6
શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા મુક્તોની આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરું છું.
વાદ કેટલા બધા છે. દ્વૈતવાદ, અદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈત બરોબર? અનેક પ્રકારના વાદ છે. આટલા બધા વાદમાં કયો વાદ પૂર્ણ? એનો અર્થ એ થયો કે તમામ વાદો અપૂર્ણ છે. વાત પતી ગઈ. જો અપૂર્ણ હોય, તો ગોપલાણીજી મને પૂછે છે કે સ્વામિનારાયણ ભગવાનનો વિશિષ્ટાદ્વૈત વાદ છે. તો જો બીજા વાદ અપૂર્ણ હોય તો એ અપૂર્ણ નહિ? મેં કહ્યું સ્વામિનારાયણ ભગવાનનો એ વિશિષ્ટાદ્વૈત વાદ જ નથી. ભગવાને વાદ કહ્યો જ નથી. એ તો રામાનુજાચાર્યના અને બીજા લોકોના સમાસ માટે કહ્યું. રામાનુજાચાર્યમાં પરમાત્મા સાથેનો સ્વામી-સેવકનો ભાવ હતો એ લીધું એટલું જ છે. એમ નહિ સમજો કે રામાનુજાચાર્યનો મત એ ભગવાનનો મત છે. ભલે પોતે સમાસ માટે એમ કહેતા હોય. પોતે પણ કહ્યું છે કે હું તો સર્વોપરી પરમતત્વનું તત્વજ્ઞાન સમજાવું છું. હું ક્યાં વાદ કહું છું? સ્વામિનારાયણ ભગવાને વાદ રચ્યો જ નથી. માટે એ પૂર્ણ છે. વિશિષ્ટાદ્વૈત એ સર્વોપરી તત્વજ્ઞાનનો મત છે. એ વાદ નથી. વાદ તો બધા અધૂરા કહેવાયને? વાદનો અર્થ જ અપૂર્ણ. જેટલી હદ સુધી અનુભવ થાય એટલો અનુભવ સત્ય, પણ એ અનુભવ પૂર્ણ નથી. એ અનુભવમાંથી આગળ જવું પડે કે નહિ? ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે સર્વોપરી પરમતત્વરૂપે હું અહીંયા તમને દર્શન આપું છું, એ સર્વોપરી પરમતત્વનું જે સર્વોપરી તત્વજ્ઞાન છે એ હું તમને સમજાવવા આવ્યો છું. એટલે મારી વાણી અને મારું સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ અને અન્વય સ્વરૂપ એ બંનેરૂપ તમે બની જાઓ તો બરોબર, તો પૂર્ણ. ત્યારે મેં ગોપલાણીજીને કહ્યું, સ્વામિનારાયણ ભગવાન હજી તમને અનુભવે નથી ઓળખાયા, તમને બુદ્ધિથી ઓળખાયા છે.
મને ગોપલાણીજીએ જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામિનારાયણ ધર્મમાં આટલા બધા પંથો શું? કોઈને એમ થાય કે ક્યા સ્વામિનારાયણ ભગવાન સાચા? મેં કહ્યું હા, તમારી વાત સાચી. જેને સત્પુરુષ થકી જ્ઞાન નથી થયું, એને આ પ્રશ્ન ઊઠે. ત્યારે મને કહે, તમને સ્થૂળ રીતે સમજાવતાં આવડે કે શા માટે આ પંથો થયા? મેં કહ્યું જરૂર આવડે. તમે માનો છોને કે સ્વામિનારાયણ ભગવાન કૃપાસાધ્ય છે. એનો અર્થ એ થયો કે એ સર્વોપરી પરમ તત્વ છે. દરેક જીવાત્માનો ચૈતન્ય નિર્મળ છે, આવરણો ચડ્યા છે. જો એક સરોવર ભરેલું હોય કે ખાબોચિયું હોય એમાં નિર્મળ જળ હોય, એના ઉપર સૂકા પાંદડાં મૂકી દઈએ તો? જળ દેખાય? અને હટાવી લો તો? જળ તો નિર્મળ જ છે. એમ ચૈતન્ય નિર્મળ છે.
ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે હજી પાંદડે - પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે. જ્યાં સુધી મનુષ્ય ભગવાનને સંપૂર્ણ ઓળખે નહિ, ત્યાં સુધી એનામાં રાગ હોય, ઐશ્વર્યનો રાગ એ મહાકારણ દેહ કીધો કે નહિ? ત્યાં અટકી પડે છે. ભક્તિ કરતાં કરતાં ઐશ્વર્યાર્થી બને. જેમ પીએચ.ડી., પ્રિન્સીપાલ થાય તો એને જ્ઞાન તો થઈ ગયું કે નહિ? તો એ જ્ઞાનનું ને ભગવાનનું નામ તો લે છે, ત્યારે એનું આગળ ચાલે છે. જ્યાં જાવ, ગમે તે પક્ષમાં જાવ ત્યાં ધૂન તો સ્વામિનારાયણ ભગવાનની જ થાય છે કે નહિ? ભગવાન એને જે રાગ હોય તે રાગનો ઉપયોગ કરે છે. એ ઉપયોગ કરી અને જીવોને મારું નામ એકવાર પહોંચે એ એમને જોઈએ છે. પછી જેણે પ્રસિદ્ધિના રાગ સાથે ઐશ્વર્યાર્થી બની અને ભગવાન ઓળખાવ્યા તેથી તેને વધુ સહન કરવાનું રહે. માટે ઐશ્વર્યાર્થીને સમજવું જોઈએ કે મહાકારણથી આગળ જવું. જો એ વખતે ઐશ્વર્યાર્થી થાય તો એને ભગવાન થવાનું મન થઈ જાય. તો એ ઐશ્વર્યાર્થી ક્યારે થયો હોય? ભક્તિ કરતાં કરતાં ખૂબ ઊંચા સાધને પહોંચે પછી એનામાં ઐશ્વર્ય આવે. ત્યારે સાધારણ બુદ્ધિવાળા માણસો હોય એને તો એમ થાયને કે કેવડા મોટા છે! અને પાછું એ ઐશ્વર્યાર્થીમાં સ્થૂળ રીતે તો ત્યાગ, વૈરાગ્ય બધું દેખાય.
બાપામાં રજોગુણ જોયો? ચપટી વગાડતાં જ મૂર્તિમાં મૂકી દેતા! તો વિચારીએ કે કોઈ ભારે ભારે વાતો કરે ત્યારે કોઈ પણ પક્ષની સભા હોય આપણે એમને કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાન તો એક જ રહે. ભગવાન બે થાય એમ શી રીતે કહેવાય? તો એનો અર્થ એ કે બીજો કોઈ ભગવાન છે જ નહિ. તો સ્વામિનારાયણ ભગવાનનું જ ધ્યાન થાય. ગુરુરૂપ શ્રીહરિનું ધ્યાન ન થાય. ગુરુરૂપ શ્રીહરિ તો સર્વોપરી પરમતત્વને લીધે કહેવાય છે. પણ જો એમાં ભૂલ થઈ જાય અને જો બીજે જોડાઈ જાય તો આગળ ન વધાય. ભગવાન શું કરે? તેમાં બાપાએ કહ્યું છે કે અમે વહાણમાં બેસાડ્યા, પણ કૂદકો મારે તો? એનો અર્થ એ થયો કે આપણે ભગવાનને જેવા છે તેવા ઓળખ્યા નહિ, માટે આપણને ઐશ્વર્યો સારા લાગ્યા. તો આપણી ઉણપ ખરી કે નહિ? એ તો વહાણમાંથી કૂદકો માર્યા જેવું થાય.
છેલ્લા જન્મના આશીર્વાદ ઝીલે નહિ તો શું થાય? તેને એમ કહ્યું કે મેં તને આશીર્વાદ આપ્યા કે હું તને લઈ જઈશ. તો મારું એમ કહેવું છે ભલે આપણે ગમે ત્યાં જઈએ. નિશ્ચય પાકો થઈ જવો જોઈએ. આપણને કેવા ગુરુ મળ્યા? ઈશ્વરચરણદાસ સ્વામી જેવા, વૃંદાવનદાસ સ્વામી જેવા, નિર્ગુણદાસજી સ્વામી જેવા, મુનિસ્વામી જેવા અને સફેદ વસ્ત્રોમાં સોમચંદભાઈ, લક્ષ્મીરામભાઈ, દેવરાજભાઈ, પર્વતભાઈ આ બધા મુક્તો નો’તા? વિચારો. આ બધા મુક્તોમાં ઐશ્વર્ય સહેજે જ દેખાય, પણ મહારાજે ઢાંકી એટલા માટે રાખ્યું કે એમને ભગવાન માનતો ન થઈ જાય. બાપાએ વાતોમાં લખ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામીએ પરચા-ચમત્કારનું પ્રકરણ બહુ વિકસાવ્યું. તો લોકો તેમને ભગવાન માનતા પણ થઈ ગયા. કોઈ એમ જ કહે કે ના તમે જ ભગવાન છો. કારણ કે એને જોવાનું આ આંખથી. ત્યારે મહારાજ એમ કહે છે કે મુક્તમાં ન જોડાઈ જાય એટલા માટે અમે ઢાંકી રાખીએ છીએ કે જેથી અમારામાં જોડે. જો કોઈ પોતાનામાં જોડે તો એને બાપાએ મહાપાપી કહ્યો. કારણ કે ઘણાનું બગડે કે નહિ? એક જીવનું બગડે તો ય પાપ કેટલું બધું લાગે. તો આ તો કેટલાયનું બગાડી નાંખે.
આપણે આ સભામાં જેને જ્ઞાન કરીએ એને એટલું તો કહેવું જ કે ભાઈ! તું ગમે ત્યાં જા, કદાચ ગયો હો, પણ તને ઐશ્વર્યાર્થીનો ચેપ ન લાગવો જોઈએ. એમાં ભગવાન ધારીને જોડાઈશ નહિ મહેરબાની કરીને. સ્વામિનારાયણ ભગવાન, પ્રતિમારૂપે પ્રત્યક્ષ ખરા કે નહિ? આખા સત્સંગને પૂછો ધામની મૂર્તિ, મનુષ્યમૂર્તિ અને પ્રતિમાસ્વરૂપ એક જ છે એવો અવાજ એક પણ પક્ષમાં નથી એમ નથી. તો જો એમ જ હોય, ભગવાન મૂર્તિ દ્વારા પ્રત્યક્ષ હોય તો ક્યાં બીજે જોડાવાની જરૂર? ધારો કે બીજે જોડાઈ જાય અને એ અપૂર્ણ હોય તો? પછી પસ્તાવાનો પાર રહે કે નહિ? મેં તો બધા પક્ષોને વાત કરી છે કે કોણે કહ્યું છે કે તમે પૂર્ણ છો મને તો એવું નથી દેખાતું. તો હું પૂર્ણમાં વળગું તો તમને શું નુકશાન? તમે તમારામાં શું કામ જોડો છો? બરાબર? કેટલીકવાર એવું કહે છે કે મુક્ત દ્વારા ભગવાનને પહોંચાય એનો અર્થ જ એ લોકો સમજતા નથી. મુક્ત દ્વારા પહોંચાય એટલે જેમ મારે આ સ્થળ જોવું હોય તો ભોમિયા હોય એને સાથે લેવા પડે કે નહિ? એમ મુક્તો દ્વારા પહોંચાય, નહિ કે એમનું ધ્યાન કરીએ એટલે મહારાજને પહોંચાય, એમ નથી. એમને ભોમિયા તરીકે રાખવાના. એમાંથી દિવ્ય પ્રેરણા લેવાની, દિવ્ય પ્રેરણા લઈએ એટલે આપણો ચૈતન્ય નિર્મળ બને અને મૂર્તિમાં જોડાઈ જાય. ધ્યાન કરવા યોગ્ય અને ઉપાસના કરવા યોગ્ય એક મહારાજ જ છે.
પૂજાવાના બે અર્થ છે. સંત તરીકે પૂજાવું અને શ્રીજીમહારાજની ઉપાસના કરવારૂપ પૂજાવું. અત્યારે કહે છેને કે પૂજાવા લાગ્યા એટલે ભગવાન થયા, પણ સંતરૂપે પૂજાય કારણ કે સંતમાં ભગવાન પ્રકાશે તો એની પ્રસિદ્ધિ તો થાય કે નહિ? આપણે દીવો કરીએ તો દેખાય કે નહિ? પણ એમને પ્રસિદ્ધિનો રાગ નથી, પરમાત્મા પોતે પ્રકાશે છે અને પરમાત્મામાં કઈ પ્રસિદ્ધિ બાકી? બધી દેખાય. ત્યારે એમ કહ્યું કે સંતમાં હું બિરાજું છું, માટે સંત મારી મૂર્તિ. સંત મારી મૂર્તિ એટલા માટે કે એમાં રહીને હું કામ કરું છું અને દિવ્યદૃષ્ટિવાળા દેખે છે કે એ જ કામ કરે છે. ગોપાળાનંદ સ્વામીને એક જણે પૂછ્યું કે તમે રિદ્ધિ - સિદ્ધિનો આટલો બધો ઉપયોગ કરો છો તો સંત હોય એને વળી રિદ્ધિ - સિદ્ધિ ને આટલું બધું ઐશ્વર્ય બતાવવાની શી જરૂર, તો તમને સંત કેમ કહેવા? સ્વામી કહે, તમારી વાત હું બરાબર કબૂલ કરું છું, પણ હું તમને પ્રશ્ન પૂછું કે આ રિદ્ધિ - સિદ્ધિનો ઉપયોગ કરવાનો અધિકાર કોઈને ખરો? તો કહે એક પરમાત્માને, બિલકુલ વાત સાચી. તો મારા દ્વારા, મને નિમિત્ત કરીને જે સિદ્ધિઓ - ચમત્કારો બતાવ્યા છે એ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા છે. હું તો એમનો સેવક છું. હવે તમારે મને પૂછવું હોય એ પૂછો. પછી નમન કર્યા કે હવે તમારી વાત સાચી કે સંતમાં રહીને ભગવાન કામ કરે. પણ એ સંતને કદીયે એમ નથી થતું કે હું બધું કરું છું અને દિવ્ય ખુમારી શું કે એમાં અહ્મ નથી. દિવ્ય ખુમારી એટલે એનો આનંદ, એનું જબરજસ્ત બળ, સર્વોપરી બળ, દિવ્ય આનંદ ભોગવવાનું સર્વોપરી બળ!
એક વાત જરૂર કહીએ, એટલું તો કહીએ કે ભગવાન થવાની પ્રણાલિકા કાઢી નાંખવી. બરોબર? નહિતર એ રોગ ચારેકોર પેસે. પણ એટલો બધો ઊંડો પેસી ગયો છે કે ભગવાન એનો ઉપયોગ એવી રીતે કરે છે કે બધાયની જીભે એકવાર મારું નામ પહોંચવા દે. ઐશ્વર્યાર્થીઓને તો સંકલ્પમાત્રે સરખા કરી નાંખે. ક્યાં વાર લાગે? પણ ભગવાનની લીલા તો અજબ છે. સંકલ્પમાત્રે કામ કરે. અરે! આ દિવ્ય સભાના વાયરામાં જે આંદોલન થાય એ એટલા બધા શક્તિશાળી છે કે ક્યાંયના ક્યાંય પહોંચે. અને જે જે મુમુક્ષુ હોય એને સ્પર્શ કરતાં એને પણ ભગવાન તરફ બળ વધે છે અને જે આસુરી જીવો છે એને ય અડે, પણ કાળે કરીને અડે. કાળે કરીને એટલે જન્માંતરે. ત્યારે આપણે એટલી એક વાત તો પાકી રાખવી કે સર્વોપરી પરમતત્વ સિવાય બધા સેવકો જ છે. એમાં કદી નહિ જોડાવાનું. બળ લેવું, દિવ્ય પ્રેરણા મળે એટલે એ મહારાજની મૂર્તિરૂપ થાય.
એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ! આટલી સરસ ધ્યાન-શિબિર ચાલે છે, તે ક્યાં ચાલતી હતી? ભાગવત્વિદ્યાપીઠમાં. મોટો એક ખંડ છે, એમાં શિબિર ગોઠવી હતી. હું ત્યાં જઈ ચડેલો, પણ હું બહાર ઊભો હતો. તો કહે શિબિરમાં કેમ અંદર નથી જતા? બહાર કેમ ઊભા છો? હું એટલા માટે ઊભો છું કે જો કોઈ શિબિરમાંથી બહાર આવે તો મારે એમને મળવું છે. પણ તમને કેમ ઇચ્છા નથી થતી? તો મને એમ લાગે છે કે આ શિબિર બહિર્મુખ ધ્યાન કરાવે છે. તો હું જોઉં છું કે જે કોઈ મળે એને હું પૂછું કે ધ્યાન - શિબિરમાંથી તને શું મળ્યું? તને સ્પર્શ શું કર્યું એ તો કહે? એ કહે તો ખરો કે એ અનુભવ હજી અત્યારે છે? એ ચમત્કાર બતાવે, તો ચમત્કાર અદૃશ્ય થઈ જાય પછી શું? ચમત્કાર પણ થોડી અસર કરે છે. પણ એ ચમત્કાર ક્ષણિક છે, જતો રહે. જાદુગરો નથી બતાવતા? બધા જોવા જાય છે. પૈસા ખર્ચે પાર વગરના ત્યારે જીવોને એ સ્થૂળ ચમત્કારમાંથી આપણે બહાર લાવવાના, કે ભાઈ, આ ક્ષણભંગુર ચમત્કારને શું જોવા ઇચ્છે છે?
બે જાતના ધ્યાનઃ અંતર્મુખ ને બહિર્મુખ. બહિરદૃષ્ટિ અને અંતરદૃષ્ટિ. બહિર્મુખ ધ્યાન તો બધા જીવો ચોવીસ કલાક કરે છે. જો ભણવું હોય તો પણ ચિત્ત લગાડવું પડે કે નહિ? બ્રશ કરીએ તો બ્રશમાં પણ ચિત્ત રહે કે નહિ? ખાવું - પીવું કરીએ તો પણ ધ્યાન થયું. ધ્યાન એટલે જે વસ્તુ કરતા હોઈએ એ બરાબર થાય એનું ચિંતવન. ધ્યાનનું ચિંતવન દરેક ક્રિયા કરતા કરવું જ પડે, ક્યાં જાય? ત્યારે બહિર્મુખ ધ્યાનની સાથે અંતર્મુખ ધ્યાન વણી લેવાનું બાપાએ શીખવ્યું. કે ભાઈ, પ્રવૃત્તિ કે ક્રિયા વગર તો રહી શકવાના જ નથી. દેહ રહે ત્યાં સુધી, પણ એ ઇંદ્રિયોના દ્વાર અંદરના બંધ રાખીએ અને બહારના ખોલીએ તો એ ઇંદ્રિયો વાટે બધા અંદર પેસે કે નહિ? પણ જો ઇંદ્રિયોના દ્વાર બહારના બંધ કરી દઈએ અને અંતર્મુખ થઈને જો મૂર્તિનું ધ્યાન થોડીવાર કરીએ તો ધીમે ધીમે એ પ્રતિલોમ ધ્યાન થઈ જાય. અંતર્મુખ ધ્યાન એટલે પ્રતિલોમ ધ્યાન. એમાં મહારાજે કહ્યું કે જેવી સમજણ એવી ગતિ. જો અનુલોમ ધ્યાનમાં પૂર્ણપણું મનાઈ જાય તો પરમએકાંતિકની સ્થિતિ રહે. એથી આગળ ન જવાય. પરમએકાંતિકની સ્થિતિ પણ એટલી મોટી છે કે એને એમ જ થાય કે આથી અધિક કાંઈ નથી.
એક કૂવામાંનો દેડકો હતો, કોઈકે કહ્યું, હાલ એલા મહાસાગરમાં. તો કહે અરે! આથી કયો મોટો મહાસાગર છે? બરાબર! એને ખ્યાલ નથી. ત્યારે બાપાએ પ્રતિલોમ ધ્યાન કહ્યું. અનુલોમ ધ્યાન થયા પછી પ્રતિલોમ ધ્યાન બરાબર થાયને? માટે મૂર્તિને એવી એકાગ્રતાથી નિરખવી કે કુશળકુંવરબાઈએ જેવી રીતે મનની વૃત્તિ જોડી દીધી કે આંખો મીંચી ભગવાનનું એકેએક અંગ અંતરમાં ઉતારતા જાય. એમ મહારાજની મૂર્તિનું જે સ્વરૂપ આપણને ગમે - બધા સાકરના નારિયેળ કહેવાય. સાકરના નારિયેળના આકાર તો અલગ અલગ હોયને? પણ સ્વાદ તો એક સરખો કે નહિ? તો જે મૂર્તિ હૈયામાં ચોટી જાય પછી ફેરવવી નહિ. સિદ્ધ થાય ત્યાં સુધી. હવે આ જુદા જુદા સ્વરૂપો નથી? ઘનશ્યામ મહારાજની મૂર્તિ, મહારાજની મૂર્તિ એક સરખી નથી. અલગ-અલગ લાગે, પણ સાકરના નારિયેળ.
મહારાજ કહે, અમે જ્ઞાન કરીને સમજાવીએ, એની મેળાએ પાત્ર થવું જોઈએ. એમ લખે છે બાપા કે પાત્ર તો જાતે જ થવું પડે. કંસારા કૂટી - કૂટીને કરે, એમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો કહે, અમે આ શું કરીએ છીએ? કૂટી - કૂટીને પાત્ર જ કરીએ છીએને? સ્વામી! આથી વધુ ક્યો કંસારો સારો. તો પાત્ર કરે છે. પાત્ર કરીને જો આપીએ તો ટકે. અમુક ક્ષણભર કરે ને ઉલટું પૂર્ણકામ મનાઈ જાય પછી આગળ જ ન વધે. પછી મુક્તની ગરજ ન રહે. માટે આપણે એમ કહેવું કે હે પ્રભુ! તેં અમને મૂર્તિમાં રાખ્યા, બરાબર. હવે તું એવું બળ આપજે કે જેથી આ ધ્યાન મને થયા કરે. કંટાળવું નહિ. અંત સુધી કર્યા કરવું. અંતે તો સુખની પ્રાપ્તિ છે જ.
એટલું રાખવું કે કોઈ સંજોગોમાં કદી ડરવું નહિ. ‘શ્રીજીના કેડે ફરીએ રે, કોઈથી ના ડરીએ’ બરાબર? આપણે શ્રીજીની પાછળ ફરીએ છીએ. તો પછી જો મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી કોઈનું માદળિયું કે દોરો બાંધવો કે એવું શોભે? કેટલાક હરિભક્ત આવ્યા હતા. મેં કહ્યું આ શું પહેર્યું છે? પછી કહે, આ હનુમાનજીની ડોડી છે. બીજો કહે, આ હનુમાનજીદાદાએ ડોડી આપી! મેં કહ્યું આ ડોડી તું કાઢી નાંખ. હું તને પહેરાવી દઈશ બીજી. કાઢ્યા પછી તને શું દુઃખ થાય છે એ મને કહે, હું એવી ને એવી સાચવી રાખીશ. પછી કાઢી. મેં કહ્યું શું ફરક પડ્યો? મેં કહ્યું કંઠી છે એ પહેર તો કેટલું સારું કહેવાય? આની ક્યાં જરૂર છે? કંઠીનો અર્થ જ એ કે તમને સુરક્ષિત કરી રાખ્યા છે. જો કોઈ સર્વશ્રેષ્ઠ માદળિયું હોય તો કંઠી. મેં કહ્યું, આ દોરા તું તોડીને ફેંકી દે કારણ કે આ કચરો જ છે.
મહારાજે દેવોને સડતાળાના રાંકા કીધા છેને? તો કોઈ પણ હરિભક્તે ભૂત - ભૂવાથી ક્યાંય ડરવું નહિ, જો ડરીએ તો એનો અર્થ એ થાય કે આપણે આશીર્વાદ નથી ઝીલ્યા. ફડક ઘૂસી જાય તો અંધારામાં જતા ડરે. હવે એ તો કાંઈ સમજણ કહેવાય? ઓરડો તો એનો એ જ છે. એક પ્રકાશ બંધ થયો એમાં ડરવાનું? જો ડરીએ તો મન નાનું છે, પણ કેટલું બધું સંઘરે છે? બરાબર! તો એ બીક છે તે મૂર્તિમાન થઈ જાય છે. એ ભૂત નથી હોતું. મૂર્તિમાન ખોટું ભૂત ઊભું થઈ જાય છે અને પછી એને હેરાન કરે છે. ત્યારે મહારાજે આપણને ભયથી મુક્ત કર્યા. અરે! ગમે ત્યાં જઈએને પણ આપણને વળી શું થવાનું હતું? આવી સમજણ આવે તો પ્રતિલોમ ધ્યાન થાય.
સચ્ચિદાનંદ સ્વામીને વાઘ મળ્યો. તો સચ્ચિદાનંદ સ્વામી કહે કે વાઘની રૂચિ ફાડી ખાઈ અને આહાર કરવાની તો મહારાજની મરજી એમ હશે કે આને ફાડી ખાશે તો વાઘનું કલ્યાણ થશે. તો પોતે મૂર્તિમાં સ્થિર થઈ ગયા અને પોતે બીજા દેહે થઈ ગયા. બીજો દેહ એટલે દિવ્ય શરીર. ભાગવતીતનુ એ રૂપ થઈ ગયા. તો વાઘ ઘૂંટણીએ પડીને સ્વામીને પગે લાગ્યો. પછી સ્વામીની દૃષ્ટિ પડી, સ્વામીએ સામું જોયું એટલે જતો રહ્યો. ત્યારે પણ સ્વામીએ એમ નહોતું કહ્યું કે એ મને શું કરવાનો? એને એમ થયું કે એનો સ્વભાવ છે એટલે ભલે ખાઈ જાય. ત્યારે એવો અહ્મ નહિ માનવાનો. મહારાજની મરજી. કાંઈ નહિ આપણો દેહ પડશે. ચૈતન્ય તો સુરક્ષિત કર્યો છેને? એ ભાવ ભૂલવો નહિ. અરે! અંત વખતે ગમે તેટલું દુઃખ થાય, અંત વખતે ભગવાન સાંભરે નહિ, કંઈ વાંધો નહિ. ભગવાન તો જાણે છેને? તો છેલ્લી ઘડીએ જ્યારે દેહ નીકળવાનો હોય એ વખતે દર્શન આપે છે. એટલે જેમ પાંદડાં હટાવી લે અને જળ દેખાય, એમ ચૈતન્ય નિર્મળ બને છે અને પછી અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં ખેંચાઈ જાય. એમ આટલી જ વાર લાગે. બાપા કહેતા આમ ચપટી વગાડીને.
બ્રહ્માનંદ સ્વામીને પેલાએ પાણી પાયું. તો કહે, આ ફાંદ સંભારજે. એને એમ થયું કે આ સાધુ ગાંડા જેવા લાગે છે. ફાંદ સંભારવાથી શું થાય? સ્વામીએ કહ્યું આ ફાંદ સંભારીશ એટલે અમે તને ભગવાનના સુખનો અનુભવ કરાવીશું. સારું કહે ભલે, પણ મને ફાંદ ન સાંભરે તો? તને સાંભરશે. સત્પુરુષ વચન બોલ્યા એટલે થઈ જાય. કહ્યું નહિ કૃપાસાધ્ય. એકવાર બોલ્યા એટલે એમાં ફેરફાર ન થાય, પણ આપણને શંકા થવી જોઈએ નહિ. દેહનું દુઃખ ભલે થોડું સહન કરી લેવું. કોઈક પરાણે સહન કરાવીને કેદમાં પૂરે તો કેમ થાય? કરવું પડે કે નહિ? તો મૂંઝાવું નહિ. સુખ-દુઃખથી શું મૂંઝાવું? આનંદમાં રહેવું. મુઓ દેહ વહેલો પડે કે મોડો બીજું શું થવાનું છે?
એક બીજી વાત કે પ્રતિલોમ ધ્યાનની વાત પાકી કરવી. કેમ કે કામ કરતા કરતા મૂર્તિમાં એવી સ્થિતિ થાય. ભલે મહારાજને આંખ ઉઘાડીને જોઈએ. મહારાજે આપણા બે દેહ કર્યા. એક દેહ ભાગવતીતનુ. બીજે દેહે કામ કરાવે છે. આ સેવા કોણ કરાવે છે? આ દેહે મહારાજ સેવા કરાવે છે. તો જેને મૂર્તિમાં રાખે અને છેલ્લા જન્મના આશીર્વાદ આપે એને બે દેહ કરી નાંખ્યા. આ દેહે અંતરશત્રુ નડે એવું ય દેખાય. એની સાથે આપણે નિસ્બત નથી. આપણે તો એક જ તાન રાખવું. હું તો મહારાજની મૂર્તિમાં છું. મહારાજે મને રાખ્યો છે.
કોઈ દિવસ કદીયે ભયભીત થવું નહિ. ડરવાની ટેવ પડી હોય તો આ જ્ઞાને કરીને ધીમે ધીમે ટાળી નાંખવી. પછી વિચાર કરવો. શું બદલાઈ જાય? એક જણ મને કહે આ પાછળ સ્ટોર છે ત્યાં રાતે એકલા જતા મને બીક લાગે. મેં કહ્યું સારું. એક ફાનસ છેને ફાનસ એ લઈને જજે અને પહેલા લાઈટ કરજે, પછી તું જજે. હવે તને બીક લાગે છે? તો કહે નથી લાગતી. ત્યારે તારે ગ્રંથિ બંધાઈ ગઈ છે. તારું મન જ તને બીવડાવે છે, છે કંઈ નહિ. આપણને કોઈ ભૂત પ્રવેશે? કોઈ રોગ પ્રવેશે? કદીયે ન પ્રવેશે.
આપણે મહારાજના પંચ વર્તમાન પાળીએ એટલે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આપે જ છે. વિદ્યાર્થીઓને આપણે શીખવવું કે ભાઈ! કોઈ પણ કરોડપતિ હોય તે પણ આ અન્ન, વસ્ત્ર ને રહેઠાણ આ ત્રણ સિવાય ચોથું શું ભોગવે છે? અન્ન, વસ્ત્રો સારાં - સારાં ને સારું રહેવાનું. આટલું આપવા તો ભગવાન બંધાયેલા છે, પણ આપણને શ્રદ્ધા નથી, નહિતર આખા જગતને જો ભગવાન સ્વામિનારાયણ ઓળખાય તો એમ કહે તમે ઓળખાવવા કેમ માગો છો? તો એને એમ સમજાવવું કે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે સર્વોપરી પરમાત્માને જો ઓળખે તો અન્ન, ધન, વસ્ત્ર મળ્યા વગર ન રહે. તો આખી દુનિયાને અમારે સુખી કરી નાંખવી છે સ્વામિનારાયણ ભગવાનથી. તો સ્વામિનારાયણ ભગવાન શું કામ પ્રગટ થયા છે? બહારથી અને અંતરથી બેય રીતથી સુખી કરવા માટે પોતે પ્રગટ થયા છે. તો આપણે આપણાથી બનતો પ્રયાસ પણ કરવો. આપણે પણ સરસ થઈ રહેવું.
બધાયને દિવ્યભાવથી જોવા. મોડા - વહેલા બધા દિવ્ય તો થવાનાને? એટલે છેલ્લો જન્મ કદાચિતને શંકા થઈ તો છેલ્લા જન્મનો અર્થ એ કે બીજી કોઈ કોટીમાં જવાનું ન રહે, પણ જો વિશ્વાસ હોયને તો છેલ્લો જન્મ થયા વગર રહે જ નહિ આ સમજી જ રાખવું. પણ વિશ્વાસ એવો અડગ કે અત્યારે ધરતીકંપ થાય અને આખી ઈમારત જાય તો ય આપણને અસર થવી જોઈએ નહિ. ધ્રાંગધ્રા મંદિરમાં બધા હરિભક્તો એમ કહે કે ધરતીકંપ થયો. ભગવત્સ્વરૂપ સ્વામી ભગવાનને થાળ ધરાવીને જતા હતા તે ઊભા રહ્યા. બધા એકદમ ઊભા થઈને નાસવા લાગ્યા. કહે, શું કરો છો તમે? શું થવાનું હતું? પુરુષોત્તમનારાયણની સમીપમાં બેઠા છો શું થવાનું હતું? થોડીવારમાં ધરતીકંપ બંધ થયો. બધા ડરી ગયેલા. એમ આપણે મૂર્તિથી બહાર છીએ એવો ભાવ કદીયે લાવવો નહિ. એ કૃપાસાધ્ય. મારી વાત પૂરી કરું.
બધા ખૂબ રાજી રહેજો. ભૂલચૂક થઈ હોય તો એ ભૂલચૂક કાઢી નાખજો. સારું હોય એ લઈ લેજો. બસ જય સ્વામિનારાયણ!
સારાંશ
સ્વામિનારાયણ ભગવાને બતાવેલો વિશિષ્ટાદ્વૈતમત પૂર્ણ છે. એ કોઈ વાદ નથી. ભગવાન સ્વામિનારાયણ પોતાનું સર્વોપરી પરમતત્વનું સર્વોપરી તત્વજ્ઞાન સમજાવવા પૃથ્વી પર આવ્યા હતા. દરેકનો ચૈતન્ય નિર્મળ જ હોય છે. સ્વામિનારાયણ ભગવાનના નામે જે જુદા જુદા પંથો થયા છે તે બધામાં ભજન તો સ્વામિનારાયણનું જ થાય છે. એમાં ઐશ્વર્યાર્થીઓના રાગ પૂરા પણ થાય છે અને એમને લીધે લોકો સ્વામિનારાયણ ભગવાનને ઓળખે છે, પણ ઐશ્વર્યાર્થી હોવાથી પાછળથી તેવાઓને ઘણું સહન કરવું પડે છે. સ્વામિનારાયણ ભગવાનનું જ ધ્યાન થાય તે સિવાય બીજા કોઈનું નહિ. અનાદિમુક્તો પોતાનું સામર્થ્ય એટલે ઢાંકીને વર્તે છે કે નહિ તો લોકો તેમને ભગવાન માનતા થઈ જાય. મહારાજના સાચા મુક્તો તો દરેકને ભગવાનમાં જ જોડે.
અનાદિમુક્ત જીવોને મહારાજ સુધી પહોંચાડવાનું ઉચ્ચત્તમ માધ્યમ છે. તેઓ ભોમિયાનું કામ કરે છે. અનાદિમુક્તમાં રહી મહારાજ જ સઘળું કાર્ય કરે છે. સાચા મુક્તને પ્રસિદ્ધિના રાગ ક્યારેય હોતા નથી. મુક્તમાંથી પ્રેરણા લેવાય, પણ તેમાં જોડાવાય નહિ. બહિર્મુખ ધ્યાન સ્થૂળ છે અને એ ક્ષણભંગુર છે. દરેક ક્રિયામાં જે લક્ષ આપી કાર્ય કરીએ તે બહિર્મુખ ધ્યાન. તે ધ્યાનની સાથે અંતર્મુખ ધ્યાનને વણી લેવું એટલે કે દરેક ક્રિયા કરતા મહારાજને સંભારવા. બહારથી ઇંદ્રિયોના દ્વાર બંધ કરી અંતર્મુખ થઈ ધ્યાન કરવાથી ધીમે ધીમે પ્રતિલોમ ધ્યાન થાય. અનુલોમ ધ્યાન એ પરમએકાંતિકની સ્થિતિ છે. તેથી અધિક પ્રતિલોમ ધ્યાન અનાદિમુક્તની સ્થિતિ છે. માટે પ્રતિલોમ ધ્યાન કરી છેવટની સ્થિતિ પ્રાપ્ત કરવી.
પાત્ર થયા પછી જ સુખ જીરવી શકાય છે. દરેકે પાત્ર જાતે જ થવું પડે તેમાં અનાદિમુક્ત મદદ કરે. કેવળ એક મહારાજમાં જ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાં. બીજા અવતારો ભગવાનનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. કોઈથી ડરવું નહિ. દેહને ગમે તેવું દુઃખ પડે મહારાજે ચૈતન્યને સુરક્ષિત રાખ્યો છે એ વિશ્વાસ અડગ રાખવો. અંત વખતે ભગવાન ચૈતન્યને પોતાના સુખમાં મૂકી દે છે. આશીર્વાદમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને પ્રતિલોમ ધ્યાન પાકું કરવું. ગમે તે થાય શ્રીજીમહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એ વિશ્વાસ, એ શ્રદ્ધાને ડગવા ન દેવી. ક્યારેય કદી કોઈથી ડરવું નહિ. ભગવાનના વચન પ્રમાણે પંચ વર્તનમાન પાળનારને અન્ન, વસ્ત્ર ને રહેઠાણ તો મળી જ રહે છે. છેલ્લા જન્મનો અર્થ એ કે જીવને બીજી કોટીમાં જવું ન પડે. છેલ્લા જન્મના આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય તો પાર પડાય છે.