૧૪. આધ્યાત્મિક માર્ગદર્શક
પૃથ્વી પર આવી દરેક જીવે કરી કરીને કરવાનું કોઈ કાર્ય હોય તો તે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર છે, પરંતુ એ સાક્ષાત્કાર અને એ માર્ગ પર આગળ વધવા સાચું જ્ઞાન અને યોગ્ય માર્ગદર્શન આવશ્યક છે. એ માટે પૂજ્યશ્રી નારાયણભાઈ જેવા અનાદિમુક્તની આવશ્યકતા છે. જેઓ સાચા અર્થમાં માર્ગદર્શક બની રાહ બતાવે અને મુમુક્ષુઓને પાત્ર પણ કરે.
આધ્યાત્મિક પંથે આગળ વધવા ઇચ્છતા મુમુક્ષુઓ, ઉચ્ચકોટીના સાધનદશાના સાધકો, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તેઓ તો માર્ગદર્શન મેળવતા જ, પરંતુ અન્ય સંપ્રદાયના સાધકો પણ મુક્તરાજ પાસે માર્ગદર્શન મેળવવા આવતા. સૌને સૌની પાત્રતા પ્રમાણે મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નોનું નિરાકરણ કરી આપતા. ધ્યાન યોગમાં, ભજન-ભક્તિમાં નડતી આંતરિક મુશ્કેલીઓ, ગૂંચો ઉકેલી આપતા તથા અંતઃશત્રુઓ સામે લડવાના સચોટ ઉપાય પણ બતાવતા. પાત્ર મુમુક્ષુઓને તથા સાધકોને ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ પણ કરાવતા. ખરા ખપવાળા મુમુક્ષુઓને ધ્યાનની લટક સુંદર અને સરળ રીતે શીખવતા. કેટલાક મુમુક્ષુઓને તો પાસે બેઠા હોય ત્યારે વાર્તાલાપ વગર પણ આંતરિક રીતે પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ જ મળી જતું. કેટલાકનાં તો જીવન તેમના ઉપદેશ વચનો દ્વારા પલટાઈ ગયાં. છેટે રહ્યા થકા પણ જો કોઈ મુક્તરાજને દિવ્યભાવે સહિત સંભારે તો તેને માર્ગદર્શન મળી રહેતું. મુશ્કેલીઓમાં તેમની રક્ષા થતી અને વિઘ્નો દૂર થતાં. ઘણી વખત અંતઃપ્રેરણા પણ થતી, જેને કારણે મુમુક્ષુને પોતાના એ વિકટ સમયમાં નિર્ણયો લેવામાં અદભુત સહાયતા મળતી.
ઉપદેશ આપે તે પણ સચોટ અને હૃદયસ્પર્શી આપતા. ઘણી વખત તેઓ સભામાં કહેતા, "ગમે તે સંપ્રદાયની વ્યક્તિ હોય તે મને આધ્યાત્મિક બાબતે ગમે તે પ્રશ્ન પૂછે, હું મહારાજને સંભારી, મૂર્તિને કેન્દ્રમાં રાખી તેનો વૈજ્ઞાનિક રીતે હૃદયસ્પર્શી જવાબ આપી શકું તેમ છું." અને તેમના જવાબથી પ્રશ્ન પૂછનારને જીવમાંથી હા પડે તે રીતે સંતોષકારક જવાબ આપતા. કોઈની પણ સાથે વાત કરે ત્યારે મુખ્યપણે પ્રભુના સ્વરૂપમાં જોડવાની જ વાત હોય. સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે અને વિશાળ દૃષ્ટિ ધરાવનારો છે, તે વાતને લોકો સરળતાથી સમજી શકે તે માટે 'ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ' નામની નાનકડી પુસ્તિકા તેમણે લખી. મહારાજે જણાવેલાં પંચ વર્તમાન દરેક જણ દૃઢપણે પાળે તેવો તેમનો ખાસ આગ્રહ રહેતો. જે કોઈ તેને પાળવામાં કાળજી દાખવે તેના પર પોતે વધુ પ્રસન્નતા દાખવતા. પંચ વર્તમાન એટલે શું? તેનો ખરો ખ્યાલ આપતું પુસ્તક 'સમગ્ર જીવનનો યોગ' પણ મુક્તરાજે સંક્ષિપ્તમાં લખ્યું છે. જેના લીધે જીવો તેને વાંચી પંચ વર્તમાનનું યોગ્ય રીતે પાલન કરી પ્રભુ પ્રસન્નતા મેળવી શકે.
પોતાની પૂર્ણ મુક્તદશા હોવાથી આધ્યાત્મિક સિવાય વ્યાવહારિક પ્રશ્નોના ઉકેલ પણ સચોટ રીતે આપતા. વચનસિદ્ધિ પણ દાખવતા. કોઈને રાજી થઈ આશીર્વાદ આપે તો તેમ તરત થઈ જતું. ઉદાહરણ તરીકે :- એક હરિભક્તને નોકરી નહોતી. તેણે મુક્તરાજ પાસે આવી ગદગદ થઈ પ્રાર્થના કરી. મુક્તરાજને તેની દયા આવી, કરુણાએ કરી બોલ્યા, "તમે ચિંતા ન કરો. આવતી કાલે તમને નોકરી મળી જશે." અને ખરેખર બીજે જ દિવસે તે હરિભક્તને સારી નોકરી મળી ગઈ. કેટલાય રોગીષ્ટોના રોગો કરુણાસભર મુક્તરાજે સંકલ્પમાત્રમાં મટાડ્યા છે. કેટલાયને મહારાજને સંભારી ભૂતોના કષ્ટમાંથી અને મેલીવિદ્યાની અસરમાંથી છોડાવ્યા છે. કોઈને ખેતરમાં પાણી નીકળતું ન હોય તો કાગળ પર નકશો દોરી બતાવે, આ જગ્યાએ ખોદશો તો પાણી મળશે અને તે જગ્યાએ અખૂટ પાણી મળતું. ઘણાને તેમની જમીનમાં દટાયેલાં ધન વિષે પણ કહી દેતા.
મુક્તરાજ પૃથ્વી પરના જીવોના અભ્યુદય અને ઉત્કર્ષ માટે તો માર્ગદર્શક હતા જ, પરંતુ દેવ કક્ષાના જીવાત્માનો પણ ઉત્કર્ષ કરતા. મુક્તરાજ જ્યારે શિક્ષક હતા ત્યારે એક વખત વિદ્યાર્થીઓ અને બીજા શિક્ષકો સાથે પર્યટન અર્થે પાવાગઢ ગયા હતા. પાવાગઢમાં છેલ્લે જે સીધા દાદરા મંદિર સુધી જાય છે, તે દાદરા પાસેના ઝાડ નીચે મુક્તરાજ બેઠા અને બધાને દર્શન કરી આવવા કહ્યું. બધા દાદરા ચઢી માતાજીનાં દર્શન કરવા ગયા અને માતાજી સ્વયં સુંદર અને સૌમ્ય સ્વરૂપે શ્વેત વસ્ત્રો ધારણ કરી મુક્તરાજનાં દર્શન કરવા નીચે પધાર્યાં, મુક્તરાજને વંદન કરી પોતાના આત્યંતિક કલ્યાણ માટે આશીર્વાદ માગ્યા. મુક્તરાજ તેને આશીર્વાદ આપતા બોલ્યા, "તમારું કાર્ય પૂરું થશે એટલે તમારો મોક્ષ થશે." માતાજી પ્રસન્ન થઈ અદૃશ્ય થઈ ગયાં. આવાં દર્શન બીજી કેટલીક અન્ય વ્યક્તિઓને પણ થયા હતા.