3

0:000:00

પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદ્‌ગુરુઓ તથા ભગવાનની મૂર્તિમાં જ રમણ કરનારા અનાદિમુક્ત, હરિભક્ત ભાઈઓ અને બહેનો.

શ્રીજીમહારાજે અક્ષરધામમાંથી પોતાના મુક્તોને સમાસને માટે સ્ત્રીરૂપે અને પુરુષરૂપે દેહ ધારણ કરાવ્યા. લાડુબા - જીવુબા પણ મહારાજના દિવ્ય સ્વરૂપમાં રહેલા મહામુક્ત હતા. એ સ્ત્રીરૂપે દેખાયા, શા માટે? સ્ત્રી સમાજની પુષ્ટિ કરવી હોય તો બહેનો જ જોઈએને? અવરભાવમાં આ દૃષ્ટિએ સ્ત્રી અને પુરુષ બંનેને સમાસ થાય એ રીતે આ જાતના દેહ ધારણ કરાવ્યા. મહારાજે આપણને જે તત્વજ્ઞાન પીરસ્યું એ શાસ્ત્રમાંથી વીણીને ભેગું કરીને આપ્યું એમ નથી. પણ જે સત્ય તત્વજ્ઞાન હતું એને પોતાના મુક્તોના મિષથી નિમિત્ત બનાવી એ બોધ આપણને રચનાત્મક રીતે આપ્યો. શાસ્ત્રો અને પુસ્તક વાંચન રચનાત્મક નથી, તે વાસ્તવિક બોધ નથી આપતું. એ તો બુદ્ધિથી સમજાય એટલા માટે આપે છે અને પુસ્તકમાંથી વાંચેલું જ્ઞાન જીવનને સ્પર્શ કરતું નથી. મહારાજે પોતાના મુક્તને મિષ કેવી રીતે બનાવ્યા એનો દાખલો આપું.

મહાસમર્થ સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામીને મિષે કેવી સરસ રીતે પ્રસંગનું સર્જન કર્યું એ જુઓ. લાડુબા અને જીવુબા નિષ્કામવ્રત દૃઢ કરીને પોતાનું જીવન વ્યતિત કરતાં હતાં. કારણ કે બીજાને એ વ્રત દૃઢ કરાવવા આ ચર્મચક્ષુએ દેખાય એવું વર્તન બતાવવું પડે. એવું વર્તન બતાવે તો જ એ વર્તન જીવમાં ચોંટી જાય. મહારાજે એવી લીલા કરી કે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ એભલ ખાચરની દીકરીઓ પરણતા નથી તો એ આ લોકમાં સારું ન દેખાય. આ લોકમાં બહેનોએ પરણવું જોઈએ એમ શાસ્ત્રોમાં લખે છે. તો તમે જઈને એમને સમજાવશો? ઓહોહો! મહારાજ! એમાં શું અઘરું છે? હું એમને થોડીવારમાં જ સમજાવી દઈશ. એભલ ખાચર પણ રાજી થયા.

બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગયા. લાડુબા - જીવુબાને અગાઉથી ખબર આપ્યા કે કવિ લાડુદાનજી આપની પાસે થોડી વાતો કરવા આવે છે. તો આવે? હા, કહે જરૂર પધારે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા પહેલા બહેનોએ પડદો ગોઠવી દીધો અને બ્રહ્માનંદ સ્વામી માટે ચાકળો પણ પાથરી દીધો. પડદાની એકબાજુ લાડુદાનજી બેઠા અને બીજી બાજુ લાડુબા અને જીવુબા બેઠાં. બ્રહ્માનંદ સ્વામી તો તમે જાણો છો કે એવા કવિ હતા કે એમને શબ્દો શોધવા ન પડે. શબ્દો ઉપરાઉપરી આવે. એમાંથી ક્યો શબ્દ પકડવો ને ક્યો મૂકવો એ પ્રશ્ન થઈ જાય એવા એ શીઘ્ર કવિ હતા. અને મહારાજના મુક્તમાં કેવી બુદ્ધિ હોય! એ તો અદ્વિતીય અનુપમ બુદ્ધિ! એ બુદ્ધિનો ય પાર પમાય એવું નથી. તો એમણે તો બહેનો ગૃહસ્થાશ્રમ કરે એ માટેની વાણી શરૂ કરી કાવ્યરૂપે, અને ગદ્યમાં પણ બોલ્યા. લાડુબા અને જીવુબા તો સ્વયંજ્ઞાની હતા. એમનો આખો વાર્તાલાપ લાંબો છે. પણ બ્રહ્માનંદ સ્વામી જે કહેતા એનો તેઓ જવાબ આપે. અને બ્રહ્માનંદ સ્વામીને જવાબ આપવા માટે શબ્દો જડે નહિ. ત્યારે એનો અર્થ એ થયો કે શબ્દ આ લોકની વાણી છે એ પરભાવમાં પહોંચતી નથી. પરભાવની વાણી જુદી જાતની છે. એ અનુભવવાણી છે. આ લોકના શબ્દો અને વાણી ત્યાં ન પહોંચે. ત્યારે લાડુબા અને જીવુબા એવા સાદા શબ્દોમાં જવાબ આપે તો પણ બ્રહ્માનંદ સ્વામી મૂંઝાઈ જાય. એમને એમ થયું કે આ રીતે આ બહેનો નથી સમજે એમ તો તેઓ બુદ્ધિની બીજી યુક્તિ વાપરી બીજા પ્રશ્નો મૂકી સમજાવે. એના પણ એ બહેનો એવા સરસ જવાબ આપે કે મને નથી લાગતું કે આવા શબ્દો કોઈ શાસ્ત્રોમાં કે કોઈ તત્વજ્ઞાનીમાં જોયા હોય. બિલકુલ સાદી રીતે. અત્યારે એ લંબાણપૂર્વક તમને ક્યાં કહેવા બેસું? પણ કહેવાનો અર્થ એ કે બ્રહ્માનંદ સ્વામીએ લગભગ બે કલાક સુધી બહેનો સાથે જુદી જુદી રીતે બુદ્ધિની છણાવટથી સમજાવવા પ્રયત્ન કર્યો, પણ જેણે ભગવાનની મૂર્તિ સાથે હથેવાળો કર્યો હોય એના ત્યાગ - વૈરાગ્ય પાસે આપણે તેઓને પરણાવવાની વાતો કરીએ એ નરી મૂર્ખાઈ છે એમ તેમને જણાયું.

લખાણમાં એવું છે કે આ બહેનોએ બ્રહ્માનંદ સ્વામીના ચર્મચક્ષુ ખોલી દીધાં. બ્રહ્માનંદ સ્વામીને એમ કહ્યું કે આ ઠાઠ - ઠઠારો તમને શોભતો નથી. તમે કપાળ ઉપર સરસ રીતે જે રજોગુણી પાઘ બાંધી છે એથી કંઈ તમારું કપાળ શોભતું નથી. એવી ઘણી વાતો કરી. કાવ્યરૂપે પણ બોલ્યા હતાં. બહુ સાદા કાવ્યમાં આ બહેનોએ જવાબ આપ્યો. બ્રહ્માનંદ સ્વામીના અંતરચક્ષુ ખુલી ગયાં. બહેનોએ એમને ત્યાગ-વૈરાગ્યના પાઠ શીખવી દીધા. બ્રહ્માનંદ સ્વામી પોતાને ઉતારે જઈને બધા ઘરેણા ઉતારી, પાર્ષદ જેવા સાદા વસ્ત્રો પહેરીને મહારાજ પાસે ગયા. મહારાજ કહે આ શું કર્યું? કહે, મહારાજ તમારી લીલા! મને સાધુ દીક્ષા આપવી હતી તો આ રીતે શા માટે આપી? મને કહેવું હતું ને? સ્વામી! જો મેં તમને કહ્યું હોત ને, તો તમે આ ન માનત. માટે આ પ્રસંગ યોજવો જરૂરી હતો.

ત્યારે બ્રહ્માનંદ સ્વામીને આ બધી વાતની ક્યાં જરૂર હતી? એ તો અનાદિમુક્ત હતા અને મહારાજના સંકલ્પથી દેખાયા હતા, પણ સાધનિકને બતાવ્યું કે પુરુષ હોય કે સ્ત્રી હોય, જો એમને નિષ્કામવ્રતની દૃઢતા પૂર્ણ હોય તો એમને એમની ઇચ્છા વિરુદ્ધ પરણાવવા માટે મા-બાપે આગ્રહ રાખવો જોઈએ નહિ. એ બતાવ્યું. બીજું એ બતાવ્યું કે ત્યાગ - વૈરાગ્ય અંદરથી જ પ્રગટે છે. એ કંઈ પુસ્તકના વાંચનથી ન બને. એવું વર્તન આ ચર્મચક્ષુથી દેખાવું જોઈએ. એવું વર્તન લાડુબા - જીવુબા મારફત દેખાયું તો બ્રહ્માનંદ સ્વામીમાં વૈરાગ્ય પ્રવેશી ગયો અને અંતરચક્ષુ ખુલી ગયાં.


સારાંશ

બહેનોના સમાસને અર્થે અનાદિમુક્તો સ્ત્રીરૂપે પણ પૃથ્વી પર પ્રગટ થાય છે. મહારાજે પોતાનું તત્વજ્ઞાન અનાદિમુક્તોના જીવનને ઉદાહરણ બનાવી જીવો સુધી પહોંચાડ્યું. પુસ્તકનું જ્ઞાન જીવનને સ્પર્શતું નથી. ગમે - તેવું ઉચ્ચ કક્ષાનું પુસ્તકીયું જ્ઞાન અનુભવજ્ઞાન આગળ વામણું ભાસે છે. અનાદિમુક્તની વાણી અનુભવવાણી હોવાથી જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારી હોય છે.

જેને પૂર્ણ નિષ્કામવ્રતની દૃઢતા હોય તેવાઓને પરણાવવાનો આગ્રહ રાખવો હિતાવહ નથી.