18

0:000:00

ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો ભગવાન સ્વામિનારાયણનું રટણ પાંદડે-પાંદડે થશે. એક વાત બરાબર યાદ રાખવાની કે મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્તોમાં કેટલું બધું રસબસપણું! કેટલી બધી આત્મીયતા! કેટલી બધી એકતા! એમાં કોઈ દિવસ સંપ ન હોય એવું બને ખરું? બાપાએ એમ કહ્યું છે કે આ આખી સભા અક્ષરધામમાં છે, અક્ષરધામનું સુખ અનુભવશે. ત્યારે આ સભાની પ્રશંસા, પરમદયાળુ બાપાશ્રીએ સ્વમુખે કરી તો સારોય સત્સંગ સંગઠિત રહે, મતભેદ કે મનભેદ તો કોઈ દિવસ થાય જ કેમ? મહારાજની મૂર્તિમાં રહ્યા પછી મનભેદ શું રહે? મન તો ક્યાંય ગયું. માયિક મન તો ફગાવી દીધું. બાપાએ દેહભાવ તો ઉડાડી દીધો કે ગોત્યો ય જડે નહિ. તો પછી આવું બધું યાદ કરી શું કામ લીલા કરવી પડે? એક થઈને રહીએ, બધા સાથે મળીને કામ કરીએ અને મહારાજે શું કહ્યું? ‘‘શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય.’’ તે તેજની અંદર મહાપ્રભુજી અને તેમના અનાદિમુક્ત શીતળતા વરસાવે છે. તો આપણા મગજ પણ કેટલા શીતળ હોવા જોઈએ? આપણે આવેશમાં આવવું એ આપણા માટે અશક્ય થવું જોઈએ. આપણે કોઈને એમ કહી શકીએ કે ભાઈ! આવેશ, આવેગ, ક્રોધ તો અમારી ડીક્ષનરીમાં જ નથી. આપણા શબ્દકોષમાં છે ખરો? અનાદિમુક્તના શબ્દકોષમાં આ શબ્દ બતાવો. તો આજે આપણે પરમ કૃપાળુ શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના સાંનિધ્યમાં કટિબદ્ધ રીતે નિશ્ચય કરીએ કે કારણસત્સંગની સારાય જગતમાં ફેલાવવાની સેવાની તક આપણને આપે. સેવા કરવી અને સેવાની તક એમાં ફરક છે. ‘સેવા કરી, મેં સેવા કરી’ તો એની અંદર અહ્‌મ છે. તક આપવી એ તો પ્રભુએ કૃપા કરીને નિમિત્ત બનાવ્યા છે. તો તક આપીને હે મહારાજ! આપે અમારા ઉપર કૃપાવર્ષા કરી છે. આપને સારાય જગતમાં ઓળખાવીશું. સારુંય જગત ઓળખે તો એનું કલ્યાણ થાય. એની અમને તક આપો અને અમને નિમિત્ત બનાવો જેથી ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો સાર્થક થઈ જાય.


સારાંશ

સત્સંગની સેવા કરવામાં સંપ રાખવો, જુની વાતો ભૂલી જવી અને આવેશ, આવેગ, ક્રોધથી અળગા રહેવું. મહારાજને ઓળખાવવાનું કાર્ય કરવાની આપણને મહારાજે તક આપી તે તકને પૂરી ઈમાનદારીથી નિભાવવી.