૬. આદર્શ સહચારિણી
પૂજ્ય લીલાબેન એટલે આદર્શ નારી. સંપૂર્ણ પતિપરાયણ, નિષ્કામી, નિર્ગુણ, પ્રેમાળ, સેવાભાવી અને નિષ્કપટ, નિર્માની પણ એવાં જ. તેમનાં દર્શન કરનારને તેમના મુખ પરના મૂર્તિમંત સતીત્વનાં અચૂક દર્શન અનુભવાય. સત્સંગમંડળ તેમને માસીના હુલામણા નામથી સંબોધે છે. ધનસંપત્તિએ યુક્ત કુટુંબમાંથી આવ્યા હોવા છતાં ય મુક્તરાજની ટૂંકી આવકમાં રાજી થકા રહે. તેમાં ય મુક્તરાજના કહેવાથી કરકસરયુક્ત જીવન પણ જીવે, છતાં ય ક્યારેય કોઈ રાવ-ફરિયાદ નહિ. પરિસ્થિતિ ગમે તે હોય, સુખ હોય કે દુઃખ દરેક પરિસ્થિતિમાં સદાય હસતે મુખે મુક્તરાજની સાથે જ હોય. આર્થિક ભીંસ હોય કે પછી ભૂતોવાળું ઘર હોય, નીડર થઈ સાહસપૂર્ણ રીતે પરિસ્થિતિનો સામનો કરે ને મુક્તરાજને સર્વપ્રકારે સહકાર આપે. મુક્તરાજના ગમા-અણગમાનો પૂર્ણપણે ખ્યાલ રાખે. મુક્તરાજને જે કાર્ય કે વસ્તુનો અણગમો હોય તે ક્યારેય કરે નહિ ને તેવી વસ્તુ રાખે નહિ. ક્યારેય ઊંચે અવાજે બોલે નહિ. ક્યાંય બહાર જવું હોય, મંદિરે દર્શન કરવા જવું હોય, તો પણ મુક્તરાજની અનુમતિ લઈને જ જતાં. પોતે મજાર્દી પ્રકૃતિ રાખતાં, ઘરમાં એકલાં હોય ત્યારે કોઈ પણ પુરુષને ઘરમાં પ્રવેશવા દેતાં નહિ. દરેક જણ પ્રત્યે લાગણી અને કરુણા દાખવે. કોઈને જમાડે ત્યારે મા સમ પ્રેમ દાખવી આગ્રહપૂર્વક જમાડે. ઘરમાં અનાદિમુક્તના ઘરને શોભે તેવી સ્વચ્છતા, સુઘડતા અને પવિત્રતા જાળવે. પોતાની પાસે આવનાર દરેક નાની-મોટી બહેનોમાં તથા નાનાં બાળકોમાં સંસ્કાર સિંચન કરે. રસોઈ બનાવવા સહિતના તમામ ગૃહકાર્યની સુંદર વ્યવસ્થા કેવી રીતે કરવી, ભગવાનનું ધ્યાન-ભજન કેવી રીતે કરવું વગેરે દરેક બાબત પ્રેમપૂર્વક શીખવે. તેમના વિષે મુક્તરાજ કહેતા, "સ્ત્રીઓનો આશ્રમ સ્થાપ્યો હોય તો લીલામાસી શ્રેષ્ઠ ગૃહમાતા તરીકે સાબિત થાય તેવા દરેક ગુણો તેમનામાં છે."
મહારાજમય પોતાનું જીવન બનાવી, મુક્તરાજના આદર્શો અને સિદ્ધાંતોને પોતાના આદર્શો અને સિદ્ધાંતો બનાવ્યા અને આદર્શ સહચારિણીનું સચોટ ઉદાહરણ સમાજ સમક્ષ ખડું કર્યું.