપવા લાગે છે. એનું કારણ કે એમાં શ્રદ્ધા આવી ગઈ છે અને પેલી શ્રદ્ધામાં કચાશ છે. ભગવાન સ્વામિનારાયણના મહામંત્રના નામમાં તો બધા જ દેવો, ભક્તો અને બધા જ અવતારોના નામો વિલીન થઈ ગયા. તો આ મંત્રનો પ્રતાપ કેટલો બધો હોય? ત્યારે આપણે એનો મહિમા સમજીએ તો એક જ ભગવાન સ્વામિનારાયણ એટલું બોલતાની સાથે જ ભૂત-પ્રેતનો ઉપદ્રવ ચાલ્યો જાય.
આ પવિત્ર નામ છે. ભૂત - પ્રેત તો અશુદ્ધિમાં રહે. શુદ્ધિમાં એ રહી શકતા જ નથી. શુદ્ધિ જેવી ઉત્પન્ન થાય એવું એને ભાગવું જ પડે. તો ભગવાન સ્વામિનારાયણનું નામ એક જ વાર લેવાથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે, પણ એટલી શ્રદ્ધા આવતી નથી, એટલી આપણા જીવની કચાશ છે. ત્યારે જીવની પાત્રતા જુઓને! એક શ્રદ્ધા લાવવી એમાં પણ કચાશ, તો બીજું શું કરી શકે? ત્યારે ભગવાને આપણા ઉપર કેટલી કૃપા કરી કે તમે મારો મહિમા જાણો. હું તમને બધા દોષથી રહિત કરી અને સુખને પમાડીશ. તો આપણે હવે આ એક જ મહામંત્રનો જપ કરવો. મને ખબર છે કે આ મહામંત્રનો પ્રતાપ કેટલો હોય છે! હું દસ વર્ષનો હતો ત્યારે એક મોટા સદ્ગુરુ મળેલા એમણે મને આ મહામંત્રની વાત કરી. એક જણને ભૂત-પ્રેતનો ઉપદ્રવ હતો. ત્યારે મને એમ થયું કે આ સદ્ગુરુએ કહેલું છે કે ભગવાન સ્વામિનારાયણ એવો નાદ સાંભળતાં આ બધું ચાલ્યું જાય અને દિવ્ય વાતાવરણ સર્જાય. તો હનુમાનજી પાસે (કોઈની અંદર) ભૂત હતું તો મેં જોરથી ભગવાન સ્વામિનારાયણ નામ મંત્રનું ઉચ્ચારણ કરતાં એ ભૂત તો બોલ્યા વગર જ ભાગી ગયું. તો બોલો હનુમાનજીના મંત્રનું બળ વધારે કે ભગવાન સ્વામિનારાયણના મંત્રનું બળ વધારે? અરે! રાડ પાડ્યા વગર જ એ પલાયન થઈ ગયું અને કદીએ એનામાં ભૂત આવ્યું નહિ. ત્યારથી મને ખબર પડી કે આ સદ્ગુરુએ જે મને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ નામના મંત્ર સિવાય બીજાના મંત્ર ન કરવા. એમાં બધા જ મંત્રોનો સમાવેશ થાય છે. આપણે ભગવાનના ભક્તોએ તમામ મંત્રોને સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રમાં લીન કરવા અને ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ મંત્રનો જપ કરવો નહિ.
ભગવાનના અનન્ય ભક્ત જેને સ્વરૂપનિષ્ઠા પાકી છે એને (બીજા) કોઈ મંત્ર કરવાની જરૂર રહેતી નથી. સ્વામિનારાયણ! એક જ ભગવાન સ્વામિનારાયણ અને એ સ્વામિનારાયણ ભગવાનમાંથી દિવ્યશક્તિ પ્રગટ થાય છે. એ દિવ્યશક્તિ જુદા જુદા સ્વરૂપે અનંત બ્રહ્માંડમાં વહેંચાઈ ગઈ છે અને જુદા જુદા સ્વરૂપ ધારણ કરે છે અને ભૂત-ભૈરવોમાં એ શક્તિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે એ દેવોમાં એટલી જ પાત્રતા છે. એને એ કામ માટે મૂક્યા છે. જીવોની કક્ષા બહુ નીચી હોય ત્યારે એ સમાસ કરે છે. પછી ધીરે ધીરે જ્યારે જીવો ઊંચા આવતા જાય છે, જ્યારે એની પ્રગતિ થતી જાય છે, ત્યારે એને વધારે ને વધારે ઉચ્ચ દેવોની પ્રાપ્તિ થતી જાય છે. મલિન દેવોની પ્રાપ્તિ ઘટતી જાય છે. ભગવાને આખા બ્રહ્માંડોની રચનામાં અનેક દેવ-દેવતાઓ બધું જ પ્રગટ કર્યું છે અને સ્વામિનારાયણ ભગવાનની શક્તિ આ બધામાં કામ કરે છે.
મહારાજ એમ કહે છે કે કરોડો સૂર્ય ભેગા કરો, તો ય પણ મારા પ્રકાશમાં એ બધા પ્રકાશ લીન થઈ જાય છે. જો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આવડું મોટું પ્રકાશમાન હોય તો જીરવાય કેવી રીતે? રાડ પાડી જવાય, નાડી-પ્રાણ ખેંચાઈ જાય. અરે! ભગવાને એવી દયા કરી છે કે મારી મનુષ્યરૂપ મૂર્તિ, અક્ષરધામની મૂર્તિ અને આ મારી દિવ્ય પ્રતિમા એમાં રોમનો ફરક નથી. માટે આ દિવ્ય પ્રતિમાને પ્રત્યક્ષ માનીને મારું ભજન કરજો. એમાં હું સાક્ષાત્ બિરાજું છું. હું બધી રીતે તમારું રક્ષણ કરીશ અને કોઈ ચિંતા ન કરશો. મારે શરણે આવ્યા પછી ‘સર્વધર્માન્પરિત્યજ્ય’ બધા ધર્મોનો ત્યાગ કરીને મારા શરણે આવો. એમ ભગવાન કહે છે. આપણે સર્વે ભગવાન સ્વામિનારાયણના ભક્તો છીએ. એ ભગવાનના ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપ સિવાય પોતાના ચૈતન્યમાં બીજા કોઈ સ્વરૂપનું ધ્યાન કરવું નહિ અને ભગવાને પધરાવેલા જુદા જુદા સ્વરૂપો છે. ગોપીનાથજી, રણછોડ-ત્રિકમરાયજી એ બધા સ્વરૂપો ભગવાને ધારણ કરેલા, એ સ્વરૂપે દર્શન આપેલા. એમાં (મૂર્તિમાં) ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, પણ અક્ષરધામમાં બિરાજમાન ભગવાનનું દિવ્યસ્વરૂપ છે એવું સ્વરૂપ એ નથી. એમનું ધ્યાન થાય નહિ. મહારાજે તો એમ કહ્યું છે કે હું ધર્મ-ભક્તિનો પુત્ર, હું ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામમહારાજ એવા મારા દિવ્ય સ્વરૂપ સિવાય કોઈ સ્વરૂપનું ધ્યાન ન થાય. મેં પધરાવેલી બીજી મૂર્તિઓ એ મેં જે સ્વરૂપો ધારણ કરેલા એની સેવા-પૂજન બધું જ થાય, પણ ઉપાસના ન થાય, ધ્યાન ન થાય. માટે ધ્યાન તો એક ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ કરવું, તો જ ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર કરવો હોય તો આ દિવ્યસ્વરૂપ સિવાય આપણા ચૈતન્યમાં બીજું કાંઈ જ રહેવું જોઈએ નહિ. તો જ સાચી ઉપાસના કહેવાય. એક જ, રોમેરોમ સ્વામિનારાયણનો ધ્વનિ નીકળવો જોઈએ તો જ ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ.
આપણે ભગવાનના એવા ભક્ત થઈ રહીએ કે જેથી ભગવાન સ્વામિનારાયણને આપણામાં જોઈને બીજાના અંતર ઠરી જાય. બીજાના અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. આ કોનો પ્રતાપ? ભગવાન સ્વામિનારાયણનો. જો ભગવાન આપણામાં બિરાજતા હોય તો આપણા લીધે બીજાને શાંતિ થાય. જપ-તપ-સાધન ઘણા કરીએ એથી શાંતિ થતી નથી. શાંતિ તો એક ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિમાં જ થાય, એના ધ્યાનથી જ થાય. માટે એ દિવ્યસ્વરૂપનું ધ્યાન કરવું. અખંડ આનંદમાં રહેવું. આપણે ભગવાનની આજ્ઞા બરોબર પાળવી. આજ્ઞા પાળવી કાંઈ અઘરી નથી. આપણા હાથની જ વાત છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહિ અને વટલાવવું નહિ. આ પાંચ (એનું પાલન) તો આપણા હાથની વાત છે. દારૂ ન પીવો એ આપણા હાથની વાત નથી? માંસ ન ખાવું એ આપણા હાથની વાત નથી? ચોરી નથી કરવી ચાલો. એ આપણા હાથની વાત નથી? મહારાજ કહે છે બધી આપણા હાથની વાત છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ પણ આપણા હાથની વાત છે અને વટલવું નહિ ને વટલાવવું નહિ એટલે કે જે ભગવાનની આજ્ઞા પાળતા ન હોય અને ચારિત્ર્યની રીતે ભ્રષ્ટ હોય તો એના હાથનું કેમ ખવાય? જો એના હાથનું અન્ન લઈએ તો વટલાઈ ગયા, તો - તો વટલાઈ જઈએ. એટલે મહારાજ કહે છે કે આપણે બીજાને વટલાવવું નહિ. એટલે એવા ન થવું કે આપણે કોઈને આપીએ તો એ વટલાઈ જાય. માટે વટલવું નહિ ને વટલાવવું નહિ એનો મોટો અર્થ આ છે કે ભગવાનની આજ્ઞા પાળતા ન હોય એનું અન્ન-જળ ખપે નહિ. માટે આપણે તો બરોબર આજ્ઞા પાળવી પડે.
આજ્ઞા પાળવી કંઈ કઠણ વાત છે? આજ્ઞા પાળવામાં તો આનંદ છે. દારૂ પીએ તો કેફ ચડી જાય ને મરવા પડે તો એ દારૂને કરવાનો શું? એના લીધે આખું જગત હેરાન થાય છે. મહારાજે તો બસો વર્ષ પહેલાં કહ્યું છે કે દારૂ ન પીવો. અત્યારે એની માથાકૂટ ચાલે છે. અત્યારે પશ્ચિમના દેશોમાં જુઓ તો માંસ વગર તેઓ રહી શકતા નથી. આવા પશુ જેવા જીવો છે. તો ભગવાને એનો નિષેધ કર્યો છે. અત્યારે બીજા દેશોમાં પણ માંસ પ્રત્યે હવે તિરસ્કાર થવા લાગ્યો છે. માંસ ખાવાનું બંધ કરે તો શાંતિ થાય. અત્યારે ભારતીય સંસ્કૃતિને શ્રેષ્ઠ સંસ્કૃતિ તરીકે લોકો સ્વીકારવા લાગ્યા છે. અહીં તો શાંતિ નથી. આ તો ભારતમાંથી શાંતિ આવે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે શાંતિ માત્ર મારામાંથી પ્રગટ થાય છે અને એ શાંતિ સર્વત્ર વહેંચાઈ જાય છે. એટલે આ ભગવાનનું દિવ્યસ્વરૂપ છે એની આજ્ઞા બરોબર પાળીને, આજ્ઞારૂપ થઈએ તો સ્વરૂપનિષ્ઠા કહેવાયને? ભગવાનની વાણી એ ભગવાનનું સ્વરૂપ છે. એ વાણી અને ભગવાનની દિવ્ય મૂર્તિ એ બંને એકમેક છે. એ બંનેનું એકપણું થાય, બંનેનું પાલન થાય, એ બંનેની દૃઢતા થાય, ત્યારે સ્વરૂપનિષ્ઠા પાકી કહેવાય, તો જ ઉપાસના પાકી કહેવાય. સ્વામિનારાયણ સિવાય કાંઈ જ રહેવું ન જોઈએ.
હું શિક્ષક હતો ત્યારે વિદ્યાર્થીઓને પાવાગઢ (પર્યટનમાં) લઈ ગયેલો. ત્યાં ભદ્રકાળી માતાજીની મૂર્તિ હતી. તો બધા વિદ્યાર્થીઓ ત્યાં ગયા. ત્યાં એના એક બ્રહ્મચારી હતા. મેં તેમને કહ્યું કે તમે એક કોર (બાજુ) હટી જાવ. તમારા માતાજી મને જય સ્વામિનારાયણ કરવા આવે છે. તમે હટી જાવ આઘા. બરોબર? એ મને જય સ્વામિનારાયણ કહે છે ને પગે લાગે છે. શા માટે? કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ તો અવતારી મહાપ્રભુ છે. અનંત દેવો એના દર્શન કરે છે. એ ભગવાન જો આપણામાં બિરાજતા હોય તો એ માતાજી કોના દર્શન કરવા આવ્યાં? ભગવાન સ્વામિનારાયણના. તો એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યાં. તેમણે (મને) જય સ્વામિનારાયણ કર્યા. મેં મહારાજને કહ્યું કે આ માતાજીનું કલ્યાણ કરી નાંખો જેથી કોઈ માતાજી જ ન રાખે. તો મહારાજ કહે કે આ માતાજીને એટલો વૈરાગ્ય નથી થયો માટે રહેવા દો હજી. જ્યારે એમને એ રાગ મટી જશે, ત્યારે એ જરૂર આમાંથી (એમની મૂર્તિમાંથી) નીકળી જશે. ત્યારે જુઓ એમને પણ એ રાગ છે. ભગવાન સ્વામિનારાયણ સુધીની બીજી બધી ભૂમિકાઓમાં બધે થોડો થોડો ઐશ્વર્યનો રાગ છે, પણ જ્યારે એ બધા રાગોમાંથી મુક્ત થાય, ત્યારે જ ભગવાન સ્વામિનારાયણના દિવ્યસ્વરૂપમાં રાગ રહિત થઈ રહેવાય છે.
એવા રાગ રહિત થવું હોય તો આજથી નિર્ણય કરો કે સ્વામિનારાયણ નામ સિવાય કોઈ દિવસ મુખમાંથી બીજું નામ નીકળવું જોઈએ નહિ. એ સિવાય બીજી કોઈ ઉપાસના ન કરવી જોઈએ બરોબર છે? એ રીતે હંમેશાં દૃઢાવ રાખવાનો. બધા અવતારોનો મહારાજે આદર કર્યો છે. દેવોનું દર્શન કરવાનું કહ્યું છે, પણ એમ કહે છે કે બધા જ દેવો મારામાં લીન છે, માટે એ બધા દેવોને ત્યાગીને જો મારા સ્વરૂપનું ધ્યાન કરશો તો કોઈ રીતે તમારી પતિવ્રતાની ભક્તિ જવાની નથી. કારણ કે હું સર્વોપરી ભગવાન છું. મેં મારામાં બધાને લીન કરી નાંખ્યા છે. જગત આખું ધીમે ધીમે મારા સ્વરૂપ તરફ ખેંચાઈને આવશે.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે પાંદડે-પાંદડે ભજન થશે. ત્યારે મને યુરોપમાંથી આવેલા બ્રિટીશ ગોરાઓએ પ્રશ્ન પૂછેલો કે ભાઈ, આ કેવી રીતે થવાનું? પાંદડે-પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે એ કેવી રીતે થઈ શકે? તો મેં એમને એમ કહ્યું કે ભાઈ, આ બધી દીવાલો, આ બધા રજકણો એ બધાયમાંથી સ્વામિનારાયણ - સ્વામિનારાયણ ધ્વનિ નીકળશે, તમારા શરીરમાંથી ય સ્વામિનારાયણ - સ્વામિનારાયણ નીકળશે. ત્યારે આખી પૃથ્વી પરના પાંદડામાંથી શું, પણ રજકણો - કણો (પરમાણુઓ) એ તમામમાંથી સ્વામિનારાયણનો ધ્વનિ નીકળશે ત્યારે લોકો ગાંડા-ગાંડા થઈ જશે! ત્યારે તો બીજું કોઈ નામ યાદ નહિ રહે. ત્યારે તો એમ થશે કે સ્વામિનારાયણ સિવાય કોઈ શબ્દ જ દુનિયા પર હતો નહિ. આમ થવાનું છે. સ્વામિનારાયણ - સ્વામિનારાયણ એ નામનું ગુંજન થશે ત્યારે બધાયના પરિતાપ (દુઃખો) ચાલ્યા જશે. તો અત્યારથી જ પરિતાપ દૂર કરોને! તો રોમેરોમ સ્વામિનારાયણ બોલવાનું. ભગવાન સ્વામિનારાયણનું નામ રોમેરોમમાંથી એવું નીકળે તો બધાયને શાંતિ શાંતિ કરી નાંખે. અરે! અવતારો પાસે જો સ્વામિનારાયણ નામ લો તો અવતારો નાચવા લાગી જાય છે. ત્યારે તમે વિચાર કરો કે આ અવતારી પ્રભુ કેવા છે!
આ અવતારી પ્રભુનું દર્શન મને પણ ભગવાનના સાક્ષાત્કારવાળા મોટા સંતોએ કરાવ્યું છે. એટલે હું પ્રત્યક્ષ જોઈને તમને કહું છું કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ દર્શન કરવાની જરૂર રહેતી નથી. આ હું સત્ય બોલું છું તમારી પાસે. ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય સભામાં એની સાક્ષીએ કહું છું કે આ દિવ્યસ્વરૂપ સર્વોપરી છે, સર્વ કર્તાહર્તા છે, દિવ્ય સાકાર સ્વરૂપ છે. અને બધાને પોતાનામાં લીન કરીને સૌને સુખિયા રાખે છે. એવા ભગવાન સ્વામિનારાયણ છે. અનંતકોટી ભૂમિકાઓ પોતાના તેજે તેજાયમાન છે અને બધા જુદી જુદી કક્ષાના જીવોને સમાસ કરવાને માટે બધાને (દેવો - અવતારોને) રાખ્યા છે. ભગવાનની આવી પ્રતિષ્ઠા કોણ કરી શકે? તો ભગવાન સ્વામિનારાયણનું આ દિવ્યસ્વરૂપ જોવાને માટે આપણે બધા એમના શરણે જઈએ. એ સિવાય કોઈ દિવસ બીજાનું ભજન-સ્મરણ કે ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. જરૂર હોય તો ખરી, પણ એથી સર્વોપરી બીજું સ્વરૂપ હોય તો કરીએ! તો એ સ્વરૂપમાં તો બધા સ્વરૂપો છે, તો શા માટે બીજી માથાકૂટ કરીએ?
પર્વતભાઈએ મયારામ ભટ્ટજીને કહ્યું કે જુઓ મયારામ ભટ્ટ, તમે તુર્યાવસ્થા અને મહાકારણ દેહ અને મહારાજની મૂર્તિથી ઓરી બીજી ભૂમિકાઓનું વર્ણન કરતા થાકતા નથી. એનું શું કામ છે? એ તો (ધામમાં જતાં) રસ્તામાં આવે છે. એ મેં જોઈ છે. એને હટાવીને કાઢી નાંખી અને મહારાજના સ્વરૂપમાં પહોંચી ગયા. કારણ કે એ તુચ્છ લાગે છે. ત્યારે તુર્યાવસ્થાનું વર્ણન કરાય? તુર્યાવસ્થાનું ત્યાં ક્યાં કોઈ વજન છે? તો મહારાજનો મંત્ર સ્વામિનારાયણ - સ્વામિનારાયણ - સ્વામિનારાયણ આ સિવાય કાંઈ જ કરવું નહિ. અરે! ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય ચરણામૃત ધરાવીને કોઈને પાઈએને તો એનો ચૈતન્ય શુદ્ધ થઈ જાય. ભગવાનના નામથી દોષો તો મટી જાય, પણ આ ચૈતન્ય પણ બદલાઈ જાય છે. ત્યારે વિચાર કરો કે ચૈતન્ય બદલવો એ સહેલું નથી. સ્વભાવ-કર્મ દૂર કરવા એ કંઈ સહેલું નથી. આ એક જ નામ એવું છે કે જે સ્વભાવ-કર્મ બદલી નાંખે.
ભગવાન શ્રીકૃષ્ણે કંસોને માર્યા, રાક્ષસોને માર્યા એ બધું જ કર્યું, પણ એમણે સ્વભાવ - કર્મ એક દૃષ્ટિમાત્રે કોઈના દૂર કર્યા એવો કોઈ દાખલો ભાગવતમાં પણ નથી. રસ્તા બતાવ્યા છે, પણ મહારાજે તો દૃષ્ટિ કરીને એ ભેગી સમાધિ કરાવી ને સાધુ બનાવી દીધા. જોબનપગી સામી દૃષ્ટિ કરીને તો એના બધા દોષો દૂર થઈ ને મુક્ત થઈ ગયા. આવું દૃષ્ટાંત કોઈ જગ્યાએ જોવા મળે છે? સ્વભાવ-કર્મ બદલવા એ તો એક અવતારી પ્રભુ જ કરે. માટે એ અવતારી પ્રભુ આપણને મળ્યા છે તે આપણે બધાને ઓળખાવવા. અને કહેવું કે સ્વામિનારાયણનું ભજન કરો અને તમે જુઓ કે કેટલી બધી શાંતિ ને સુખ પ્રાપ્ત થાય છે. તમારા બધા દુઃખ દૂર થઈ જશે.
દિવ્યસભામાં આ કાલીઘેલી વાણીમાં જે મને સૂઝ્યું એ તમારી પાસે મૂક્યું. તમે બધા રાજી રહેજો. સ્વામીએ મને આજ્ઞા કરી કે તમે બોલો તો એમની આજ્ઞાથી બોલ્યો છું. તમે બધા રાજી રહેજો અને આ દિવ્યસભાને પ્રાર્થના કરું છું કે બધોય સત્સંગ દિવ્ય દેખાય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય કાંઈ દેખવામાં જ ન આવે અને મનુષ્યભાવ તો કોઈ દિવસ કોઈનામાં આવે જ નહિ એવી બધા દયા કરજો. એવી પ્રાર્થના કરીને હું વિરમું છું.
સહજાનંદ સ્વામી મહારાજની જય!
સારાંશ
અનાદિમુક્ત જે સભામાં હાજર હોય તે સભા દિવ્ય બની જાય છે. ભગવાન પૃથ્વી પર પોતાનું સૌંદર્ય ઢાંકીને પ્રગટ થાય છે. દિવ્યદૃષ્ટિવાળા તે દિવ્યસ્વરૂપના દર્શન અખંડ કરતા હોય છે. પાત્રતા થયે જીવોને પણ એ દિવ્ય સૌંદર્યસ્વરૂપના દર્શન થાય છે. ભગવાનના સૌંદર્ય જેવું કોઈ દેવો કે અવતારોનું સૌંદર્ય નથી. એ સૌંદર્યનું વર્ણન અશક્ય છે. ભગવાનની દિવ્યશક્તિને લીધે અનંત બ્રહ્માંડોનું પોષણ થાય છે. મહારાજનું એ અલભ્ય દિવ્યસ્વરૂપ પામવાનું મહારાજ કૃપાસાધ્ય બની સુલભ કરી ગયા. ભગવાનની પ્રાપ્તિ કેવળ ભગવાનની કૃપા અને તેમના અનાદિમુક્તના આશીર્વાદથી જ થાય છે. ભગવાને પોતાના સ્વરૂપમાં દરેક અવતારોને લીન કરી દેખાડ્યા છે.
સ્વામિનારાયણ નામના મંત્રમાં દરેક મંત્રનો, દરેક નામનો સમાવેશ થઈ જાય છે. એ નામ સર્વ સુખકર્તા છે. એ નામજપથી અંતકાળે ભગવાન જીવને તેડવા આવે છે. સ્વામિનારાયણ નામ શુદ્ધ મંત્ર છે તેથી મલિન ભૂત-પ્રેત એ મંત્ર સાંભળતા જ ભાગી જાય છે. ભૂત-પ્રેતથી અનાદિમુક્તનો તાપ સહન થતો નથી. તેમની હાજરી માત્રથી તેઓ ત્યાંથી ભાગી જાય છે. ભગવાન સ્વામિનારાયણના પંચ વર્તમાન પાળવાથી અને સ્વામિનારાયણ મંત્રનો જપ માત્ર કરવાથી ભગવાન સર્વ દુઃખો થકી જીવની રક્ષા કરે છે. ભગવાનની અન્વયશક્તિ અનંત બ્રહ્માંડોમાં ફેલાયેલી છે. જેમ જેમ જીવની કક્ષા ઉચ્ચ થતી જાય, તેમ તેમ વધારે ઊંચા દેવોની તેને પ્રાપ્તિ થતી જાય છે.
ભગવાનના પ્રતિમા સ્વરૂપમાં પ્રત્યક્ષપણાનો ભાવ લાવી શ્રદ્ધા રાખી ધ્યાન કરવાથી દિવ્ય દર્શન થાય છે. ફક્ત ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ ધ્યાન કરવું. શાંતિ એક ભગવાન સ્વામિનારાયણમાં જ છે. પંચ વર્તમાન પાળવા એ જીવના પોતાના હાથમાં છે. ભગવાનની વાણી અને ભગવાનનું સ્વરૂપ બંનેની દૃઢતા થાય ત્યારે સ્વરૂપનિષ્ઠા પાકી કહેવાય. દેવી - દેવતાઓ પણ પ્રતિમા સ્વરૂપમાંથી પ્રગટ થઈ અનાદિમુક્તમાં રહેલા મહારાજના દર્શન કરવા આવે છે. બીજા દેવો અને અવતારો એ દરેકમાં થોડો થોડો ઐશ્વર્યનો રાગ રહેલો હોય છે. ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરવું, તેમની જ ભક્તિ કરવી, તેમનું જ ધ્યાન કરવું. સારું ય વિશ્વ એક દિવસ ભગવાન સ્વામિનારાયણમય બની જશે. દરેક રજકણો - પરમાણુઓમાંથી સ્વામિનારાયણ નામનો દિવ્ય ધ્વનિ નીકળશે. ભગવાન સ્વામિનારાયણના ચરણામૃતમાં એટલી શક્તિ છે કે તે પીનારનો ચૈતન્ય બદલાઈ જાય છે, તેના સ્વભાવ - કર્મ બદલાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન બીજા જીવોને પણ ઓળખાવવા પ્રયત્ન કરવો.
અનાદિમુક્ત નમ્રતાની પરાકાષ્ઠારૂપ હોય છે તેથી તેઓ સામાન્ય જીવો પાસે પણ નમ્રતા બતાવે છે અને તેમ કરી જીવોને વિનમ્ર બનવાનું શીખવે છે.