8
મને તો સર્વત્ર ઉપર-નીચે, આજુ-બાજુ ભગવાન સ્વામિનારાયણ અને તેમના મહા અનાદિમુક્તો સિવાય કંઈ જ જોવા મળતું નથી. એમની વચ્ચે આ સમગ્ર સભાનો સમાવેશ થઈ ગયો છે. આ સારીયે સભા દિવ્ય છે, તેજોમય છે. આ સભામાં કોનું સંબોધન કરું પહેલા અને કોનું ન કરું? તો સંબોધન કરવા જેવા કોઈ હોય તો એક ભગવાન સ્વામિનારાયણ. આ સભામાં મધ્યસ્થ બિરાજતા પરમ કૃપાળુ કરુણાસાગર મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, મારા જ્ઞાનગુરુજી અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી જેમણે મને ભગવાન સ્વામિનારાયણને યથાર્થ સ્વરૂપમાં સમજાવ્યા, ઓળખાવ્યા, અનુભૂતિ કરાવી અને ભગવાન સ્વામિનારાયણ કેવા છે, તેમના મુક્તો કેવી રીતે સુખ લે છે એ બધું સમજાવ્યું, સાથે સાથે અનુભૂતિ પણ કરાવી. એ જ્ઞાનગુરુને પણ અત્યારે યાદ કરું અને સત્સંગી હરિભક્તોને વંદન કરી ખૂબ આનંદ અનુભવું છું.
જો શરૂ કરવાની કોઈ બાબત હોય તો તે ભગવાન સ્વામિનારાયણથી શરૂઆત કરવી જોઈએ અને ભગવાન સ્વામિનારાયણ પછી તેમના અનાદિ મહામુક્તો જેકામ કરી રહ્યા છે તેમને યાદ કરવા ઘટે. ભગવાન સ્વામિનારાયણ શા માટે પ્રગટ થયા? ભાગવતધર્મના પોષણ માટે, આત્યંતિક મોક્ષ કોને કહેવાય એ સમજાવવાને માટે, પોતાના સ્વરૂપમાં છે એવું દિવ્યત્તમ સુખ ક્યાંય નથી તે સમજાવવાને માટે આવ્યા. સાથે સાથે લોકોને સત્યનો અને અહિંસાનો ધર્મ સમજાવ્યો, બ્રહ્મચર્યની સ્થાપના કરી, નિષ્કામધર્મને દૃઢ બનાવ્યો, નીચલા સ્તરથી માંડીને ઉપલા સ્તર સુધીના બધા લોકોનો સંપર્ક સાધીને તેમને ઉર્ધ્વગામી બનાવીને પોતાના સુખભોક્તા કરી દીધા. એમણે પૂર્વના અવતારો જેવું કામ કરવાનું રહ્યું નહોતું. તે કામ તો પતી ગયું હતું. એ કામ પતી ગયા પછી બાકી શું રહ્યું? તો ભગવાનના સુખમાં લઈ જવા માટેની પાત્રતા ઊભી કરી દીધી. કંસોને મારવા, મોટા યુદ્ધો જીતવા એ બધું તો ઍલેકઝાન્ડર ધ ગ્રેટ, નેપોલિયન જેવા માણસો પણ કરી ગયા. એ બધું મોટી વાત નથી. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયમાં આવું તો ખૂબ ચાલે છે.
જેને આપણે ઐતિહાસિક રીતે મહાન કહીએ છીએ એવા એ નેપોલિયન અને ઍલેકઝાન્ડરની ભગવાન પાસે કોઈ જ ગણતરી નથી. ભગવાન સ્વામિનારાયણમાંથી આ તમામ વિદ્યાઓ પ્રગટ થઈ છે. એની કલ્પના ત્યારે જ આવે કે જ્યારે એ પ્રભુની દિવ્ય અનુભૂતિ થાય. ત્યારે આ લોકના બધા જ વૈજ્ઞાનિક ચમત્કારો, કાર્યો, ઐશ્વર્યો એ ક્ષુલ્લક લાગે. એમ થાય કે આવા કાર્યો તો એના સંકલ્પ માત્રે થાય છે. સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી પર પ્રગટ થયા પછી કંઈ કરવાનું બાકી નથી રાખ્યું. જુઓ, એમણે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી શોભતા હજારોની સંખ્યામાં સંતો તૈયાર કર્યા. જો કે, નંદસંતોને તો અક્ષરધામમાંથી પોતાની સાથે જ લાવ્યા હતા. એ પછી કેવા હોય! નંદસંતોને તો બીજાના કલ્યાણ કરવાને માટે લાવ્યા હતા. એમણે સમાજસેવાની સામાજિક પ્રવૃત્તિ કે આધ્યાત્મિક સેવા, સંગીત, કળા, સાહિત્ય, જ્ઞાન કે એવું કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નથી.
ભગવાન સ્વામિનારાયણે તો એમ કહ્યું કે શાહુકાર પાસે જેમ રાંક હોયને! એમ દેવો ભગવાન આગળ ગૌણ છે. ભગવાને તો બધાયને એક બાજુ મૂકીને એમ કહી દીધું કે હવે તમારે કોઈનું સ્મરણ કરવાની જરૂર નથી. માત્ર સ્વામિનારાયણ નામનું ભજન કરવું. મારા નામની અંદર બધા જ અવતારોના નામનો સમાવેશ થઈ જશે. એ ભગવાન સ્વામિનારાયણ આપણને ઓળખાયા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે રીતે હું ભગવાન સ્વામિનારાયણને જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે ભગવાનનું પ્રાગટ્ય એ થોડા માટે નથી, પણ સારાય વિશ્વમાં ધીરે ધીરે પ્રસરી જશે અને એમણે એમ કહ્યું કે હજી તો પાંદડે-પાંદડે ભજન થશે. પાંદડે-પાંદડે ભજન કેવી રીતે થાય? સત્સંગ કરાવવો એ સિવાય કોઈ વિકલ્પ ખરો? પાંદડામાંથી સ્વામિનારાયણ - સ્વામિનારાયણ દિવ્ય નાદ નીકળે તો બધાને આશ્ચર્ય થાય કે આ શું? પણ મોટા પુરુષ - સત્પુરુષ બોલે છે એ વાક્ય કોઈ દિવસ ફરતું નથી. ત્યારે, જરૂર પાંદડે-પાંદડે ભજન થવાનું છે. એ એક સમયની વાત છે. સમય તો તમે જુઓને વૈરાજ પુરુષનો દિવસ અને રાત્રિ ગણો તો આપણો કોઈ મેળ ખાય ખરો? હું તો બધાયને કહું કે હવે તમે બધું જ છોડીને ભગવાન સ્વામિનારાયણને અને એમના સંતોને વળગી પડો. ત્યાં તમને બધું જ મળી રહેશે.
હું તો સારાય સત્સંગના સંતોને કહું કે જ્યાં સારું મળે, ત્યાં જવામાં મુશ્કેલી ક્યાં? હનુમાનજીને મોતીનો હાર પહેરાવ્યો તો કહે મને જોવા દો. તો જે મોતીમાં રામનું નામ ન જડે એ ફેંકી દે એવી પતિવ્રતાની ભક્તિ હોવાને લીધે અત્યારે હનુમાનજીની પ્રતિષ્ઠા બધે ય થઈ રહી છે. માટે આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના પતિવ્રતા ભક્તોને એવું જ હોવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ સિવાય આપણી દૃષ્ટિમાં બીજું કાંઈ દેખાવું જોઈએ નહિ. અહીંયા જુઓ, ભગવાન સ્વામિનારાયણ જ દેખાય છે કે બીજું કોઈ? આપણે તુલસીદાસ જેવા બનવાનું. અરે! તુલસીદાસે ભગવાન કૃષ્ણને પણ કહી દીધું કે તમને આ મસ્તક નહિ નમે પ્રભુ! રામચંદ્રજી ભગવાનનું સ્વરૂપ ધારણ કરો, ધનુષ-બાણ હાથમાં લો, તો જ આ મસ્તક નમે, નહિતર નહિ નમે. એવા પતિવ્રતાના અંતરમાં કોઈ અસ્થિરતા આવે ખરી? અરે! કૃષ્ણભગવાને આનંદથી સ્વરૂપ બદલી નાખ્યું! તો આપણને તો રામકૃષ્ણાદિક અવતાર નહિ, પણ અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા, તો પછી આપણી પતિવ્રતાની ટેક કેટલી હોવી જોઈએ? અરે! આભ તૂટી પડે તો ય શું? ગમે તેવા સંજોગો ભલે આવે. સંજોગો તો બદલાતા જ રહે. ભગવાનની કળ પ્રમાણે સંજોગો ન બદલાય? જરૂર બદલાય, પણ આપણી જે દૃઢતા, આપણું જે વલણ તે ન બદલાય. જો એ બરાબર દૃઢ થઈ ગયું હોય તો સંજોગો એને શું કરે? આત્માને - ચૈતન્યને ક્યાં કંઈ અડવાનું જ છે? બસ એ રીતે દૃઢતા રાખવી.
જ્યાં ધર્મશુદ્ધિ હોય, ત્યાં વહીવટશુદ્ધિ હોય જ. કારણ કે ધર્મ વહીવટને અણીશુદ્ધ રાખે. વહીવટશુદ્ધિ ધર્મશુદ્ધિ વગર શક્ય નથી એ હકીકત છે. મને તો એક જ વાત આવડે કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં રહેવું. બીજું કાંઈ આવડે નહિ. આડું-અવળું બોલાય, એક વાત પહેલા બોલાય ને એક વાત પછી બોલાય. પણ એક વાત તો નક્કી કે ભગવાનની કૃપા એવી છે કે એનું સ્વરૂપ મને એક ક્ષણ પણ ભૂલવા દેતા નથી. એવી કૃપા આપણા બધા ઉપર વરસી છે. નિર્ગુણદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી! મને કેમ સમાધિ નથી કરાવતા મહારાજ? ગોપાળાનંદ સ્વામી કહે, સ્વામી! સમાધિ બે પ્રકારની છે. એક છેવટની સમાધિ અને એક નજીકની સમાધિ. જે બીજાને કરાવીએ છીએ એ નજીકની સમાધિ છે. કારણ કે, એ નજીકની સમાધિ જ જીરવી શકે અને તમને સમાધિ કરાવીએ તો એ છેવટની સમાધિ થાય તો તમે તો એ જીરવો એટલે એમાંથી નીકળો જ નહિ. પછી આ કામ કોણ કરે?
હવે આ આખી દિવ્યસભાને હું કોટાનકોટી વંદન કરી અને ખૂબ આનંદ અનુભવું છું અને મહારાજને પ્રાર્થના કરીને આ દિવ્યસભાને પ્રાર્થના કરું છું કે જે જાતનો રાજીપો અને પ્રસન્નતા ભગવાન જાળવી રાખે છે એવું સદાય જાળવી રાખે એવો આ દિવ્યસભાનો રાજીપો ઇચ્છું છું અને એવી એમને પ્રાર્થના કરું છું. હું મારી વાત પૂરી કરું છું, બધાયનો રાજીપો ઇચ્છીને વિરમું છું.
જય સ્વામિનારાયણ!
સારાંશ
અનાદિમુક્ત દરેક જીવોના ચૈતન્યને દિવ્ય રીતે જ જુએ છે. દરેક જીવમાં તેમને ભગવાનના જ દર્શન થાય છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં છે તેવું દિવ્યત્તમ સુખ બીજે ક્યાંય નથી. સ્વામિનારાયણ ભગવાન તથા તેમના અનાદિમુક્ત ભાગવતધર્મનું પોષણ કરવા અને આત્યંતિક મોક્ષ શું છે તે સમજાવવા પૃથ્વી પર પ્રગટ થાય છે. સ્વામિનારાયણ ભગવાનમાંથી જ બધી જ વિદ્યાઓ પ્રગટ થાય છે. એ અનુભવે જ ખબર પડે છે. એમની સામે વિશ્વના બધા જ ચમત્કારો, કાર્યો, ઐશ્વર્યો ક્ષુલ્લક ભાસે છે. સર્વોપરી પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે બધા જ ક્ષેત્રમાં કાર્યો સંપન્ન કરે છે. પૂર્ણ પુરુષોત્તમ મળ્યા પછી તેમના નામમાં બધા નામનો સમાવેશ થઈ જાય છે. માટે પતિવ્રતાની ભક્તિ દૃઢ રાખવી.
ભગવાનને ઓળખાવવાની સેવા બજાવવાની જવાબદારી દરેકની છે. અનાદિમુક્તની દરેક વાત ભગવાનને અનુલક્ષીને જ હોય. તેઓ એક ક્ષણ પણ ભગવાનની મૂર્તિ ભૂલતા નથી. અનાદિમુક્ત વિનમ્રતાની પરાકાષ્ઠારૂપ હોય છે. બીજા જીવોને શીખવવા પોતે સભા પાસે ‘રાજીપો ઇચ્છું છું’. એવા વચનો બોલી બીજાને પોતાના વર્તન દ્વારા નમ્ર બનવાનું શીખવે છે.