૩. પ્રાગટ્ય અને બાલ્યકાળ
શાકુબેન અને ગીગાભાઈ જેવા ઉત્તમ કોટીના માતા-પિતાને ત્યાં મુક્તરાજ શ્રી નારાયણભાઈનું પ્રાગટ્ય સંવત 1978ના મહા વદ પાંચમ, ઈ. સ. 1922, 16 ફેબ્રુઆરી, ગુરુવારે સવારે 10:46 કલાકે થયું હતું. પૂજ્યશ્રી નારાયણભાઈ માતાના ગર્ભમાં હતા ત્યારથી શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા. દેહ ધારણ કર્યા પછી ય હાલતા-ચાલતા, ઊઠતા-બેસતા, રમતા-જમતા મૂર્તિ તો બસ સામે ને સામે જ દેખાય. મહારાજ પણ આ બાળ મુક્ત સાથે હસે, બોલે, વાતો કરે, સાન કરે એમ અવનવી લીલા કરતા.
બાલ્યકાળમાં જ પિતા ગીગાભાઈ અક્ષરધામનિવાસી થવાથી પૂજ્યશ્રી નારાયણભાઈનું કુટુંબ અદ્વિતીય આર્થિક વિટંબણા અનુભવવા લાગ્યું. ગીગાભાઈના દેહાંત વખતે પૂજ્યશ્રી નારાયણભાઈની ઉંમર ફક્ત પાંચ વર્ષની હતી. આથી શાકુબા ધ્રાંગધ્રા છોડી વઢવાણ માળિયાપામાં રહેતા ભગીરથી બાની બાજુમાં રહેવા આવ્યાં. જેથી કંઈક કામ ને મદદ મળી રહે. સંજોગવશાત્ ભગીરથી બાની બાજુનું જ મકાન ભૂતિયું હોવાને કારણે ખૂબ જ સસ્તા ભાડેથી મળી ગયું. ઓછા ભાડામાં ઘર તો મળ્યું, પરંતુ આ મકાનમાં ભૂત અને જન વાસ કરતા હતા. જે કોઈ ઘરમાં રહેવા આવે તેને ઉપાડીને ઘરની બહાર ફેંકી દે. આથી વર્ષોથી આ ઘર ખાલી જ પડ્યું હતું અને જર્જરિત પણ થઈ ગયું હતું. ઘર મોટું હોવા છતાં ભાડું ઘણું ઓછું હતું. આથી શાકુબા રાજી થયાં ને પોતાનાં સંતાનો સહિત રહેવા આવ્યાં.
મુક્તરાજે માતાને કહ્યું આપણે બધા મેડી ઉપર રહીશું. શાકુબાને બાપાશ્રીએ કહેલું ત્યારથી મુક્તરાજ પ્રત્યે દિવ્યભાવ અને મહિમા હતા અને તેમના વચનમાં વિશ્વાસ હતો. આથી બધા મેડી ઉપર રહેવા લાગ્યા. નીચે ભૂતો અને જનો જાત-જાતના અવાજ કરે, ધમપછાડા કરે. માતા મુક્તરાજને પૂછે, "આ શેના અવાજ નીચે થાય છે?" ત્યારે મુક્તરાજ શાંતિથી જવાબ આપે કે, "એ તો છોકરાંઓ રમત કરે છે." શાકુબા સાવ ભોળાં એટલે મુક્તરાજની વાત માની જાય. મુક્તરાજે પછીથી એ બધા જ ભૂતો તથા જનોનો મોક્ષ કર્યો ને ભૂતિયા ઘરને તીર્થ સમું બનાવી દીધું. ત્યાર પછી એ ઘરમાં ક્યારેય કોઈ ભૂત કોઈને હેરાન કરતું નહિ. મુક્તરાજ ત્યારે ફક્ત આઠ વર્ષની જ ઉંમર ધરાવતા હતા, પણ મહાપ્રતાપ જણાવતા. આવો પ્રતાપ જોઈ મકાન માલિકે પછી ભાડું લીધેલું નહિ.
આ આખા કુટુંબને ભૂતિયા ઘરમાં આરામથી રહેતું જોઈ ગામમાં પણ લોકોને ભારે આશ્ચર્ય થયું અને બધાને મુક્તરાજનો ઘણો મહિમા થયો. તેઓ મુક્તરાજને એક સિદ્ધપુરુષ તરીકે જાણવા લાગ્યા.
વઢવાણમાં જ આ બાળમુક્તે નિશાળે જવાનું શરૂ કર્યું. પહેલેથી જ વિદ્યાભ્યાસમાં અત્યંત મેઘાવી ને તેજસ્વી. તેમાં ય નિર્માનીપણું, શિસ્ત, આજ્ઞાપાલનમાં ખબડદાર વગેરે ગુણોને લીધે શિક્ષકગણના પ્રિય વિદ્યાર્થી થઈ રહેલા. શાળામાં પ્રભાતની પ્રાર્થના તથા કવિતાઓ એવા મધુર કંઠે ગાતા કે સૌનાં દિલ જિતાઈ જતાં. કોઈ પણ વસ્તુ એક વાર વાંચે કે તરત યાદ રહી જાય. બીજી વાર વાંચવાની જરૂર જ ન રહે. તેમની બનાવેલી નોંધપોથીઓ પણ એટલી વ્યવસ્થિત કે બધા વિદ્યાર્થી મિત્રો તે વાંચવા લઈ જાય ને પોતે તો ઉદારતાની મૂર્તિ. સૌને પોતાની નોંધપોથીઓ આપે ને કોઈને કાંઈ ન આવડતું હોય તો શીખવે પણ ખરા. ઘણી વાર તો વિદ્યાર્થી મિત્રોને શિક્ષક કરતા પૂજ્યશ્રી નારાયણભાઈ પાસેથી સહેલાઈથી સમજાઈ જતું.
શાળાએથી આવી મિત્રો રમવા બોલાવે ત્યારે પોતે વઢવાણમાં જ એકાંત સ્થળે જડેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં મિત્રને લઈ જાય. બીજી રમતો રમવાને બદલે બધાને બાજુમાં બેસાડી એવી સરસ રીતે મહારાજના અલૌકિક પ્રતાપ ને મહિમાની વાતો કરે કે મિત્રો એ વાતો સાંભળવામાં ગુલતાન બની આજુબાજુનું ભાન પણ ગુમાવી દેતા. પોતાને તો સદાય મહારાજનો સાક્ષાત્કાર હતો અને આથી જ સહજ અંતરવૃત્તિનું અંગ પણ હતું. પોતાના મિત્રો પણ ભગવાન તરફ આગળ વધે તેવા આશયથી મહારાજના મહિમાની વાતો કરી તેઓને ધ્યાન કરતાં શીખવતા. મિત્રો પણ મુક્તરાજની વાતોથી પ્રભાવિત થઈ તેઓ જે પ્રમાણે શીખવે તે પ્રમાણે કરતા. આમ મુક્તરાજ પોતે જે ઉદ્દેશ લઈને પૃથ્વી પર પ્રગટ થયા હતા કે જીવોનું કલ્યાણ કરવું, તેની શરૂઆત નાનપણથી જ કરી દીધી હતી.
એક વખત મુક્તરાજ અને તેમનો એક મિત્ર પરીક્ષા આપવા જઈ રહ્યા હતા અને રસ્તામાં બિલાડી આડી ઊતરી, આથી મિત્ર ત્યાં જ ઊભો રહી ગયો. મુક્તરાજે પૂછ્યું, 'કેમ ઊભો રહી ગયો?' મિત્ર કહે, 'બિલાડી આડી ઊતરી તેથી અપશુકન થયાં, માટે હવે પરીક્ષા સારી નહિ જાય.' આવું સાંભળતા મુક્તરાજ હસવા લાગ્યા ને બોલ્યા, 'આ બિલાડી આપણું ભવિષ્ય નક્કી કરશે? તે બિચારી પણ એક જીવ છે. તે આપણને શું અપશુકન કરવાની? આપણી સાથે મહારાજ છે. તું ચાલવા માંડ. આજની પરીક્ષા તો સૌથી સરસ જશે. આવા ખોટા વહેમ અને અંધવિશ્વાસમાં ક્યારેય ન માનવું. હંમેશાં મહારાજને સંભારી, તેમને ભેળા રાખીને જ સર્વ કાર્ય કરવું એટલે બધા શુકન છે. અપશુકન થાય જ નહિ.' મુક્તરાજનાં આવાં દૃઢતાપૂર્વકનાં વચનો સાંભળી મિત્રને બળ મળ્યું ને તે ચાલવા લાગ્યો. મુક્તરાજની પરીક્ષા તો હંમેશાં સારી જ જતી, પરંતુ તે દિવસે મિત્રની પરીક્ષા પણ ખૂબ સરસ ગઈ. મુક્તરાજ હંમેશની જેમ પ્રથમ નંબરે પાસ થયા અને તેનો મિત્ર દ્વિતીય નંબરે પાસ થયો. તેને સાનંદાશ્ચર્ય થયું. મુક્તરાજના વચનમાં તેને વિશ્વાસ આવ્યો ને તેણે દરેક કાર્યની શરૂઆત કરતાં પહેલાં ભગવાનની સ્મૃતિ કરી તેમને ભેળા રાખવાનું નક્કી કર્યું.
મુક્તરાજ મિત્રોનો ખોટો અંધવિશ્વાસ દૂર કરતા, મહારાજમાં શ્રદ્ધા રાખવાનું બળ વૃદ્ધિ પમાડતા અને નિર્ભય પણ બનાવતા.
ઘનશ્યામ મહારાજની મુક્તરાજ પરની અલૌકિક પ્રસન્નતા
શ્રીજીમહારાજના સંકલ્પથી જ જેઓ જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વી પર પધાર્યા હોય તેમના ઉપર શ્રીજીમહારાજનો સંપૂર્ણ રાજીપો હોય જ તેમાં શંકાને સ્થાન નથી. આવા મુક્ત જ્યારે પોતાનાં દર્શને આવે ત્યારે ભગવાન પ્રતિમામાં રહેલું પ્રત્યક્ષપણું છતું કરી મુક્તોને રાજીપો જણાવે તેમાં મુક્તને નવાઈ નથી. એ તો સામાન્ય જીવો માટે તે સાનંદાશ્ચર્યની વાત છે.
મુક્તરાજ નાના હતા ત્યારથી જ માતા સાથે કાયમ મંદિરે જતા. વઢવાણ આવ્યા પછી પણ તે નિયમ ચાલુ હતો. દરરોજ સાંજે મંદિરે દર્શન કરવા જાય. ત્યાંના ઘનશ્યામ મહારાજની મૂર્તિ સમક્ષ ઊભા રહી એકાગ્રવૃત્તિએ મૂર્તિને નિહાળ્યા કરે, આનંદ પામે અને સુંદર મધુર સ્વરે ભગવાનને કીર્તન સંભળાવે. જેવું સોહામણું મુક્તરાજનું વ્યક્તિત્વ હતું તેવો જ મધુર કંઠ હતો. એટલી નાની વયે મુક્તરાજને સો કીર્તનો કંઠસ્થ હતાં. મુક્તરાજ એ વખતે આઠ વર્ષની ઉંમર ધરાવતા હતા. એકાગ્રવૃત્તિએ મહારાજ સમક્ષ મધુર કંઠે ગવાતા કીર્તનને સાંભળવા દર્શન કરવા આવેલા ભક્તજન પણ મુક્તરાજની આજુબાજુ બેસી જતા. પ. પૂ. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી તથા ગાદીવાળા પણ આડો પડદો રાખી મુક્તરાજના મધુર કંઠે ગવાયેલાં કીર્તનો સાંભળતાં. કીર્તન એવું સુમધુર સ્વરે ગાય કે ભગવાન પણ પોતાના આ લાડીલા મુક્તરાજ પર પ્રસન્નતા જણાવી, રાજી થઈ પ્રતિમાભાવ છોડી દઈ તેમને ભેટે, તેમની સાથે વાતો કરે, હાથનાં લટકાં કરી મુક્તરાજને રાજી કરે, કીર્તનમાં મગ્ન થઈ ડોલે. મુક્તરાજ અને મહારાજના વાર્તાલાપમાં ત્યાં બેઠેલા ભક્તજનોને તો ફક્ત મુક્તરાજનો જ અવાજ સંભળાય, મહારાજના દિવ્ય દર્શન અને અવાજ સાંભળવાનું સદભાગ્ય તેઓને પ્રાપ્ત ન થતું. મંદિરમાં રહેતા સાધુ ભક્તિજીવનદાસજી પણ મુક્તરાજ કીર્તન ગાતા હોય ત્યારે પોતાને રોકી ન શકતા સાંભળવા ઊભા રહી જતા. તેઓને આ સદભાગ્ય પ્રાપ્ત થતું. આ સાધુ શ્રીજીના અનન્ય ભક્ત હતા. નિષ્કામ-નિર્માન-નિઃસ્વાદ આદિ વર્તમાન અતિ દૃઢપણે પાળતા, નિર્મળ પણ એવા જ. તેમને મુક્તરાજ અને મહારાજના વાર્તાલાપનાં દર્શનનો લ્હાવો મળતો. મહારાજ મુક્તરાજને ભેટે, વાતો કરે, હાથનાં લટકાં કરે તે દર્શન તેમને થતાં. સ્વામી ઘણાં વર્ષોથી દૃઢપણે ધર્મ નિયમ પાળતા, ભગવાન ભજતા, છતાં ય મહારાજનાં આવા અલૌકિક દર્શન તેમને ક્યારેય થયેલાં નહિ. મુક્તરાજના પ્રતાપે તેમને આવાં દર્શન થયાં. આથી પોતાને ધન્ય માનવા લાગ્યા. મુક્તરાજનો મહિમા જાણી તેમની સાથે તેઓ ખૂબ જ હેત રાખતા અને મુક્તરાજ પણ સ્વામીને કીર્તન સંભળાવતા.
સાધુ ભક્તિજીવનદાસજી સ્વામી એટલે એ જ, જેમણે મુક્તરાજને કંઠી બાંધી પૂજા આપી હતી. મુક્તરાજ જ્યારે વઢવાણ પધાર્યા, ત્યારે મહારાજે તેમને દર્શન આપી કહ્યું હતું, આ સ્વામી તમને કંઠી બાંધી પૂજા આપશે. મુક્તરાજ તો અનાદિમુક્ત હતા. તેમને તો શ્રીજીમહારાજ સદાય સાથે જ હતા, પરંતુ અવરભાવની દૃષ્ટિએ સ્વામીને પોતાના કંઠી ગુરુ તરીકે સ્વીકાર્યા. સ્વામીએ તેમને મોટા મુક્ત જાણી કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા અને પૂજા આપી, તો સામે પક્ષે મુક્તરાજે પોતાના આ કંઠી ગુરુની ભાવે સહિત ઘણી સેવા કરી તેમનો રાજીપો મેળવ્યો હતો.
ઘનશ્યામ મહારાજની મૂર્તિ આ બાળમુક્ત સાથે અવનવી લીલાઓ કરે છે એ વાતની જાણ ધીમે ધીમે બધાને થવા લાગી. પ. પૂ. શ્રી અબજીબાપાશ્રીના કૃપાપાત્ર એવા ડૉ. મણિલાલભાઈ આદેશરા પણ વઢવાણમાં પોતાનો ડૉક્ટર તરીકેનો વ્યવસાય કરતા. પૂજ્યશ્રી નારાયણભાઈ વિષે જાણ થતા તેમને થયું કે આવી સ્થિતિ તો જે શ્રીહરિજીના પરમ લાડીલા મુક્ત હોય તેમની જ હોય. તો આવા મુક્તરાજનો લાભ આપણે પણ શા માટે ન લેવો. આથી તેમણે શ્રી નારાયણભાઈને મળી વાત કરી જે મુક્તરાજ! તમે તો મહારાજ સાથે વાત કરી શકો છો! તો મારા વતી એટલી પ્રાર્થના મહારાજને કરોને કે મને પણ તેમની દિવ્ય અલૌકિક મૂર્તિનાં દર્શન આપે. પૂજ્યશ્રી નારાયણભાઈ કહે કે ભલે! થોડી વાર અંતર્વૃત્તિ કરી પછી મણિલાલભાઈને કહ્યું જે મહારાજ તમને દર્શન આપવાની ના પાડે છે. આ સાંભળી મણિલાલભાઈ ગળગળા થઈ ગયા અને ફરીથી મહારાજને આજીજીપૂર્વક વિનંતી કરવા કહ્યું. પૂજ્યશ્રી નારાયણભાઈએ ફરીથી મહારાજને આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. છેવટે મહારાજે કહ્યું કે ભલે આજે સાંજે સંધ્યા આરતી બાદ જ્યારે બધા જ હરિભક્તો મંદિરમાંથી જતા રહે ત્યારે તમે તેમને મારી મૂર્તિની સામે બેસવાનું કહેજો. પૂજ્યશ્રી નારાયણભાઈએ આ વાત મણિલાલભાઈને કહી. મણિલાલભાઈ આ સાંભળી ખૂબ રાજી થયા અને સાંજે મહારાજે કહ્યા પ્રમાણે મૂર્તિની સામે બેસી ગયા. મંદિરમાં પૂજ્યશ્રી નારાયણભાઈ, મણિલાલભાઈ અને દૂર બેઠેલા શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી એમ ત્રણ જણ જ હતા. થોડી વાર ઘનશ્યામ મહારાજે તેમનો ડાબો હાથ હલાવી મણિલાલભાઈને પોતાના પ્રત્યક્ષરૂપનાં દર્શન આપ્યા. મણિલાલભાઈ તો આ દર્શનથી એટલા બધા રોમાંચિત થઈ ગયા કે ગેલમાં આવી તેમણે તો પૂજ્યશ્રી નારાયણભાઈને આખા તેડી લીધા ને નાચવા લાગ્યા.
આવા દર્શનથી મુક્તરાજનો મહિમા જાણી શકુબાને આંખની તકલીફમાં મણિલાલભાઈએ સેવા કરી હતી.
કેવળ મણિલાલભાઈ જ નહિ પણ બાપાશ્રીના સમકાલીન ને તેમની કૃપાના ભાજન બનેલા અનેક સંતો-મુક્તો પૂજ્યશ્રી નારાયણભાઈની સ્થિતિ સમજતા અને દિવ્યભાવ રાખતા. સ. ગુ. શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, સ. ગુ. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી, સ. ગુ. શ્રી દેવજીવનદાસજી સ્વામી, સ. ગુ. શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી આદિ મૂળી ધામના અનેક સંતો તેમ જ બાપાશ્રીના હજુરી સેવક આશાબાપા, નિરાવરણ દૃષ્ટિવાળા મનસુખબાપા, દેવરાજભાઈ, ભુરાબાપા, ચતુરબાપા, સોમચંદબાપા આદિ મુક્તો તે સૌ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રત્યે અત્યંત હેતભાવ રાખતા. તેમાં પણ સ. ગુ. શ્રી ભગવત્- સ્વરૂપદાસજી સ્વામી ને મનસુખબાપા તો તેમના પર વિશેષ રાજીપો જણાવતા.
દસમા ધોરણ સુધી મુક્તરાજ વઢવાણ રહ્યા. ત્યાર બાદ પાછા ધ્રાંગધ્રા આવ્યા. ત્યારે મુક્તરાજની ઉંમર આશરે પંદર-સોળ વર્ષની હતી.