નિવેદન

માનવજીવનના સર્વોચ્ચ ધ્યેય એવા આત્યંતિક મોક્ષ માટે અને પ્રભુની સાક્ષાત્ પ્રાપ્તિ માટે તત્ત્વજ્ઞાનને લગતાં અનેક સત્શાસ્ત્રો આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ શ્રીજીમહારાજના વિધાન પ્રમાણે શાસ્ત્રોના ગૂઢાર્થ પોતાના બુદ્ધિબળે સમજી શકાતા નથી કેવળ સત્પુરુષ થકી જ સમજાય છે. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપમાં આત્યંતિક સ્થિતિને પામેલા મુક્તો મનુષ્યને બે પ્રકારે ઉપદેશ આપી માર્ગદર્શક બને છે. એક તો પોતાની ઉપદેશાત્મક વાણી દ્વારા અને બીજું પોતાના આદર્શરૂપ સદાચારમયી વર્તન દ્વારા. અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણભાઈમાં તેમના જોગમાં આવેલી દરેક વ્યક્તિને તેમની પૂર્ણ મુક્તદશાનો અચૂક અનુભવ થતો. આ મુક્તરાજ આધ્યાત્મિક પથદર્શક માત્ર જ ન હતા, પરંતુ એક પ્રતિભાસંપન્ન, વ્યવહાર કુશળ ને ઉમદા કેળવણીકાર હતા. ધર્મશુદ્ધિ ને વહીવટશુદ્ધિના પ્રખર હિમાયતી હતા. જીવનના સર્વાંગી વિકાસ માટે આવશ્યક એવા સામાજિક, વ્યાવહારિક તેમ જ પારમાર્થિક એમ દરેક પાસાંઓના જ્ઞાતા, જીવનમાં શ્રેય ને પ્રેય બંનેનો સુયોગ્ય વિકાસ સાધવામાં સહાયક સદગુરુવર્ય હતા. તેમના જોગ સમાગમ અને સેવાનો અનેક મુમુક્ષુઓએ અલભ્ય લાભ લીધેલો, પરંતુ આવનાર પેઢીઓને હવે તેમના જીવનદર્શન તથા ઉપદેશામૃતમાંથી જ જીવન પાથેય મેળવવું રહ્યું. આ પ્રકારનો અલભ્ય લાભ આવનાર પેઢીને સરળપણે મળી રહે તે હેતુથી આ પુસ્તિકાનું પ્રકાશન કરતાં કૃતકૃતજ્ઞતા અનુભવીએ છીએ.

આ લઘુ પુસ્તિકા પ્રકાશિત કરતાં અમો હર્ષ તથા વિષાદની મિશ્રિત લાગણીઓનો અનુભવ કરીએ છીએ. હર્ષની લાગણી એટલા માટે કે પ્રભુના દિવ્ય સ્વરૂપ સાથે અખંડ સંલગ્ન રહી પૂર્ણ મુક્ત દશામાં જીવન વ્યતિત કરનાર સત્પુરુષ કેવા હોય તેના અલૌકિક ચરિત્રણનું સ્પષ્ટ દર્શન કરી શકાય અને વિષાદ એટલા માટે કે આવા મહાન સંતમૂર્તિ છેલ્લા કેટલાક સમયથી આપણી વચ્ચે મનુષ્યદેહે હયાત નથી, જે ખરેખર આઘાતજનક બીના છે.

મુક્તરાજ શ્રી નારાયણભાઈ સ્થાપિત શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા આ પુસ્તકની ચતુર્થ આવૃત્તિ પ્રગટ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ.

અંતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદગુરુઓ તથા આ સમર્થ ગુરુવર્ય મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણભાઈની પ્રસન્નતા પ્રાર્થિએ છીએ.


સં. 2071, મહા વદ બારસ

ઇ. સ. 2015, 16 ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન