22

0:000:00

બાપાશ્રીનું જીવન એ સર્વોપરી અધ્યાત્મશાસ્ત્ર પોતે જ હતું. બાપાશ્રીનું જીવન જે જાણે એને કોઈ જ્ઞાન પામવાનું બાકી રહે નહિ. જેનું જીવન જ સ્વયં અધ્યાત્મશાસ્ત્ર છે, જે બધાયના કલ્યાણને માટે અનુકરણીય - અનુસર્ય છે. સારાય સત્સંગ સમાજને તેમ જ સારાય વિશ્વને એમના આ સર્વોપરી અધ્યાત્મશાસ્ત્રરૂપ જીવનની જાણકારી થાય તો આ સર્વોપરી દિવ્યજ્ઞાન તેમના હૃદયમાં, તેમના મનમાં ઉતરે, તેમના જીવનમાં પરિવર્તન થાય અને સારુંય વિશ્વ કલ્યાણને માર્ગે વળે. તેથી આપણી તો પરમ ફરજ છે. આપણા ઉપર એમના એટલા બધા ઉપકારો છે. એમણે એવા છેલ્લા આશીર્વાદ આપી દીધા કે તમને મૂર્તિમાં રાખ્યા. એવા કોઈ તો દિવ્ય પુરુષ કે વિભૂતિ બતાવો કે જે પાત્ર-કુપાત્ર, પાત્ર-અપાત્ર જોયા સિવાય કેવળ કરુણા કરી મૂર્તિમાં રાખી દે. એવો પુરુષ બતાવો!

એવા પુરુષ આપણને મળ્યા ત્યારે આપણે એમ વાતો કરીએ કે આપણા વચ્ચે કાંઈ એકબીજામાં મેળ નથી, એકબીજામાં જોઈએ એવો સંપ નથી, અવગુણ લેવાની થોડી-ઘણી પ્રકૃત્તિ છે. આવી વાતો સાંભળવી એ ખરેખર આપણને બધાયને ખૂબ જ દુઃખરૂપ થાય. એ તો ન જ જોઈએને? શ્રીજીમહારાજ અને બાપાશ્રીએ આપણને તેમના સર્વોપરી દિવ્યસ્વરૂપમાં મૂકી દીધા એ કંઈ થોડી વાત? તેનું અનુસંધાન કેમ ભુલાય? દેહનું અનુસંધાન જો ભુલાતું નથી તો મૂર્તિનું અનુસંધાન કેમ ભુલાય? મૂર્તિ ભુલીએ તો આપણું અપમૃત્યુ થયું કહેવાય. અને જો કોઈ પણ વસ્તુ એવી જોવા મળે કે સુમેળ નથી કે એકતા નથી તો એનો અર્થ એવો થાય કે મૂર્તિમાં રાખ્યા છે એ વચન એમણે અદ્ધરથી ઝીલ્યું નથી. એ ન દેખાવું જોઈએ. એની જરૂર ક્યાં? એટલે એ વાત તો જીવમાંથી તદ્દન કાઢી નાંખીએ. ભગવાન મળ્યા એનું જ અનુસંધાન રાખીએ.

મહારાજના અનાદિમુક્તનું જીવન સારાય માનવકુળને ઉપયોગી છે. તો સારુંય માનવકુળ બાપાશ્રીને જેમ છે તેમ ઓળખે, એમના જીવનને જાણે, ચારેકોર સત્સંગમાં તેમ જ વિશ્વમાં એમના દિવ્ય જીવનની જાણકારી થાય એવો પ્રસંગ યોજવો જોઈએને? એવો ત્યારે જ યોજાય કે જ્યારે આપણે બધા આપણને મૂર્તિમાં રાખ્યા છે એવી એકતા પરસ્પર અવરભાવમાં પણ દેખાઈ આવે, ત્યારે અવરભાવ અને પરભાવની એકતા છે એમ જણાઈ આવે અને જોનારને એમ લાગે કે આ વ્યક્તિ બાપાશ્રીની હેતભાવવાળી વ્યક્તિ છે એ જણાઈ આવવું જોઈએ. જ્યારે બહારની વ્યક્તિ આપણને એકતાનો ઉપદેશ કરે એ મને તો પસંદ નથી. એ એમ કહે કે આહાહા! સત્સંગમાં આવી એકતા! આવો સુમેળ, આવો રસબસભાવ ક્યાંય જોવા મળ્યો નથી. એવો જ સૂર વ્યક્તિના મુખમાંથી સરી પડે, ત્યારે આપણી છાતી ગજગજ ફૂલી કહેવાય અને આપણે એ કરી બતાવવું છે. ખરેખર આપણે બધા મૂર્તિમાં છીએ. આ સભા અક્ષરધામની છે. આવાને આવા મનુષ્યરૂપે છીએ એવા જ દિવ્ય સાકાર મહારાજના સ્વરૂપે આપણે મૂર્તિમાં રહ્યા છીએ અને સદાય એમાં છીએ, જવું-આવવું, બાકી કોઈ ઉધારો બાપાએ રાખ્યો નથી. આ વાત આપણે બતાવવી પડે. અને અત્યારથી જ એક અનુસંધાન કે મૂર્તિમાં રાખ્યા છે. એનું સભાનપણું એવું જાગૃત કરી દઈએ કે હવે કોઈ અન્ય નવો શબ્દ ઉચ્ચારવો પડે નહિ.

આ દિવ્ય સભાનો રાજીપો ઇચ્છું છું. મોટા-મોટા સંતો એમ કહેતા કે જ્યારે દિવ્યસભા ભરાય, ત્યારે ગમે તેવી ઊંચી સ્થિતિવાળા આપણે બધા હોઈએ છતાં પણ ભગવાનના રાજીપા અને પ્રસન્નતા માટે આપણે ક્ષમાયાચના કરવી જોઈએ. એ અનુસાર હું પણ આ દિવ્યસભામાં પ્રાર્થના કરું છું કે જાણ્યે અજાણ્યે આ દેહથી, મનથી આ જીવથી તો થતો જ નથી બાપાની એ કૃપા છે, મનુષ્યભાવ કદીયે પરઠાતો નથી. જે બીજે આજ્ઞામાં થોડી કસર જોવા મળે છે એના વિષે પણ મનુષ્યભાવ આવતો નથી. તો આ દિવ્યસભાને વિષે મનુષ્યભાવ આવવાનો ક્યાં પ્રશ્ન જ આપણને કોઈને રહે છે? તો આવો દિવ્યભાવ સદાય આપણે રાખવાનો છે. એ સદાય રહે અને સદાય મૂર્તિનો આનંદ રહે એવા રૂડા આશીર્વાદ આપ સૌ આપજો. એવી પ્રાર્થના આપણે સૌએ મહારાજ પાસે કરવી એ પ્રાર્થના સાથે વિરમું છું.


સારાંશ

અનાદિમુક્તનું જીવન પોતે જ અધ્યાત્મશાસ્ત્ર છે. તેમના જીવનનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ પણ જીવને કલ્યાણને માર્ગે લઈ જાય છે. અનાદિમુક્તના આશીર્વાદ મળ્યા પછી અવરભાવમાં એટલે આપણા જીવનમાં પરિવર્તન દ્વારા એ જણાઈ આવવું જોઈએ. સંપ અને સુમેળ બીજાને ઉદાહરણીય બનવા જોઈએ. અનાદિમુક્ત બિરાજતા હોય તે સભા દિવ્ય હોવાથી સભામાં દીનભાવ બતાવી સભાનો રાજીપો મેળવવો એમ અનાદિમુક્ત પોતાના વર્તન દ્વારા આપણને શીખવે છે.