૧૬. છેલ્લો મંદવાડ અને અંતિમ વિદાય

0:000:00

શ્રીહરિના લાડીલા અનાદિમુક્ત શ્રીજી સંકલ્પથી સ્વતંત્રપણે જ્યારે આ પૃથ્વી પર પધારે છે, ત્યારે જીવોનાં કલ્યાણ કરવાનો વિશિષ્ટ સંકલ્પ લઈને જ પધાર્યા હોય છે અને તે કાર્ય પૂર્ણ થતાં સંકલ્પરૂપ આ દેહ દ્વારા જે લીલા કરતા હોય છે તે સંકેલી લઈ શ્રીજીસુખમાં લીન થઈ જાય છે.

મુક્તરાજનું આ 75મું એટલે કે અમૃતવર્ષ હતું. આ અમૃતવર્ષને સર્વોપરી શ્રીહરિ કૃપાવર્ષા બ્રહ્મયજ્ઞ તરીકે ઉજવવાનો હેતરુચિવાળા સંત-હરિભક્તોએ નિર્ણય કરેલો. તેમાં સારાય વર્ષ દરમ્યાન સમગ્ર જીવનને પ્રભુના સ્વરૂપમાં જોડવાના યોગરૂપ કથા-વાર્તા-ધ્યાન-ભજન-કીર્તન-ધૂન સત્સંગસભાઓ-બ્રહ્મયજ્ઞો વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રભુની તેમ જ મુક્તરાજની પ્રસન્નતા મેળવવી તેવો સંકલ્પ કર્યો હતો. પ્રભુની મરજી કંઈક જુદી હશે તેથી આ અમૃતવર્ષમાં જ અમૃતધારાને લૌકિક દૃષ્ટિએ વહેતી બંધ કરવાનો સંકલ્પ મુક્તરાજે અજ્ઞાતવાસમાં જતાં પહેલાં જ જાણે કરી લીધો હતો. ઘણી વાર અમુક હરિભક્તોને મર્મમાં પોતાનો અદૃશ્ય થવાનો સંકલ્પ જણાવી પણ દીધેલો, પરંતુ એ વખતે હરિભક્તોને એ વચનોનો ખરો ખ્યાલ આવ્યો નહિ. દેહલીલા સંકેલતા પહેલાં જાણે વધુ પ્રસન્નતા જણાવતા હોય તેમ સત્સંગ સભાઓમાં ખૂબ પ્રસન્નતા જણાવતા. અજ્ઞાતવાસમાં જતાં પહેલાં સર્વમંગલ સોસાયટીના દરેક ઘરે પધરામણી કરી, મહારાજની આરતી ઉતારી પ્રસન્નતા જણાવી આશીર્વાદ વરસાવ્યા. સોસાયટીના દરેક સભ્યોને અલૌકિક સંભારણું કરી આપ્યું.

ચારેક મહિના અજ્ઞાતવાસમાં રહ્યા બાદ અચાનક મંદવાડ ગ્રહણ કર્યો અને તા. 15 સપ્ટેમ્બર, શનિવારના રોજ હૉસ્પિટલમાં દાખલ થયા. ઘરે પૂ. લીલાબેનને ફોન કરી આશ્વાસન આપ્યું, "તમારી તબિયત સારી ન હોવાથી તમે ઘરે જ આરામ કરજો. અમે એકાદ-બે દિવસમાં જ ઘરે આવીશું." કોઈને પોતાના સંકલ્પની જાણ થવા દીધી નહિ. સેવકોને પણ એમ જ કહ્યા કર્યું, "તમે કોઈ ચિંતા કરશો નહિ. અમે મંદવાડને રજા આપી દેવાના છીએ." આવાં વચનોથી સેવકોના મનમાં ધીરજ રહી કે, ગયા મંદવાડની જેમ આ વખતે પણ મુક્તરાજ મંદવાડને રજા આપી સૌને વધુ લાંબા સમય સુધી દર્શન-સેવા-સમાગમનું સુખ આપશે, પરંતુ પછી તો જાણે કોઈ પ્રાર્થના જ ન કરી શકે, કે કાંઈ કહી ન શકે એવા હેતુથી પોતે ઊંડા ઊતરી ગયા. પૂ. લીલાબેન આવ્યાં ત્યારે ફક્ત આંખો ખોલી તેમના તરફ અમી દૃષ્ટિ કરી પાછા ઊંડા ઊતરી ગયા. સેવકો ગમે તેટલો પ્રયત્ન કરે, પ્રાર્થના કરે, પરંતુ પોતે કાંઈ બોલે નહિ અને કાંઈ સાંભળે પણ નહિ. આવું થતાં સેવકોની મૂંઝવણ વધતી જતી. આ મંદવાડમાં તો પોતે લીલા સંકેલી લેવાનું નક્કી જ કરી નાખ્યું હતું, આથી મંદવાડમાં કોઈ સુધારો જણાયો નહિ. સેવકો સિવાય બીજા કોઈ હરિભક્તોને મંદવાડની જાણ થવા દીધી જ નહિ. સાત દિવસના ટૂંકા મંદવાડ પછી પોતે શનિવારે 20 સપ્ટેમ્બર 1997ના રોજ 12:25 કલાકે સ્વતંત્રપણે દેહલીલા સંકેલી લીધી.

સહુના આધારસમા સર્વેને નોધારા કરી ચાલ્યા ગયા. આમ થતા સેવકો સ્તબ્ધ થઈ ગયા, ગાત્રો શિથિલ થઈ ગયાં, જાણે વજ્રઘાત થયો હોય! તેઓ તો એ જ આશાએ બેઠા હતા, હમણાં મુક્તરાજ મંદવાડને રજા આપશે, હમણાં રજા આપશે, પરંતુ તેમની આશા ન ફળી ને મુક્તરાજ ચાલ્યા ગયા. તેઓનું સર્વસ્વ ચાલ્યું ગયું હતું. શું કરવું તેની કોઈને સૂઝ પડતી નહોતી. કળ વળતાં સેવકોએ સત્સંગમાં બધાને ફોન દ્વારા જાણ કરી. ઉપરાંત ટી. વી. પર અને દરેક ન્યૂઝ પેપરમાં પણ સમાચાર-લેખ છપાવ્યા. દરેકને મુક્તરાજ આત્મીય જ હતા. આથી જાણ થતાં હજારો હરિભક્તોનો સમુદાય ભેગો થઈ ગયો. દરેક જણના મુખ પર ઊંડા આઘાતની લાગણી જણાઈ આવતી. મુક્તરાજનાં અંતિમ દર્શન કરવા સૌ આતુર. હજારોની માનવમેદની, વાતાવરણ શોકમગ્ન, પરંતુ મુક્તરાજે દરેકને ધીરજ પ્રેરી હતી. દરેક જણ તેમણે આપેલું જ્ઞાન, મુક્તોને આવવા જવાપણું નથી, તેઓ સદાય સાથે જ છે તે યાદ કરી પોતાને જ સાંત્વના આપ્યા કરતા.

દરેક જણને મુક્તરાજનાં અંતિમ દર્શનનો લાભ મળી શકે તે માટે તેમના દેહનો અગ્નિસંસ્કાર વિધિ બીજે દિવસે તા. 21/9/1997ના રોજ કરવાનું નક્કી કર્યું હતું. 20 તારીખે આખી રાતની અખંડ ધૂન હતી. જે હરિભક્તો આવતા જાય તે મુક્તરાજનાં દર્શન કરી ધૂનમાં જોડાતા જાય. સવાર થતાં હજારો હરિભક્તો એકત્ર થઈ ગયા.

21 તારીખે સવારે 9:30 વાગે મુક્તરાજની અંતિમ દિવ્ય યાત્રાની પાલખી, આરતી ઉતાર્યા બાદ મહારાજ અને બાપાશ્રી અને મુક્તરાજનો જય ઘોષ કરી મિશનમાંથી નીકળી. દરેક જણ શાંત ચિત્તે મહારાજની ધૂન બોલતા-બોલતા આગળ વધે. રસ્તામાં સેવકો મહારાજ, બાપા અને મુક્તરાજની જય બોલાવી અબીલ, ગુલાલ, પુષ્પો, અક્ષત્ અને રૂપિયા-પૈસા ઉડાડતા જાય. સાડા નવ વાગે નીકળેલી પાલખી સાડા અગિયારના સુમારે નારાયણઘાટ પહોંચી. ત્યારે તો મહારાજ-બાપાશ્રી અને મુક્તરાજના જય ઘોષથી સમગ્ર વાતાવરણ સતત ગુંજતું રહ્યું. બપોરે 12:06 વાગે જ્યારે મુક્તરાજના દેહનો અગ્નિસંસ્કાર વિધિ થયો ત્યારે આટલા સમયથી રાખેલી ધીરજના બંધ તૂટી ગયા અને અશ્રુઓ રૂપે બહાર વહી રહ્યા. હીબકાં અને ડૂસકાંઓથી વાતાવરણ ગમગીન બની ગયું, સર્વત્ર સૂનકાર છવાઈ ગયો. હાજર રહેલો હજારોનો જનસમુદાય મુક્તરાજની અંતિમ વિદાય અશ્રુભીની આંખે નિહાળી રહ્યો હતો. અને છતાં ય કોઈનું મન એ વાત માનવા તૈયાર થતું ન હતું કે હવે મુક્તરાજ મનુષ્યદેહે હયાત નથી.

મુક્તરાજને તો આવવા જવાપણું હતું જ નહિ. ફક્ત સેવકોને દેહ દ્વારા જે સેવા આપતા, રાજી થતા, સુખ આપતા તે હવે બંધ થયું હતું. પોતે દિવ્યભાવે સદાય સાથે જ છે, તેની અનુભૂતિ પોતે બીજે જ દિવસે દિવ્યરૂપે પૂ. લીલાબેનને દર્શન આપી તેમની પાસે પાણી માંગી તે પાણી ગ્રહણ કરીને કરાવી. આ પ્રસંગથી સૌને થોડીક ધીરજ મળી અને સૌએ મુક્તરાજે આપેલ ઉપદેશને યાદ કરી તે માર્ગ પર આગળ વધવા દૃઢ સંકલ્પ કર્યો.

લૌકિક દૃષ્ટિએ તેઓ અદૃશ્ય થયા પણ તેમને તો જવા-આવવાપણું છે જ નહિ. તેઓ તો સદાય છે, છે ને છે જ. તેમના ગયા બાદ હેતરુચિવાળા અનેક હરિભક્તોને મુક્તરાજની અખંડ હાજરીની અનુભૂતિ અનેક વાર અનેક રીતે થઈ છે. તેઓ ક્યાંય ગયા નથી આપણી સાથે જ છે ભેદ માત્ર આપણી સમજણ અને દૃષ્ટિનો છે.

મુક્તરાજે અબજીબાપાશ્રીએ સમજાવેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન તથા ઉપાસનાને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં સમજાવી જ્ઞાન ગંગોત્રી વહેતી કરી છે. ધ્યાનના ગહન માર્ગની લટક સરળ રીતે સમજાવી પ્રભુપ્રાપ્તિનો માર્ગ પણ મોકળો કર્યો છે, જે સાચા મુમુક્ષુઓ માટે અત્યંત ઉપયોગી છે. આમ જીવોનાં દુઃખ દૂર કરી તેમને સાચી રાહ બતાવી તેમના ખરા અર્થમાં પથદર્શક બન્યા અને મુમુક્ષુઓને આગળ વધવા પ્રેરણા પૂરી પાડી. અનેકને મુશ્કેલીઓમાં સહાયતા કરી. દયાના સાગર, કરુણામૂર્તિ, કૃપાળુ વગેરે તેમના ગુણોને જીવોના અભ્યુદય માટે સાર્થક કર્યા. પોતાનાં વાણી-વર્તન દ્વારા જીવોને સાચા અર્થમાં જીવન જીવતા શીખવ્યું. આ રીતે માનવ જીવનના ભૌતિક તેમ જ આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સેવાર્પણ કર્યું, એવા આ મુક્તરાજના ઉપકારોનો બદલો આપણે કદી વાળી શકીએ તેમ તો નથી જ, તેમ છતાં તેમના કલ્યાણકારી ગુણો તથા આદર્શોને અલ્પાંશે પણ જીવનમાં ચરિતાર્થ કરી શકીશું, તો પણ તેમની અલૌકિક કૃપાના પાત્ર જરૂર થઈશું.

અસ્તુ!