15
પરમ કૃપાળુ શ્રીજીમહારાજ અને બાપાશ્રીની અક્ષરધામની આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરી આનંદ અનુભવું છું.
જેમ બાપાશ્રીને સદ્ગુરુઓએ અને દિવ્ય સભાએ પ્રાર્થના કરી તો મહારાજના સંકલ્પથી પોતે દસ વર્ષ વધુ રહ્યા. તેમ આપણી પ્રાર્થનાથી મોટા પુરુષ રહેવું હોય તેટલું રહી શકે. મોટા પુરુષને આયુષ્યની કોઈ મર્યાદા નથી. એ તો સામાન્ય જીવો માટે છે. આપણા પ્રારબ્ધ મહારાજ બન્યા એટલે હવે તેમને જેટલું રાખવું ઘટે તેટલું આપણને બધાયને રાખે. બાપા ધીમે-ધીમે જીવોનું કલ્યાણ કરવા આગળ વધી રહ્યા છે અને કલ્યાણનું સદાવ્રત કાયમ ચાલુ રહે એવી જાતનું આખું વાતાવરણ સર્જશે.
એકવાર ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ વાત લખાણમાં કદાચ નહિ હોય, પણ સાંભળેલી વાત છે. સ્વામીને સભામાં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એમ કહે છે કે આ અક્ષરધામની સભા છે, તો આ સભા બધા અનાદિમુક્તોની સભા છે? તે શું સમજવું? તો મહારાજ કહે છે કે અમે સારીયે સભા લઈને અહીં પૃથ્વી ઉપર દર્શન દેવા આવ્યા છીએ અને એ સભાની અંદર આ સભા એક થઈ જાય છે. માટે એ પણ અક્ષરધામની સભાના મુક્તો બની ગયા. તો આ અક્ષરધામની દિવ્ય સભામાં આપણે પણ બધા અનાદિની પંક્તિમાં બેસી તો ગયા. કોણે બેસાડ્યા? બાપાશ્રીએ અને બાપાશ્રી દ્વારા કોણે સંકલ્પ કર્યો? સ્વામિનારાયણ ભગવાને. ત્યારે કોના સંકલ્પ પોતે હતા? સ્વામિનારાયણ ભગવાનના. સંકલ્પ - સંકલ્પીનો ભેદ તો જ્યારે એ દિવ્યસ્થિતિ થાય, ત્યારે જ ખબર પડે એવું છે. સંકલ્પ અથવા સંકલ્પી પણ કામ તો એક જ કરે. સુખમાં એ બેય લઈ જાય. એ બંને સુખરૂપ. મહારાજના ય સંકલ્પ હોય, અને મહારાજના મુક્તના ય સંકલ્પ ફરતા હોય. સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામી મહાસમર્થ સદ્ગુરુ એમને બાપાશ્રી કહે કે તમારા તો સંકલ્પ ફરે છે. અમે તે જાણીએ છીએ, પણ તમને તે જણાવા દેતા નથી. ત્યારે કેટલી સામર્થી! વિચારો! કેમ એમ કરતા હશે એવો પ્રશ્ન ઊભો થાયને? કેમ ખબર ન પડવા દે? તે ધણી જાણે. એ પ્રશ્ન અગમ્ય છે.
ગોપાળાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું તો એમ કહ્યું કે મારી સમજણ પ્રમાણે આમાં ચાલોચાલ છે, પરમએકાંતિક છે, એકાંતિક છે, અનાદિમુક્તો પણ છે. ત્યારે મહારાજે પૂછ્યું કે ચાલોચાલ હરિભક્તો વિષે તમને મનુષ્યભાવ આવે ખરો? કહે ન આવે. કેમ એમ? તો કહે આ સભાને તમે અક્ષરધામની સભા કહી તો તેમાં બધા આવી ગયા. અને જે ન આવ્યા એનું કારણ હું એવું દેખું છું કે એમને મનુષ્યભાવ આવે છે, પણ આપના પ્રતાપથી મનુષ્યભાવ આવે તેને સંકલ્પથી ટાળી મૂકે. એમ કરતાં કરતાં આગળ વધે છે. એ પ્રક્રિયા હું જોઉં છું. અને જ્યારે દિવ્યસ્થિતિ થાય, ત્યારે કોઈનો અવગુણ આવતો નથી. મૂર્તિસ્થ થયા પછી અવગુણનો સવાલ જ રહેતો નથી. કારણ કે એ તો બધું દેખે છે, એમ જ આગળ વધાય. એમ દરેક જણને પાત્ર બનાવે છે અને પાત્ર બનાવી ધીમે ધીમે દિવ્ય સુખ તરફ લઈ જાય છે. ત્યારે સ્વામીએ કહ્યું કે મહારાજ! અનાદિમુક્તો તો તમારા સંકલ્પથી એ બધાયનો મનુષ્યભાવ ટાળી અને તમારા સુખને પમાડી દે છે. ત્યારે મહારાજે રાજી થઈ ખૂબ હાસ્યરસ વરસાવ્યો. હસવા માંડ્યા! વાહ સ્વામી વાહ! આ તો તમે સરસ નવીન વાત કરી. ત્યારે જુઓ તેમાં બાપા લખે છે કે કોઈનો અવગુણ ન લેવો. આવતો જ નથી. મુક્તો દિવ્યસ્વરૂપને એક નજરે જુએ છે. એને એમ જ થાય કે ધીમે ધીમે બધા આવશે.
એક એવો વખત આવશે કે બાપાશ્રીના જ્ઞાનનો વિરોધ કરનારા પણ અહીં આવશે. અને એમને એમ થશે કે આ તો લાંબુ સ્વપ્ન આવી ગયું. એ સ્વપ્ન જતું રહ્યું અને હવે તો આપણે બધા એક જ છીએ. બાપાશ્રીએ સમજાવેલી અનાદિમુક્તની સ્થિતિ સમજવાની કેટલાક હજી ગતિ ધરાવતા નથી. આ હકીકત છે, પણ એ અંતરપડદો જતો રહેશે ત્યારે એમને જણાશે કે આ વાત તો બરાબર છે. બાપાશ્રી ભૂજ મંદિરના સભામંડપમાં પોતાનું આસન રાખીને રહેતા હતા તો યે કેટલાક ન ઓળખી શક્યા. ત્યારે બાપાએ એમ કહ્યું કે મહારાજ અને અનાદિમુક્તોને ઓળખવા એ જબરી ઘાંટી છે. મુક્તો મનુષ્યો જેવા જ દેખાય. બાપા પણ બોલ્યાને કે સાવ મનુષ્ય જેવા દેખાય અને ઢાંકીને વર્તવું એ તો બહુ જબરી વાત છે. એક સારું સ્વપ્ન આવે તો ય આપણે કહી દઈએ છીએ. અરે! કોઈકવાર અંદર ઉજાસ દેખાય તો પણ કહી દે છે. ત્યારે જબરજસ્ત સામર્થી ઢાંકીને વર્તવું એ તો બહુ મોટાઈ છે. ત્યારે બાપા એવી રીતે ઢાંકીને વર્તતા જેથી કોઈ ઓળખી શક્યા નહિ. પણ મહારાજ જ્યારે જણાવે ત્યારે ખબર પડે કે ઓહોહો! આખા બ્રહ્માંડોના બ્રહ્માંડો એ સ્વરૂપના પ્રકાશમાં લીન થઈ જાય એવું એ સુંદર સ્વરૂપ છે. મનુષ્યરૂપે આવીને આમ બેઠા અને આપણને ઓળખાઈ ગયા એ આપણા મોટા ભાગ્ય. તો બધાને ઓળખાવવા. શત્રુ હોય, દ્રોહ કરે એને પહેલા ઓળખાવવા. લે ભાઈ, તારો પહેલો વારો. બાપાએ એવાને દીનજન કહ્યા. ભગવાનને ન ઓળખી શકે એ બધા દીનજન કહેવાય. માટે એ દીનજનને વિષે આપણે અવગુણ ન લેવો, પણ એ દીન, રાંકમાંથી રાજા થાય એટલે અનાદિમુક્ત થાય એવા એમને બાપાની વાત રાખીને કરવા પડશે.
સારાંશ
અનાદિમુક્તને આયુષ્યની કોઈ મર્યાદા હોતી નથી. અનાદિમુક્ત દ્વારા મહારાજ કલ્યાણનું સદાવ્રત કાયમ ચાલુ જ રાખશે. અનાદિમુક્તને લઈને આખી સભા તેમાં દરેક પ્રકારના જીવો હોવા છતાં અનાદિમુક્તની કહેવાય. મહારાજની જેમ જ તેમના અનાદિમુક્તના પણ સંકલ્પો મૂર્તિમાન ફરતા હોય છે. અનાદિમુક્ત પોતાના વર્તન દ્વારા શીખવે છે કે કોઈ જીવને વિશે સંકલ્પ ન કરવો. દરેક જીવ જે અનાદિમુક્તની દૃષ્ટિમાં આવ્યા તે ધીમે ધીમે મહારાજના સુખને પામશે.
બાપાશ્રીએ સમજાવેલી અનાદિમુક્તની સ્થિતિ એ સત્ય હકીકત છે. એ જ્ઞાન ધીમે ધીમે બધા સમજશે. અનાદિમુક્ત પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તતા હોવાથી જીવો તેમને જેમ છે તેમ ઓળખી શકતા નથી. જીવને અનાદિમુક્તની ઓળખાણ થાય તે મોટા ભાગ્ય છે. જેને ઓળખાયા તેમણે બીજાને ઓળખાવવાની સેવા કરવી જેથી તેનું પણ કલ્યાણ થાય.