૫. અનોખું ગૃહસ્થજીવન

0:000:00

શ્રીજી સંકલ્પથી પધારેલા અનાદિમુક્તનો એક માત્ર ઉદ્દેશ પૃથ્વી પરના વધારેમાં વધારે જીવોનું કલ્યાણ થાય તે જ હોય છે. પછી તેઓ એ ઉદ્દેશને ત્યાગીજીવનમાં રહીને સાર્થક કરે કે ગૃહસ્થજીવનમાં રહીને સાર્થક કરે. તેમને કોઈ ફર્ક પડતો નથી.

મુક્તરાજ સદગુણી, સદાચારી, નિષ્કામી વગેરે અનેક ગુણોએ યુક્ત હોવાથી મૂળીના સદગુરુ સ્વામીશ્રી શ્વેતવૈકુંઠદાસજીની ઇચ્છા મુક્તરાજને સાધુ કરવાની હતી. આવા સદગુણી મુક્ત સાધુ થાય તો સારા ય સંપ્રદાયમાં મહારાજનો મહિમા વૃદ્ધિ પામે તેવો તેમનો વિચાર હતો, પરંતુ મુક્તરાજ મનસુખબાપાએ સ્વામીને કહ્યું, "તમે આમને સાધુ કરવાનું વિચારો છો, પરંતુ મહારાજની મરજી જુદી છે. મને મહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું છે, 'નારાયણભાઈ ગૃહસ્થજીવન વિતાવે.' માટે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેશે." મહારાજ-બાપાની આવી મરજી જણાતાં સ્વામી કાંઈ બોલી શક્યા નહિ. આવા જીવનથી ભાઈઓ તથા બહેનો બંનેને સેવા સમાગમનો લાભ મળે અને આત્યંતિક કલ્યાણ થાય તેવા આશયથી મુક્તરાજે પણ આ વિચારને અનુમતિ આપી.

મુક્તરાજ મનસુખબાપાએ શ્રીજી પ્રેરણાથી ગૃહસ્થજીવનના સાથી રૂપે પૂજ્ય લીલાબેનનું સૂચન કર્યું. લીલાબેનનું કુટુંબ એ વખતે પૈસાપાત્ર ગણાતું. લીલાબેન કોન્વેન્ટ સ્કૂલમાં ભણતાં અને ગમે ત્યાં જવું હોય તો મોટરકારમાં જ જતાં. મુક્તરાજની આર્થિક પરિસ્થિતિ તો સાવ દુર્બળ. અવરભાવની દૃષ્ટિએ જોતાં આ સગપણ અશક્ય હતું. બંને કુટુંબની આર્થિક પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી. આથી મુક્તરાજની જ્યારે લીલાબેન સાથે પ્રથમ મુલાકાત થઈ, ત્યારે તેમણે પોતાની વ્યાવહારિક પરિસ્થિતિથી લીલાબેનને વાકેફ કર્યા અને તેઓ આવી પરિસ્થિતિમાં રહી શકશે કે કેમ તે વિશે લીલાબેનના વિચારો જાણ્યા. લીલાબેનની ઉંમર તે વખતે તેર વર્ષની જ હતી. આટલી નાની વય છતાં ય પ્રભુપ્રેરણાથી સમજુ સ્ત્રીને છાજે તેવો સુંદર જવાબ મુક્તરાજના પ્રશ્નનો આપતા બોલ્યાં, "આપની પાસે એક રોટલો હશે તો તેમાંથી હું અર્ધો ખાઈશ અને ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનને સંભારી આનંદથી રહીશ." મહારાજે જે સંબંધ નક્કી કર્યો હોય પછી તેમાં કોઈ વાંધો ક્યાંથી હોય? લીલાબેનના આવા જવાબથી મુક્તરાજ પ્રસન્ન થયા અને ઈ. સ. 1944માં લીલાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નની પ્રથમ રાત્રે જ મુક્તરાજે પોતાના આદર્શો જણાવી આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત પાલન કરવાનો વિચાર લીલાબેનને જણાવ્યો. લીલાબેને તેનો સહર્ષ સ્વીકાર કર્યો. દંપતીએ એકબીજાને આપેલો એ કોલ જીવનપર્યંત પાળ્યો. જીવનનાં ઘણાં વર્ષો સુધી તો તેમણે ચોવીસે કલાક ઘરનાં બારણાં ખુલ્લાં રાખ્યાં હતાં. ધૈર્ય, હિંમત અને એક બીજાને હૂંફ અને સાથ-સહકાર આપવાની ભાવના આ દંપતીમાં સહજપણે જોવા મળતી હતી. નાની-મોટી માંદગીમાં એકબીજાની સહાયતા કરે, કોઈ સમસ્યા હોય તો વિચારોની આપ-લે કરી તેનું સમાધાન કરતાં. એકમેકને પૂરતા સંતોષ અને પુષ્ટિ આપ્યાનું અનેરું તેજ અને દિવ્યતા બંનેના મુખ પર ઝળકતાં.

અનાદિ મુક્તમાં તો આવા દરેક ગુણો સહજ હોય છે, પરંતુ બીજાને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તે માટે આવું વર્તન દાખવતા. પતિ-પત્નીએ પોતાના ગૃહસ્થજીવનમાં કેવું સુંદર અનુકૂલન સાધવું જોઈએ તેના માટેનું આ દિવ્ય મુક્તોનું જીવન આદર્શ ઉદાહરણરૂપ છે. સામાન્ય ગૃહસ્થોનું જીવન સંસારી અને આસક્તિમય હોય છે. જ્યારે આ દંપતીનું જીવન એથી તદ્દન વિરુદ્ધ. પરમાર્થના પંથે પ્રભુમય જીવન જીવતાં તેમણે વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા રામકૃષ્ણ પરમહંસ અને મા શારદામણિદેવીના જેવું આદર્શ ગૃહસ્થજીવન ચરિતાર્થ કરી બતાવ્યું.