૧૩. સત્સંગનાં વિકાસલક્ષી કાર્યો
મુક્તરાજને પોતાને સહજ અંતર્વૃત્તિનું અંગ એટલે સદાય મૂર્તિના સુખમાં ગુલતાન રહે, તેમ છતાં સર્વજીવહિતાવહ અર્થે સત્સંગમાં અનેક વિકાસલક્ષી કાર્યો કર્યાં.
અનાદિમુક્ત બાપાશ્રીની દિવ્ય તપોભૂમિ એવા છત્રીસ્થાનનો વિકાસ કરવો, એવા મુનિસ્વામીના સંકલ્પને સાકાર કરતા તે સ્થાનનો અ. મુ. પ. પૂ. જાદવજીબાપા અને કચ્છ--ગુજરાતના સંત--હરિભક્તોનો સાથ સહકાર લઈ સુંદર વિકાસ કર્યો. ગુરુકુળ, છાત્રાલય, વિદ્યાલય તથા બાપાશ્રીના જીવનપ્રસંગોનાં ચિત્રોનું સુંદર પ્રદર્શન વગેરેનું આયોજન કર્યું. મિશન સંસ્થાની સ્થાપના પૂર્વે 'અ. મુ. અબજીબાપાશ્રી સ્મારક ટ્રસ્ટ ગુજરાત' દ્વારા વચનામૃત, બાપાશ્રીની વાતો, વૃંદાવનદાસજી સ્વામીની વાતો વગેરે પુસ્તકોનું પ્રકાશન કરી મુનિસ્વામીનો પ્રકાશન કાર્યનો શુભ સંકલ્પ પણ સાકાર કર્યો છે. સરસપુરમાં બાઈઓનું અલગ મંદિર કરાવી આપ્યું અને ભાઈઓના મંદિરનો વિકાસ કર્યો છે. ઘણાં ગામોમાં હરિમંદિરો કરાવેલ છે. મૂળી મંદિરના ઉતારા તથા વિશાળ ભોજન ખંડ 'શ્રી બ્રહ્માનંદ ભોજનાલય'ના વિકાસમાં સહાયતા કરેલી છે. કેટલીક ધાર્મિક જગ્યાઓના ર્જીણોદ્ધાર પણ કરાવ્યા છે.
મુક્તરાજના પ્રભાવથી પ્રભાવિત થઈ આચાર્યશ્રી તથા વિદ્વાન સંતમંડળની કમિટીએ એવું નક્કી કર્યું કે ઉપાસના શુદ્ધિ વિષે મુક્તરાજ જેવું કોઈ લખી નહિ શકે. આથી મુક્તરાજને તે કાર્ય સોંપ્યું અને મુક્તરાજે એ કાર્યને સુંદર ઓપ આપી 'ભગવાન સ્વામિનારાયણ' નામના માસિકના વિશિષ્ટ અંકમાં લેખ લખ્યો. ત્યારથી ઉપાસના શુદ્ધિના કાર્યને વેગ મળ્યો છે. નારણપુરા, શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત ધ. ધુ. પ. પૂ. આચાર્યશ્રીના સૂચનથી મુક્તરાજે કરેલું. એ વખતે મુક્તરાજે શુભ સંકલ્પ કરેલો કે આ મંદિરનો ભવિષ્યમાં ખૂબ સુંદર વિકાસ થાઓ અને અનેક જીવોનાં કલ્યાણ થાઓ, સત્સંગ વૃદ્ધિ પામો. એ સંકલ્પને અત્યારે આપણે સાકાર સ્વરૂપે ફળીભૂત થતો જોઈ શકીએ છીએ. ત્યાર બાદ છારોડીમાં પણ પૂ. જોગીસ્વામી સાથે મુક્તરાજે ગુરુકુળનું ખાતમુહૂર્ત કરી શુભ સંકલ્પ કર્યો છે, જે અત્યારે આકાર પામી રહ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળનાં સેવાલક્ષી કાર્યોને બિરદાવી પ્રોત્સાહન આપી ત્યાં પણ અનેક વખત ઉપાસના શુદ્ધિનાં પ્રવચનો આપ્યાં છે. અનેકના જીવમાં તે વિષે શુદ્ધતા પ્રવર્તાવી છે. 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' જેવી સંસ્થાની સ્થાપના કરી છે. જ્યાં આજે પણ ઉત્કૃષ્ટ વિકાસલક્ષી કાર્યો અવિરતપણે ચાલુ જ છે. આજે પણ મુમુક્ષુઓ આવી સંસ્થાનો લાભ લઈ શકે છે.