૪. શૈક્ષણિક કારકિર્દી
ધ્રાંગધ્રા પાછા આવ્યા પછી થોડા જ સમયમાં અચાનક શાકુબાની તબિયત બગડતાં પૂજ્યશ્રી નારાયણભાઈએ મેટ્રિકનું વર્ષ હોવા છતાં એડમિશન ન લીધું ને માતુશ્રીની સેવામાં લાગી ગયા. માતુશ્રીની સેવા-ચાકરી કરે, પાસે બેસી ભગવાનની વાતો કરે. આ જોઈ માતુશ્રી પણ ધન્યતા અનુભવતાં. મુક્તરાજને પ્રાર્થના કરતાં કહેતાં જે, "મારાં પૂર્વનાં કોઈ બહુ મોટાં પુણ્ય હશે, જેથી તમારા જેવા મુક્તની હું મા થઈ. મને બાપાશ્રીનાં વચનો બરાબર યાદ છે. તમે મોટા મુક્ત છો અને મહારાજના સંકલ્પથી અહીં પધાર્યા છો. વઢવાણમાં ભૂતોનો મોક્ષ કર્યો હતો તે પણ મને યાદ છે. હવે મારી એટલી જ પ્રાર્થના છે કે મને ઠેઠ મહારાજના સુખમાં મૂકી દેજો." મુક્તરાજ બોલ્યા, "મા! તમે તો મહારાજના અતિ કૃપાપાત્ર છો, આખી જિંદગી ભગવાનને સંભાર્યા છે તો હવે ભગવાન કાંઈ તમને મૂકી નહિ દે. તમે ભગવાનનું સ્મરણ કર્યા કરો અને મૂર્તિ ધારો." માતુશ્રીનો અંતસમય છે એમ જાણી પૂજ્યશ્રી નારાયણભાઈએ માતુશ્રીને શ્રીજીમહારાજના અલૌકિક દિવ્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવી તેમાં જોડી દીધા. શાકુબા પણ મુક્તરાજની પરભાવની વાણી સાંભળી અંતરમાં અદભુત શાંતિનો અનુભવ કરતાં સદાયને માટે શ્રીહરિજીના સ્વરૂપમાં લીન થયાં.
માતુશ્રીના દેહવિલય બાદ પૂજ્યશ્રી નારાયણભાઈએ અભ્યાસ પુનઃ શરૂ કર્યો. મેટ્રિક ધ્રાંગધ્રામાં જ કર્યું. તેમાં પણ પ્રથમ શ્રેણીમાં પાસ થયા.
ત્યાર પછી ભાવનગરની શામળદાસ કૉલેજમાં એક વર્ષ રહી ઈન્ટર સાયન્સ પ્રથમ શ્રેણીથી પાસ કર્યું. ત્યાંથી બી. એસસી. પૂરું કરવા સુરત આવ્યા. વઢવાણના આચાર્યશ્રી આનંદપ્રસાદજી મહારાજ પૂજ્યશ્રી નારાયણભાઈ વઢવાણ રહેતા ત્યારથી તેમને મુક્તપુરુષ તરીકે જાણતા. વળી પૂજ્યશ્રી નારાયણભાઈ અભ્યાસમાં પણ તેજસ્વી હતા તેથી આચાર્ય મહારાજશ્રીએ સુરત મંદિરના સ્વામી હરિજીવનદાસજી પર ભલામણ પત્ર લખી આપ્યો હતો. તે પત્ર લઈ મુક્તરાજ સુરત પધાર્યા. આ દરમ્યાન મુક્તરાજ પૂ. લીલાબેન સાથે ગૃહસ્થજીવનમાં જોડાઈ ગયા હતા. જે વિષે આગળ વિગતે જોઈશું. સુરતની એમ. ટી. બી. સાયન્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંની જ હૉસ્ટેલમાં રહેવા લાગ્યા. હૉસ્ટેલથી મંદિર લગભગ ચાર થી પાંચ કિ.મી. દૂર થાય. મુક્તરાજ દરરોજ સાયકલ પર મંદિરે જમવા જતા. આર્થિક પરિસ્થિતિ સાવ દુર્બળ હોવાથી મુક્તરાજ હૉસ્ટેલની રૂમમાં ફોતરાવાળી શિંગ રાખી મૂકતા. ફોતરાવાળી શિંગ જલદી બગડી ન જાય, તે ભરી રાખે ને ભૂખ લાગે ત્યારે એ શિંગ અને ગોળ નાસ્તામાં લેતા. કૉલેજમાં અભ્યાસ કરતા હોવા છતાં ય પોતે સંપૂર્ણ સાદાઈ રાખતા અને ખૂબ જ મર્યાદામાં રહેતા. બહેનોનો અજાણતાય ક્યારેય સ્પર્શ ન થઈ જાય તેની ચીવટ રાખતા. સહજ અંતર્વૃત્તિનું અંગ એટલે વર્ગમાંથી બહાર નીકળીને આડુંઅવળું જુએ નહિ. મહારાજમાં વૃત્તિ રાખી અર્ધબીડેલી આંખો રાખીને જ ચાલતા.
સુરતમાં એ વખતે મુક્તરાજે ન્યૂમોનિયા તાવ ગ્રહણ કર્યો હતો. મંદવાડ વધતા હૉસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ મુક્તરાજે હૉસ્પિટલમાં જવાની અનિચ્છા દર્શાવી. કારણ કે ત્યાં સ્ત્રી નર્સ તેમને અડે તે તેઓને પસંદ ન હતું. આથી હૉસ્ટેલમાં જ રહેતા, પરંતુ ત્યાં એકલા રહે અને કોઈ સેવા કરનાર ન હોવાથી એક સત્સંગી ભાઈ ઘનશ્યામભાઈએ તેમને પોતાને ઘેર લઈ જઈ મુક્તરાજની સેવા કરી. એ દરમ્યાન પૂ. લીલાબેન આવી મુક્તરાજને મુંબઈ સારવાર માટે લઈ ગયાં. ત્યાં થોડા દિવસની સારવાર બાદ મુક્તરાજને પાટણ લઈ ગયા. ત્યાર બાદ હેતવાળા હરિભક્તોની આજીજીભરી પ્રાર્થનાથી મંદવાડને રજા આપી. આ મંદવાડની લીલા લાંબી ચાલતા બી. એસસી.ના છેલ્લા વર્ષમાં એડમિશન ન મેળવી શક્યા. ખાલી સમયમાં મુક્તરાજે થોડો સમય નોકરી કરી લેવાનું વિચાર્યું.
શિક્ષકની નોકરી મળતા મુક્તરાજ થોડા સમય માટે પાટણમાં જ રોકાયા. અહીંની ન્યુ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી લાંબો મંદવાડ ગયો હોવાથી પૂ. લીલાબેન મુક્તરાજ સાથે અહીં રહેવા આવ્યાં હતાં. સીમિત આવકમાંથી ઘર ચલાવવાનું હોવાથી મુક્તરાજે રૂગનાથની પોળમાં ઓછા ભાડાવાળું એક મકાન ભાડે રાખ્યું. આ ઘરની બાજુના મકાનમાં ભૂત રહે. પોતાની જાણ કરવા એક વખત પૂ. લીલાબેન સાંજે નિત્ય-નિયમ કરતાં હતાં ત્યારે તેમને દોરડું માર્યું. દોરડું દેખાય, પરંતુ ભૂત ન દેખાય. લીલાબેન નીડર, આથી જરા પણ ગભરાય નહિ. મુક્તરાજે દયા આણી તે ભૂતનો મોક્ષ કર્યો. થોડા સમય બાદ તે ઘર બદલી ગિરધારીના પાડામાં માસિક છ રૂપિયા ભાડેથી બીજું ઘર રાખી ત્યાં રહેવા આવ્યા. અહીં તો ઘરમાં જ જન થતા હતા. આ જનો જાતજાતના અવાજો કરે, તાળાં તૂટવાના અવાજો આવે, અભેરાઈ પર વાસણ ગોઠવ્યાં હોય તે પાડી નાખે. આવી અનેક પ્રકારની ધમાલ કરે. મુક્તરાજનાં બહેન માણેકબેનને તો એક વખત દેખાયું પણ હતું. મુક્તરાજ જેવા અનાદિમુક્ત દયા આણી જો આવા ઘરમાં રહેવા આવે તો જ ભૂતોનો મોક્ષ થાય ને! આ ઘરના ભૂતોનો પણ મુક્તરાજે મોક્ષ કર્યો અને ઘરને ભૂતોથી મુક્ત કરી તીર્થરૂપ બનાવ્યું. આ રીતે મલિન વાસનાવાળા જીવોનો પોતાના પ્રતાપે મોક્ષ કરતા તે અંગેનો ધ્રાંગધ્રામાં બનેલ એક બીજો ઉલ્લેખનીય પ્રસંગ અત્રે અસ્થાને નહિ ગણાય. એક વખત મુક્તરાજ, પૂ. દિવાળીબા તથા પૂ. લીલાબેન એમ ત્રણેય જણા પૂ. દિવાળીબાના સંબંધીને ઘરેથી નીકળી રાત્રે 12 વાગ્યા પછી પોતાને ઘેર આવતા હતા ત્યારે માર્ગમાં કાશીકૂવો આવે છે. ત્યાં ઘણાં ભૂતો થતાં. ગામમાંથી કોઈ પણ રાત્રે ત્યાં જઈ શકતું નહિ. જેવા આ ત્રણેય મુક્તો નીકળ્યા કે દિવાળીબાએ કૂવા ઉપર અસંખ્ય ભૂતો જોયાં. મુક્તરાજ તો મહારાજના સ્વરૂપમાં અંતર્વૃત્તિએ યુક્ત ચાલતા હતા. દિવાળીબાએ 'નારાયણભાઈ! આ જુઓ તો ખરા', એમ બૂમ પાડી. તેથી મુક્તરાજ થોભી ગયા ને ભૂતો ઉપર કૃપાદૃષ્ટિ કરી ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી બધા ઉપર પાણી છાંટ્યું. તેથી બધાં ભૂતોનો મોક્ષ થયો ને તે સ્થાનને નિર્ભય બનાવ્યું, આથી ગ્રામજનોને સાનંદાશ્ચર્ય થયું.
એક વખત શાળામાં તેમનો વર્ગ હતો અને એ જ સમયે આચાર્યે કામ હોવાથી મુક્તરાજને પોતાના કાર્યાલયમાં બોલાવ્યા. તે દરમ્યાન જ નિરીક્ષકો આવ્યા. શાળામાં બધે ફરતા મુક્તરાજના વર્ગમાં પણ ગયા. મુક્તરાજની શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થઈ તેઓ આચાર્યની ઑફિસમાં આવ્યા. મુક્તરાજને ઑફિસમાં બેઠેલા જોઈ અચંબામાં પડી ગયા. અવાચક્ થઈ જોયા કરે, મોઢામાંથી શબ્દો નીકળે નહિ. આચાર્યએ મુક્તરાજની ઓળખાણ આપતા કહ્યું, "આ અમારી શાળાના શ્રેષ્ઠ શિક્ષક છે અને ભગવાનના બહુ મોટા ભક્ત છે." નિરીક્ષકો ડઘાઈ ગયા હતા. કહેવા લાગ્યા, "આમને હમણાં વર્ગમાં જોઈને જ આવ્યા અને અહીં પણ તેઓ કામ કરે છે! એક જ વ્યક્તિ એક સમયે બે જગ્યાએ કઈ રીતે હોઈ શકે? આ અશક્ય છે." આવું સાંભળતાં મુક્તરાજ બોલ્યા, "તમે મને વર્ગમાં જોયો હશે તો એ શ્રીજીમહારાજે તમને એવું દેખાડ્યું હશે, કારણ કે હું તો ક્યારનો અહીં કામ કરું છું." નિરીક્ષક દંગ રહી ગયા. તેમને મુક્તરાજનો ઘણો મહિમા થયો. વાત સાંભળી આચાર્ય પણ મુક્તરાજને વંદન કરી રહ્યા.
ભગવાનના જ સંકલ્પથી અહીં વિદ્યમાન થતા તેમના લાડીલા અનાદિમુક્તોને ભગવાન સાથે સ્વામી-સેવકભાવે એટલી બધી એકતા હોય છે કે તેમના દ્વારે શ્રીજીમહારાજ પોતે કાર્ય કરે છે અને ઘણી વખત આવી રીતે તેમના જેવું રૂપ ધરી તેમની જગ્યાએ કાર્ય પણ કરે છે.
પાટણમાં થોડા મહિના નોકરી કર્યા બાદ નવું વર્ષ શરૂ થતાં બી. એસસી.નું છેલ્લું વર્ષ બાકી હોવાથી ભાવનગરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. છેલ્લું વર્ષ હોવાથી ખૂબ જ ખંતથી અભ્યાસ કર્યો અને ઇ. સ. 1946માં પ્રથમ શ્રેણીમાં બી. એસસી. પાસ થયા અને ત્યાર બાદ અમદાવાદ જઈ ડી. ટી. સી.નો (ડિપ્લોમા ઈન ટેક્સટાઈલ કેમેસ્ટ્રીનો) અભ્યાસ કર્યો. અવરભાવની દૃષ્ટિએ કહેવાતો અભ્યાસક્રમ મુક્તરાજે પૂર્ણ કર્યો.