5
સ્વામિનારાયણ ભગવાનની જય.
આ દિવ્ય સભામાં ખૂબ ઊંચા પ્રકારની વાતો થઈ. શ્રીહરિજીના મહિમાની ભારે ભારે વાતો થઈ. વચનામૃતમાં પણ સર્વોપરી વાતો આવી. શ્રીજીમહારાજે કૃપા કરીને વચનામૃતમાં જણાવ્યું કે અમે સ્થાપેલ એકાંતિક ધર્મ તથા અમે બતાવેલ આત્યંતિક કલ્યાણનો માર્ગ આ બ્રહ્માંડમાં સર્વજનોનો હિત કરનારો છે. શા માટે? એ માર્ગ સર્વ ધર્મોના સારરૂપ છે. એમાં વિશાળ ઔદાર્ય સાથે સમન્વય કરેલો છે. શ્રીજીમહારાજ કહે છે કે અમે સ્થાપેલ ધર્મ એ સંકુચિત નથી, થોડા મનુષ્યોને માટે નથી, પરંતુ સર્વ મનુષ્યોને અનુસરવા યોગ્ય એવો ધર્મ છે. આવો ધર્મ જો વિશ્વમાં બધે પ્રસરે તો સર્વ જનોનું કલ્યાણ થાય. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે શા માટે માત્ર ગુજરાત અને ભારતનો થોડો વિભાગ પસંદ કર્યો? વિશ્વના બીજા દેશોને કેમ એ વખતે બાદ રાખ્યા? ભગવાન જાણતા હતા કે જો હું સારાય વિશ્વમાં આ તત્વજ્ઞાનનો પ્રચાર કરવાની ઉતાવળ કરીશ તો સર્વ મનુષ્યો સમજી શકશે નહિ. એના કરતાં થોડો વિસ્તાર પસંદ કરીને આ તત્વજ્ઞાન પચાવી શકે, આ માર્ગનો પ્રચાર કરી શકે, ફેલાવી શકે એવા મહાન સંતો અને મુક્તોને તૈયાર કરું. શ્રીહરિજીએ આ કામ બરાબર કર્યું અને પછી અંતર્ધાન થયા. શ્રીહરિજીએ મુક્તાનંદ સ્વામી આદિક મહાન સંતો દ્વારા આ સર્વોપરી તત્વજ્ઞાનનું વિવેચન કરતા ગ્રંથો રચાવ્યા. પોતે પણ મહાગ્રંથ વચનામૃત રચ્યું. એ મહાગ્રંથ વચનામૃત અંગે અત્યારે સભામાં સ્પષ્ટ રીતે વાતચીત થઈ ગઈ.
આ સંત-મુક્તો દ્વારા વર્તમાન કાળે શ્રીહરિજીના સંકલ્પથી વિશ્વમાં આ તત્વજ્ઞાનનો પ્રચાર થતો જાય છે. સર્વ મનુષ્યોને આ તત્વજ્ઞાનમાં શ્રદ્ધા આવતી જાય છે. બુદ્ધિશાળી વર્ગને આ માર્ગ સંપૂર્ણ છતાં સરળ લાગે છે. આ માર્ગ પામવાને માટે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોએ કમ્મર કસવી જોઈએ. એ જ સાચી સેવા છે. ભગવાન સ્વામિનારાયણનું આ તત્વજ્ઞાન અને સંદેશ જો સારાય જગતમાં પ્રસરાવવું હશે તો ભગવાને ચીંધેલી આજ્ઞાઓ આચરણમાં ઉતારવી પડશે. આચરણમાં ઉતાર્યા વગરની વાતો કોઈના હૃદયને કે મનને સ્પર્શ કરશે નહિ. બાપાશ્રી કહે છે કે જેના અંતરમાં મહારાજની મૂર્તિનું સુખ હોય તેની વાતથી શાંતિ અને સમાસ થાય છે. ભગવાનનું સુખ મેળવવું હશે તો ભગવાને જે રીતે પોતે આ જ્ઞાન આચરણમાં બતાવીને સમજાવ્યું, તેમના સંતોએ આચરણમાં મૂકીને આપણને બતાવ્યું એ માર્ગે ચાલીને આપણે ભગવાનનું કાર્ય કરી શકીશું. આવો આત્યંતિક કલ્યાણનો માર્ગ પામવો હોય, શ્રીહરિજીના પરમપદને પામવું હોય તો શ્રીજીમહારાજની મૂર્તિનું લક્ષ રાખીને ધ્યાન કરવા મંડી પડવું જોઈશે. બાપાશ્રી કહે છે - ધ્યાન કરવામાં જે આગ્રહ રાખે છે તેને મહામૂલી, મોંઘી એવી મહારાજની મૂર્તિની પ્રાપ્તિ થાય છે. એમનું દિવ્ય સુખ મળે છે. શ્રીહરિજીના આવા દિવ્ય સુખની પ્રાપ્તિ સર્વજનોને થાય એ માટે જીવનની એકે એક પળનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આપણે કોઈ સમય, એકપણ મિનિટ વૃથા જાય એમ કરવું જોઈએ નહિ. કોઈ એવી સંઘર્ષની પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ નહિ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું સંઘર્ષ કરવા નથી આવ્યો, સંઘર્ષ કરાવવા નથી આવ્યો. સંઘર્ષને શમાવવા માટે આવ્યો છું. સારાય વિશ્વમાં સંવાદિતા સ્થાપવા આવ્યો છું. જીવોને બંધનમાંથી મુક્ત કરવાને માટે આવ્યો છું. આ ભગવાનનો આદેશ સર્વને પહોંચે એ માટે આપણે મોટા સંત - મુક્તોના સમાગમ થકી આ તત્વજ્ઞાન સમજવું પડશે. એ જીવનમાં ઉતારવું પડશે અને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરી એ સંદેશ ફેલાવવાને માટે જીવનપર્યંત મુક્તાનંદ આદિક મહાન સંતોએ જે કાર્ય કર્યું એ પ્રમાણે કરવું પડશે.
ભગવાને અદીબાના દૃષ્ટાંત દ્વારા આપણને શીખવ્યું કે ભગવાન સાથે જો હથેવાળો કરવો હશે તો અદીબા જેવા નિર્વિકારી અને નિષ્કામી ભક્ત થવું પડશે. નિષ્કામવ્રત દૃઢ કર્યા વિના આ કામ નહિ થઈ શકે. પરમપદને પામી શકાશે નહિ. નિષ્કામવ્રત એ પરમપદ પામવા માટેનો પાયો છે. એ પાયો દૃઢ કરીને આગળ ચાલવું પડશે. બ્રહ્માનંદ સ્વામીએ “હૈડાનો હાર” એ કીર્તન બનાવ્યું એની પાછળનો પણ ઇતિહાસ છે. જે રણછોડભાઈએ સમયના અભાવે કહ્યો નહિ. શ્રીહરિજીએ જ્યારે બ્રહ્માનંદ સ્વામી ઉપર ખૂબ પ્રસન્નતા જણાવી તેના અનુસંધાનમાં લખેલું છે. તેની વિગતવાર ચર્ચા આવતા બ્રહ્મયજ્ઞમાં રણછોડભાઈ કરશે. આજનો કાર્યક્રમ એ ખૂબ મર્યાદિત હતો, છતાં લંબાઈ ગયો. ભગવાનની ઇચ્છા હશે કાંઈ વાંધો નહિ. હવે આપણે વાર્તાની સમાપ્તિ કરીને ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ધરી એ મૂર્તિ સામે હંમેશાં લક્ષ્ય રાખી અને જીવનની બધી પ્રવૃત્તિઓ કરીએ અને એમ થાય એ માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ.
સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય!
સારાંશ
શ્રીજીમહારાજે સ્થાપેલ એકાંતિકધર્મ અને તેમણે બતાવેલ આત્યંતિક કલ્યાણનો માર્ગ બ્રહ્માંડમાં સર્વજનોને હિત કરનારો માર્ગ છે. વિશ્વના દરેક જીવો મહારાજનું સર્વોપરી તત્વજ્ઞાન તરત ન સમજી શકે. તે માટે જ મહારાજે ગુજરાતનો થોડો ભાગ પસંદ કરી ત્યાં એ જ્ઞાન પચાવી અને પ્રચાર કરી શકે એ રીતે સંતોને તૈયાર કર્યા. બુદ્ધિશાળીવર્ગને સ્વામિનારાયણ સંપ્રદાયનો માર્ગ સરળ છતાં સંપૂર્ણ લાગે છે. ભગવાનની આજ્ઞાઓ આચરણમાં ઉતારી, ભગવાનનું તત્વજ્ઞાન જીવનમાં ઉતારી વાત કરવાથી જ જીવો પર વાતનો પ્રભાવ પડે અને એ વાતોથી તેમને શાંતિ થઈ જીવમાં ‘હા’ પડે છે. શ્રીજીમહારાજના પરમપદને પામવા ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું આવશ્યક છે અને સાથે સાથે નિર્વિકારીપણું અને નિષ્કામીપણું દૃઢ કરવું પણ અનિવાર્ય છે. એ પરમપદ પામવા માટેનો પાયો છે.