9

0:000:00

શ્રીજીમહારાજના અનાદિમુક્તોની આ દિવ્યસભાને હું કોટાનકોટી વંદન કરું છું.

જ્યાં મહારાજ, ત્યાં અનાદિમુક્ત અને અનાદિમુક્ત ત્યાં મહારાજ. મહારાજે આજના દિવસને એવો તો આકર્ષક - ચિત્તાકર્ષક - ચિત્તનિરોધક એવો સરસ બનાવ્યો છે. એનો પ્રતાપ જ એક ચમત્કાર છે. આ દિવસ કોનો? અનાદિ મુક્તરાજ સોમચંદબાપાની પુણ્યતિથિનો દિવસ. વચનામૃતજયંતી બે દિવસ સુધી થઈ. જેમ બે અગિયારસ હોય છેને? ગઈ કાલે પણ હતી અને આજે પણ છે. વચનામૃતની તો વાત જ જુદી છે. એ તો શ્રીમુખવાણી. મુક્તના પરચા છે એ પણ શ્રીજીમહારાજના જ છે. જેમ રામકૃષ્ણભાઈએ તથા ગોવિંદભાઈએ એમની વાતમાં કહ્યું એમ જે કંઈ પરચા-ચમત્કાર કે દિવ્ય પ્રભાવ દેખાય છે એ કેવળ શ્રીજીમહારાજના જ છે. મારે તો ભગવાનને વિશે કેવળ પ્રેમ જ હતો. હવે એ પ્રેમ જ હોય તો શું ખબર પડે? કોઈ વસ્તુ જ ન ગમે. મુક્તોના અંગ (પ્રકૃતિ) જુદા જુદા હોયને? એ અંગની વાત કેટલીકવાર મહારાજના મુક્તો એટલા માટે કરતા હોય છે કે તે ઉપયોગી હોય અને જીવનમાં બધાયને સ્પર્શે. એવી ઘણી વાતો મુક્તોએ કરેલી પણ છે.

સોમચંદબાપા પાસેથી કેટલીક વિગતો મેં પૂછી પૂછીને કઢાવી અને એમણે સત્ય પણ કહેલી. મેં કહ્યું, તમારા જીવનનો એકાદ પ્રસંગ તો કહો તો ભવિષ્યમાં કામ આવે. તો કહે જુઓ, હું એકવાર બધું કામ કરીને પછી આખડતો પાખડતો ગમે એમ કરીને ઘરે આવ્યો. રસ્તામાં રાત પડી ગઈ હતી. કંઈક કામ હતું. લાંબી વાત તો કરે નહિ. બાપા પાસે આવી પહોંચ્યા અને બાપાશ્રી તેની રાહ જોઈને આમ બેસી રહેલા. જેમ મા પોતાનો દીકરો મોડો પડે ને રાહ જુએ, એમ રાહ જોતા હતા. બાપા કહે, અહોહો! આટલું બધું મોડું કર્યું? હું તો ક્યારનો ય વરસાદની જેમ રાહ જોઉં છું. ચિંતા થતી હતી કે આ છોકરો કેમ મોડો પડ્યો? પછી એમણે (સોમચંદબાપાએ) કહ્યું કે બાપા! તમે તો અંતર્યામી છો એમાં કોઈ શંકા નથી. અને તમે આમ બધી લીલા બતાવીને એમ કહ્યું કે તું કેમ મોડો પડ્યો? તમે બધું જાણો છો ને હું કહું એ સારું કહેવાય? ત્યારે બાપાએ સમજાવવા માટે એમ કહ્યું કે જુઓ, હું પૂછું ત્યારે ભલે હું બધું જાણતો હોઉં તો પણ તારે મને બધું કહી દેવાનું. બાપા! એમ કેમ? એનું શું કારણ? તો બાપાએ કહ્યું જુઓ, આ જે હું જાણતો હોઉં તો તું એમ ધારે કે હું બધું જ કહી દઉં, તો આશ્ચર્યો ઊભા થાય. આવા આશ્ચર્યોની અપેક્ષા બધાય રાખે. ત્યારે હું જો મારું અંતર્યામીપણું ઢાંકુ નહિ તો ભગવાનની મૂર્તિમાં જોડાવાને બદલે ઐશ્વર્યોમાં જોડાઈ જાય. એને ઐશ્વર્યો જ માફક આવે. અને પછી ભગવાન કે મુક્ત ઐશ્વર્ય ન બતાવે તો મનુષ્યભાવ આવી જાય. એ મનુષ્યભાવ જેવી બૂરી ચીજ એકે ય નહિ

કોઈએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કરેલો કે સ્વામી! તમને કોઈના વિશે કોઈ દિવસ મનુષ્યભાવ આવેલો ખરો? કોઈ સંતપુરુષને વિશે? તો સ્વામીએ એમ કહ્યું કે સંતપુરુષને વિશે તો નહિ, પણ કોઈને વિશે મનુષ્યભાવ નથી આવતો. પછી એને એમ થયું કે કોઈને વિશે એટલે ગમે તેવો હોય, પંચ વર્તમાન પાળતો ન હોય બરાબર, સરખો ન હોય તો ય એના વિશે ય સ્વામીને મનુષ્યભાવ ન આવે? એ તો વિચારમાં પડ્યા. સ્વામી નજરે જોતા હોય કે બરાબર નથી અને એના વિશે મનુષ્યભાવ ન આવે? તો સ્વામીએ મનુષ્યભાવનો અર્થ સમજાવ્યો કે જો ભાઈ, સાધનદશામાં જરૂર મનુષ્યભાવ આવે. દિવ્યભાવમાં કોઈ દિવસ કોઈને વિશે મનુષ્યભાવ નથી આવતો. મનુષ્યભાવ એટલે મનુષ્ય જે પાપકર્મ કરે છે એ પાપકર્મ અનાદિમુક્તો નજરે જુએ છે, એને ખબર પડે છે, એનું અંતર એને દેખાય છે. જેમ અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે, એમ ભગવાનના અનાદિમુક્તોને દરેકે દરેકનું અંતર જો જાણવાને ઇચ્છે તો એવું ને એવું દેખાય. આપણે આ ઘડીએ જે વિચારવાના છીએ ને બીજી ઘડીએ જે વિચારવાના છીએ એ ય ભગવાનના પ્રતાપે એમના જાણ્યામાં આવે છે.

મનુષ્યભાવનો અર્થ એ કે દેખાય બધું, પણ એનું જાણપણું રહે. પણ એના વિશે તિરસ્કાર કે અભાવ આવે નહિ. એ મનુષ્યભાવનો છેલ્લો અર્થ છે. અનાદિમુક્ત જે ભગવાનની મૂર્તિમાં રહેતા હોય એના વિશે મનુષ્યભાવ ભૂલેચૂકે ય ન લાવવો. એક દાખલો આપું કે ગોપાળાનંદ સ્વામીના પટ્ટશિષ્ય મહાનુભાવાનંદ સ્વામીના દર્શન કરવા હળવદ ગયા. સ્વામીના એક બીજા પણ શિષ્ય હતા. બેની જોડ હતી. સ્વામીને કહ્યું કે સ્વામી, અમે મહાનુભાવાનંદ સ્વામીના દર્શને જઈએ છીએ. સ્વામીશ્રી મહાનુભાવાનંદ સ્વામીની પ્રશંસા કરતા, તેમના ગુણોની પ્રશંસા કરતા એટલે આ સંતોને તેમના દર્શનની ઇચ્છા થઈ અને ગયા. મહાનુભાવાનંદ સ્વામી આ સંતોને આવેલા જોઈ એકદમ ઊભા થયા કહે, ‘અહો!’ એમ કહીને ભેટ્યા, આવકાર્યા. પછી એમની વૃત્તિ મહારાજે ખેંચી લીધી અને તેઓ જમવા બેસી ગયા. તેઓ એક પિત્તળની થાળીમાં જમતા હતા અને એ ભૂલી ગયા કે આ સંતો આવ્યા છે. આ સંતો હજી સાધનદશામાં હતા તો પોતે અપમાનિત લાગ્યા કે ‘અરે! આ સ્વામી પાતરમાં જમતા નથી, પિત્તળની થાળીમાં ખાય છે. હમણા આપણને ભેટ્યા પછી થઈ રહ્યું. આપણે જાણે છીએ જ નહિ, આપણી તો પડી જ નથી અને પોતે જમવા બેસી ગયા! અરે! આમને શું ભેળા થઈએ (મળીએ) મૂકોને વાત? અહીં આવવાથી શું ફાયદો? એમ વિચારી તેઓ તો તરત પાછા જ વળ્યા. હજી મહારાજના દર્શને ય ન કર્યા. તાનમાં ભૂલી ગયા અને સીધા પાછા વળી ભાગવા જ માંડ્યું. એટલામાં મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજને જમાડી લીધા. સ્વામી શિષ્યને કહે, ‘પેલા સંતો આવ્યા હતા તેમને જમાડ્યા, ક્યાં બેસાડ્યા, શું કર્યું?’ તો પેલા શિષ્ય કહે, ‘સ્વામી! શું કરે? તમે એવું કાંઈ કહ્યું નહોતું.’ સ્વામી કહે, ‘અરે! કંઈ અક્કલ છે? હું તો મહારાજને જમાડવામાં મૂર્તિ દેખાતી હતી એટલે ભૂલી ગયો, પણ તારી બુદ્ધિ ક્યાં જતી રહી હતી? તારે બેસાડીને જમાડવા જોઈએને?’ તો પેલા શિષ્ય કહે, ‘સ્વામી! તમે કંઈ બોલ્યા નહિ તો મારે શું કરવું?’ સ્વામી કહે, ‘અરે! જા જા દોડ. જ્યાં હોય ત્યાંથી લઈ આવ. નહિતર અપરાધ થઈ જશે અને મહારાજ વઢશે અને ઠપકો આપશે.’ પછી બધાને દોડાવ્યા, પણ પેલા સંતો એટલું બધું દૂર નીકળી ગયેલા કે હાથ આવ્યા નહિ. પછી સંતો પોતાને સ્થાને પહોંચ્યા. આવીને સ્વામીના આમ તેમ દર્શન કર્યા, પણ બીજી વાત કરી નહિ. એમને એમ થયું કે સ્વામીને આવું શું કહેવું? એટલે મગજમાંથી વાત કાઢી નાંખી.

એમ કરતાં છ મહિના થયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીની ઇચ્છાથી ચૈતન્યમાં મહારાજના દર્શન થતા હતાં તે બંધ થઈ ગયા. મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. ધ્યાન કરે તો ય મૂર્તિ ન દેખાય. મૂર્તિ ન દેખાય ને બીજું દેખાય. જે ન જોવાનું હોય એ દેખાય. તો પછી બંનેને એવું થયું. તે બે સંત સાથે હતા. કે આ શું થાય છે? તમને સારું ધ્યાન થાય છે? તો કહે, મને ય એવું થાય છે. બે ય જણાને એમ થયું કે આવું કેમ થાય છે? મહારાજની મૂર્તિ દેખાય નહિ એ કઈ જાતનું? પછી મૂંઝાણા એટલે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે ‘સ્વામી! આવું કેમ થાય છે? શું કારણ? અમે કોઈ આજ્ઞા લોપતા નથી. ધર્મ-નિયમેયુક્ત રહીએ છીએ અને આ શું વળી?’ તો સ્વામી કહે, ‘ક્યારથી થાય છે!’ તો કહે, ‘લગભગ છ મહિનાથી થાય છે.’ સ્વામી કહે, ‘અચ્છા. એવું કંઈ તમને યાદ આવે છે કે તમે કંઈ ખોટું કર્યું હોય? તો કહે, ‘ના સ્વામી! અમે કંઈ ખોટું નથી કર્યું.’ સ્વામી કહે, ‘ના, ના ખોટું કર્યું હશે.’ પછી તરત જ કહ્યું કે ‘તમે મહાનુભાવાનંદ સ્વામીના દર્શન કરવા ગયા હતા?’ સંતોએ કહ્યું, ‘હા, ગયા હતા.’ પછી એમણે વાત કરી કે એ સ્વામી પિત્તળની થાળીમાં જમતા હતા અને એટલે એમને વિશે સંકલ્પ થયો હતો. સ્વામી કહે, ‘અરે મુરખ! જમાડનારે ય મૂરખ અને જોનારા ય મૂરખ. એમને તો પારસની થાળીમાં જમાડો તો ય ઓછું છે. કારણ કે, તેમના મુખે જમનારા મહારાજ છે. એ પાતર તો તારા માટે છે, એમના માટે નહિ. તું પાતરમાં ખાઈશ ત્યારે મહારાજ દેખાશે. આવો સંકલ્પ કર્યો એમાં આમ થાય છે.’ પછી તો બહુ જ કહ્યું. ઉઘાડે પગે જા અને સ્વામીની માફી માગ તો મૂર્તિ દેખાશે. ઉનાળો હતો તેમાં ઉઘાડા પગે ગયા તો પગમાં ફોલ્લા પડી ગયા. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પોતે તેલ વગેરે ચોપડીને સારવાર કરી. પછી સ્વામી કહે, ‘ગોપાળાનંદ સ્વામી દયાળુ થઈને કેમ આટલા બધા આકરા થઈ ગયા? તમને આમ મોકલ્યા?’ પછી સંત કહે, ‘આપના વિશે આવો સંકલ્પ થઈ ગયો હતો એટલે મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ.’ સ્વામી કહે, ‘ભલે થઈ ગયો. જાવ માફ બધું. આવો ભેટીએ’ પછી ભેટ્યા એ ભેગી જ મૂર્તિ દેખાણી.

એટલે કહેવાનો અર્થ એ છે કે મનુષ્યભાવ ભગવાનના મુક્તો-સંતો વિશે કે કોઈના વિશે કરવો નહિ. જાણપણું રાખવું, પણ અભાવ લેવો નહિ. કારણ કે એ એની મેળે સુધરેને? ઉત્ક્રાંતિ એક દિ’માં થઈ જાય, રાતોરાત થઈ જાય? વાર લાગે થોડી. સત્સંગ કરતાં કરતાં અંતે ભગવાન એની એવી સ્થિતિ કરશે. અરે! બાપાની વાતમાં છે કે કોઈકે પૂછ્યું કે બાપા! ધર્મ-નિયમે યુુક્ત હોય, પંચ વર્તમાન પાળતો હોય, પણ ઉપાસનામાં કચાશ હોય તો એની શી ગતિ થાય? તો બાપાએ પોતે કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ જે બ્રહ્માંડમાં પ્રગટ હોય અને અનાદિમુક્ત વિચરતા હોય તે જોગમાં એને મૂકે અને એના લીધે એનું અજ્ઞાન ટળી અને ઉપાસના પરિપક્વ થઈને ભગવાનના સુખમાં પહોંચે. કેટલા દયાળુ! કરુણાસાગર વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે આવો ઉત્તર કર્યો. કે તમારો કરુણાસાગરનો એક દાખલો તો દો! આ કરુણાસાગર. પોતાની દૃષ્ટિમાં આવે એટલે કામ કરી નાંખે.

સોમચંદબાપાને યાદ કરતાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદાખાચર બધા જ મુક્તો આંખ સામે આવે. આ સભામાં એમના જે ગુણગાન ગાયા તેથી અત્યંત આનંદ થાય છે, તેમાં હું પણ મારો સૂર પૂરાવું છું. ઘણી જ વાતો છે, પણ એક વાત કહું કે સોમચંદબાપાનું વ્યક્તિત્વ અનોખું લાગે. અને એમના વિચરણ જેવો હજી સુધી કોઈ દાખલો થયો નથી. ભગવાન વિવિધ સમયે મુક્તોના અંગ (પ્રકૃતિ) અલગ અલગ રાખે છે. એ અંગોની વાતો કરુંને તો કલાક થઈ જાય, પણ મઝા આવે. હજીયે ઊભા થાવ નહિ. બરોબર? એ સોમચંદબાપા તે આપણા ગુરુદેવ સમાન અને ભગવાનની મૂર્તિના સુખમાં મૂકી દેનાર બાપાશ્રી આપણા ગુરુવર્ય જ્ઞાનગુરુજી. એથી આગળ વધીને શું કહીએ? પણ ભગવત્સ્વરૂપ સ્વામી કહેતા કે બાપા એટલે બાપા. મેં પૂછેલું કે તમને સુખ કોણે અપાવ્યું? સ્વામી કહે, ‘અરે! મૂર્તિ ત્રણેય અવસ્થામાં દેખાતી હતી, પણ સુખ ભોગવાવું જોઈએને? તે નહોતું થતું. તે બાપાએ કર્યું.’ મેં કહ્યું, ‘તમે હવે એવું કરી શકો?’ તો કહે, ‘ના. એ વાત ન થાય. એ સુખ શું છે તે વાતો કરીએ, પાત્ર કરીએ, પણ બાપા જેવું કામ ન થાય.’ તે સ્વતંત્ર મુક્તદશા બતાવતા હતા. એટલે અનાદિમુક્તની વાત જુદી છે. આ સોમચંદબાપાની તિથિનો દિવસ અને એક અબજીબાપાનો પ્રાગટ્યદિન આ પ્રસન્નતાના દિવસો છે. કારતક સુદ એકાદશીનો દિવસ છત્રીએ ઉજવીએ છીએ. બાપાની વાત બહુ ન્યારી છે. એ મૂર્તિની વાત ન્યારી એટલે ન્યારી.

વાત પતી ગઈ ? બસ, બધા મુક્તો ખૂબ રાજી રહેજો.

આ સભામાં જે વાતો થઈ, જે પ્રવચનો થયા એવા બીજી સભામાં થાય? એવા થાય જ નહિ. બીજી સભામાં તો શું બોલવું અને શું નહિ એ જ વિચાર આવે. બરોબર? કારણ કે બધાને સાચવવાના અને અહીં તો એક જ વાત કે મહારાજની મૂર્તિ. ચૈતન્યને મુક્ત કરી દીધો. હવે બીજી વાતો ક્યાં કરવાની હોય? આમાં જેવો આનંદ આવે તેવો બીજી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો એ ઉપયોગી છે, પણ આવો આનંદ ન આવે. કારણ કે એ સાધન છે અને મૂર્તિની વાતો એ સાધ્ય છે. સાધનની વાતોમાં કોને રસ ન મળે? જે મૂર્તિના આનંદ માટે ઝંખતો ન હોય એને સાધનદશાની વાત બહુ ગમે. બધા રાજી રહેજો.


સારાંશ

અનાદિમુક્ત સાથે મહારાજ સદાય હોય જ છે. દરેક મુક્ત પોતાના અંગ જુદા જુદા એટલા માટે રાખે છે કે જીવોના અંગ પણ જુદા હોવાથી દરેકને એ ઉપયોગી બને. અનાદિમુક્ત અંતર્યામી હોવા છતાં તેઓ જ્યારે કંઈક પૂછે, ત્યારે જવાબ આપવો. તેઓ દરેક વખતે અંતર્યામીપણું બતાવે તો જીવો મહારાજને મૂકી તેમનામાં જોડાય, માટે તેવું કરતા નથી. અનાદિમુક્તને વિષે મનુષ્યભાવ જીવનું બગાડી નાંખે છે. કોઈ જીવને વિષે પણ મનુષ્યભાવ લાવવો નહિ. સાધનદશામાં મનુષ્યભાવ આવે, પણ દિવ્યભાવમાં કોઈ વિષે મનુષ્યભાવ આવતો નથી. દિવ્યભાવમાં બધું જ જાણતા હોવા છતાં તિરસ્કાર આવતો નથી. જીવની ઉત્ક્રાંતિ ધીમે ધીમે જ થાય. તે ઉત્ક્રાંતિમાં ઝડપથી આગળ વધવા કોઈના વિશે મનુષ્યભાવ લાવવો નહિ.

ઉપાસના પરિપક્વ થાય પછી જ જીવ મહારાજના સુખમાં પહોંચે. ઉપાસના કાચી હોય ત્યાં સુધી મહારાજ જે બ્રહ્માંડમાં પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવી મુક્ત દ્વારા અજ્ઞાન ટાળી પછી સુખમાં મૂકે એ એમની કરૂણા. અનાદિમુક્ત જ જીવને મહારાજના સુખની પ્રાપ્તિ કરાવી શકે છે. બીજા કોઈથી એ વાત બનતી નથી. અનાદિમુક્ત બિરાજમાન હોય એ સભામાં મૂર્તિની જ વાતો થતી હોવાથી જીવોને વિશેષ આનંદ આવે છે.